વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કર્મફળ

ઘણા સમય પહેલાની વાત છે. એક જંગલ હતું. આ જંગલમાં શિકારીઓના બે ત્રણ ઝૂંપડા હતા. આ ત્રણેય ઝૂંપડામાં રહેતા લોકોની સંખ્યા મળીને માંડ દસેકની હતી. જેમાં બે પુરુષો, ત્રણ સ્ત્રીઓ અને બીજા બાળકો હતાં. પુરુષો જંગલમાં જઈને શિકાર કરી આવતા. અને સ્ત્રીઓ ઝૂપડામાં રહીને બાળકોનું ધ્યાન રાખતી.

 

બે પુરુષોમાં એકનું નામ હતું, "આખેટક". આખેટક પોતાની પત્ની દેવલી સાથે અહીં રહેતો હતો. તેના ઘરમાં તેની પત્ની સિવાય બીજું કોઈ નહોતું. તેની ખાસ્સી ઉંમર નહોતી. અંદાજે ત્રીસેક વર્ષનો હતો. તેનું મુખ્ય કામ જંગલમાં જઈને શિકાર કરવાનું હતું. તે દરરોજ સવારે ઘરેથી નીકળી જતો અને સાંજ સુધીમાં એકાદ પ્રાણી મારી આવતો. એ પ્રાણીથી તેના પરિવારનું પેટ ભરાતું.

 

આખેટકની પત્ની દેવલી ગર્ભવતી હતી. તેને નવમો મહિનો ચાલતો હતો. થોડા સમયમાં તે એક નાનકડા બાળકને જન્મ આપવાની હતી. પોતાની પત્ની "મા" બનવાની છે, અને પોતે "બાપ" બનવાનો છે, એ વિચાર માત્રથી જ આખેટક ખુશખુશાલ રહેતો હતો. જેમ જેમ દિવસો પસાર થતા હતા તેમ તેમ તે વધારે ખુશ થતો હતો. તેની ખુશીનું કારણ હતું તેની પત્નીના ગર્ભમાં રહેલું બાળક.

 

એક દિવસ સવારે રાબેતામુજબ આખેટક જમીને હાથમાં બંદૂક લઇને ઉભો થયો. તેની પત્ની તો ખાટલામાં સૂઈને આરામ ફરમાવતી હતી. આખેટક દરરોજ શિકારે જતા પહેલા દેવલી સાથે થોડીક વાતો કરતો.

 

"બસ, હવે તો થોડા દિવસ વધ્યા હશે. પછી તો આપણું આ ગારાનું ઝૂંપડું નાનકડા બાળકના રડવાના ને હસવાના અવાજથી ગુંજવા લાગશે." આખેટકે દેવલી સૂતી હતી ત્યાં બાજુમાં ખાટલા પર બેસતા કહ્યું હતું.

 

"હા, આપણા ઘરમાં એક નાનો કુળદીપક આવશે. આપણી નિશાની આવશે." દેવલીએ પોતાના પેટ પર હાથ ફેરવીને કહ્યું હતું.

 

"હું તો ખૂબ જ ખુશ છું. મારો લાલ આવવાનો છે."

 

"ખુશ તો હું પણ બહુ છું. તમારી કરતા તો મને વધારે ખુશી થાય છે. મેં તો આ અંશને નવ મહિના પેટમાં રાખ્યો છે." દેવલીની આંખોમાં પાણી આવી ગયું હતું. આ આંસુ ખુશીના આંસુ હતાં. બંને માતા-પિતા ખૂબ જ ખુશ હતા.

 

આખેટક શિકારે જવા માટે ઉભો થયો. હાથમાં બંદૂક લીધી. ત્યાં જ તેની દેવલીએ કહ્યું.

 

"તમે આજે શિકાર જવાનું રહેવા દોને."

 

"કાં? અચાનક શું થયું?" આખેટકે બંદૂક ખભે ચડાવતા કહ્યું હતું.

 

"ખબર નહીં પણ કેમ, આજે મારું મન બહુ બેચેન છે. કંઇક અજુગતું થવાનું હોય એવું લાગે છે."

 

"અરે રે... શું તું પણ? એ તો આપણા ઘરે એક નાનો મહેમાન આવવાનો છેને એટલે. તું વ્યર્થ ચિંતા ના કર." આમ કહી આખેટકે દેવલીના કપાળે એક ચુંબન કર્યું. ત્યારબાદ તેના પેટ પર પોતાના બાળકનું કપાળ સમજીને ચુંબન કર્યું. ને ફટાફટ ઝૂંપડાની બહાર નીકળી ગયો.

 

"વ્યાધ..." આખેટકે ઝૂંપડાની બહાર નીકળીને જોરથી બૂમ પાડી. થોડીવારમાં તેના જેવો દેખાતો, તેની આસપાસની વયનો એક પુરુષ દોડતો આવ્યો. તેના ખભે પણ એક બંદૂક લટકાતી હતી.

 

બંને ખભે બંદૂક લઇને જંગલમાં શિકાર કરવા નીકળી પડ્યા. બંને દરરોજ આમ જ સાથે શિકાર કરવા જંગલમાં જતાં. અને દસેક જણને પૂરો પડે એટલો શિકાર શોધી લાવતા. શિકાર કોઈવખત આરામથી એક બે કલાકમાં મળી જતો. તો વળી ક્યારેક સાંજ પણ પડી જતી હતી.

 

વસંતઋતુ હોવાથી જંગલમાં હરિયાળી ફાટી નીકળી હતી. ચારેકોર લીલુંછમ ઘાસ ઊગી નીકળ્યું હતું. જાતજાતના ઘાસ અને નાની મોટી વેલ પર રંગબેરંગી ફૂલો ખીલી ઉઠ્યા હતા. કેટલાક સુગંધિત પુષ્પોની ફોરમ હવામાં પ્રસરી ગઈ હતી. આકાશમાં આછી આછી ગરમીનો સૂરજ ચમકી રહ્યો હતો. જ્યાં નજર પડે ત્યાં હ્રદયને ગમે એવું મનમોહક દ્રશ્ય ખીલી ઉઠ્યું હતું. વૃક્ષોની ઘટાઓ ફેલાઈ ગઈ હતી. તેના પર ફળો ઉગી નીકળ્યાં હતાં.

 

આખેટક અને વ્યાધ બંને ઘાસની વચ્ચેથી પસાર થતી એક પગદંડી પર ચાલતા ચાલતા, આજુબાજુ નજર કરતા આગળ વધી રહ્યા હતા. બપોર થવા આવ્યો હતો. હજુ સુધી તેમને કંઈ શિકાર મળ્યો નહોતો. આખેટકના મનમાં ભારે ઉતાવળ હતી, ઝડપથી શિકાર મેળવીને ઘરે જવાની. તેને તેની પત્ની સાથે અને તેના ગર્ભમાં રહેલા પોતાના બાળક સાથે વાતો કરવી હતી. તેની આંખો ઝીણી થઈને ચારે તરફ શિકારને શોધી રહી હતી. પણ આજે તેને કોઈ શિકાર નજરે ચડતું નહોતું.

 

આખેટક અને વ્યાધ ચાલતા ચાલતા થોડા જ આગળ વધ્યા હશે ત્યાં જ તેમના કાન સરવા થયા. તે બંનેના પગ થંભી ગયા. કોઈક પ્રાણીના ખોરાક ચાવવાની ક્રિયાનો અવાજ તેમના કાને પડી રહ્યો હતો. તેમણે એ અવાજને પકડવા માટે એ દિશામાં ધ્યાન એકાગ્ર કર્યું. એ અવાજ વ્યાધ ઉભો હતો, તેની ડાબી બાજુની ઝાડીઓમાંથી આવી રહ્યો હતો.

 

વ્યાધે જરાયે અવાજ ન થાય એ રીતે થોડીક ઝાડીઓ હટાવીને અંદર નજર કરી. એક સુવાળું સફેદ રંગનું સસલું ઘાસ ચરી રહ્યું હતું. તરત જ વ્યાધે પોતાની બંદૂકની નાળ ઝાડીઓમાં સાવચેતીપૂર્વક દાખલ કરી. સસલાનું નિશાન લીધું, ને ટ્રિગર દબાવ્યું. સસલું જરાયે અવાજ કર્યા વિના ત્યાં જ ઢેર થઈ ગયું. વ્યાધે અંદર હાથ નાખીને સસલાને ખેંચી લીધું.

 

"લો, એક શિકાર તો મળી ગયો." વ્યાધે કહ્યું.

​"બસ, હજુ બે-ત્રણ સસલા મળી જાય તો ઘર ભેગા થઈએ." આખેટકે કહ્યું.

 

વ્યાધે સસલાને હાથમાં પકડી રાખ્યું હતું. બંને ત્યાંથી બીજો શિકાર મેળવવા માટે આગળ વધ્યા. થોડે દૂર નાનકડો પર્વત હતો. પર્વત ઓળંગીને બંને એક ઘાસના મેદાનમાં પહોંચ્યા. ઘાસ ગોઠણ કરતા પણ ઉંચુ હતું. અચાનક બંનેના પગ થંભી ગયા.

 

"લાગે છે આપણે અહીંથી જ પાછા વળવું પડશે." આખેટકે કહ્યું.

 

"કેમ?"

 

"ત્યાં જો." આમ કહી આખેટકે આંગળી વડે દૂર ઘાસ ચરી રહેલા એક હરણ તરફ આંગળી ચીંધી.

 

આખેટકે પોતાના ખભે લટકાવેલી બંદૂક હાથમાં લીધી. ને હરણ તરફ નિશાન તાક્યું. તેની આંખો ઝીણી થઈ અને આંગળીએ ટ્રિગર દબાવ્યું.

 

"ધાય..." આખેટકની બંદૂકમાંથી ગોળી છૂટીને સીધી જ હરણની છાતીમાં ઘૂસી ગઈ. તે ત્યાં જ ભોંય ભેગુ થઈ ગયું. આખેટક અને વ્યાધ બંને તરત જ દોડીને મૃત પડેલા હરણ પાસે પહોંચી ગયા.

 

હરણને જોતા જ બંનેના હ્રદય એક-એક ધબકારો ચૂકી ગયા. એ હરણી હતી. ગર્ભવતી હતી. તેના પેટમાં નાનકડું બચ્ચું હતું.

 

"આખેટક! આ હરણી તો ગર્ભવતી છે." વ્યાધે ચિંતાત્મક સ્વરમાં કહ્યું.

 

"તો શું થયું? આપણે તો શિકારી છીએ. ને શિકારીને શિકાર સાથે મતલબ હોય." આખેટકે કહ્યું.

 

"પણ, આપણે શિકારની લાલચમાં બિચારા બચ્ચાને પણ મારી નાખ્યું."

 

"અરે રે... શું તું પણ? આપણું કામ છે શિકાર કરવાનું. ચાલ હવે, આ શિકાર ઉઠાવ. એટલે જલ્દી ઘરે પહોંચીએ." આખેટકે કહ્યું.

 

બંને આજનો શિકાર લઇને પાછા ઘર તરફ વળ્યા. આજે તો તે બંનેને મબલક શિકાર મળ્યો હતો. રસ્તામાં હરણીનો ભાર લાગતા આખેટકે તેને ખભે ઉંચકી લીધી હતી. બંને ખુશ હતા. પરંતુ જ્યારે તે બંને કાબિલે પહોંચ્યા ત્યારે તેમના પગ નીચેથી જાણે કે જમીન સરકી ગઈ હતી. તેમના ચહેરા પરથી પરસેવો છૂટી નીકળ્યો હતો. તેમના હ્રદય એક એક ધબકારો ચૂકી ગયા હતા.

 

કબિલાની સ્ત્રીઓ અને બાળકો ટોળું વળીને ઉભા હતા. આખેટક અને વ્યાધ બંને ધીમે ધીમે ટોળા પાસે પહોંચ્યા. શું થયું હશે? આ પ્રશ્ન બંનેના મનમાં ઉઠી રહ્યો હતો. ટોળું વટાવીને તેઓ આગળ પહોંચ્યા, ત્યાં તો તે બંનેની આંખો પહોળી થઈ ગઈ.

 

આખેટક તો રીતસરનો લથડાયો. ને હાથમાં પકડેલી હરણી અને બંદૂક બંને જમીન પર ઘા કરીને દોડ્યો. એક ખાટલામાં તેની પત્ની દેવલી સૂતી હતી. તેની આંખો બંધ હતી. તેના પેટમાંથી લોહી વહી રહ્યું હતું. ખાટલો લોહી વાળો થઈ ગયો હતો. આખેટક દોડીને ખાટલા પાસે પહોંચી ગયો.

 

"દેવલી, શું થયું તને?" આખેટક હાંફતા હાંફતા પોતાની પત્નીને ઢંઢોળી રહ્યો હતો. પરંતુ દેવલી કોઈ પ્રતિભાવ નહોતી આપી રહી. તે આ દુનિયામાંથી વિદાય લઈ ચૂકી હતી.

​"શું થયું તને? કેમ કાંઈ બોલતી નથી? ઉઠ." પરંતુ દેવલીનું શરીર તો નિર્જીવ થઈ ગયું હતું. સાથે સાથે તેના ગર્ભમાં રહેલું બાળક પણ આ દુનિયામાં આવતા પહેલા જ ઈશ્વરના ચરણોમાં પહોંચી ગયું હતું.

​"મારું બાળક..." આખેટકે કાનના પડદા ફાડી નાખે એવી ચીસ નાખી. જંગલ આખું ધ્રુજી ઉઠ્યું. આખેટકની આંખોમાંથી અશ્રુનો ધોધ પડી રહ્યો હતો. તે આકરું રુદન કરી રહ્યો હતો. તેના મનમાં એ પ્રશ્ન જરાયે નહોતો ઉઠી રહ્યો કે પોતાની પત્ની અને બાળકનું મૃત્યુ કઈ રીતે થયું? એ તો બસ પોતાની પત્ની અને બાળકના મૃત્યુના દુઃખમાં સરી પડ્યો હતો.

​"કેવી રીતે થયું?" વ્યાધે પોતાની બાજુમા ઉભી પોતાની પત્નીને પૂછ્યું હતું.

​"દેવલી પાછળ ઘાસમાં કૈંક લેવા ગઈ હતી. ત્યાં શિંગડાવાળી એક હરણી બેઠી હતી. તેને ખબર નહોતી કે ઘાસમાં હરણી બેઠી છે. અચાનક દેવલીને પથ્થરનું ઠેબુ લાગ્યું, ને તે સીધી જ હરણીની ઉપર પડી. તેના પેટનો ભાગ હરણીનાં શિંગડા પર લાગ્યો, ને શિંગડું સીધું પેટમાં ઘૂસી ગયું. બિચારી દેવલી અને બાળક બેય...." વ્યાધની પત્ની આગળ કંઇ ન બોલી શકી. તેના ગળે ડૂમો ભરાઈ આવ્યો હતો.








ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ