વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

અંતિમ ક્ષણ

   

      બ્લેકહોલની માફક લાગતો એ અંધારિયો રૂમ. એ રૂમની બારીમાં સવારે પડ્યે સૂરજનું એક કિરણ અંદર પ્રવેશી પોતાના આગમનના સમાચાર આપી શકે એટલી જ તિરાડ! આ અંધારિયા રૂમમાં તું સતત ત્રણ દિવસથી જમીન પર એક પૂતળાની માફક બેસી રહે છે.


       તારા બંને પગ ઘૂંટણેથી વાળેલા, માથું બંને પગની વચ્ચે એવી રીતે ખોંસેલું છે કે જાણે દિવસો સુધી તું આ જ મુદ્રામાં રહેવા માંગતી હોય! તારી આંખો નીચેના કાળા રંગના કૂંડાળાં સતત બે દિવસથી ઉજાગરાની ચાડી ખાઈ રહ્યા છે.


        આજે તારા બ્લેકહોલ માફક લાગતા રૂમની બારી સંપૂર્ણપણે ખુલ્લી હતી. સૂર્યના બધા કિરણો એકસાથે તારા રૂમમાં પ્રવેશી ચૂક્યા હતા. હજુ સૂર્યના કિરણો તારા રૂમમાં પોતાનો તેજ ફેલાવે એ પહેલાં જ... તું બારી તરફ ગઈ અને એક ઝાટકે જ બારી બંધ કરી તે સૂર્યના કિરણોને જાકારો આપ્યો! 


        તારા એ જાકારામાં રીતસરનો ગુસ્સો દેખાય આવતો હતો. તું મનોમન બબડી, "મારા ઘરનો સૂરજ તો હંમેશા માટે અસ્ત થઈ ગયો, જે પુન: ક્યારેય ઊગવાનો નથી. તો પછી આ સૂર્યના કિરણોની શું જરૂર?"


       આજે પૂર્વ દિશામાં ઊગેલો સૂર્ય જોઈને તારી નજર સમક્ષ ત્રણ દિવસ પહેલાંની ઘટના તરવરી ઉઠી. તું ગુસ્સામાં આકાશ તરફ નજર કરીને બોલી, "કેટલો ગોઝારો દિવસ હતો એ... સૂરજ ક્ષિતિજ તરફ વિલીન થયો ને આ બાજુ હમેશાં માટે મારા ઘરે અંધકાર ભેટ કરતો ગયો!"


        વાદળોએ નારંગી-પીળો રંગ ધારણ કર્યો હતો, પક્ષીઓ પોતાના માળા ભણી રવાના થયાં હતાં. મંદિરમાંથી આરતીનો મીઠો ઘંટારવ આવતો હતો. વાતાવરણમાં નીરવ શાંતિ જણાતી હતી. અચાનક વાતાવરણ બદલાયું! મંદ મંદ વહેતો સમીર હવે તેજ ગતિએ વાતાવરણમાં પ્રવેશતો હતો. વ્યોમે રહેલા વાદળો ઘડીકમાં તો નારંગી-પીળો રંગ છોડી કાળા વેશમાં સજ્જ થઈ ગયા હતા. 


       વાતાવરણ જોઈને લાગ્યું કે હમણાં જ મૂશળધાર મેઘ વરસી પડશે! અને ઓચિંતો જ ગગનમાં ગડગડાટ શરૂ થયો. એ ગગગડાટને ચીરતો ઍમ્બ્યુલન્સનો અવાજ તારા કાને અથડાયો. થોડીવારમાં તો તારા ઘરની આજુબાજુ લોકોની દોડાદોડી શરૂ થઈ ગઈ. વાતાવરણમાં સન્નાટો છવાઈ ચૂક્યો હતો.


       ઍમ્બ્યુલન્સ પરથી એક માનવકૃતિને નીચે ઉતારી તારા ઘરમાં લઈ ગયા. તેના પાર્થિવ શરીર પર વીંટયાળેલું સફેદ કપડું લાલ રંગના ડાઘાથી ભરચક ભર્યું હતું. તેજ ગતિએ પવન ફૂંકાયો એ સાથે જ એ ચહેરા પરનું કપડું દૂર ખસી ગયું. ચહેરો જોઈને તારા  પરિવારના લોકોમાં કોલાહલ મચી ગયો.


      ક્ષણભરમાં તો એ પાર્થિવ શરીરની આજુબાજુ તારા પરિવારના છ-સાત લોકો બેસીને માથું પછાડી પછાડીને રુદન કરવા લાગ્યા હતા. તારા મમ્મીની હાલત તો ત્યાં જ લથડી ગઈ હતી! માથે પૂરેલો સિંદૂર મટાવી, હાથમાં પહેરેલી બંગડીઓ તોડી-ફોડી, ગળાનું મંગળસૂત્ર દૂર ફેંકી...પોક મૂકીને એ રડવા લાગ્યા હતા. તું અનિમેષ નજરે આ બધું તાકી રહી હતી.


       તું એ સમયે તારા પિતાની આ અવસ્થા જોઈને ફસડી પડી! મૃત શરીરને પણ સજીવન માની, એને ભેટીને તું 'પપ્પા... પપ્પા...' ની બૂમો પાડતી હતી. રડતી રડતી તું ક્યાંય સુધી બોલતી રહી, "હું તમને ક્યાંય નહીં જવા દઉં... પપ્પા" બાજુમાં ઊભેલો તારો ભાઈ પણ તને ભેટીને આશ્વાસન આપતો રહ્યો. એની આંખો પણ ભીંજાયેલી હતી, પરંતુ આજે એણે પણ મન મક્કમ કરી લીધું હશે! આજ પછી ઘરની જવાબદારી એના માથે જ આવવાની છે એવું વિચારી મને-કમને એણે આ પરિસ્થિતિ સ્વીકારી લીધી હશે.


       તારા ઘરડા દાદા-દાદી પાર્થિવ શરીરના પગ પાસે બેસીને ચોધાર અશ્રુએ રડીને ભગવાનને ફરિયાદ કરતાં હોય એવા સ્વરે બોલતા હતા, "હે! પ્રભુ... તે આ કેવો દિવસ દેખાડ્યો અમને. અમારા અક્ષરધામ જવાના દિવસો હતા ને એક જુવાન દીકરાને આ રીતે જોવો પડ્યો. આ તે વળી તારી કેવી લીલા છે?"


      એના મુખમાંથી સરતાં શબ્દો તારા કાનોમાં પડઘાય રહ્યા હતા. અને એના આંખેથી નીતરતા અશ્રુઓને લૂછવા માટે તારી પાસે કોઈ રૂમાલ ન હતો!  લોકો ટોળે વળીને પાર્થિવ શરીર પાસેથી તારા પરિવારજનોને દૂર કરી રહ્યાં હતાં. 


      બીજે દિવસે સવારે અગ્નિદાહ આપવા માટે લઈ જતા પહેલા તારા પિતાના પાર્થિવ શરીરની હિન્દુ રીતરિવાજ મુજબ થોડીક ધાર્મિક વિધિઓ કરવામાં આવી. વિધિ પતાવ્યા બાદ એ પાર્થિવ શરીરને ઠાઠડીમાં સુવડાવી સ્મશાન તરફ દોરી જવા માટે ચાર માણસો હાજર થયા. હજુ પણ તારા પરિવારજનો એમને રોકી રાખતા હતા. તું તારા પિતાના નશ્વર દેહને છોડીને દૂર ખસતી જ નહોતી. 


       આવો કરુણ પ્રસંગ આટલી નિકટતાથી તે કદાચ પહેલીવાર જોયો. કોઈ જાતની ઓળખાણ ન હોય એવા લોકોને ય એ સમયે ઘણુંખરું દુઃખ થયું હતું. તો તારી મનોદશાની તો શું વાત! તારો હસતો રમતો પરિવાર એક જ પળમાં વિખરાઈ ગયો!  આ પ્રસંગ બાદ તારા મનમાં અમુક પ્રશ્ન હમેશાં ખૂંચ્યા કરે છે.  'શું દરેક વ્યક્તિની અંતિમ ક્ષણ આવી જ હશે? અંતિમ ક્ષણ આવીને જતી રહે... ત્યારબાદ નવી કોઈ ક્ષણ આવતી જ નહીં હોય? શું અંતિમ ક્ષણનું બીજું નામ જ... બદલાવ...!'


       તું કેવી દુઃખી અને ઉદાસ છે. આખો દિવસ તું પોતાને અંધારિયા રૂમમાં પૂરીને રાખે છે. હસતાં તો તું જાણે ભૂલી જ ગઈ છે! તું ઓગણીસ-વીસ વર્ષની એક યુવાન દીકરી છો. પરંતુ, હવે તારા પિતા તમારી વચ્ચે નથી રહ્યા એ વિચારીને પણ તારું કાળજું કંપી ઉઠે છે! 


     'નાની વયે એક દીકરી બાપ વિહોણી થઈ ગઈ.' તારા પિતાના મૃત્યુ બાદ લોકોના મુખેથી તારે આ વાક્ય સાંભળવું પડતું.


         સમય ધીરેધીરે પસાર થતો રહ્યો. ઘટના પણ સમયના ગર્ભમાં ઓગળતી ગઈ. હવે તો દરરોજ તારા રૂમની બારી સંપૂર્ણપણે ખુલ્લી જ હોય છે. હવે પહેલાંની માફક તમારો નિત્યક્રમ પણ શરૂ થઈ ચૂક્યો હતો. 


       વળી, તારા મનમાં અમુક પ્રશ્નો ઉદ્દભવ્યા, અંતિમ ક્ષણની કળ શું સમય જતાં વળી જતી હશે? ન ભૂલવા છતાં પણ એ ક્ષણને ભૂલવી પડતી હશે? કે આપમેળે જ એ મગજમાં દૂર જતી રહેતી હશે? આવા અઢળક સવાલોથી વારંવાર તારું માથું દુઃખવા લાગતું. તારા પરિવારનું વર્તન જોઈને જાણે કોઈ ઘટના જ ન ઘટી હોય એવું તને લાગવા લાગ્યું હતું. જેમને આ ઘટના સાથે કોઈ આત્મીયતા નહોતી એ લોકોને પણ આ ઘટના વારંવાર યાદ આવી જતી. તો તમને તો યાદ ન આવે એનો કોઈ સવાલ જ ન હતો!


----------------------------


      ટ્રેનની માફક પૂરપાટ ઝડપે સમય પણ જાણે આંખોના પલકારે વીતી ગયો. આજે તારા પિતાના મૃત્યુને ત્રણ વર્ષ થઈ ગયા. શ્રાદ્ધના દિવસો ચાલી રહ્યા હતા. વિધિ મુજબ તારા પરિવારે પણ અમુક પૂજા-પાઠ કર્યા. બીજી સવારથી પાછું તમારા ઘરમાં એ ઘટનાનું કોઈ નામોનિશાન જ નહોતું. 


      આજના દિવસને તું પેલાં દિવસ સાથે સરખાવતી રહી... તે દિવસે એક પત્ની પોતાના પતિ માટે, પોતાના સુહાગ માટે માથું પછાડીને આસું સારતી હતી, ને આજે એજ પત્ની પાછી શૃંગારથી સજ્જ થઈ તારી સામે ઊભી છે.


      તે દિવસે તું ખુદ તારા પિતાની અંતિમ ક્ષણને સ્વીકારી નહોતી શકતી, ને આજે તું ફરી પોતાની ફેશનમાં પોરવાઈ ગઈ! તારો ભાઈ તે દિવસે મનોમન મનસૂબો ઘડતો હતો... "પપ્પાના સહકાર વિના હું ઘરની જવાબદારી ઉઠાવી શકીશ?" આજે એ જ દીકરો ઘરની સંપૂર્ણ જવાબદારી સંભાળીને પોતાની જિંદગી ખુશખુશાલ જીવે છે.


      પોતાના સંતાનને કંઈ પણ થાય, થોડું વાગે કે નાનું-મોટું દુઃખ હોય તો માની આંખો ભીંજાય જ જાય. પિતાને પણ દીકરો દોસ્તરૂપે મળ્યો હોય. જ્યારે માબાપની નજરથી સંતાન દૂર વિદેશ જાય ત્યારે માબાપની આંખો ભીંજાય છે...જ્યારે આ તો સંતાન કાયમ માટે એની નજર સામેથી હટી ગયો! એ માબાપના હૃદયમાં પુત્રવિયોગનું દુઃખ તો ભર્યું હશે પણ જતાવી શકવાની હિંમત નહીં હોય અથવા ભૂલી ગયા હશે? ફરી ફરીને તારા મગજ ઉપર આવા અનેક વિચારો પોતાનું સામ્રાજ્ય જમાવી બેસતા.


      તારું ઘર આજે રોશનીથી ઝગમગતું હતું. રંગબેરંગી સર્કિટથી અને જાતજાતનાં ફૂલોથી આખું ઘર શણગારેલું હતું. જોઈને લાગતું હતું કે, 'આજે જરૂર તારા ઘરે કોઈ પાર્ટી હશે.' આજેય તું ઊજળા અંધારા વડે ઘેરાયેલ હતી. "કોઈની અંતિમ ક્ષણ સુખ, ખુશી, આનંદની ક્ષણ પણ લાવી શકે?" મનમાં એક વધુ પ્રશ્ન સળવળ્યો.


     ફરી તારા મનમાં દબાયેલા અમુક પ્રશ્નો હોઠો પર આવ્યા... તું જાતે જ એના જવાબો શોધવા મથતી હતી. 'અંતિમ ક્ષણ પછી ફરી એક નવી ક્ષણની શરૂઆત થતી જ હશે. અંતનો અર્થ ક્યા પૂર્ણવિરામ છે? અલ્પવિરામથી અટકીને એક નવી શરૂઆત પણ હોઈ જ શકેને... દુઃખમાં ડૂબેલો મારો પરિવાર ફરી સુખમય જીવન જીવતા શીખી જ ગયો!'


     એક પછી એક ઘટના તારી નજર સમક્ષ ફરી વળી. તને મનોમન હસવું આવ્યું... 'અંતિમ ક્ષણ પણ કેવી હોય છે. જે માણસની અંતિમ ક્ષણ આવે એ બધા બંધનોમાંથી મુક્ત થાય તો બીજી તરફ એક નવી શરૂઆત થઈ ચૂકી હોય.'


      આ બધી ઘટનાઓ બાદ તારા મનમાં ઘણીવાર અસંખ્ય સવાલો ઉઠતાં... પણ હજુ સુધી ક્યારેય તને એના સંતોષકારક જવાબો નથી મળ્યા.


【સમાપ્ત】


✍️ © મીરા પટેલ



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ