વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ચાલો સાથે મળીને આગામી દિવસોમાં સામુહિક રસીકરણને સફળ બનાવવાનો પડકાર ઝીલી લઈએ

પહેલી મે થી રસીકરણ પરના બધા બંધનો દૂર કરી અઢાર વર્ષથી ઉપરના તમામ લોકોને રસી લેવાની છૂટ આપવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યોને રસી ખરીદવાની છૂટ મળી છે અને લોકોને પણ દવાની દુકાનમાંથી રસી લેવાની છૂટ મળી છે.આ અત્યંત આવકાર દાયક પગલું છે. અત્યારના સંજોગોમાં માસ્ક પહેરવા, અને સોશ્યિલ ડિસ્ટન્સીન્ગ કરવા ઉપરાંત આ એક માત્ર રસ્તો છે જેનાથી કોરોના થાય નહિ અને થાય તો તે ઘાતક ના હોય. દુનિયાના થોડા દેશો એ પોતાના મોટાભાગના લોકોને રસી આપી કોરોનથી મુક્તિ મેળવી છે. ઈઝરાઈલ દેશના તો તમામ લોકોને રસી આપી દેવામાં આવી છે. અલ્બત્ત તેમની જનસંખ્યા ઘણી જ ઓછી છે તો પણ એમની રસી આપવાની અને લેવાની નિષ્ઠા સરાહનીય છે. આપણા દેશમાં તો આ સંખ્યા નેવું કરોડ જેવી થાય છે અને જો આપણે પણ આ દેશો જેવી નિષ્ઠા રાખી આ પડકાર ઝીલી લઈએ તો એ કામ અશક્ય નથી. અત્યાર સુધીના રસીકરણના અનુભવ પરથી એક વસ્તુ સ્પષ્ટ થાય છે કે આપણા લોકોને રસીકરણની બીક છે અથવા આળસ છે. રસી સંપૂર્ણ રીતે મફત હોવા છતાં, કરોડો લોકો એ, ખાસ કોઈ મોટી આડ અસર વગર રસી લઇ લીધી હોવા છતાં, જયારે રસીકરણ સિવાય કોરોના થતો રોકવાની કોઈ સારવાર ન હોવા છતાં અને કોરોના ગાંડાની જેમ વધી રહ્યો હોવા છતાં પણ આપણા લોકો રસી નથી લેતા. આ અત્યંત કરુણ અને નિંદનીય બાબત છે. સોશ્યિલ મીડિયા પર આવતી અર્થહીન દ્વેષ પૂર્વક આપવામાં આવેલી ખોટી માહિતી વાંચી, સાંભળી રસી લેવાનુ ટાળવું તે પોતાના તરફ અને સમાજ તરફનો અપરાધ છે.
જો તમામ સમાજસેવી સંસ્થાઓ, જ્ઞાતિ મંડળો, શિક્ષકો, ધર્મગુરુઓ, નગરપાલિકાના હોદ્દેદારો અને ડોક્ટરો સાથે મળીને લોકોને રસી લેવા પ્રેરવાનું શુભ કાર્ય કરે તો જરૂર તેની અસર થાય. માત્ર લોકોને પ્રેરવાનુંજ નહિ પણ સુલભ રીતે તેમને રસી મળે તેવી વ્યવસ્થા કરવાની જવાદારી ઉપાડી લે તો તે આજના સમયમાં મોટામાં મોટી સમાજસેવા અને
દેશ સેવા ગણાશે. જે લોકો પાસે રસી ખરીદવાના પૈસા ન હોય તેમને સખીદાતાઓ રસી લઇ આપી શકે. એમાં કોઈ લાખો રૂપિયાના દાનની જરૂર નથી. જેમ ભોજનશાળામાં તિથિ લખાતી હોય છે તેમ લોકો પાંચ દસ વિસ કે સો, જેવી જેમની શક્તિ, રસી અપાવવાની વ્યવસ્થા કરે તો તમામ ગરીબોને પણ રસી આપી શકાય. આપણે ત્યાંતો એટલા દિલેર દાતાઓ છે કે તેમના ગામ કસ્બાના તમામ લોકોને તેઓ રસી અપાવી શકે. અને આ તો માત્ર જેમને ખરીદીને આપવાની છે તેવા જૂજ લોકો માટેનિ જ વાત છે. મુખ્ય વાત તો લોકોને સમજાવી રસી લેતા કરવાની છે અને રસીકરણની સુચારુ વ્યવસ્થા ઉભી કરવાની છે.
ચાલો આપણે સહુ સાથે મળીને વધુમાં વધુ લોકોને બને તેટલી ઝડપથી રસી મુકાય અને આપણો દેશ કોરોનાના શ્રાપમાંથી મુક્ત થાય તે માટે જેટલું કરી શકીયે તેટલું કરી છૂટીએ.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ