વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

જેણે લાહૌર નથી જોયું એ જન્મ્યો જ નથી


     'જિસ લાહૌર નઈ દેખ્યા ઓ જમ્યાઈ નઈ' પંજાબી નામ ધરાવતું અસગર વજાહતનું હિન્દી ભાષીય નાટક, જેનો 'જેણે લાહૌર નથી જોયું એ જન્મ્યો જ નથી' આવા શીર્ષક હેઠળ સુંદર અને રસપ્રદ રીતે ગુજરાતીમાં અનુવાદ શરીફાબેન વીજળીવાળાએ કર્યો. 


     વિભાજનના મુદાને કેન્દ્રમાં રાખીને લખાયેલું આ નાટક વાચકને જરૂર સ્પર્શી જશે. કારણ કે, એમાં માનવતા, ધર્મ, શ્રદ્ધા, એક માણસનો બીજા માણસ પ્રત્યેનો પરસ્પર વિશ્વાસની વાત છે.


    કુલ સોળ દ્રશ્યમાં વહેંચાયેલું આ નાટક શરૂઆતથી અંત સુધી રસપ્રદ બન્યું રહે છે. 


     'લેકે રહેંગે પાકિસ્તાન'ના નારાથી પ્રથમ દ્રશ્ય શરૂ થાય છે ને છેલ્લા(સોળમાં) દ્રશ્યમાં એક ધર્મ ગુરુ મૌલવીની મસ્જિદ મધ્યે સ્વાર્થી લોકો વડે હત્યા થાય છે ત્યાં નાટકનો અંત થાય છે. આ બંને ઘટનાઓ વચ્ચે પાત્રો વડેના સંવાદો વાચકોને જકડી રાખે છે ને અંદરથી હચમચાવી મૂકી છે. 


      આ નાટક દરમિયાન હિન્દુ અને મુસ્લિમ બેઉ સમુદાયના લોકોને ઘણા સવાલોના ઉકેલો મળી રહેશે. કારણકે, આ નાટકમાં બંને સમુદાયને પ્રામાણિકપણે સમજવામાં આવ્યા છે. બેઉ સમુદાયમાં અમુક એવા લોકો પણ હતા કે જેને એકબીજાના ધર્મ પ્રત્યે માન ન હતું. તો સામે બેઉ સમુદાયમાં એવા પણ લોકો હતા કે જે માનવતાને જ સૌથી મોટો ધર્મ માને છે. 


      એક ધર્મમાં ચુસ્ત રીતે બંધાયેલા લોકો બીજા ધર્મનો આદર નથી કરતા, ને પોતાના જ ધર્મના લોકો અન્ય ધર્મને બિરદાવે ત્યારે આવા લોકો હત્યાકાંડ સુધી પણ પહોંચી શકે છે. આ વાત સોળમાં દ્રશ્યમાં મૌલવીના હત્યા બાબતે બખૂબી વર્ણવામાં આવી છે.


     'જ્યારે વૃદ્ધ માઈ મરે છે ત્યારે હિન્દુ રીતરિવાજ મુજબ એમની અંતિમ વિધિ કરવામાં આવે છે. કોઈપણ મુસ્લિમ જણને આ બાબતે ખાસ માહિતી ન હતી. પણ જ્યારે તેઓ ભારતમાં હતા ત્યારે જોયેલી વિધિઓ યાદ છે અને અંતે હિન્દુ રીતરિવાજ મુજબ જ રાવી નદીના કિનારે માઈના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે.' આમ આ નાટકમાં કોઈપણ ધર્મને માન આપતા અને માનવતાને જ સૌથી મોટો ધર્મ માનતા લોકોનો પણ સમાવેશ છે.


     સિકંદર મિર્ઝા અને તેનો પરિવાર, પહેલવાન અને તેના મિત્રો, રતનની મા (માઈ), શાયર નાસિર, અલીચાવાળો, મસ્જિદના મૌલવી વેગેરે પાત્રો દ્વારા ભારતના ભાગલા સમયનો પરિવેશ અને ધર્મને જોવાનો અભિગમ લેખકે બખૂબી આલેખ્યા છે. દરેક દ્રશ્યના અંતે આ નાટકનું જ એક પાત્ર 'નાસિર કાઝમી'ની એક ગઝલ મુકવામાં આવી છે. જે નાટકને વધુ સુંદર બનાવે છે. 


     માઈ કહે છે, 'આખા હિન્દુસ્તાતમાં લાહૌર જેવું બીજું કોઈ શહેર જ નથી.' તો સામે લખનૌ છોડીને આવેલા લોકો લાહૌરમાં આવીને દેવચકલી અને ત્યાંના શાકભાજી/પાન શોધે છે. તો કોઈ વળી મોરનો ટહુકાર અને સરસવનાં ખતેરો શોધે છે. આમ, આ નાટકમાં વતનપ્રેમને પણ ઝીણવટપૂર્વક ચીતર્યો છે. જ્યારે વાત વતનની આવે છે ત્યારે ધર્મ નહીં પરંતુ વતન મહત્વનું બની રહે છે.


      આ નાટકમાં અને નાટકની અંદર આવતી ગઝલોમાં લખનવી ઉર્દૂ અને લાહૌરી પંજાબી ભાષાનો પણ સમાવેશ છે. નાટકનો મૂળ રસ જળવાય રહે એ હેતુથી અનુવાદકે એ શબ્દો જેમને તેમ જ રાખ્યા છે, પરંતુ ગુજરાતી વાચકો સમજી શકે એ માટે દરેક દ્રશ્યને અંતે એ દ્રશ્યમાં આવતા આવા શબ્દોના ગુજરાતી અર્થ લખીને આપ્યા છે. અનુવાદકનું આ સરાહનીય કાર્ય આ અનુવાદને શ્રેષ્ઠ સાબિત કરે છે.


     કેટલીય સંવેદનાઓને શબ્દોનું રૂપ આપીને તૈયાર કરેલું અસગર વજાહતનું આ અફલાતૂન નાટક દરેકે અચૂક વાંચવું જ રહ્યું.



✍️ મીરા પટેલ

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ