વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

જૂનું મકાન

આજે હું બહું ખુશ હતો. ઘણાં સમયથી જે ટ્રીપનો હું પ્લાન કરી રહ્યો હતો તે આખરે ગોઠવાઈ ગઈ હતી. હું, મારો નાનો ભાઈ થતાં મારાં કાકાનાં બે છોકરાંવ અને મારાં નાનપણનાં બે મિત્રો સાથે અમે આ ટ્રીપ ઉપર જવાનું નક્કી કર્યું હતું. મારું તો મન હતું કે મમ્મી-પપ્પાને પણ સાથે લઈ જઈશ પરંતુ ત્યાં જ તેઓને ફરીથી ઓફીસનું કામ આવી ગયું એટલે તે ન આવી શક્યાં. હું થોડોક નિરાશ થયો અને આ ટ્રીપને માંડી વાળવાનું નક્કી કર્યું હતું પરંતુ મમ્મીએ કહ્યું કે તમે બધાં મિત્રો એકલાં જ આ ટ્રીપ ઉપર જઈને આવો. અમારા બે થકી શું આ બધાનું મૂડ શું કામ તોડવું? મમ્મીની વાત પણ સાચી હતી.

 

અમે બધાં જ લોકોએ ગીરનાં જંગલોમાં બે દિવસ અને એક રાતની ટ્રીપનું નક્કી કર્યું હતું. અમે છ જણા હતા એટલે  છુટક વાહનમાં જવાનું ટાળ્યું અને મારાં મિત્રની ઇકો લઈને જવાનું નક્કી કર્યું. અમે બધાંએ સવારે નિકળવાનું નક્કી કર્યું અને તે પ્રમાણે અમે બધાં પુરતો સામાન લઈને ગીરનાં જંગલો તરફ નિકળી પડ્યાં!

 

રસ્તામાં અમે બધાં બહું મસ્તી મજાક કરતાં કરતાં સફર કરી રહ્યા હતા અને એકબીજા સાથે હળીમળી ગયાં હતા. આમ તો બધાં જ એક જ સરખા વયસ્કો હતાં એટલે બધાં જ મન મૂકીને વાતોચીતો કરી રહ્યા હતા. હું પણ બધાંની સાથે જ બેહદ ખુશ હતો.

 

અમે ગીરમાં આવેલ હેરણવેલ ગામમાં જવાનાં હતા. આમ તે ગામમાં જવાનો ઇરાદો નહોતો પણ તે ગામ પહેલા જે ભેળીયાણ નાકું આવે છે ત્યાંથી જ જંગલમાં અંદર આશરે નવેક કિલોમીટર દૂર આવેલું તરણેતર નદીના કિનારે જ કેમ્પ બાંધવાનું નક્કી કર્યું હતું. ગાઢ, ઘનઘોર જંગલ વચ્ચે આવેલ આ જગ્યા ટ્રેકિંગ માટે બેસ્ટ હતી.

 

લગભગ અમે નવાગામ પહોંચવા આવ્યા હતા અને ત્યાં જ ભેળીયાણ ગામનું પાટીયું આવતું હતું. કેશોદથી અમે નિકળ્યાં એને કલાકો થઈ ગઈ હતી એટલે અમે ગાડીમાં બેસીને કંટાળ્યા હતા એટલે મયંકે ભેળીયાણ ગામના પાટીએ આવીને એક ઠંડાપીણાની દુકાને ગાડીને થોભાવી.

 

"બસ પાંચ-દશ મિનિટ માટે પોરો ખાવો છે પછી બધાં ફરીથી ગાડીમાં બેસી જજો...." મેં ગાડીમાંથી ઉતરીને બધાંને કહ્યું અને પછી બધાં પોતપોતાની રીતે દુકાનમાં ચાલ્યા ગયા અને મયંક અને પાર્થ મને હલકું થવાનો ઈશારો કરીને તે પણ ચાલ્યા ગયા.

 

હું ગાડીની પાસે એકલો જ ઉભો હતો અને હાર્દિક, યશ અને યુવરાજ દુકાનમાં શું લેવું શું ન લેવું તેની માથાકૂટ કરી રહ્યા હતા તેને હું જોઈ રહ્યો હતો. આમ મને બહારનું કંઈ ખાવા પીવાનો શોખ નહીં એટલે હું ત્યાં જ ગાડી પાસે ઉભીને આજુબાજુની જગ્યાને જોવા લાગ્યો. આમ તો જૂનાં મકાનોનું નાનકડું ગામ હતું. વધું ચહલપહલ પણ જોવાં ન મળતી હતી.

 

હું આજુબાજુ નજર કરી રહ્યો હતો ત્યાં જ એક ફાટેલાં તૂટેલા અને મેલાંધેલા કપડાઓ પહેરીને એક સ્ત્રી રસ્તાની ઉપરથી મારી તરફ આવી રહી હતી. તેને એક નાનકડાં કપડામાં પોતાનું એક-દોઢ વર્ષનું બાળકને પણ રાખ્યું હતું. તેનાં ચહેરા ઉપરથી મને લાગી રહ્યું હતું કે તેને કેટલાં દિવસથી કંઈ ખાધું પીધું નથી! તે મારી તરફ નજીક આવી અને પછી તેણે મારી તરફ એક દયાભરી નજરે જોયું અને પછી જે દુકાનની સામે હું ઉભો હતો તેની તરફ ચાલી ગઈ.

 

મને તેની ઉપર અત્યંત કરૂણતા જન્મી. લાગ્યું કે તે મારી પાસે ભીખ માંગવા આવી હતી પરંતુ તે માંગી શકી નહીં. દુકાનની બાજુમાં જે તુટેલો બાંકડો હતો તેનાં ટેકે તે સ્ત્રી બેસી ગઈ. હું હજું તેને આમ જ કરુણાથી જોઈ રહ્યો હતો. થોડીકવાર થઈ ત્યાં જ તેનું બાળક રડવા માંડ્યું. તે તેને રડતી આંખે શાંત કરતાં કરતાં બોલી,

 

"શાંત થઈ જા દિકરા! મને પણ તારો બાપ આમ એકલો છોડીને ભાગી ગયો....તારો બાપ આ દુનિયાથી ડરીને ભાગી ગયો...છાનો રહે મારાં લાલ...બસ...બસ.. હમણાં જ કોઈક ખાવાનું આપશે એટલે હું તને ખવડાવીશ...બસ લાલ....કદાચ તારો અને મારો ભાર તે સહન નહીં કરી શક્યો હોય એટલે આપણને મૂકીને ભાગી ગયો..." મારી આંખમાં ભીનાશ આવી! તેનાં એક-એક શબ્દો ખૂંચી રહ્યા હતા. મનમાં થયું કે જો છોકરાંવનો ઉછેર કરવાની ત્રેવડ ન હોય તો શાં માટે તેને જણતા હોય છે! તેનાં અભાગીયા બાપ શું કામ આ લોકોને છોડીને ભાગી ગયો!? નસેડી હશે તેનો બાપ એટલે આવે કપરે સમયે પત્ની અને દિકરાને છોડીને ચાલ્યો ગયો!

 

"ખુશાલભાઈ તમારે કંઈ ખાવું પીવું છે?" હું તે સ્ત્રીને જોઈને મનમાં વિચારતો હતો ત્યાં જ દુકાનેથી યશે મને સાદ પાડીને કહ્યું એટલે મારું ધ્યાન તે તરફ ગયું.

 

"અરે...ના...ના મારી કંઈ ખાવું પીવું નથી." મેં જવાબ આપ્યો અને ફરીથી તે સ્ત્રી તરફ જોયું. સહાનુકંપા અને દયાની ભાવનાથી હું તે સ્ત્રીને કંઈક ખાવાનું આપું તે અર્થેથી હું દુકાન તરફ આગળ વધ્યો.

 

દુકાનેથી મેં થોડુંક ખાવાપીવાનું લીધું અને પછી તે બાંકડાને ટેકે બેસેલ સ્ત્રી તરફ ગયો તો ત્યાં કોઈ હતું જ નહીં. મેં ખાવાપીવાનું લીધું એટલાં સમયમાં તો તે સ્ત્રી ત્યાંથી ચાલી ગઈ હતી. મને વધું દુઃખ થયું કે તે સ્ત્રીને હું કંઈ મદદ કરી શક્યો નહીં! જે ખાવાપીવાનું લીધું હતું તે યુવરાજ, યશ અને હાર્દિકને આપ્યું ત્યાં સુધીમાં પાર્થ અને મયંક પણ હલકાં થઈને આવી ગયાં.

 

ફરીથી અમે ગાડીમાં બેસીને ભેળીયાણ ગામના રસ્તા તરફ ચાલતાં થયા. થોડીકવાર થઈ એટલે હું સ્ત્રીને ભૂલી ગયો અને ફરીથી બધાં સાથે વાતોચીતોમાં મશગુલ થઈ ગયો.

 

"ખુશાલ આ રોડ હમણાં બે વર્ષ પહેલાં જ બન્યો છે. તે પહેલાં આ રસ્તો સાવ બત્તર હાલતમાં હતો." ગાડી ચલાવતાં મયંકે મને કહ્યું.

 

"હા... હું પણ પહેલા એક વખત આવ્યો ત્યારે આ કાંકરા, પથ્થરવાળો કાચો રસ્તો હતો." મેં કહ્યું અને પછી આમ જ બધાં વાતોચીતો કરતાં આગળ વધ્યા અને આ વચ્ચે ક્યારે સમય પસાર થઈ ગયો તેનું કંઈ ભાન ન રહ્યું અને અમે તે ભેળીયાણ નાકાં પાસે પહોંચી ગયા.

 

"હવે મજા આવશે." તે ભેળીયાણ નાકાંમાં ગાડીને પહોંચી જતાં જોઈને મારા કાકાના મોટાં છોકરાંએ એટલે કે યુવરાજે જોશમાં આવીને કહ્યું. હું તેનાં ચહેરા ઉપર રહેલ ઉત્સાહ અને ઉમંગ જોઈ શકતો હતો. મારી સીટની બાજુમાં બેસેલ મારો નાનો ભાઈ હાર્દિપ પણ બારીમાં પોતાનું મોઢું ચોંટાડીને બહાર દેખાતાં જંગલને જોવાં લાગ્યો.

 

"બપોરી તો તરણેતર નંદિના કિનારે જ ગાળવી છે મયંક એટલે ગાડીને થોડીક સ્પીડમાં ચલાવ." આગળની સીટ ઉપર બેસેલ પાર્થે ગાડી ચલાવતાં મયંકને કહ્યું.

 

"ના, મયંક. ગાડી નિરાંતે જ ચલાવજે કારણ કે અહિયાં આ કાચાં રસ્તા ઉપર જંગલી પ્રાણીઓની અવરજવર ચાલુ જ હોય છે. આપણે માત્ર અહિયાં કેમ્પિંગ કરવા આવ્યા છીએ એ પણ કુદરતનાં ખોળે એટલે અહિંયા રહેતા વન્યજીવોને નુકશાન ન પહોંચે તેની તકેદારી રાખવી તે આપણી ફરજ બને છે." મેં મયંક અને પાર્થને સમજાવતાં કહ્યું અને કહેવું જરૂર પણ હતું કારણ કે અમે અહિયાં ટ્રેકિંગ માટે આવ્યા છીએ ના કે જંગલને હાનિ પહોંચાડવા.

 

મેં આવી રીતે મારાં મિત્રોને કહ્યું એટલે સામેની સીટ ઉપર બેસેલ મારાં કાકાનો નાનો છોકરો યશ મારાં તરફ જોઈને કહ્યું, "ખુશાલભાઈ આપણે રાત્રે ટ્રેકિંગ માટે જશું ને?" યશને સાંભળીને હું થોડોક મનમાં હસ્યો. તેને મને આટલાં સ્નેહથી પૂછ્યું હતું એટલે તેને હું ના પાડી પણ નહોતો શકતો એટલે મેં તેને કહ્યું, "હા, આપણે રાત્રે પણ ટ્રેકિંગ માટે જશું." મારાં આટલાં શબ્દો સાંભળીને તે ખુશ થઈ ગયો અને તે પણ મારાં નાનાં ભાઈની જેમ બારીએ મોઢું ચોંટાડીને બહાર જોવાં લાગ્યો.

 

આમ તો મેં તેને ખોટું જ કહ્યું હતું કારણ કે રાત્રે જંગલમાં ટ્રેકિંગ માટે નિકળવું ખતરારૂપ હોય છે કારણ કે ત્યારે જંગલી પ્રાણીઓ વધારે સક્રિય હોય છે અને ઉપરથી રાત્રે ટ્રેકિંગ દરમિયાન કોઈક જંગલમાં ગુમ પણ પડી શકે છે. તેનો ઉત્સાહ ન ભાંગે એટલે મેં તેને આવું કહ્યું હતું. રાત્રીએ તો મેં ટ્રેકિંગ કરતાં પણ વધું મજા આવે તેવું કંઈક અલગ જ પ્લાન બનાવ્યો હતો.

 

લગભગ બપોર વાગવા આવ્યા હતા. અમે હવે તરણેતર નદીથી દૂર ન હતા. બહું જ અંતર ખેડ્યું હોવાથી અમને બધાંને થાક પણ લાગી રહ્યો હતો. બહાર દેખાતું જંગલ પણ પોતાનું રૂપ ક્ષણે ક્ષણે બદલી રહ્યું હતું. બહારથી દેખાતું આ જંગલ અંદરથી પોતાની એક અલગ જ દુનિયા વસાવીને બેઠું છે! હજું હું આમ જંગલને નિહાળી રહ્યો હતો ત્યાં જ મયંકે ગાડીને બ્રેક મારીને ઉભી રાખી.

 

મયંકે ગાડીને બ્રેક મારીને ઉભી રાખતા જોઈને હું સમજી ગયો કે હવે આપણું સ્ટેશન આવી ગયું છે. અમે બધાં ગાડીની નીચે ઉતર્યા અને સામે જાણે કે સ્વર્ગ નીચે ઉતરી આવ્યું હોય તેવો તરણેતર નદીનો કિનારો દેખાતો હતો. અમે ઝડપથી ગાડીમાંથી બંધો જ માલસામાન કાઢ્યો અને નદીનાં કિનારા તરફ ચલાવવાનું શરૂ કર્યું.

 

જંગલમાં ચોરી થવાનો ભય ન હોય એટલે અમે ગાડીને ત્યાં જ રાખીને આગળ જવાનું નક્કી કર્યું. નદીના કિનારે આવીને અમે એક મસ્ત જગ્યા ગોતીને ત્યાં જ ટેન્ટ બાંધવાનું નક્કી કર્યું. અમે બધાંએ ઝડપથી માલસામાન નીચે મૂકીને ટેન્ટ બંધાવાનું શરું કર્યું. અમે છ જણ આવેલાં હતા એટલે ત્રણ જ ટેન્ટ બાંધ્યા હતા અને એક ટેન્ટમાં બે જણાં આરામથી સૂઈ શકીએ.

 

અમે ટેન્ટ બાંધ્યું અને સાંજે કેમ્પ ફાયર માટે આજુબાજુની જગ્યા પણ સાફ કરી ત્યાં સુધીમાં લગભગ પોણા ત્રણ વાગી ગયાં હતા. લાંબો રસ્તો પણ ખેડીને આવ્યા હતા એટલે થાક પણ લાગ્યો હતો અને ઉપરથી નવાગામે જે નાસ્તો કર્યો હતો તેનાં સિવાય બીજું કંઈ ખાધું પીધું પણ નહોતું એટલે ભૂખ પણ લાગી હતી.

 

"એક કામ કરીએ આપણે અત્યારે થોડોક નાસ્તો કરી લઈએ અને પછી સૂઈ જઈએ...આમ અહિયાં ક્યાં સમયની પાબંદી છે!" બધાંના ઉતરી ગયેલાં ચહેરાઓને જોઈને મેં કહ્યું અને પછી અમે બધાંએ સાથે લાવેલ થોડોક નાસ્તો કર્યો અને ટેન્ટમાં જઈને સૂઈ ગયા.

 

લગભગ અડધી કલાક થઈ હશે કે મારી ઊંઘ તુટી ગઈ. ટેન્ટમાં એક નજર કરી તો હાર્દિપ ભર નિદ્રામાં પોઢી ગયો હતો. ટેન્ટમાંથી બહાર નિકળીને જોયું તો બીજાં બધાં પણ ઘોર નિદ્રામાં હતાં. મેં વિચાર્યું કે ચાલ થોડુંક નદી કિનારે ટહેલતાવું અને જંગલને પણ પાસેથી નિહાળું.

 

હું કેમ્પથી નદી કિનારે ચાલતો થયો. તે નદીનો પ્રવાહમાં જંગલમાં નીચેની તરફ વહી રહ્યો હતો એટલે હું પણ તે સાથે જંગલમાં આગળ વધ્યો. તે નદીનો મીઠો મધુર અવાજ કાનને ઠંડક આપી રહ્યો હતો. પશુપક્ષીઓના કલરવ પણ વાતાવરણને વધું મોહકતા બક્ષી રહ્યું હતું. ગગનચુંબી વિશાળકાય વૃક્ષો જંગલને વધું આકર્ષક અને ગાઢ બનાવી રહ્યા હતા. જંગલની હવામાં ભેજનું પ્રમાણ થોડુંક વધું હતું આથી જંગલમાં એક અલંગ જ ઠંડક પ્રસરી રહી હતી.

 

હું જંગલને નિહાળતો નિહાળતો કંઈક વધું જ નીચેની તરફ આવી ગયો હતો. જંગલનું શાંત વાતાવરણ આહલાદક હતું છતાં મનમાં એક અલંગ જ બેચેની હતી. જેટલો હું નદી કિનારે જંગલમાં આગળ જતો તેટલી જ બેચેની અનુભવો જતો હતો.

 

એક ક્ષણે લાગ્યું કે કંઈક વિચિત્ર થઈ રહ્યું છે મારી સાથે! એટલે મેં આગળ જવાનું સહિ સમજ્યું નહીં. ઉપરથી કેમ્પમાં હું કોઈને કહીને પણ નહોતો આવ્યો એટલે તે બધાં જાગી ગયાં હશે તો મને ત્યાં ન જોતાં તે ચિંતા કરશે! મેં પાછું વળી જવાનું નક્કી કર્યું.

 

હું ફરીથી નદી કિનારેથી કેમ્પ તરફ ચાલતો થયો. આ વખતે પણ જંગલ કંઈક અલંગ વાતાવરણમાં હતું. ઉપરથી મને અજાણ્યો ડર પણ સતાવી રહ્યો હતો. હવે તે શું થઈ રહ્યું હતું તે મને ખબર નહોતી. હું મારાં કેમ્પ તરફ જંગલને નિહાળતો નિહાળતો આગળ વધી રહ્યો હતો ત્યાં જ મને નદીનાં કિનારેથી દૂર જંગલમાં એક નાનકડું ઝોપડી જેવું ખંડેર હાલતમાં મકાન દેખાયું! હું જ્યારે નીચેની તરફ આવી રહ્યો હતો ત્યારે તો મારું ધ્યાન આ મકાન તરફ ગયું નહોતું એટલે મને થોડુંક અજીબ લાગ્યું.

 

આવાં ઘનઘોર જંગલ વચ્ચે ખંડેર મકાનને જોઈને હું વિચારમાં પડી ગયો છતાં મારાં મનને તે તરફથી દૂર કરતાં મેં વિચાર્યું કે કોઈક મારાં જેવાં કેમ્પિંગનાં શોખીને બનાવ્યું હશે અને પછી છોડીને ચાલ્યો ગયો હશે! હું તે બાજુથી ધ્યાન દૂર કરીને ઢળતી સાંજે જંગલને નિહાળતો નિહાળતો મારાં કેમ્પ તરફ આગળ વધ્યો.

 

હવે લગભગ સૂર્યાસ્ત થવામાં થોડીકવાર હતી છતાં જંગલમાં વહેલું અંધકાર છવાઈ ગયું હતું. જંગલ જેટલું દિવસમાં મનોરમ્ય લાગે છે તેટલું જે રાતનાં અંધકારમાં ડરામણું લાગે! અંધકાર થઈ ગયો હતો એટલે હું ઝડપી પગે કેમ્પ તરફ ચાલ્યો જતો હતો. રાતનાં સમયે જંગલમાંથી આવતાં અવાજો મનમાં અનેક શંકાઓ-ભ્રમો પેદાં કરતાં હતા.

 

આમ ભલે આપણે ગમે તેવી હિમ્મતવાન અને ભયરહીત હોય પણ એકલાં પડીએ એટલે હિમ્મત તુટે જ અને મનમાં ડર ઘર કરે જ! પછી ભલે તે સમાજ હોય કે જંગલ. હું પણ કંઈક એવી જ પરિસ્થિતિમાં મૂકાયેલા હતો. હજું થોડુંક ચાલ્યો હશું ત્યાં જ મને દૂરથી આગનો પ્રકાશ અને ચહલપહલનો અવાજ સંભળાયો. હું સમજી ગયો કે કેમ્પ આવી ગયું છે અને મેં શાંતિથી એક ઉંડો શ્વાસ લીધો.

 

***

 

હું સહી સલામત ફરીથી કેમ્પ ઉપર પહોંચી ગયો હતો અને અમે બધાંએ નિરાંતે બેસીને જમ્યું પણ હતું. જમીને પછી મયંક અને પાર્થને થોડુંક નાનપણ યાદ આવ્યું એટલે તેને રાતે નદીમાં સ્નાન કર્યું. આ બધું થયું અને મેં કેમ્પ ફાયર ઉપર આગ સળગાવી ત્યાં સુધીમાં લગભગ સાડા દસ કે પોણા અગિયાર વાગવા આવ્યા હતા.

 

"એલા મને ઉંઘ નહોતી આવી રહી એટલે મેં પછી વિચાર્યું ચાલ એકલો જ થોડેક દૂર સુધી નદી કિનારે ટહેલતાવું. એટલે હું નિકળી પડ્યો." અમે બધાં હવે નિરાંતે કેમ્પ ફાયરની ફરતે હાથમાં ચા લઈને વાતોચીતો કરી રહ્યા હતા અને મારી સાથે શું થયું હતું તે હું બધાંને કહેતો હતો.

 

"જોયું હાર્દિપ! એકલો એકલો તારો ભાઈ ટ્રેકિંગ કરતો આવ્યો." પાર્થે મને ખીજવતા કહ્યું.

 

"એ તો ઠીક પણ સાચે આજે ખુશાલભાઈ આવી રીતે ગાયબ થઈ ગયાં એટલે ખબર પડી કે ડર શું હોય છે! મને તો...." યુવરાજની વાત કાંપતા મયંકે આગળ હાથ કરીને કહ્યું,

 

"એલ્યા મને તો લાગ્યું કે ખુશાલને સિંહ ખાઈ ગયા હશે!" મયંકની અલંગ જ પ્રકારે કહેવાની રીતથી અમે બધાં હંસી હંસીને ગોટા વળી ગયા. હજું બધાં આમ હંસી મજાક કરી રહ્યા હતા ત્યાં જ મને રાતનો મારો પ્લેન યાદ આવ્યો એટલે હું ચાનો કપ ત્યાં જ પથ્થર ઉપર રાખીને ટેન્ટ તરફ ગયો.

 

"અરે ભઈ હું તો મજાક કરતો હતો..... એલ્યા પાર્થ આને સમજાવને તું...." મને આમ જતા જોઈને પાર્થે કહ્યું પરંતુ હું તેની સામે હાસ્ય કરીને ટેન્ટ અંદર જતો રહ્યો.

 

"ખુશાલભાઈ શું લેવાં ગયા છે? તમે લોકોને કહ્યું હતું આવું..." યશ હજું થોડેક ગુસ્સે થઈને પૂછી રહ્યો હતો ત્યાં જ હું હાથમાં એક સફેદ કાગળ અને બે પેન્સિલ લઈને બહાર આવ્યો.

 

મને હાથમાં કાગળ અને પેન્સિલ લઈને આવતાં જોઈને તે બધાનાં ચહેરા ઉપર જે હાવભાવ હતા તે હું સમજી શકતો હતો પણ મેં તમને કંઈ કહ્યું નહીં અને હું સીધો જ કેમ્પ ફાયર પાસે જઈને બેસી ગયો અને તે સાથે લાવેલ કાગળમાં કંઈક લખવા માંડ્યો. મને આવું કરતાં જોઈને હાર્દિક કંઈક પૂછવા જઈ જ રહ્યો હતો કે ત્યાં જ મેં તે કાગળ બતાવતાં કહ્યું,

 

"આ છે પેરાનોર્મલ 'ચાર્લી ચાર્લી ગેમ'." જાણે કે હું કોઈ એલિયન બતાવી રહ્યો હોવ તેવી રીતે મયંક, પાર્થ, યશ, યુવરાજ અને હાર્દિપ આ બધાં મારી સામે જોવાં લાગ્યાં. મેં તેમની મૂંઝવણ દૂર કરતાં વધું સ્પષ્ટતા કરતાં તે કાગળને જમીન ઉપર રાખ્યો અને તેની ઉપર તે બંને પેન્સિલને કાગળની વચ્ચમાં ઉપરા ઉપર તે બંને પેન્સિલ બેલેન્સમાં રહે તેમ રાખી અને વાતાવરણને વધું રોમાંચક બનાવવા માટે મેં ખિસ્સામાં સાથે લાવેલ મીણબત્તીઓને તે કાગળની ફરતે રાખી અને કેમ્પફાયરમાંથી એક સળગતું નાનકડું લાકડું લઈને તે મીણબત્તીઓને સળગાવતાં મેં કહ્યું,

 

 

"આ છે આત્મા સાથે વાતચીત કરવાની ગેમ! જે સામે સામે 'હા' અને 'ના' લખેલ છે તે આપણને ભૂત સાથે કોમ્યુનિકેશન કરવામાં મદદ કરશે અને જે પેન્સિલ દેખાઈ છે તેનાથી ખબર પડશે કે શું જવાબ આવ્યો." મારાં આ આટલાં શબ્દોથી જ તે બધાનાં ચહેરા ઉપર ડર દેખાઈ ગયો! આ બધાંને ડરતા જોઈને હું થોડોક મનમાં હસ્યો.

 

"ભઈ! રહેવા દે આ બધું. ખોટાં પછી આ-" પાર્થ, યશ અને હાર્દિપના માથાં ઉપર હાથ ફેરવતાં- "નાનાં છોકરાંવ ડરી જશે."

 

"સાફ સાફ કહી દેને એલ્યા તું ડરે છે. ખોટાં શું આ બન્નેને વચમાં ખસેડે છે!" મયંકે મસ્તી કરતાં કહ્યું એટલે હું ફરીથી મનમાં હસ્યો. અંતે બંધી જ મીણબત્તી સળગાવીને મેં તે લાકડાંને ફરીથી આગમાં નાખી દિધું અને તે ચાર્લી ચાર્ટની બાજુમાં સરખો બેસી ગયો અને કહ્યું,

 

"જો ડર ગયા વો મર ગયા! ચાલો શરું કરીએ."

 

"હા...હા...હાલ હું કંઈ ડરતો નથી...." મયંકને સળી કરતાં જોઈને પાર્થ થોડોક દંભ કરતાં બોલ્યો અને પછી મારી બાજુમાં આવીને બેસી ગયો અને તેની પાછળ પાછળ બીજાં બધાં પણ તે ચાર્લી ચાર્ટની ફરતે ગોળ રાઉન્ડ બનાવીને બેસી ગયા.

 

"બધાં જ એકબીજાનાં હાથ પકડી લો અને ગમે તે થઈ જાય પરંતુ ગેમને અધૂરી છોડીને કોઈ ઉભું નહીં થાય!" મેં થોડુંક ગંભીર થઈને કહ્યું. મને સાંભળીને બધાંએ પોતાનું મોઢું હા પાડતા હલાવ્યું અને ચાર્ટ તરફ નજર કરીને જોવાં લાગ્યાં.

 

"ચાર્લી ચાર્લી! તમે અહિયાં છો?" મેં તે ચાર્ટ તરફ સ્થીર નજર કરીને મોટેથી કહ્યું. થોડીકવાર અમે બધાંએ તે ચાર્ટમાં રહેલ પેન્સિલ તરફ નજર ટકાવી પરંતુ પેન્સિલમાં કોઈ હલનચલન થયું નહીં.

 

"જો કોઈ આત્મા આપણી આજુબાજુ હશે તો તે આપણને પેન્સિલથી ખબર પડી જશે...." મારી વાત કાંપતા મયંક બોલ્યો, "પણ એલ્યા આપણે શું કામ આત્મા સાથે વાત કરવી!?!" મયંકના ચહેરા ઉપર ડર હું દેખી રહ્યો હતો અને તેની સાથે બીજાં બધાંના ચહેરા ઉપર પણ! મને મનમાં હસું આવી રહ્યું હતું. મને પણ ખબર હતી કે આ ગેમ બસ કહેવા ખાતર જ! પેન્સિલ કંઈ હલવાની નથી અને આત્મા જેવું કંઈ હોતું નથી એ તો મને પણ ખબર હતી છતાં બધાંને ડરાવવા માટે મેં આ પ્લેન તૈયાર કર્યો હતો.

 

"ના, આમ આપણે આત્મા સાથે સંપર્ક કરવો હોય તો અંદરથી તેને અવાજ આપવી પડે છે.... એટલે આ વખતે આપણે બધાં જ એકસાથે બોલીશું....ઓકે?"

 

"ઓકે." બધાંએ મારી સાથે હા પાડી અને પછી અમે બધાંએ એકસાથે ફરીથી બોલ્યાં, "ચાર્લી ચાર્લી! તમે અહિયાં છો?" કંઈ જ થયું નહીં. ગાઢ જંગલની અંધારી રાતમાં જ્યારે છ મિત્રો આવી ભૂતિયા ગેમ રમે એટલે ડર બધાને લાગે તે સ્વાભાવિક છે.

 

ચાલો ફરીથી, "ચાર્લી ચાર્લી! તમે અહિયાં છો?" ફરીથી પેન્સિલમાં કંઈ હલનચલન થયું નહીં. મેં બધાંના ચહેરા ઉપર એક નજર કરી તો બધાં જ કંઈક વધું જ ડરી રહ્યા હોય તેવું લાગ્યું એટલે મેં વિચાર્યું કે હવે આ મજાકને અહિયાં જ પુરો કરી દેવો જોઈએ એટલે હું હજું હાથ છોડીને બોલવાં જઈ રહ્યો હતો ત્યાં જ પેન્સિલ 'હા' તરફ આપોઆપ ફરી!!!

 

એક ડરનું ખલખલું મારી અને બીજાં બધાંની અંદરથી પસાર થઈ ગયું! તે પેન્સિલને આવી રીતે 'હા' લખેલું હતું તે તરફ ફરી જતાં જોઈને પગ જમીન ખસી ગઈ! બધાં જ એકદમ અવાક્ રહી ગયા. અમે બધાં જ આંખો પહોળી કરીને તે ચાર્ટ તરફ જોયાં કર્યા.

 

"ખુશાલ કહી દે કે આ તારો મજાક હતો?...તે જ પેન્સિલને ફેરવી છેને!?!" ધ્રૂજતાં સ્વરે પાર્થે કહ્યું. હું તેનાં પ્રશ્ર્નો જવાબ આપવા તૈયાર ન હતો! મને પણ નહોતી ખબર કે આ શું થયું હતું!

 

"યાર... સાચું કહું તો મને પણ નહોતું લાગ્યું કે અહિયાં કોઈ આત્મા હશે?!" મેં પણ ડર વ્યક્ત કરતાં કહ્યું અને પછી થોડીક હિમ્મત બતાવીને ફરીથી તે ચાર્ટ ઉપર પેન્સિલને વચમાં મૂકીને કહ્યું,

 

"હવે જ્યાં સુધી ગેમને પુરી ન કરીએ ત્યાં સુધી કોઈ હાથ છોડશે નહીં.... હવે તે આત્માને શું પુછવું?" મેં પ્રશ્ર્ન કર્યો. તે પેન્સિલને હલતા જોઈને જ બધાં અવાક્ બની ગયાં હતા એટલે તે બધાં આગળ કંઈ પુછી શકે તેવી હાલતમાં હતાં નહીં એટલે મેં જ હિમ્મત કરીને પૂછ્યું,

 

"તમે બુરી આત્મા છો?" મેં આટલું કહ્યું એટલે મારી સાથોસાથ બીજાં બધાંએ પણ ચાર્ટ તરફ નજર ટકાવી. હજું થોડીક ક્ષણો જ થઈ હશે કે એક પવનનું ઝોકું આવ્યું અને બે-ત્રણ મીણબત્તીઓ ઓલવાઈ ગઈ અને અચાનક જ પેન્સિલ 'હા' તરફ ફરી! આ વખતે તો મને પણ થઈ ગયું કે ભૂલથી તો થઈ છે! આત્મા તો ઠીક હતી પરંતુ બુરી આત્મા હોય એટલે ભય વધું લાગે કારણ કે જંગલ વચ્ચે ક્યારેક શું થઈ જાય તેનું કંઈ નક્કી ન હોય.

 

"ખુશાલભાઈ, આપણને આ આત્મા કંઈ કરશે તો નહીં ને?" રડવા જેવો થઈ ગયેલ યશે પૂછ્યું.

 

"આ પણ તેને જ પૂછી લઈએ...." મેં આટલું કહ્યું અને પછી ફરીથી પેન્સિલને સરખી કરીને પૂછ્યું, "તમે અમને કંઈ નુકશાન તો નહીં પહોંચાડો ને?" આ વખતે પેન્સિલ 'ના' તરફ ફરી એટલે મનમાં થોડીક શાંતિ થઈ પરંતુ તે શાંતિ થોડીકવાર જ પુરતી જ હતી.

 

"તમે....અ... અહિયાં શું કામ આવ્યા છો? તમારું નામ...શ...શું છે?" અચાનક જ મયંકે તુટતા સ્વરે કહ્યું. આ વખતે તો પેન્સિલ પણ સરખી કરેલ ન હતી છતાં તે પેન્સિલ 'ના' ઉપરથી હટીને 'હા' ઉપર આવી ગઈ! હવે ખરેખર ડર માહોલમાં છવાઈ ગયો હતો કારણ કે આખી પેન્સિલ ગોળ રાઉન્ડ ફરીને 'હા' પાસે પહોંચે તે કોઈ બની બનાવેલી ઘટનાં તો ન હોય! એકાએક વાતાવરણમાં પણ પલ્ટો આવ્યો. જે પવનનાં સુસવાટા અને ઝોકાંઓ આવતાં હતા તે શાંત થઈ ગયાં! જંગલમાંથી આવતો ઝીણો મોટો અવાજ પણ શાંત થઈ ગયો. જાણે કે વાતાવરણમાં કોઈનું આગમન થયું હોય તેવો આભાસ થતો!

 

"યાર....બહું થયું હવે! આ ગેમને અહિયાં જ પુરી કરી દેવામાં સલામતી છે." મેં ડર સાથે કહ્યું અને પછી ચાર્ટ તરફ સ્થિર નજરે શ્વાસ છોડતાં કહ્યું,

 

"અમે ગેમને બંધ કરી શકીએ?" ફરીથી પેન્સિલ 'ના' તરફ ગઈ! ડર વધું ધેરો બન્યો. શું કરવું તે મને કંઈ સમજાતું ન હતું. મેં તો બસ મજાક કરવા આ ગેમને શરું કરી હતી પણ આવું થઈ શકશે તેનો મને કોઈ ખ્યાલ નહોતો!?

 

"ચાલને હું ચાર્ટને આમ જ તોડી નાખું...." હજું પાર્થ આટલું બોલ્યો હતો ત્યાંજ જે બે-ત્રણ મીણબત્તીઓ ઓલવાઈ હતી તે એકાએક પ્રજ્જવલિત થઈ ગઈ! નીચે જમીન અને ઉપર આકાશ હતું તે બંને ખસી ગયું આ વખતે! અને ક્ષણવાર તો મગજ ડરને કારણે બહેર મારી ગયું! ડરના કારણે મારો ભાઈ હાર્દિપ મને ચોંટી ગયો. બધાંના હાથ એકબીજાથી છૂટા પડી ગયા.

 

મારાં ભાઈને સંભાળતાં મેં કહ્યું, "આ આત્મા આપણને કંઈ કરશે નહીં એતો પાકું છે કારણ જો તેને આપણી સાથે કંઈ કરવું હોય તો ક્યારનું કરી નાખ્યું હોત!..." ત્યાં જ મને કંઈક યાદ આવ્યું એટલે મેં ઝડપથી ચાર્ટ તરફ જોઈને પુછ્યું,

 

"તમારી કંઈ અધૂરી ઇચ્છા છે?" ફરીથી પેન્સિલ 'હા' તરફ ગઈ! આશ્ચર્ય સાથે મેં મયંક, યશ અને પાર્થ તરફ જોયું. આગળ શું કરવું શું ન કરવું તે વિચારમાં હું ડૂબ્યો હતો ત્યાં જ મારું ધ્યાન યુવરાજ તરફ પડે છે. તે ક્યારનો નીચું જોઈને શાંત જ બેઠો હતો. મને કંઈક તો વિચિત્ર લાગ્યું એટલે મેં યુવરાજની બાજુમાં રહેલ પાર્થને ઈશારાથી યુવરાજને જોવાનું કહ્યું.

 

તેને પણ કંઈક અજીબ લાગ્યું એટલે પાર્થે યુવરાજના ખંભે હાથ રાખતાં કહ્યું, "તું ઠીક તો છે?" જેવું પાર્થે આટલું કહ્યું ત્યાં જ આંખની કીકી સફેદ પડેલ યુવરાજે ઊંચું જોઈને ઘેરાં અવાજે કહ્યું,

 

"મારું ન...ન...નામ મણીકેત છે! મારી એક અધૂરી ઈચ્છા છે." મારી તો આંખો ફાડીને હાથમાં આવી ગઈ! યુવરાજની અંદર તે આત્માને ધૂસી જતાં જોઈને અમે બધાં જ બહું ડરી ગયાં. પાર્થ, યશ અને મયંક પણ યુવરાજની બાજુમાંથી ખસીને મારી નજીક આવી ગયા. રાત્રીનાં સમયે જંગલમાં એકલાં આવું જોવાં મળે તો ખરેખર જીવનમાં ડર શું હોય છે તેનો અહેસાસ એક જ પણમાં થઈ જાય છે.

 

જેવી રીતે યુવરાજ તેનાં હાથ-પગ કંકારી રહ્યો હતો તે જોઈને મારાથી કંઈ બોલાયું જ નહીં! તેનું મોઢું આખું કાળું પડી ગયું હતું! તેનાં ગળાની ફરતે પણ કાળાં નિશાન પડી ગયાં હતા. યુવરાજનું આવું ડરામણું સ્વરૂપ જોઈને શબ્દ પણ ગળે જ અટકી ગયા હતા!

 

"શું... શું...છે તમારી આખરી ઈચ્છા?" મારાથી માંડ માંડ આટલું પૂછાયું. મારાં આટલાં શબ્દો સાંભળીને યુવરાજે સફેદ આંખે મારી સામે જોયું અને જોરજોરથી રડવા માંડ્યો.

 

અમે અચંબિત થઈ ગયા! આ શું થઈ રહ્યું છે? યુવરાજની અંદર પ્રવેશેલી આત્મા શા માટે આટલું રૂદન કરી રહી છે!? તે રડવાનો અવાજ પણ એટલો જ ભયાવહ હતો અને એકદમ સુમસામ વાતાવરણમાં તે એટલો જ ગૂંજી પણ રહ્યો હતો. ડરથી ધેરાયેલા અમે બધાં એકબીજાથી વધુને વધું નજીક આવતાં જતાં હતા અને બીજી બાજું યુવરાજની ચિંતા પણ થતી હતી કે ક્યાંક તે આત્મા યુવરાજને કંઈ હાનિ ન પહોંચાડી દે!

 

એકાએક યુવરાજે તે ભયંકર રૂદન બંધ કર્યું. જેમ ભૂખ-તરસથી પીડિત વ્યક્તિ કરૂણતાથી આપણે સામે નજર કરે છે તેમ તે આત્માએ ઊંચું જોઈને મારી સામે નજર કરી. હું ડઘાઈ ગયો! જાણે કે તે મને કંઈક કહેવા માંગતી હોય તેવું લાગી રહ્યું હતું. એક આત્મા આપણી સામે કરૂણતાની નજરે જોવે તો કેવું લાગે!? અત્યારે મને કંઈક તેની તરફ ખેંચી રહ્યું હતું છતાં મારું મન મૂંઝાતું હતું.

 

યુવરાજે જમીન ઉપર પડેલ 'ચાર્લી ચાર્લી ચાર્ટ'ને ઉપાડ્યો અને કાળાં ચહેરા ઉપર સફેદ આંખોએ વહેતાં આંસુઓ એ મારી તરફ નજર કરી અને પછી તે ચાર્ટને યુવરાજે મારાં પગ પાસે મૂક્યો ત્યાં જ એક જોરથી ધૂળ ઉડાડતું પવનનું ઝોકું આવ્યું અને યુવરાજ મારાં પગ પાસે જ બહોશ થઈને પડી ગયો. જંગલમાં રાત્રે એક આત્મા સામે બેઠી હોય અને ઉપરથી એક પવનનું ઝોકું આવે એટલે ડર વધું પગ પ્રસરે છે એટલે મને ચોંટેલો હાર્દિપ મને વધું કસીને રડવા લાગ્યો.

 

મેં હાર્દિપને સંભાળતા એક નજર યુવરાજ તરફ કરી તો તેનો ચહેરો હવે પહેલા જેવો થઈ ગયો હતો અને તે બેહોશ અવસ્થામાં પડયો હતો એટલે હું સમજી ગયો હતો તે આત્મા યુવરાજના શરીરને છોડીને ચાલી ગઈ છે. ડરના કારણે સ્તબ્ધ થયેલા પાર્થ, યશ અને મયંકને મેં યુવરાજને સંભાળવાનું કહ્યું.

 

પાર્થે બધું જ ભૂલાવીને યુવરાજના માથાને પોતાનાં ખોળામાં રાખ્યું અને તેને જગાડવાની કોશિશ કરવા લાગ્યો. મેં પણ હાર્દિપને સ્થિર કર્યો અને પછી યુવરાજને જગાડવામાં લાગ્યો અને યશ ઝડપથી ટેન્ટમાં જઈને પાણીની બોટલ લઈને આવ્યો.

 

મેં થોડુંક પાણી બોટલમાંથી લઈને યુવરાજના મોંઢા ઉપર છાંટ્યું. થોડીકવાર થઈ એટલે યુવરાજ હોશમાં આવ્યો. યુવરાજને હોશમાં આવતાં જોઈને મારા જીવમાં જીવ આવ્યો! કારણ કે અહિયાં બધાંને લાવ્યો હું હતો અને જો કોઈને કંઈક થઈ ગયું તો ઘરે હું શું જવાબ આપવો?!!!

 

"તું ઠીક તો છે? તને કંઈ થયું તો નથી ને?" યુવરાજને હોશમાં આવી જતાં યશે પૂછ્યું. હજું યુવરાજ જમીન ઉપરથી ઉભો પણ નહોતો થયો ત્યાં જ ફરીથી પાર્થે પૂછ્યું, "તને ખબર છે શું થયું હતું તારી સાથે?! તારી અંદર એક..."

 

"બસ! જે થયું હોય તે. બિચારા યુવરાજને શ્વાસ તો લેવાં દો." પાર્થની વાત કાંપતા મેં કહ્યું અને પછી ઈશારાથી મેં યશ અને પાર્થને કહ્યું કે અત્યારે આ આત્મા વિશે તેને જણાવવું જરૂરી નથી કારણ કે તે પહેલાથી જ ડરેલો છે અને જો તેને આ આત્મા વિશે કહીશું તો તે વધું ડરી જશે અને રહી વાત હાર્દિપની તો તે ડરને કારણે ખુદ જ કંઈ સમજે તેવી હાલતમાં ન હતો.

 

મેં ધીરેથી યુવરાજને ઉભો કર્યો અને તેની ખસતાં હાલમાં જોઈને મયંકને કહ્યું, "તું યુવરાજ અને હાર્દિપ બંન્નેને ટેન્ટમાં મૂકીને આવ. થોડોક આરામ કરશે એટલે ઠીક થઈ જશે." આટલું સાંભળીને મયંકે તે બંનેને લઈને ટેન્ટ તરફ આગળ વધ્યો ત્યાં જ મને તે ચાર્ટ યાદ આવ્યું એટલે હું ઝડપથી તે જમીન ઉપર પડેલ ચાર્ટને ઉઠાવ્યું.

 

મને કંઈ સમજાતું ન હતું કે શું થઈ રહ્યું છે? તે આત્મા શા માટે આ ચાર્ટ જ આપીને ગઈ છે? તેની અધૂરી ઈચ્છા શું હશે? આવાં અનેક સવાલો મનમાં થવા લાગ્યા. તે ચાર્ટને મેં ઉપાડીને જોયું તો તેની અંદર કંઈક લખેલું હતું! જે મેં 'હા' અને 'ના' લખ્યા હતા તે ગાયબ થઈ ગયાં હતા અને તેની અંદર એક સંદેશા જેવું કંઈક લખ્યું હતું.

 

"શું છે તે ચાર્ટમાં?" પાર્થે મને હાથ અડાળીને કહ્યું એટલે હું ફટકી ઉઠ્યો. પાર્થને જોઈને મન શાંત થયું અને તે ચાર્ટમાં લખેલું મેં વાંચ્યું,

 

"હું મણીકેત છું. મારાથી ડરવાની જરૂર નથી. બસ તે જે જૂની ઝોપડી જેવું મકાન જોયું હતું ત્યાં જ મારી અધૂરી ઇચ્છા છે!" હું એકદમ અવાક્ રહી ગયો! તે આત્માને કેવી રીતે ખબર કે મેં તે જંગલમાં રહેલ ઝોપડી જેવાં ખંડેરને જોયું છે? ફરીથી મનમાં અનેક પ્રશ્નો ઉઠ્યા.

 

"આ કંઈ મકાનની વાત કરે છે ખુશાલ? મને તો કંઈ સમજાતું નથી કે આ શું થઈ રહ્યું છે?" પાર્થે મૂંઝવણમાં કહ્યું એટલે મેં તેને જંગલમાં જે દેખાયું હતું તે વિશેની બંધી જ માહિતી આપી.

 

"ઓહ...તો તે ખંડેર છે ત્યાં શાં માટે આપણને બોલાવ્યાં હશે તે આત્માએ? મને નથી લાગતું કે ત્યાં જવું જોઈએ. કદાચ અધૂરી ઈચ્છા પુરી કરવા પાછળ આપણને કંઈક થઈ ગયું તો!" પાર્થે ડર વ્યક્ત કરતાં કહ્યું અને ત્યાં સુધીમાં મયંક પણ પાછો આવી ગયો. યશે મયંકને બધું જણાવ્યું. હવે આગળ શું કરવું તે સુઝતું નહોતું!?

 

"યાર....જો તે આત્મા ખરેખર આપણને કંઈક હાનિ પહોંચાડવા જ આવી હોત તો અત્યારે આમ આપણે કંઈ થોડાં ભેગાં ઉભીને વાતો કરી રહ્યા હોત! મને લાગે છે કે ત્યાં જવું જોઈએ." મેં કહ્યું.

 

"હા...કદાચ આપણા થકી કંઈ સારું કર્મ થઈ જાય આ જંગલમાં!" બધાંએ મારી વાતમાં સહમત થતાં કહ્યું. બધાંને તે ખંડેર તરફ જવા તૈયાર થતાં જોઈને મેં યશ તરફ જોઈને કહ્યું, "યશ તું અહિયાં યુવરાજ અને હાર્દિપ પાસે રહે કારણ કે તે બંને બહું ડરેલા છે ઉપરથી આટલી રાતે તેને અહિયાં જંગલમાં એકલાં રાખીને જવું સહિ નહીં રહે."

 

"ઠીક છે પણ તમે ધ્યાન રાખજો....જો તમે એક કલાકમાં પરત ન ફર્યા તો હું તમને પાછળ શોધવા આવીશ...ઓકે?"

 

"ઓકે." આટલું કહીને હું પાર્થ અને મયંક અમે ત્રણેય તરણેતર નદીનાં કિનારે ચાલવાનું શરું કર્યું. મેં ટાઈમ જોયો તો લગભગ પોણો થવા આવ્યો હતો. મેં જે દિવસમાં જંગલ જોયું હતું તે રાત્રીમાં વધું બિહામણું લાગતું હતું. હલતી ડાળીઓ, ઉડતાં પક્ષીઓ, જંગલની અદરથી આવતો ઉંડો અવાજ આ બધું રાત્રે મનમાં ડરને બેસવાનું કારણ બનતું હતું.

 

ધીરે ધીરે અમે તે ખંડેર જગ્યાની પાસે પહોંચતા જતાં હતા. જેમ જેમ તે ખંડેર નજીક આવતું જતું હતું તેમ તેમ એક અજીબ લાગણી જન્મી રહી હતી મારાં મનમાં! સાથે સાથે સવાલો પણ એટલાં જ ઉઠી રહ્યા હતા. આ જંગલ વચ્ચે તે ખંડેર કેમ હશે? તે આત્મા મણીકેત કેમ અમને ત્યાં બોલાવ્યાં હશે? શું જંગલ તેની અંદર છૂપાવીને બેઠું છે? આખરે શું હશે તે આત્માની આખરી ઈચ્છા?....સવાલોનો પહાડ ચડી ગયો હતો મારાં મનમાં.

 

હું હજું આમ જ મનમાં વિચારી રહ્યો હતો ત્યાં જ નદીથી થોડે દૂર તે ખંડેર હાલમાં રહેલ મકાન મને દેખાયું. મેં પાછળ ચાલતાં આવતાં પાર્થ અને મયંક તે તરફ ઈશારો કરીને તે મકાન બતાવ્યું અને પછી તે તરફ ચાલતાં થયાં.

 

જેટલું તે દિવસમાં ભયાનક લાગતું હતું તેનાથી ત્રણ ગણું તે રાતે ડરામણું હતું. તે ખંડેરની આજૂબાજૂ વૃક્ષો એકદમ ગાઢ અને ઘનઘોર હતા અને નવલતાઓથી વિંટળાયેલા પણ હતા. તે ખંડેર મકાનની ઉપરથી ઉડતાં કાળાં કાગડોઓ અને ચામાચીડિયાંનો અવાજ મકાનને વધું ભયંકર બનાવી રહ્યા હતા.

 

આમ તે મકાનને જોઈને એક અજીબ ડર લાગી રહ્યો હતો અને તે ડર લાગે તે સ્વાભાવિક પણ છે કારણ કે અહિયાં સુધી અમે માત્ર એક આત્માના કહેવાથી આવ્યા હતા! આગળ શું થશે તે કોઈને ખબર નહોતી. એક ક્ષણ માટે તો મને વિચાર આવ્યો કે જંગલ જેટલું દૂરથી સુંદર લાગે છે તેટલું જ તે અંદરથી તેની ધરતીમાં રહસ્યોને દફન કરીને બેઠું છે!

 

હું વધી રહેલા મારાં હદયના ધબકારા સાંભળી રહ્યો હતો અને તે ખંડેર તરફ આગળ વધી રહ્યો હતો. પાછળ ચાલતાં આવતાં પાર્થ અને મયંક પણ ડર સાથે આગળ વધી રહ્યા હતા. આખરે અમે તે ખંડેરની પાસે પહોંચી ગયા.

 

નજીકથી જોયું તો તે ખંડેર લાકડાથી બનાવેલું નાનકડું મકાન હતું. જાણે કે વષોથી તે મકાનની કોઈએ સ્પર્શ ન કર્યો હોય તેમ તેની ચારેય બાજુ પાંદડા અને ધૂળનાં થર લાગી ગયા હતા. તે મકાનની આજુબાજુ ખુલ્લી જમીન પણ હતી અને તે જમીન ઉપર જે જંગલી ઘાસ હતું તે સુકાયેલુ હતું. અત્યંત જર્જરીત હાલતમાં તે મકાન બિહામણું લાગી રહ્યું હતું.

 

"જંગલની આટલે અંદર આ મકાન કોને બનાવ્યું હશે?" પાર્થે કહ્યું.

 

"પણ તે આત્માએ આપણને અહિયાં શું કામ બોલાવ્યા છે? શું છે તેની અધૂરી ઈચ્છા?!" મયંકે પણ કહ્યું.

 

હું પણ આ બંનેની જેમ જ સવાલોમાં ડુબ્યો હતો. હું હિમ્મત કરીને તે મકાનની વધું નજીક ગયો. મારી પાછળ પાછળ તે બંને પણ આવ્યા. ઘોર અંધકાર તે મકાનની અંદર વ્યાપો હતો એટલે મકાનની અંદર શું હતું તે કંઈ દેખાતું ન હતું ત્યાં જ થોડીક લાલ આંખો તેની અંદર ચમકતી દેખાઈ! મારાં પગ ધ્રૂજવા લાગ્યા અને વિશાળ અવાજ કરીને તેની અંદરથી ચામાચીડિયાંનું ટોળું બહાર નિકળ્યું. હું ડર ઉપર સંયમ રાખતો આગળ વધ્યો.

 

જાણે કે આ સમગ્ર જગ્યા મને કંઈક કહેવા જઈ રહી હોય તેવું લાગી રહ્યું હતું. હું અજાણે જ તે તરફ ખેંચાતો હતો. હું મકાનની સાઈડમાં રહેલ ખાલી જગ્યા તરફ ગયો તો મને ત્યાં એક સુકાયેલુ વૃક્ષ દેખાયું અને તે સુકાયેલાં વૃક્ષ ઉપર મને થોડીક કાળી પડી ગયેલી દોરીઓ પણ લટકતી દેખાઈ! મને કંઈક વિચિત્ર લાગ્યું એટલે હું તે તરફ આગળ વધ્યો.

 

"ત્યાં જવું સહી નહીં રહે ખુશાલ..." પાછળથી મયંકે સાદ પાડ્યો છતાં હું તે તરફ આગળ વધ્યો. મને ન રોકાતા જોઈને તે બંનેએ પણ તે તરફ આવ્યા. જાણે કે પહેલાં જે ડર લાગતો હતો તે ગાયબ થઈ ગયો હોય તેવી રીતે હું આગળ વધ્યો.

 

હજું હું તે વૃક્ષની નજીક પહોંચ્યો જ હતો કે ત્યાં વાતાવરણમાં પલટો આવ્યો. એકદમ પવનનાં ઝોકાંઓ આવવા લાગ્યા અને તે ઝોકાંઓથી જમીન ઉપર રહેલ સૂકાં પાંદડાંઓ આમતેમ ઉડવા લાગ્યા. પવન અને પાંદડાઓને લીધે હું અને મારાં મિત્રો તે સૂકાયેલા વૃક્ષ પાસે દોડીને પહોંચી ગયા ત્યાં જ તે પવન શાંત થઈ ગયો. ચારેય બાજુ ઉડતાં પાંદડાઓ ધીરે ધીરે ફરીથી જમીન ઉપર આવવાં લાગ્યાં.

 

જે પવનનાં ઝોકાંઓ આવ્યા હતા તેનાથી તે સૂકાયેલા વૃક્ષ નીચે રહેલ પાંદડાઓ દૂર થયા હતા અને જે કાળી પડી ગયેલ દોરીઓ લટકતી હતી તે હજું પણ હવાને કારણે આમતેમ હલી રહી હતી. મેં તે વૃક્ષની પાસે જઈને જોયું તો નજરે આવ્યું કે તે દોરીઓ કોઇકે વૃક્ષ ઉપર હિંચકા બાંધવા માટે લગાવી હતી પરંતુ તે બંધી જ દોરીઓ અંદરો અંદર ગુંચવાય ગઈ હતી.

 

ન જાણે શું થયું હોય પરંતુ મને તે વૃક્ષને સ્પર્શ કરવાનુ મન થઈ રહ્યું હતું એટલે હું તેનાં થડ પાસે જઈને ઉભો રહી ગયો. થોડીકવાર કશું જ ન કર્યું અને માત્ર તે જંગલી વૃક્ષનાં થડને નિહાળ્યું.

 

"યાર... હવે બહું થયું હો! સાચે જ હવે ડર લાગે છે આ ભુતિયા મકાનથી!!!" મયંકે મારી તરફ જોઈને કહ્યું. મેં મયંકની વાત ઉપર ધ્યાન ન આપ્યું કારણ કે મને તો બસ તે વૃક્ષ જ તેની તરફ ખેંચી રહ્યું હતું. હું બધું જ ભૂલી ગયો હતો!

 

તે વૃક્ષ મને કંઈક કહેવા માગતું હોય તેવું મને લાગી રહ્યું હતું. ન ચાહતાં પણ મેં મારો કાન તે સુકાયેલાં વૃક્ષ ઉપર રાખ્યો અને આંખો બંધ થઈ ગઈ!

 

" 'એક હતું જંગલ. તેમાં એક લાકડાનું મકાન હતું. બે પતિ-પત્ની અને તેનાં બાળકો આરામથી રહેતાં અને જીવન ખુશીખુશી પસાર કરતાં.....' આવાં વિચાર સાથે હું કામ કરતાં કરતાં મનમાં એકલો એકલો હરખાઈ રહ્યો હતો.

 

હા....હું...હું...એટલે મણીકેત. એક ગરીબ કુટુંબમાંથી આવતો વ્યક્તિ. આમ તો હું અને મારી પત્ની છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવતા અને કામને અર્થે અનેક જગ્યાએ આવું જવું ચાલતું રહેતું. એક દિવસ અમને હેરણવેલ અને દેવગામ વચ્ચે રોડનાં કામકાજ ઉપર મોકલવામાં આવ્યા. હરરોજની જેમ અમે કામ કરીને ઊંધી જતાં પરંતુ નજીકમાં તરણેતર નદી આવી છે ત્યાં હું અને મારી પત્ની આખા દિવસમાં કરેલ કાળી મજૂરીનો થાક ઉતારવા જતાં.

 

તેજ સમયગાળામાં મારી પત્નીએ મને ખુશખબરી આપી હું બાપ બનાવો છું! હું હરખનો સમાયો નહીં. તે દિવસથી હું તેને કામ કરવા દેતો નહિ અને હું એકલો જ મહેનત કરીને બધું ભરણપોષણ કરતો. રાત્રે હરરોજની જેમ અમે બંને નદી કિનારે આરામ કરવા જતાં. એક દિવસ મારી પત્નીએ કહ્યું કે ચાલોને આપણે આ દોડધામ દુનિયાથી દૂર અહિયાં જ જંગલમાં જ જીવનની નવી શરુઆત કરીએ.

 

બસ પછી શું! મને તે દિલમાં લાગી ગયું અને તેની આ ઈચ્છા પુરી કરવા હું રાત-દિવસ એક કરવા લાગ્યો. રાત્રે જ્યારે કામ પતી જતું અને પત્ની તંબુમાં સૂઈ જતી એટલે હું કોઈને ખબર ન પડે તેમ જંગલમાં આવી જતો. નદીનાં કિનારેથી થોડે દૂર મેં એક જગ્યા શોધી અને પછી ત્યાં જ તે વૃક્ષો કાપીને મકાન બનાવવાનું શરું કર્યું.

 

એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ આમ કરતાં કરતાં સમય પસાર થતો ગયો અને મેં લાકડાનું મકાન તૈયાર કરી લીધું. રાત-દિવસની તનતોડ મહેનત આખરે ફળી હતી. હું બહું જ ખુશ હતો અને આ ખુશખબરી હું મારી પત્નીને ચોંકાવીને આપવાનો હતો એટલે મેં તેને અથવા કોઈને આ બાબતે જણાવ્યું ન હતું. હવે બસ એક જ કામ બાકી હતું જે મારાં આવતાં બાળક માટે એક હિંચકો બનાવવાનું.

 

એક દિવસ મારી પત્નીની તબિયત ખરાબ થઈ ગઈ હતી એટલે મેં તેને કંઈ કામ કરવાની અને રાંધવાની ના પાડી હતી. મેં તેને કહ્યું હતું કે હું તેનાં માટે બપોરે જમવાનું તૈયાર લેતો આવીશ. બપોર સુધી ધોમ તડકામાં કામ કરીને હું આરામના સમયે મારી પત્ની માટે ખાવાનું લેવાં ગયો.

 

કાયમનું કાયમ કરીને ખાવાવાળા માણસનાં ખિસ્સામાં કેટલાં રૂપિયા હોય! ખિસ્સામાં માત્ર એક જણનું જ ભોજન લેવાય એટલાં પૈસા હતા એટલે મેં મારી પત્ની માટે ટિફિન બંધાવ્યું અને તેને આપવા ગયો. થોડાંક પૈસા બચ્યા હતાં તેને મેં બીજી વસ્તુ લેવાં માટે સાચવી રાખ્યા હતા. મેં તેને ટિફિન આપ્યું એટલે તેને મને પુછ્યું કે તમે જમ્યું તો મેં ખોટું હા બોલ્યું હતું અને ફરીથી ભુખ્યા પેટે ભર તડકે કામ કરવા ચાલ્યો ગયો. અંદરથી એક આશ હતી કે બસ હવે આ ગધામંજૂરી થોડાંક સમય માટે જ છે પછી જંગલમાં કુદરતને આધીન બાકીનું જીવન પસાર કરીશ અને ત્યાં જ પાપા પગલી કરીશ. એક બાપ બનવાની ખુશી જ મને કામ કરવામાં પ્રેરકબળ હતું.

 

આખો દિવસ ભુખ્યા પેટે કામ કરીને હું રાતે દરરોજની જેમ પત્ની સૂઈ જાય એટલે જંગલમાં ચાલ્યો જતો હતો. આજે આખરી દિવસ હતો કારણ કે હવે બસ મારાં સંતાનો માટે વૃક્ષ ઉપર હિંચકો જ બાંધવાનો હતો.

 

હિંચકો બાંધું એ પહેલાં એક કામ મને યાદ આવ્યું એટલે મેં ખિસ્સામાં લાવેલ મેલાંધેલા કાગળને કાઢ્યો. હવે ગરીબ માણસોનાં ખિસ્સામાં પેન કેવી! જો ખિસ્સામાં પેન હોય તો આ કાળી મજૂરી કરવાનો દિવસ જ ન આવ્યો હોત! હું ઘરે ચૂલામાંથી કોલસાનું એક નાનકડો ટુકડો લઈને જ આવ્યા હતો. હું મારી પત્નીને ચોંકાવીને આ ખુશી આપવા માંગતો હતો એટલે તેનાં માટે અને મારાં આવનારા બાળક માટે મેં એક પત્ર લખવો હતો. પહેલાથી જ ભણ્યો ન હતો છતાં જે કામકાજ ઉપર મોટા ઓફીસરો આવતાં તેને જોઈ જોઈને હું થોડુંક લખતાં શીખી ગયો હતો.

 

'હ તન બહેદ પેમ કરુ છુ. તે જગલમા જોયલુ સપનુ હતુ તેને મે સાકાર કયુ છે.... હવે તુ અને હુ બસ બેઈ જ બધ છાડીને આયા આવી જાસુ....તે પેસાથી હાલતી દુનીયાને છાડીને આયા જગલમા કુદરતે....આધીન.....આપણા છોકરાને આયા જ મોટા કરિશુ અને તેને જોને જ જીવન પસાર કરિશુ...બસ તુ અને હુ....'

 

મેં મારાં આટલાં જીવનકાળ દરમિયાન પહેલી વખત આટલું લખ્યું હતું. ભાષાથી નહીં પરંતુ લાગણીઓની કલમથી મેં આ મેલું ધેલું લખ્યું હતું. આટલું લખ્યું તેમાં કેટલાં ચેકાઓ પણ કર્યા. મારાં મનમાં એક પ્રશ્ર્ન જન્મ્યો કે મારી પત્નીને આટલું વાંચતા આવડતું હશે! અને તેજ વિચાર સાથે હું બહું હસ્યો અને ભવિષ્યની ખુશીઓની પણોમાં ખોવાઈ ગયો અને વિચારતો હતો કે કાલે હું મારી પત્નીને અહિયાં લાવીશ અને આ મકાન બતાવીશ....ધણું બધું વિચારી રાખ્યું હતું મેં!

 

થોડીકવાર થઈ ત્યાં જ મને યાદ આવ્યું કે મારે હજું એક કામ બાકી છે. મેં તે કાગળ અને તેની સાથે કરકસર કરીને જે બચેલા પૈસા હતા તેનાથી મેં મારાં આવનાર છોકરાં માટે એક છઢ્ઢીયું લીધું હતું. આ દુનિયામાં જે હજું આવ્યું નથી તેનાં માટે મારું આ પહેલો ગીફ્ટ હતું. મેં તે કાગળ અને છઢ્ઢીયાને ત્યાં જમીન ઉપર રાખ્યું અને હું તે કાળી દોરીને લઈને તે ઝાડ ઉપર ચડ્યો.

 

આંખો દિવસ ભુખ્યા પેટે તનતોડ મહેનત કરી હોવાથી આખું શરીર દુઃખી રહ્યું હતું અને થાક પણ એટલો જ લાગ્યો હતો છતાં હું આ આખરી કામ કરવા માંગતો હતો. હવે કોને ખબર કે આ આખરી કામ મારાં જીવનનું આખરી કામ થઈ જશે!! હું થાક્યો પાક્યો દોરીને લઈને ઝાડ ઉપરથી ચડ્યો. આગળ નિકળતી ડાળ ઉપર હું બેઠો. રાતનું અંધારું હોવાથી દોરી સરખી ન દેખાતાં મેં તેને કમરે બાંધી અને એક છેડાં વડે તે ડાળીમાં ગાંઠ બાંધવાનું શરું કર્યું.

 

એક ગાંઠ બાંધીને હું બીજો છેડો ગોતવા દોરીને કમરેથી કાઢવાં લાગ્યો પરંતુ અંધારું હોવાથી દોરીનો છેડો મળતો ન હતો અને હું વધું ગુંચવાયો જતો હતો. ભૂખના કારણે મને જરાક ચકર આવ્યા એટલે મેં તે ડાળ ઉપરથી પોતાનું બેલેન્સ ગુમાવ્યું અને હું તે મારાં શરીર સાથે વિટળાયેલ દોરી સાથે જ ત્યાં લટકી ગયો અને લટકતી વખતે ન કરે નારાયણને એક દોરી મારાં ગળાની ફરતે વિંટાળાઈ ગઈ...."

 

"ખુશાલ....ખુશાલ.... શું થયું!?!" પાર્થે મારા ખંભે હાથ રાખીને કહ્યું એટલે હું એક ઝટકે આંખ ખોલીને તે વૃક્ષથી કાન હટાવીને દૂર થઈ ગયો. હું આખો પરસેવે રેબઝેબ થઈ ગયો હતો. મેં જે સાંભળ્યું તેનાં ઉપર હજું પણ વિશ્વાસ નહોતો આવી રહ્યો!

 

"આટલો ડરેલો કેમ દેખાઈ છે?" મયંકે પૂછ્યું એટલે મેં તેની સામે આશ્ચર્ય ભરી નજર જોયું અને જે સાંભળ્યું હતું તે તેને કહ્યું.

 

"ઓહ માય ગોડ! એટલે તે આત્મા આપણને આ જણાવવા માટે અહિયાં લાવી હતી!? તે બિચારાં મણીકેત સાથે આ સારું થયું નહીં." મયંકે બધું સાંભળીને કહ્યું અને પછી અમે બધાં તે લટકતી દોરીઓ તરફ જોવાં લાગ્યાં. એક વિચાર આવ્યો કે તે મણીકેતે કેટકેટલી મહેનતથી આ મકાન બનાવ્યું હતું તેજ સ્થળે તેનું અકાળે મુત્યુ થયું! બહારી દુનિયાને તો આ ઘટનાં વિશે..... હજું આ વિચારી રહ્યો હતો ત્યાં જ મને તે નવાગામે જે સ્ત્રી દેખાઈ હતી તે યાદ આવી!

 

હું એકદમ અવાક્ અને સ્તબ્ધ જ રહી ગયો! તેનાં એકએક વાક્યો મને હવે સમજાઈ રહ્યા હતા. હજું પણ મને આ ઘટનાં ઉપર વિશ્વાસ નહોતો આવી રહ્યો! હવે તો મારા પગ પણ ધ્રૂજવા લાગ્યા હતા.

 

"પણ આટલું જ કહેવા થોડું તે આત્માએ આપણને અહિયાં બોલાવ્યાં હોય?! શું હશે તેની આખરી ઈચ્છા?" પાર્થે કહ્યું.

 

હું પણ તે વિચારમાં પડ્યો હતો. મગજ બહેર મારી ગયું હતું! તે સ્ત્રી અને તેનું સંતાન હવે મને દેખાઈ રહ્યું હતું અને જે ઘટના સાંભળી હતી તેજ આજુબાજુ ગૂંજી રહી હતી. લાગ્યું કે તે જે સ્ત્રી અને બાળક હતું તેજ મણીકેતની પત્ની અને સંતાન હતું! હજું હું આ બધાં વિચાર વચ્ચે અટવાયો હતો ત્યાં જ ફરીથી સૂસવાટા મારતું પવનનું ઝોકું આવ્યું અને તે સૂકાયેલા વૃક્ષની નીચે પડેલ પાંદડાઓને હવામાં ઉડાવતુ તે પવનનું ઝોકું ચાલ્યું ગયું.

 

પવનનાં કારણે અમે બધાંએ આંખ ઉપર હાથ રાખીને નીચે જોઈ ગયા. પવનને શાંત થતાં મેં ઉંચી નજર કરીને જોયું તો હું ત્યાં જ ચોંકીને જમીન ઉપર પડી ગયો! ફરીથી એક ઝટકો લાગ્યો. જે કાગળ અને છઢ્ઢીયું હતું તે ત્યાં જ જમીન ઉપર એવીને એવી હાલતમાં પડ્યું મેં જોયું! હું પાર્થ અને મયંક અમે ત્રણે ત્રણ અચંબા જ રહી ગયા! તે મણીકેતનું મૃત્યુ થયું એને કેટલો સમય પસાર થઈ ગયો હશે તે છતાં તે કાગળ અને છઢ્ઢીયું જાણે કે હમણાં જ કોઈકે ત્યાં જમીન ઉપર રાખ્યું હોય તેવું લાગી રહ્યું હતું.

 

હું જમીન ઉપરથી ઉભો થયો અને તે તરફ આગળ વધ્યો.  તે કાગળ અને છઢ્ઢીયાને મેં હાથમાં લીધું ત્યાં જ મને એક અલંગ જ લાગણીઓનો અહેસાસ થયો! શરીરનાં રૂંવાટા ઉભાં થયાં! જાણે કે મેં તે મણીકેતની આત્માને સ્પર્શ કર્યો હોય તેવું લાગ્યું!

 

"આતો હમણાં જ લખીને કોઈક અહિયાં છોડીને ગયું હોય તેવું લાગે છે!" પાર્થે નજીક આવીને કહ્યું.

 

"હવે શું કરીશું!? મણીકેતની પત્નીને શોધીશું કેવી રીતે!?" મયંકે કહ્યું એટલે મેં તે કાગળ અને છઢ્ઢીયા ઉપર નજર કરીને કહ્યું,

 

"આ મણીકેતની અમાનત તો તેની સહિ જગ્યાએ પહોંચાડવી જરૂર છે-" મકાન તરફ નજર કરીને- "અને આ મકાનની અધૂરી ઈચ્છા પણ જરુરથી પુરી કરીશું! "મેં ઉત્સાહ ભરી નજરે કહ્યું અને પછી અમે બધાં તે કાગળ અને છઢ્ઢીયું લઈને કેમ્પ તરફ ચાલવા માંડ્યા. મને ખબર પડી ગઈ હતી કે હવે મારે શું કરવાનું છે.

 

હું મારાં હાથમાં કોઈ કાગળ અને કપડું લઈને નહોતો ચાલી રહ્યો પરંતુ એક પતિ અને બાપની લાગણીઓ સાથે લઈને ચાલી રહ્યો હતો. હવે અંદરથી ડર નહીં પરંતુ તે મણીકેત ઉપર એક અલંગ જ ગૌરવ આવી રહ્યો હતો કારણ કે તેને મર્યા પછી પણ પોતાની ઈચ્છા પુર્ણ કરવા અહિયાં જ આત્મા બનીને ભટક્યા કર્યો! 

 

આનંદ માણવાના અર્થે અમે જંગલમાં કેમ્પિંગ કરવા આવ્યા હતાં. મજાક અર્થે અમે એક નાનકડી ગેમ રમવાનું શરું કર્યું અને આ ગેમ અમને જંગલની જમીનમાં દફન રહસ્યને ઉજાગર કરશે તેવું વિચાર્યું પણ નહોતું! માનવ જન્મની ઉત્પત્તિ પહેલાનાં જે અડીખમ જંગલો છે તેની અંદર કેટકેટલા રહસ્યો દફન છે તેને આપણે કલ્પના પણ ન શકીએ!

 

બસ આમ વિચાર કરતાં અમે કેમ્પ તરફ આગળ વધ્યા અને પછી સવાર થતાં અમે ઘરે નિકળી ગયા. ઘરે પહોંચીને અમે આ વાત બધાંને કરી અને પછી ફરીથી અમે નવાગામ આવ્યા અને મેં જે સ્ત્રીને જોઈ હતી તેને શોધવાનું શરું કર્યું. તે સ્ત્રી અને તેનાં બાળકને શોધીને અમે તેને તે જંગલમાં આવેલ મકાન પાસે લઈ જઈને અમે તેને મણીકેત સાથે શું થયું હતું તે વિશે બધું જ જણાવ્યું અને પછી તેનાં હાથમાં મેં થોડાંક આર્થિક મદદ માટે પૈસા આપ્યા અને તેની સાથે તે અમાનત પણ આપી અને કહ્યું,

 

"આને એક કાગળ, કપડું અને સામે દેખાતું જૂનું મકાન ન સમજતાં. આ જંગલની વચ્ચે તમારાં પતિનું બનાવેલું અને સેવેલુ આ લાગણીઓનું ઝરણું છે....આજ તમારું સર્વસ્વ છે!"

 

સમાપ્ત.....

 

લી."KD"....????

 

 

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ