વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વિઠ્ઠલ તીડી: એક કમ્પલીટ પેકેજ

વેબસીરિઝ રિવ્યૂઃ ‘વિઠ્ઠલ તીડી’ એક કમ્પલીટ પેકેજ
રિવ્યૂ બાયઃ મયૂર પટેલ


‘રેવા’ પછી ગુજરાતી સિનેજગતમાં ગૌરવ થાય એવી કોઈ પ્રસ્તુતિ આવી હોય તો ‘વિઠ્ઠલ તીડી’. ગ્રામ્ય પરિવેશને ઉજાગર કરતું આફરિન થઈ જવાય એવું પ્રોડક્શન, કલાકારોનો અદભુત અભિનય અને અફલાતૂન નિર્દેશન જેવા ઘણાંઘણાં પાસાંઓને લીધે ‘વિઠ્ઠલ તીડી’ સુપરડુપર સાબિત થાય છે.

 

નિર્માતા-નિર્દેશક અભિષેક જૈનએ ( Abhishek Jain ) 'જુગારી જુવાનિયા'નો વિષય જ જોરદાર પસંદ કર્યો છે. (મુકેશ સોજિત્રાની ટૂંકી વાર્તા પરથી આ વેબસીરિઝ બની હોવાથીય અમ લેખકોને વિશેષ આનંદ થાય કે, ચલો ગુજરાતી સિનેવિશ્વમાંય સાહિત્ય પોંખાતું થયું.) જેટલો ઉત્તમ વિષય એટલું જ ઉત્તમ દિગ્દર્શન. નિર્દેશકે ક્યાંય કોઈ વધારાનો મેલોડ્રામા નથી થવા દીધો, કલાકારોને જબરા કન્ટ્રોલમાં રાખ્યા છે. પ્રતીક ગાંધી ( Pratik Gandhi ) કે તો ક્યા કહેને..! એમને જોઈને ઈરફાન ખાન અને નવાઝુદ્દિન સિદ્દિકી યાદ આવી જાય છે. પ્રતીકનું કામ તો એક નંબર છે જ, સાથોસાથ અન્ય કલાકારો પણ પોતપોતાના પાત્રોને સો ટકા વફાદાર રહીને અભિનયપ્રતીભા દર્શાવી શક્યા છે. વિઠ્ઠલના પિતા અને બહેનના પાત્રોમાં અનુક્રમે રાગી જાની ( Ragi Jani ) અને બ્રિન્દા ત્રિવેદી ( Brinda Trivedi ) સીધા દિલમાં ઉતરી જાય એવાં લાગ્યાં, (ભાઈ-બહેન વચ્ચેની કેમેસ્ટ્રી ખૂબ જ હૃદયસ્પર્શી લાગી) તો વિઠ્ઠલની મિત્રટોળીના અદાકારો જગજિતસિંહ વાઢેર ( Jagjeetsinh Vadher ), હમદેવ આહિર ( Hamdev Ahir ) અને અન્યો પણ બળકટ લાગ્યા. (કહેતા આનંદ થાય છે કે હમદેવભાઈ આપણા મિત્ર થાય છે. તમે લોકો જે અદાથી 'વિઠલા' બોલ્યા છો, એ વિશેષ ગમ્યું. ઈન ફેક્ટ, તમામ કલાકારોની સંવાદ-અદાયગી સચોટ, સમય-સ્થળકાળને અનુરૂપ છે. ખૂબ સારું કામ કરો અને ખૂબ આગળ વધો એવી શુભેચ્છા, દોસ્ત.) શ્રદ્ધા ડાંગર ( Shraddha Dangar ) મહેમાન કલાકાર તરીકે મીઠડી લાગી. કનુ દટ્ટીની ભૂમિકામાં પ્રેમ ગઢવી ( Prem Gadhavi ) માઇન્ડબ્લોઇંગ. વિઠ્ઠલના બાળપણનો રોલ કરનાર ટેણીયો વિશાલ ઠક્કર ખૂબ ખૂબ ખૂબ જ ગમ્યો. ભવિષ્ય ઉજ્જવળ છે તમારું, બટા..!


‘વિઠ્ઠલ તીડી’ના અન્ય નોંધપાત્ર પાસાં છે એના સંવાદ. ચોટ કરે એવા ડાયલોગ્સ લખાયા છે ભાર્ગવ પુરોહિતની Bhargav Purohit કલમે. કચાશહિન સ્ક્રીપ્ટ પણ એમની જ દેન. હિરેન ચિત્રોડાના એડિટિંગમાંય ક્યાંય ઢીલાશ નથી. તપન વ્યાસના ( Tapan Vyas ) કેમેરાનો કસબ અધધધ નિખરીને ઉપસ્યો છે. ગામડાંના અસલી લોકેશન એમણે બખૂબી કચકડે મઢ્યાં છે. કોસ્ચ્યુમ ડિઝાઇન પણ તારીફ-એ-કાબિલ. કેદાર-ભાર્ગવના ( Kedar Upadhyay ) સુમધુર સંગીતમાં તમામ ગાયકોની ગાયકી કર્ણપ્રિય લાગી. સિત્તેરના દાયકાની ફિલ્મોની યાદ અપાવી દે એવા ધાંસૂ બેકગ્રાઉન્ડ મ્યુઝિકને પાંચમાંથી પાંચ સ્ટાર.

 

આ વેબસીરિઝની ખાસિયત છે એની સહજતા. (કલાકારોને મેકઅપ વગર રજૂ કર્યા છે એટલેય વધુ સહજ લાગે છે. ઈવન, મહિલાપાત્રોનેય આછેરી લિપસ્ટિક અને કાજળ સિવાય ભાગ્યેજ કશું લગાડવા દીધું છે, જે ગામડાંગામના પાત્રોને ઉપસાવવા માટે જરૂરી હતું) અહીં કશું જ આઉટ-ઓફ-કન્ટ્રોલ નથી ગયું; બધું જ પ્રમાણસર. ન કોઈ નકામા ફિલ્મીવેડા, ન કોઈ બાલિશ ટાંયલાવેડાં. ૨૫-૨૭ મિનિટનો એક એવા છ એપિસોડ તો ક્યાં વહી ગયા ખબરેય ન પડી, એટલી રસપ્રદ, એન્ગેજિંગ છે આ સીરિઝ. જોવાનું ચૂકશો નહીં. પાર્ટ-ટુ કા ઇન્તેઝાર રહેગા, અભિષેકબાબુ...
 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ