વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

અસ્ખલિત પ્રેમ

     અચાનક પાંચ વર્ષ બાદ પાયલને જોતાં જ વિનયની આંખો સ્થિર થઈ ગઈ હતી. જાણે સમય ત્યાં જ થંભી ગયો હતો. એકક્ષણમાં જાણે પાછો એની આંખો સામે એ ભૂતકાળ જીવંત થઈ ગયો. જાણે ફરીથી હૈયામાં એ જ લીલીછમ હરિયાળી છવાઈ ગઈ, જાણે ફરી રંગબેરંગી ફૂલો ખીલી ઊઠ્યાં, જાણે ચારેબાજુ ફૂલોની ફોરમ પ્રસરી ગઈ, જાણે ફરી આજે વસંત ખીલી. એવી વસંત જે ફક્ત વિનયના હૃદયમાં ખીલી, જેને ફક્ત એ પોતે જ અનુભવી શકે છે, જેને એણે વર્ષો પહેલાં અનુભવી અને જીવી હતી એ જ વસંતમાં આજે ફરી એ મ્હાલી રહ્યો હતો.


       આજે પાંચ વર્ષ બાદ એણે પાયલને જોઈ હતી. એને વિશ્વાસ નહોતો આવતો કે સાચે એ પાયલને જોઈ રહ્યો છે કે, એનું સપનું છે...! આજે આટલાં વર્ષો બાદ એણે પાયલને જોઈ હતી.


      પોતે એક રીક્ષાચાલક અને પાયલ એ  શિક્ષિત અને દેખાવડી, સુશીલ અને વ્યવસ્થિત નોકરી કરતી યુવતી હતી. એને જોબ પર  લેવા અને મુકવા જવાનું કામ વિનય કરતો હતો. આમ તો એ પોતે સ્કૂટી લઈને જ જતી પણ એને એક અકસ્માતમાં નાની - મોટી ઇજાઓ આવી હતી ત્યારબાદ પાયલ ઘણો સમય, લગભગ એક વર્ષ વિનયની ઓટોમાં જ જતી અને આવતી. એણે તો પછી સ્કૂટી લઈને જવાનો નિર્ણય અને જીદ કરેલી પણ એના મમ્મી - પપ્પા ના માન્યા અને એણે નમતું જોખી વિનયની રીક્ષામાં આવવા - જવાનું નક્કી કરેલું.


          વિનય અને પાયલ વચ્ચે કોઈ વાતચીત થાય નહીં પણ વિનયના દિલમાં પાયલ માટે પ્રેમના અંકુર ક્યારે ફૂટયા એ એને સમજાયું જ નહીં. એ કાયમ એના સમયે એને લેવા - મુકવા પહોંચી જતો. ચાલુ રિક્ષાએ વિનય અરીસામાંથી પાયલને નીરખ્યા કરતો અને મનમાં ને મનમાં કેટલાંય સપનાં સેવતો. એવામાં એક દિવસ સાંજના સમયે પાયલને એક મિટિંગમાં જવાનું હતું. એણે વિનયને આગલા દિવસે કહી રાખેલું હતું. જેથી એ સમયસર આવી ગયો હતો. એ દિવસની મિટિંગનું સ્થળ એ ઘરથી ઘણું દૂર હતું પણ પાયલ જાણતી હતી કે આજે એને ઘણું મોડું થઈ જશે એટલે એણે વિનયને કહી રાખેલું કે, " તું મને લેવા ના આવીશ મારે મીટિંગમાં જવાનું છે તો મારે રાત્રે લેટ થઈ જશે , તો તું ધક્કો ના ખાઈશ હું મારી રીતે ઘરે પહોંચી જઈશ. "


        વિનયે કાયમની જેમ  હસતા  ચહેરે ફક્ત 'હા' કહ્યું અને પાયલ ઑફિસ તરફ ચાલવા લાગી.


        એ દિવસે બન્યું એવું કે,  મિટિંગ પતી ત્યારે તો પાયલે જે સમય વિચારેલો એના કરતાં પણ ઘણો સમય થઈ ગયો હતો. શિયાળાના દિવસો અને સાંજના લગભગ 8 થઈ ગયા હતા. રાત્રી ઘનઘોર લાગતી હતી. મિટિંગમાં આવેલા બધા સાથીઓ પોતપોતાના વાહનો લઇને ચાલવા માંડ્યા. પાયલ વિચારવા લાગી " વિનય તો ચાલ્યો ગયો હશે અને મારે બીજું કોઈ વાહન શોધવું પડશે."  એમ મનોમન  વિચારતા એ ઝડપી ડગલાં ભરતી મીટીંગ રૂમના પટાંગણની બહાર આવી. જેવી એ બહાર રોડ પર આવી કે ત્યાં જ વિનય આવીને "મેડમ...! લાવો આ તમારી ફાઇલવાળી બેગ મને આપી દો. તમે ઑટોમાં બેસો. હું આવું છું." કહીને પાયલને રીક્ષા પાસે છોડી એ રોડની સાઈડમાં આવેલી બધી શૉપ તરફ ચાલવા લાગ્યો. પાયલ ઑટોમાં બેસી ગઈ અને એના મનમાં પ્રશ્નો સાથે અનેક વિચારો ફરવા લાગ્યાં.


      "મેં તો ના કહ્યું હતું છતાં કેમ વિનય આવ્યો હશે?  એને ક્યાંથી ખબર પડી હશે કે હું અહીં આ સ્થળે આવી છું...!  શું એ એના અન્ય કામથી આ તરફ આવ્યો હશે ...!  કે પછી ફક્ત મારા માટે જ આવ્યો હશે...!!" આવા અનેક પ્રશ્નો એના મનમાં એકસાથે ઘુમરાવા લાગ્યાં.


        "મેમ તમે આ કોફી પી લો તમને સારું લાગશે, ઠંડી ઘણી છે અને એમ પણ તમારાં ચહેરા પર ઘણો થાક વર્તાય છે." આ સાંભળીને પાયલ બધા વિચારોમાંથી બહાર આવી અને એની નજર વિનયના ચહેરા પર પડી. એ જ કાયમ હસતો ચહેરો જોઈને પાયલ કાયમ વિચારતી કે, " કામ તો બધાને હોય, તકલીફ પણ હોય, ક્યારેક થાક પણ લાગે પણ તો પણ આ વિનય કેમ કાયમ હસતો જ હોય એના ચહેરા પર ક્યારેય માયુસી, તકલીફ, થાક, આળસ  જેવું કશું દેખાતું જ નથી" એને ક્યારેક વિનયને પૂછવાનું મન પણ થઈ જતું પણ એ માંડી વાળતી.


       વિનય ઑટો સ્ટાર્ટ કરે ત્યાં તો બધા વિચારોમાંથી બહાર આવી એણે વિનયને પણ કોફી લેવાનો આગ્રહ કર્યો અને પોતે કોફીનો એક ઘૂંટ ભર્યો. બંનેએ સાથે કડકડતી ઠંડીમાં ગરમાગરમ કોફી પીધી. પાયલને કોફીનું અનોખું ને જબરું વળગણ હતું એ વિનય હવે સારી પેઠે જાણતો હતો અને એના બીજા ગમા - અણગમા પણ એ સારી રીતે જાણવા લાગ્યો હતો પણ પાયલને આ વાતનો જરાય અંદાજો નહોતો કે, વિનય આટલાં સમયમાં એને ઘણી  સારી રીતે  જાણવા - સમજવા લાગ્યો હતો.


      " ખૂબ થાકી ગયાં છો?" વિનય ધીમેથી જાણે બોલતાં અચકાતો હોય એવા અવાજે બોલ્યો.


      "હા...! આજે સવારથી જ વધુ કામ રહ્યું." એના તરફ જોતા આશ્ચર્યથી એણે જવાબ આપ્યો.


     " બાય ધ વે ... વિનય મેં તો તને ના કહ્યું હતું ને...!  તું કેમ આવ્યો...?" પ્રશ્નાર્થ સાથે એ બોલી.


    " અરે... મેમ... તમે ગમે ત્યાં હોવ અને ગમે તે સમયે હોય મારે તમારો સમય સાચવીને તમને લેવા આવવું એ મારું કામ છે અને તમે આખો દિવસ થાકેલાં હોવ અને પાછા ઘરથી આટલે દૂર મિટિંગ હોય તો તમને ઘરે પહોંચતા કેટલું મોડું થઈ જાય....! આ બધા વિચારોથી મને ચેન ન પડ્યું એટલે મને થયું વિચારો કરવા રહેવા દઉં અને સીધો તમને લેવા જ આવી જાઉં. વળી અહીં આ દૂર જગ્યાએ બીજું કોઈ વાહન મળે કે ન મળે એની પણ મને ચિંતા થઈ એટલે આવી ગયો. "


     એ બધા શબ્દોમાં એની પાયલ પ્રત્યેની ચિંતા, લગાવ  સ્પષ્ટ થતાં હતાં. એના આટલાં શબ્દો દ્વારા જાણે એ ઘણું વ્યક્ત કરી રહ્યો હતો. એમાંય પાછા એના ચહેરાના ભાવ એમાં હાજરી પુરાવતા હતાં. એ વાત કરતાં - કરતાં પાછળ ફરી પાયલ તરફ જોઈ લેતો હતો.


     "હા, બધું સાચું પણ તને ક્યાંથી ખબર પડી કે મારી મિટિંગ આ સ્થળ પર છે એમ...!" પાયલ કુતુહલવશ બોલી.


      "એ તો તમારા પપ્પાને મેં ફોન કરીને પૂછી લીધું હતું." ચહેરા પર હળવા સ્મિત સાથે એ બોલ્યો.


      "હ...મ...." એમ કહેતાં પાયલે કોફીનો ઘૂંટ ભર્યો. એ દિવસે પાયલને એટલું સમજાય ગયું હતું કે, વિનય ફક્ત પોતાની ફરજ સમજીને ત્યાં નહોતો ગયો પણ એમાં પોતાના માટેની વિનયની ચિંતા અને લગાવ હતાં. વિનયે જ્યારે અરીસામાંથી જોયું કે પાયલ પણ અરીસામાં એની સામે જોઇને મરક મરક હસે છે ત્યારે વિનયના આનંદનો કોઈ પાર ન રહ્યો.


        હવે તું ના આવીશ કેમ કે, પાયલનું સગપણ થવાનું છે અને એ હવે થોડાં સમયમાં લગ્ન કરીને એની સાસરીમાં ચાલી જશે એટલે હવે એ  ત્યાં જ જોબ કરશે...." એક દિવસ પાયલના પપ્પાએ વિનયને ફોન કરીને જણાવ્યું.


      આ સાંભળીને વિનય ઉદાસ થઈ ગયો. એને સમજાતું નહોતું કે, એને તો ખુશી થવી જોઈએ કે, પાયલના લગ્ન થઈ રહ્યાં છે પણ એનાથી ઊલટું એ ખુશ નહોતો પણ જાણે દુઃખી થઈ ગયો હતો. એને સમજાતું નહોતું કે, આવું કેમ થઈ રહ્યું હતું. થોડા જ દિવસોમાં એનું સગપણ થઈ ગયું. એ પહેલાં એ થોડી ફોર્મલિટી પુરી કરવા ઓફિસ ગયેલી પણ એની સ્કૂટી લઈને જ ગયેલી. હવે એના લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી પાયલ પોતે વિનયને પણ પોતાના લગ્નમાં આવવાનું આમંત્રણ કાર્ડ આપે છે. જેમ - જેમ એના લગ્નનો દિવસ નજીક આવતો જતો હતો વિનયની બેચેની વધી રહી હતી. એ બધું નજરઅંદાજ કરતો બીજા કામમાં ધ્યાન પરોવવા પ્રયત્ન કરતો રહેતો પણ બધું નિષ્ફળ જતું. વિનયની રાતોની ઊંઘ જાણે હરામ થઇ ગઈ હતી. એને સતત પાયલનો ચહેરો જ દેખાયા કરતો. એને જે રીતે રોજ લેવા અને મુકવા જતો એ સમય તો એના માટે પસાર કરવો સહુથી કઠિન કામ થઈ ગયું હતું. આજે એ જ સમય જેમાં એ ખુશ થઈ જતો એ જ એને સહુથી વધુ પીડા અને દુઃખ આપી રહ્યો હતો.


       પાયલના લગ્નમાં જવાની તો એની હિંમત જ ન ચાલી. એના ઘર સુધી પહોંચીને પણ એ ગળામાં પોતાનો ડૂમો દબાવી, આંખોમાં આંસુ સાથે ત્યાંથી  પાછો વળી ગયો. એ દિવસે તો એ તૂટી જ ગયો અને ત્યાંથી એકાંતમાં જઈને ધ્રુસકે - ધ્રુસકે રડેલો.... ત્યારબાદ તો સમય પસાર થતો રહ્યો પછી એક વર્ષ, બે વર્ષ ..... એમ કરતાં પાંચ વર્ષ પુરા થઈ ગયાં. એ પાયલની યાદોને હૃદયમાં સાચવીને નવા નિત્યકર્મમાં ઢળતો ગયો.


આજે અચાનક પાયલને જોઈને એના હૃદયમાં સંઘરાયેલી યાદો તાજી થઈ ગઈ, જાણે ચારે બાજુ ફૂલોની ફોરમ પ્રસરી રહી, જાણે રંગબેરંગી ફૂલો ખીલી ઉઠ્યાં, કલ્પનાઓના કંઈ કેટલાય પતંગિયા ઊડવા માંડ્યાં, જાણે એનાં હૃદયની છુપી વસંત મઘમઘી ઊઠી.


      જીવનમાં કંઈ કેટલાય સંબંધો એવા રચાય છે કે જેને શબ્દોનો સાથ અને સહવાસ મળતો નથી પરંતુ એ દિલના એકાંત ખૂણે ધરબાયેલા પડ્યા રહે છે,  જે ક્યારેક આનંદની ચરમસીમાએ લઇ જાય છે તો ક્યારેક આંખોમાંથી અસ્ખલિત દરિયો વહાવી દે છે.


                                ✍.... ઉર્વશી."આભા"



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ