વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

અગ્નિધારા

"ભારતીય પુરાતત્વીય વિભાગ દ્વારા સંચાલિત 'નાગાર્જુન પુરાતત્ત્વીય શાળા' ઈતિહાસ પ્રેમીઓનું હાર્દિક સ્વાગત કરે છે." સૌરાષ્ટ્રના પેરિસ તરીકે ઓળખાતા જામનગર શહેરની પુરાતત્વીય શાળાના મુખ્ય પ્રવેશદ્વાર પર લખેલું આ લખાણ હતું.

શાળાના નામની બંને બાજુ અશોકચક્રવાળી સિંહાકૃતિ નીચે "प्रत्नकीर्तिमपावृणु" (ચાલો ભૂતકાળની ગરિમાને ઉજાગર કરીએ) એવું લખ્યું હતું.

મુખ્ય પ્રવેશદ્વારની અંદર પ્રવેશતાની સાથે જ સામે એક મ્યુઝિયમ નજરે પડતું હતું. જેની ઉપરની બાજુએ 'આપણને મળેલો ભવ્ય વારસો' લખેલી તક્તિ હતી. મ્યુઝિયમમાં રામાયણ-મહાભારત કાળથી લઈને હાલના સમયમાં હયાત ભારતના ઐતિહાસિક સ્થળોના પોસ્ટર માહિતી સહિત અને અમુક પૌરાણિક ચીજ- વસ્તુઓ હરોળમાં ગોઠવાયેલ હતી.

મ્યુઝિયમની બરોબર સામેની બાજુએ વિશાળ સભાખંડમાં આશરે સો જેટલાં વિધાર્થીઓ બેઠાં હતા અને સ્ટેજ પરથી એક વ્યક્તિ સલાહ-સૂચન આપી રહ્યા હતા. સામે બેઠેલા સૌ કોઈ કુતૂહલતાપૂર્વક એને સાંભળી રહ્યા હતા. વિદ્યાર્થીઓ જે રીતે એમનું અનુકરણ કરતા હતા એ પરથી લાગતું હતું, એ વ્યક્તિ સામે બેઠેલા વિદ્યાર્થીઓના મુખ્ય સર હશે.

લગભગ પિસ્તાળીશ આસપાસની ઉંમરે પહોંચેલ પ્રોફેસર રાજીવ રાવલ છેલ્લા વીસ વર્ષથી ઇન્ડિયન આર્કોલોજી વિભાગના અધિકારી તરીકે ફરજ બજાવવાની સાથે જામનગરની પુરાતત્વીય શાળામાં વિદ્યાર્થીઓને ટ્રેનિંગ પૂરી પાડતા હતા. છેલ્લા પાંચ વર્ષની અંદર પ્રોફેસર રાજીવ રાવલ દ્વારા આ ક્ષેત્રે નોંધપાત્ર કામ થયું હતું. સૌરાષ્ટ્રની અંદર જ પ્રાગ ઐતિહાસિક, આદ્ય ઐતિહાસિક અને ઐતિહાસિક સમયના સ્થળોનું સંશોધન કરી સૌરાષ્ટ્રને આ ક્ષેત્રે આગળ ધપાવવા બદલ વર્ષ 2015ની સાલમાં પુરાતત્વીય વિભાગ દ્વારા એમનું સન્માન કરવામાં આવ્યું હતું.

પ્રોફેસર રાજીવ એમની હેઠળ ટ્રેનિંગ લેતા દરેક વિધાર્થીઓને આવનાર પ્રોજેકટ 'આપણો વારસો' અંગે સલાહ-સૂચન આપી રહ્યા હતા. એક કલાકથી ચાલતી આ ચર્ચા સમાપ્ત થતા વિદ્યાર્થીઓ ત્યાંથી છૂટા પડવા લાગ્યા અને ત્રણ-ચારના ટોળા બનાવી અંદરોઅંદર વાતો કરવા લાગ્યા.

પ્રોફેસર રાજીવ સ્ટેજ પરથી ઉતરીને મ્યુઝિયમ તરફ રવાના થતા હતા ત્યાં એમની નજર સામે ઊભેલી એક છોકરી તરફ ગઈ એટલે પ્રોફેસર રાવલે દૂરથી જ સાદ પાડ્યો, "હેય ધારા...! કમ હિયર બેટા."

પૂનમના ચંદ્ર સમી ગોળ મુખાકૃતિ, રૂની પુણી જેવો સફેદ ચહેરો, કમર સુધીના લાંબા કાળા ભમ્મર વાળ અને 5.0" ફૂટ હાઈટ ધરાવતી પચ્ચીસ વર્ષીય લાગતી યુવતી ધારા હાથમાં બુક-પેન લઈને પ્રોફેસર રાવલ તરફ આગળ વધીને બોલી, "જી સર, કશું કામ હતું?"

"ધારા બેટા, આજ સુધી તે 'ઐતિહાસિક સ્થળો' પર ઘણા રિસર્ચ પેપર તૈયાર કર્યા છે અને તારા અન્ય સાથીમિત્રો માટે તું પ્રેરણાદાયી છો. મને આશા છે કે આ સ્વતંત્ર પ્રોજેક્ટ પર પણ તું ખૂબ મહેનત કરી અને સારા રિસર્ચ પેપર તૈયાર કરીશ."

"સર, હું પૂરેપૂરી કોશિશ કરીશ કે પ્રોજેક્ટ સારી રીતે સફળ થાય. મેં 'દ્વારકાના મંદિર' પર રિસર્ચ પેપર તૈયાર કરવાનું નક્કી કર્યું કર્યું છે."

"ઓહ દ્વારકા..! ખૂબ સરસ. બેસ્ટ ઑફ લક. કંઈપણ માર્ગદર્શન જોઈતું હોય તો મને તરત કૉલ કરજે."

"સ્યોર સર, થેન્ક યુ સો મચ." આટલું કહીને વાત પૂરી કરી ધારા પોતાના રૂમ તરફ આગળ વધી. સવારે દ્વારકા જવાની તમામ તૈયારીઓ કરી તે ગાઢ નિદ્રામાં પોઢી ગઈ.

------------------------------------------

સૂરજ ધીમે ધીમે ધરા પર આગમન કરી રહ્યો હતો. ગગન એકદમ સ્વચ્છ ભૂરા રંગનું લાગતું હતું. ઝાકળ બુંદો પુષ્પોને આલિંગન આપીને હાસ્ય રેલાવતા હતા. પંખીઓ વિહરવા માટે પોતાના માળામાંથી રવાના થઈ ચૂક્યા હતા. માનવમહેરામણ વહેલી પરોઢે જાગીને પોતાના કામ તરફ વળી રહી હતી અને ધારા પણ પોતાના અગામી પ્રોજેક્ટ માટે દ્વારકામાં પધારી ચૂકી હતી.

"આવનાર પ્રોજેક્ટનું નામ છે 'આપણો વારસો'. ભારત દેશ પાસે ભવ્યતમ વારસો સચવાયેલો છે. આ વિશાળ વારસા પાસે હજુય ઘણી વણકહેલી વાર્તા છે. જે તમારે શોધવાની છે અને લોકો સમક્ષ રજૂઆત કરવાની છે. આ પ્રોજેક્ટ માટે તમારી પાસે એક અઠવાડિયાનો સમય રહેશે. ફક્ત સાત દિવસમાં તમારે મોઢેરાનું કે કોણાર્કનું સૂર્યમંદિર, દ્વારકાનું મંદિર, સોમનાથનું મંદિર, પાવાગઢનું ચાંપાનેર અને ખજુરાહોનું મંદિર આમાંથી કોઈ એક સ્થળ પસંદ કરી રિસર્ચ કરવાનું રહેશે. આ તમામ સ્થળે ઘણા રહસ્યો ધરબાયેલા પડ્યા છે. તો જાણો રહસ્યો અને ભૂતકાળની ગરિમાને ઉજાગર કરો. "  પ્રોફેસર રાજીવની આ વાતો યાદ કરતા ધારા દ્વારકાધીશના મંદિર તરફ આગળ વધી રહી હતી.

સવારના નવ વાગી ચૂક્યા હતા. ધારા દ્વારિકાનાથના મંદિરના પટાંગણમાં ઊભી હતી. 'ગોળ પર ઉભરાયેલ કીડીઓની માફક હજારો ભક્તો મંદિરમાં હાજર હતા.' અંદરથી આવતો ઘંટારવનો સાદ અને આરતીનો મીઠો સ્વર વાતાવરણને પવિત્ર અને ધારાના મનને પ્રફુલ્લિત કરી રહ્યો હતો.

"પહેલા અંદર જઈને શ્રીકૃષ્ણના દર્શન કરીને આશીર્વાદ લઈ લઉં પછી મારું કામ શરૂ કરું." ધારા સ્વગત બબડી રહી હતી. ત્યાં જ! પાછળ ઊભેલી એક અજાણી વ્યક્તિએ જાણે ધારાની વાતમાં સહમતી દર્શાવી હોય એ રીતે કહ્યું, "હા, આમપણ અહીં દશનાર્થીની ભીડ તો કાયમ રહેવાની જ... લોકોના ટોળા વિખરાવાની રાહ જોઈશ તો સમય વ્યતીત થતો જશે."

આ સાંભળીને ધારાએ તરત પાછળ વળીને જોયું તો મુખ પર સૂર્ય સમાન તેજ, ગરદન સુધીના વાંકડિયા વાળ, હોઠો પર રેલાતું મબલખ હાસ્ય અને આંખોમાં અનોખી ચમક! ધરાવતો એક યુવાન ઊભો હતો. ધારા તો પાંપણો પટાવ્યા વગર આ અજાણ્યા યુવકને તાકી જ રહી. પીળા રંગના ટીશર્ટ નીચે કાળા રંગનું નેરો જીન્સ અને કપાળે કંકુથી કરેલા તિલક સાથે જમણા હાથના કાંડા પર મોરપીંછનું સુંદર ટેટુ અને હાથમાં પકડેલી વાંસની વાંસળી. જોનારને પહેલી નજરે જ આકર્ષિત કરી દે એવો પ્રભાવશાળી યુવાન હતો.

એ યુવકે મધુર સ્મિત સાથે ધારા સામે હાથ જોડીને કહ્યું, "જય શ્રીકૃષ્ણ! હું અગ્નિ મલ્હોત્રા છું અને તમે...?"

ધારાએ આ પ્રભાવશાળી યુવક તરફથી નજર હટાવતા કહ્યું, "જી, હું ધારા મહેતા."

"સુંદર નામ... એમ તો હું તો મોરલી વાદક છું. વર્ષોથી આ કૃષ્ણનગરીમાં જ સ્થગિત છું. તમે ક્યાંથી આવ્યા છો અને શા માટે એ જણાવશો?"

"ચાલો, સાથે દર્શન માટે અંદર જઈએ. વચ્ચે તમને કહેતી જઈશ કે હું શા કારણે અહીં આવી છું."

ધારાની વાતમાં અગ્નિએ સહમતી દર્શાવતા માથું હલાવ્યું અને પછી અગ્નિધારા દ્વારકાના મનમોહક મંદિરમાં દર્શન કરીને એક પ્રદક્ષિણા કરીને મંદિરની સામેના એક બાંકડા પર જઈને બેસી ગયા.

હવે, ધારાએ અગ્નિને પોતે ક્યાં કારણથી અહીં આવી એ વિશે જણાવી દીધું હતું એટલે અગ્નિએ ઉભા થઈને દ્વારકાધીશના મંદિર તરફ નજર કરતા કહ્યું, "ધારા સૌથી પહેલા તો તું જે સ્થળ પર છે એનો ઇતિહાસ નજર સમક્ષ જો."

આ સાંભળી ધારાએ આશ્ચર્ય સાથે પૂછ્યું, "જોઉં? હું કંઈ રીતે જોઉં?"

આ વાતનો જવાબ આપતા અગ્નિએ નાનકડી સ્મિત સાથે ધારાની આંખ બંધ કરીને પોતે ઇતિહાસના પાનાં ખોલવાનું શરૂ કર્યું. જેમજેમ અગ્નિ ધારાને જણાવી રહ્યો હતો તેમતેમ ધારાને બંધ આંખે બધું નજર સામે દેખાઈ રહ્યું હતું.

દ્વારકાનું મૂળ મંદિર કૃષ્ણના પૌત્ર વજ્રનાભ દ્વારા 'હરિગૃહ' એટલે કે કૃષ્ણના રહેણાંક સ્થળ ઉપર બાંધવામાં આવ્યું હતું. આ મૂળ માળખાને સુલતાન મહમદ બેગડા દ્વારા ૧૪૭૨માં ધ્વંસ કરી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ આ મંદિર ૧૫મી - ૧૬મી સદીમાં ફરીથી બનાવવામાં આવ્યું હતું. જે આજે પણ અડીખમ છે અને એમાં પવિત્ર ઊર્જાનો વાસ છે.

આ બધું જોતા જોતા અચાનક ધારાએ આંખ ખોલીને કહ્યું, "પરંતુ અગ્નિ, દંતકથા અનુસાર તો એવું પણ કહેવામાં આવે છે કે, દ્વારકાનગરી તો સમુદ્ર થકી મળેલા જમીનના ટુકડા પર શ્રીકૃષ્ણ દ્વારા બાંધવામાં આવી હતી. પછી સમય આવ્યે સમુદ્રદેવે પોતે આપેલી જમીન પાછી મેળવી લીધી અને સમગ્ર દ્વારિકા ડૂબી ગઈ!"

"ધારા... દંતકથા મુજબ તો દ્વારકાની તને ઘણી વાતો મળી રહેશે, પણ હું જે કહીશ એ તને બીજું કોઈ નહીં જણાવી શકે!"

આ સાંભળી ધારા તો ફરી નવાઈ પામી. અગ્નિએ પ્રેમાળ સ્મિત સાથે કહ્યું, "ધારા તને ખબર જ હશે, દ્વારકાનું મંદિર અન્ય મંદિરો કરતા પ્રવેશદ્વારની બાબતે અલગ છે. અહીં 'સ્વર્ગદ્વાર' મારફતે ભક્તો અંદર પ્રવેશે છે અને 'મોક્ષદ્વાર' મારફતે મંદિરની બહાર નીકળે છે. ચાલ હું તને સ્વર્ગદ્વાર તરફ લઈ જાઉં." આટલું કહીને અગ્નિએ પોતાના હોઠો પર મોરલી મૂકી અને જાણે મોરલીમાં પ્રાણ પુરાઈ ગયા.

એની મનમોહક મોરલીની ધૂનમાં આજુબાજુનું વાતાવરણ જાણે થંભી ગયું હોય એવું લાગતું હતું. ચોતરફ મીઠી બાંસુરીનો ધ્વનિ પડઘાય રહ્યો હતો. અગ્નિનું બાંસુરી વગાડવું ધારા માટે જાણે કોઈ ચુંબકત્વ સાબિત થતું હોય એમ એ એની પાછળ સ્વર્ગદ્વાર તરફ આગળ વધવા લાગી.

હવે, સૂરજ બરોબર માથા પર આવી ગયો હતો. ધારાને અગ્નિ સિવાય બધું જ ઝાંખું દેખાવા લાગ્યું અને મોરલીની ધૂન સિવાય એના કાને કોઈ ધ્વનિ સંભળાય જ ન રહ્યા હોય એમ ધારા સંપૂર્ણપણે અગ્નિના પગલાંઓની પાછળ ચાલવા લાગી હતી. ત્યાં અચાનક સ્વર્ગદ્વારના માથાળે રહેલી ઘડિયાળમાં બપોરના બારના ટકોરા પડ્યા અને બીજી તરફ અગ્નિધારા જાણે કે કોઈ અન્ય વિશ્વમાં પહોંચી ગયા.

એકાએક ધારાની આંખો ખૂલી તો ચોતરફ ગાઢ અંધારું હતું. જાણે કોઈ ભોંયતળિયું હોય એવો આભાસ ધારાને થઈ રહ્યો હતો. પણ અચાનક પોતે આ જગ્યા પર આવી ગઈ એટલે એણે તરત અગ્નિના નામની બૂમ લગાવી તો અગ્નિ નામનો પડઘો એને સંભળાતો રહ્યો.

ધારા તરત જ આમતેમ અગ્નિને શોધવા લાગી ત્યાં અચાનક એના કાનમાં મોરલીનો મીઠો સાદ પ્રવેશ્યો અને ધારા દિવાલના ટેકે જ અવાજની દિશામાં આગળ વધી. ધીમેધીમે અંધારું ઓછું થઈ રહ્યું હતું અને અગ્નિ તરફ વધતા અગ્નિ સમાન તેજ ધારાની આંખોમાં પ્રવેશી રહ્યું હતું. છેવટે ધારાએ જોયું તો અગ્નિ એક પીપળના વૃક્ષ નીચે બેસી મોરલી વગાડવામાં મગ્ન હતો. 

ધારા હવે આ ખંડેર જેવા લાગતા મહેલ તરફ આગળ વધી. જેના વિશાળ ચોગાનમાં સૂકા પર્ણો વર્ષોથી અકબંધ પડ્યા હોય એવું લાગતું હતું. અમુક જગ્યાએ કરોળિયાની જાળો પથરાયેલી નજરે પડતી હતી તો અમુક જગ્યાએ ધૂળ જામી ચૂકી હતી. અવારનવાર ઐતિહાસિક સ્થળોની મુલાકાત લીધી હોવાથી મહેલનું બાંધકામ જોઈને ધારા સમજી ગઈ કે સદીઓ પહેલાનું બાંધકામ હોવું જોઈએ. આ બધું જોઈને એક ક્ષણ માટે ધારાના મગજમાં એવો વિચાર આવ્યો કે, 'શું આ જ ડૂબેલી દ્વારિકાનગરી હશે?'

બીજી જ ક્ષણે ધારા મનમાંથી આ વિચાર ખંખેરી આગળ વધી. વિશાળ ઝરૂખા ધરાવતા કેટલાય શયનખંડો અડધા ભાંગી ચુક્યા હતા. ધારા જેમ જેમ આગળ વધી એમ એની ઉત્સુકતા બેવડાય ગઈ.

ધારાના મનની વાત સાંભળી લીધી હોય એ રીતે જાણે અગ્નિએ મોરલી વગાડવાનું બંધ કરીને કહ્યું, "હા ધારા... આ દ્વારકા જ છે... એ જ દ્વારકા જ્યાં કૃષ્ણના પ્રાણ વસે છે, જ્યાં કૃષ્ણએ એની સોળ હાજરથી ય વધુ પટરાણીઓ સાથે રાજપાટ ભોગવ્યું છે, અહીં જ કૃષ્ણ અને એના પરમ મિત્ર સુદામાનું વર્ષો બાદ મિલન થયું હતું. અહીં ઘણાં રહસ્યો મુકીને ગયા છે આપણા નટખટ નંદલાલ..." આટલું કહીને અગ્નિ મધુર હાસ્ય કરવા લાગ્યો. હસતી વેળાએ એના ગાલો પર પડતા ખંજનને ધારા એકી નજરે તાકી રહી. પણ પછી એણે એકાએક પ્રશ્ન કર્યો, "એટલે કે આપણે મંદિરની નીચે આવી ચૂક્યા છે?"

"હા, હોઈ શકે." અગ્નિએ પોતાના બંને ખભા ઉલાળતાં જવાબ આપ્યો, "અને એમપણ પણ, તારે તો સારું જ ને ધારા. સામે ચાલીને જાણે શ્રીકૃષ્ણએ તારા માટે દ્વાર ખોલી આપ્યા."

"અત્યાર સુધી તો તમે તમે કહીને પુકારી રહ્યા હતા અને હવે સીધું તારે... એમ!"

આ સાંભળી અગ્નિએ ધીમા અવાજે કહ્યું, "કારણ કે તમે કરતા તું શબ્દમાં વધુ પ્રેમ છે... અને અત્યારે જ્યાં તું છે એની મહાન પ્રેમગાથા આજે પણ ચર્ચામાં છે."

અગ્નિની વાત સાંભળતા સાંભળતા ધારાએ આજુબાજુ નજર ફેરવી. આ રહસ્યમય સ્થળ, અહીંયાના અદ્ભૂત વાતાવરણ અને સદીઓ જુના બાંધકામને ધારા નિહાળતી રહી. આ જગ્યા પર ફરતા ફરતા ધારાના માનસપટલ પર વારંવાર ટીવી પર જોયેલી ધારાવાહિક 'કૃષ્ણલીલા' ના અમુક દ્રશ્યો છવાઈ જતા હતા.

આ સ્થળ પર ફરતા ફરતા અગ્નિધારા ઘણી માહિતી અને ચીજવસ્તુઓ એકઠી કરી રહ્યા હતા.

ઘણો સમય અહીંયા વીતવ્યા બાદ ધારાએ કહ્યું, "અગ્નિ હવે અહીંથી બહાર જવાનો પણ કોઈ ઉપાય શોધ, જેથી કરી હું પુરાતત્વીય ટીમને આ સ્થળ અંગે કહી શકું અને વધુ જાણકારી મેળવી શકાય."

"અહીં આવી ગયા છીએ તો હવે બહાર જવાનો પણ કોઈ રસ્તો મળી જ જશે." આછા હાસ્ય સાથે અગ્નિએ કહ્યું તો ધારાએ વાત પર ભાર મૂકતા કહ્યું, "પરંતુ અગ્નિ હજુ મારે ત્રણેક દિવસ રિસર્ચ પેપર તૈયાર કરવામાં જશે અને પછી તરત જામનગર પહોંચવાનું છે."

આ સાંભળીને અગ્નિએ હોઠ દબાવીને થોડુંક વિચારતો હોય એ રીતે બે ક્ષણ મૌન રહીને પછી પોતાનો ડાબો હાથ આગળ ફેલાવતા કહ્યું, "આગળ વધો, કદાચ કોઈ રસ્તો મળી રહે."

ધારા અગ્નિને જોતા જોતા આગળ જતી હતી, ત્યાં જ આચનક! એની નજર સામેની દીવાલ પર પડી, જ્યાં આછા રંગોમાં ચિત્ર દેખાઈ રહ્યું હતું. ધારાએ પાસે જઈને જોયું,  સંપૂર્ણ ચિત્ર પર ધૂળ લાગેલી હોવાથી બધું ધૂંધળું દેખાતું હતું.

હવે, ધારા પોતાના હાથરૂમાલ વડે એ ધૂળ દૂર કરવા લાગી હતી. આ જોઈને અગ્નિની આંખોમાં ચમક આવી રહી હતી અને એના હોઠો પર મુસ્કાન રેલાવા લાગી હતી.

જેમજેમ ધૂળ દૂર થઈ રહી હતી તેમતેમ ચિત્ર દેખાઈ રહ્યું હતું. વૃક્ષોથી ઘેરાયેલી જગ્યા અને પ્રાણીઓ હતા, સાથે જંગલની બાજુમાં વિશાળ ટાપુ હતો. જોઈને લાગે કે જાણે કોઈ અસંખ્ય નાના-મોટા ખડકોથી ઘેરાયેલ ટાપુ હોય. આટલું જોતા જોતા ધારા હજુ ચિત્ર પરથી ધૂળ દૂર કરી રહી હતી ત્યાં એને શ્રીકૃષ્ણનું અદ્દભુત ચિત્ર દેખાયુ. વૃક્ષ નીચે બેસીને કૃષ્ણ મોરલી વગાડી રહ્યા હતા.

"કોઈ ચિત્રકારે આબેહૂબ જીવંત વસ્તુને દીવાલ પર ઉતારીને એમાં પ્રાણ પૂર્યા હોય એવું લાગે છે." ધારાને પાછળથી અગ્નિનો અવાજ સંભળાયો, એટલે આ મનમોહક ચિત્રને જોતા જોતા જ ધારાએ શ્રીકૃષ્ણના મોઢા પરથી ધૂળ સાફ કરતા કરતા કહ્યું, "ખરેખર અગ્નિ, એકદમ સાચું કહ્યું..." આટલું કહેતાની સાથે જ શ્રીકૃષ્ણના ચહેરા પરથી પણ ધૂળ દૂર થઈ અને શ્રીકૃષ્ણનો ચહેરો જોતા જ ધારાની આંખો ખુલ્લી રહી ગઈ.

ધારા બરાબર અસંમજમાં પડી ગઈ. તેને પોતાની આંખો પર વિશ્વાસ ન હતો થતો. એણે ચાર-પાંચ વાર પોતાની આંખો પટપટાવી ફરી ફરીને ચિત્રમાંનો ચહેરો જોયો, છતાં એને પોતાની આંખ સામેનું દ્રશ્ય જોઈને નવાઈ લાગી રહી હતી. કારણ કે ચિત્રમાં કંડારેલ શ્રીકૃષ્ણનો ચહેરો અને અગ્નિનો ચહેરો હૂબહૂ લાગતો હતો.

ધારા ચિત્ર જોયા પછી તરત જ અગ્નિને જોવા પાછળ ફરી પણ ત્યાં કોઈ જ નહતું. ધારાએ આમતેમ બધે જોયું પણ આ સમગ્ર જગ્યા પર એની સિવાય કોઈ હતું નહીં.

હવે ધારા સમજી ચુકી હતી. એના મોઢા પર નાનકડી સ્મિત આવી ગઈ હતી. એણે ફરી દીવાલ તરફ નજર ફેરવી અને શ્રીકૃષ્ણના ચિત્ર પર હાથ મુક્યો ત્યાં અચાનક દીવાલમાં જાણે જાણે મોટો માર્ગ હોય એમ દરવાજો ખુલ્યો અને દાદરા બની ગયા. જેના પર પગ પડતા જ ધારા એજ ક્ષણે બીજા વિશ્વમાં ફંગોળાઈ ગઈ હોય એવો આભાસ થયો.

ધારાનું મગજ સૂન થઈ ગયું હતું. માથું ભારે લાગતું હોવાથી બંને હાથોથી માથું પકડી એને ચકરેબાજુ નજર કરી તો એ હવે દ્વારકા મંદિરના મોક્ષદ્વાર પાસે બેઠી હતી.

ધારા ત્યાંથી ઊભી થઈને મંદિર સામેના બાંકડે જઈને બેઠી. પાણીની બોટલ કાઢીને પાણી પીતા પીતા અગ્નિ અને પોતે જોયેલા ચિત્ર વિશે વિચારતી હતી.

ધારા દ્વારકા આવી ત્યારથી અત્યારસુધી બનેલી એક એક ઘટનાઓ યાદ કરતી રહી. રિસર્ચ માટે એનું અહીં આવવું, અચાનક અગ્નિનું મળવું, અગ્નિ મોરલીવાદક હોવો, સ્વર્ગદ્વારથી મંદિરના પેટાળમાં જવું અને મોક્ષદ્વારથી બહાર નીકળવું, અંદર જોયેલો કૃષ્ણ મહેલ અને પેલું અદ્દભુત ચિત્ર!

પાણીમાં આવતા વમળોની જેમ ધારાના મગજમાં વિચારોના વમળો રચાયા હતા. એને અચાનક જામનગરનો પીરોટન ટાપુ યાદ આવ્યો. એને પીરોટન ટાપુને ચિત્ર સાથે સંકળાવી જોયો પણ એ બંનેને જોડતી કોઈ કડી ન મળી. અંતે થાકીને ધારા પોતે બુક કરાવેલી હોટેલ પર ગઈ. હોટેલ પર પહોંચીને પણ તેનું મગજ હજુ શાંત ન હતું. એણે થોડીવાર આરામ કરવાનું વિચાર્યું.

ચાર-પાંચ કલાકની ઊંઘ બાદ ધારા ફરી દીવાલ પર રહેલા ત્રણેય ચિત્રોને વારંવાર મમળાવતી રહી. બહુ મથામણના અંતે એને છેલ્લા બે શબ્દો ભેગા કરી 'નવટાપુ' એવું સૂઝ્યું. આગળ રહેલું કૃષ્ણનું ચિત્ર શું સંકેત આપી રહ્યો છે એ હજુ સુધી ધારા સમજી શકી ન હતી.

'કૃષ્ણવનટાપુ...' કે પછી 'અગ્નિટાપુ...' અલગ અલગ નામો સાથે ધારા વિચારોમાં મગ્ન થઈ ગઈ. પણ આજુબાજુના વિસ્તારમાં કોઈ આ નામનો ટાપુ ન હતો.

થોડીવાર રહી અચાનક જ ધારાને યાદ આવ્યું, બેટદ્વારકાની બાજુમાં આવેલા 'નંદનવનટાપુ' વિશે એને ઘણું સાંભળ્યું હતું. ધારા તરત જ પેલા ચિત્રમાં રહેલી ખૂટતી કડીને સમજી ગઈ.

સૌથી આગળ દોરેલું ચિત્ર શ્રીકૃષ્ણનું હતું, મતલબ કે નંદનો બાળ 'નંદન' અને પાછળ 'વન' તેમજ 'ટાપુ' ત્રણેય ચિત્રને જોડીને બનતું હતું, 'નંદનવનટાપુ'.

સૂર્યાસ્ત થઈ ગયો હોવાથી ધારાએ બીજા દિવસે વહેલી સવારે નંદનવનટાપુ જવાનો મનસૂબો ઘડ્યો. રાતનું જમવાનું પતાવી ધારાએ રાજીવ સર સાથે અત્યાર સુધી બનેલી ઘટના અંગે ફોન પર વાત કરીને મોબાઈલમાં સવારના ચાર વાગ્યાનો એલાર્મ સેટ કરી એ સૂઈ ગઈ.

વહેલી સવારે ધારા બોટ મારફતે દ્વારકાથી બેટ-દ્વારકા પહોંચી. બેટદ્વારકા પહોંચીને ત્યાં પૂછપરછ કરીને તેને નંદનવનટાપુ જવાની વ્યવસ્થા કરી. સવારના સાડા નવ વાગ્યાની આસપાસ એ નંદનવનટાપુની કેમ્પ સાઇટ પર પહોંચી, જ્યાં છેલ્લા ઘણા વર્ષોથી મરીન ઍન્ડવેન્ચર અને એજ્યુકેશન કેમ્પ ચાલતો હતો. ત્યાંના ગાઈડ પાસે માહિતી લઈને ધારાએ ટાપુની પ્રદક્ષિણા કરી માહિતી એકઠી કરવાનું નક્કી કર્યું.

એક આખો દિવસ ધારાએ ટાપુ પર રખડીને સમય વ્યતીત કર્યો, પણ એને કશું હાથ લાગ્યું ન હતું. રાતે ત્યાંના કેમ્પ સાઇટ પર જઈને ગાઈડની પરમિશન લઈને ત્યાં જ રાત વિતાવવાનું નક્કી કર્યું. પોતે ચિત્રના સંકેત મુજબ અહીં આવી પણ અહીં કોઈ એવી વસ્તુ કે સ્થળ ન મળ્યું જેની કડી શ્રીકૃષ્ણ અને દ્વારકા સાથે જોડાતી હોય. વહેલી સવારે જામનગર પરત ફરવાનું વિચારી એ ઊંઘવા માટે ટેન્ટમાં ગઈ.

દરરોજની માફક બીજા દિવસનો સૂર્ય ઊગી ગયો હતો. એક તરફ ધારાને એ વાતનો સંતોષ હતો કે દ્વારકા આવીને અત્યાર સુધી લોકોની સમક્ષ ન આવેલા રહસ્ય સુધી એ પહોંચી શકી તો બીજી તરફ એ વાતની હતાશા ઘેરી વળી કે નંદનવન ટાપુ પર આવીને એનો સમય વેડફાય ગયો.

ટાપુ છોડીને જતા પહેલા એને એકવાર કૅમ્પ સાઇટની આજુબાજુ ફરવાનું નક્કી કર્યું. જેથી મન શાંત થઈ જાય. કાનમાં હેન્ડસ્ફ્રી ભરાવી સોંગ સાંભળતી સાંભળતી એ ટાપુ પર ટહેલવા લાગી. થોડે દૂર પહોંચી ત્યાં એની નજર સામે કોઈ ચમકતી ચીજનો પ્રકાશ પડ્યો. ધારા ઉત્સુકતાથી એ તરફ આગળ વધી. વેરાન જગ્યા પર એક લાંબો અને મોટો પથ્થર હતો. એની પાછળની તરફ કોઈ વસ્તુ ચમકી રહી હતી. ધારાએ બળપૂર્વક એ પથ્થર દૂર ખસેડ્યો.

અંદરની તરફ દૂર દૂર સુધી અંધારું હોવાથી કોઈ રહસ્યમયી ગુફા જેવું લાગતું હતું. ધારા એ ગુફામાં ફરી વળી. જાણે એને અહીં પણ અગ્નિનો પોતાની સાથે હોવાનો ભાસ થતો હતો. એટલે અંધારી ગુફામાં પણ ધારાનું મનોબળ એનો સાથ આપી રહ્યું હતું. તે થોડું આગળ વધી ત્યાં સદીઓ પૂર્વે લખેલા કેટલાક પત્રો એને મળ્યા. કાગળ(તામ્રપત્ર)નો રંગ એકદમ પીળો, ફિક્કો પડી ગયો હતો. એ સદીઓ જુના પત્રની આજુબાજુ વાંસના કેટલાક ટુકડા પડેલા હતા. ધારા એ બધી વસ્તુ લઈને ગુફાની બહાર નીકળી. ધારાએ બહાર નીકળીને એ પત્રો ખોલીને જોયા, અંદર સંસ્કૃત લિપિ અને હિન્દી ભાષીય શબ્દોમાં 'રાધિકે' નામના સંબોધનથી લખાણ લખાયેલું હતું.

ધારાના ચહેરા પર ખુશી ફરી વળી હતી. આ પત્રો જાણે એને નવી મંજિલ સુધી લઈ જશે એવું લાગી રહ્યું હતું. આજે 'આપણો વારસા' પ્રોજેક્ટ માટેનો છેલ્લો દિવસ હતો. ધારાને સૂર્યાસ્ત પહેલા જામનગર પહોંચવાનું હતું. ધારાએ સાત દિવસ દરમિયાન પોતે કરેલું રિસર્ચ અંગે 'દ્વારકાનું રહસ્ય' નામે રિસર્ચ પેપર તૈયાર કર્યા.

નંદનવનટાપુ છોડતા પહેલા ધારાએ પ્રોફેસર રાજીવને ફોન કરી પોતાને મળેલા પત્રો અંગે વાત કરી. પ્રોફેસર રાજીવે કહ્યું, 'ધારા તું ત્યાંથી તુરંત જામનગર આવવાની તૈયારી કર. એ પત્રો આશરે કેટલા વર્ષો જૂના છે અને અંદરનું લખાણ અને લિપિ વિશે ઊંડાણપૂર્વક રિસર્ચ કરવું પડશે.' જો તું વિચારેશ એવું હશે તો સમજ આ ક્ષેત્રે તારા હાથે એક નોંધપાત્રીય કાર્ય થયું ગણાશે.

ધારાએ રાજીવ સર સાથે વાત પતાવી ફોન કટ કર્યો અને પોતાનો બેગ તૈયાર કરી, બપોરનું ભોજન લીધું અને નંદનવનથી જામનગર જવા રવાની થઈ.

【સમાપ્ત】

✍️ © મીરા પટેલ


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ