વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ઇન્દ્રોડા નેચર પાર્ક ગાંધીનગર

ગાંધીનગર પાસે નવા ગિફ્ટ સિટી રોડ પર આવેલા ઇન્દ્રોડા નેચરપાર્કની મુલાકાત 2019માં લીધી હતી તેનું સંસ્મરણ. હું 20 વર્ષ બાદ ફરીથી ગયો અને જોયું કે સાવ જ નવો થઈ ગયો છે. તે વખતે તો એક અજગર, બે ચાર હરણ અને હરવા ફરવા માટે જંગલ જેવો અસ્તવ્યસ્ત બાગ હતો.

હવે તો અનેક આકર્ષણો ઉમેરાયાં છે. એન્ટ્રી ની 30 રૂ. વ્યક્તિ દીઠ અને કાર ની પણ 30 રૂ. ટિકિટ છે. ટુ વ્હીલરની ઓછી છે. પાર્કિંગ ખુલ્લું, મોટું છે. સુંદર ગેઇટ આપણું સ્વાગત કરે છે.

પાર્ક સવારે 8 થી સાંજે 5.30 ઓક્ટોબર થી ફેબ્રુઆરી અને પછી 6 વાગ્યા સુધી ખુલ્લો હોય છે. 

અંદર પ્રવેશતાં જ ડાયનોસોર પાર્ક આવે છે. 


ગુજરાતના જ નર્મદા તટ, બાલાસિનોર, ઉત્તર ગુજરાતમાંથી મળેલ પ્રાગૈતિહાસિક પદચિન્હો પથ્થરમાં અંકિત હોય તે, ડાયનોસોરનાં ઈંડાં અને દરેક પ્રકારના ડાયનોસોરનાં આબેહૂબ મોડેલ જેવાં કે લાંબી ડોક વાળાં, પીઠ પર કાંટા જેવી કરોડ વાળાં, વિશાળ દાંત, આગળ ખિસકોલી જેવા નાના હાથ વાળાં, વિશાળ પાંખો વાળાં ઉડી શકતાં એમ અનેક પ્રકારનાં  ડાયનોસોર જોયાં.

સાથે દ્વિભાષી તકતીઓમાં સમજૂતી પણ આપેલી.


બીજું આકર્ષણ  હતું બોટનીકલ પાર્ક. દરેક પ્રકારની નાની મોટી વનસ્પતિઓ  જોવા મળી. અદ્ભૂત નજારો હતો.  ફાઈકસ વૃક્ષો એટલે કે વડ, પીપળો ખીજડો વગેરે અને તેની વિવિધ જાતો. કોઈએ કૃષ્ણ વડ જોયો છે? પાનમાં પીળી લાઈનો અને પીપળા જેવાં પાન, સીધું સટ થડ. એવી લીમડા પીપળા જેવાં વૃક્ષોમાં પણ અનેક જાત જોવા મળી. એ વૃક્ષો વચ્ચેનો માર્ગ એકદમ શાંત અને ઘટાદાર લીલા વૃક્ષો વચ્ચે લાલ માટીનો અદ્ભૂત  દેખાય છે.

એ ઉપરાંત વેલવાળી વનસ્પતિઓ જોઈ. અંજીરનું , ઉપર મીનીએચર દાડમ જેવું અંજીર ઉગેલું વૃક્ષ જોયું. આપણે ખાઈએ તે  નાગરવેલનાં પાનની વેલ અને અનેક નાના રોપા જોયા.


ડાયનોસોર પાર્ક વચ્ચે સુંદર કમળ તલાવડી માં લાલ, સફેદ, પીળાં કમળો ખીલેલાં.

માત્ર દક્ષિણભારતના મેનગૃવ માં જ જોવા મળતી વનસ્પતિઓ જોઈ. નીચે મોટા ટેકરી જેવાં મુળો ઉપર સીધો, મોટા પાન વાળો કેવડો પણ જોઈ 'એક કુવા કાંઠે કેવડો જોગમાયા' ગીત યાદ આવ્યું.

ખાખરો અને દ્રાક્ષની જેમ નીચે લટકતાં લાલ તાડફળો વાળું વૃક્ષ જોયું.


એ બધું જોયા પછી ચોથું આકર્ષણ કેક્ટ્સ પાર્ક. થોરની જાતો. અનેક નવી અનેક જૂની.  એ તો આપણે અનેક પ્રદર્શનોમાં જોઈએ છીએ. ફિંડલાનું શરબત ઘણાએ પીધું હશે. ફૂલવાળા થોર કે ડેકોરેટિવ આકારના થોર જોયા. એક તો થડ ફરતે વેલ હોય તેવો વલયો વાળો થોર હતો.


પાંચમું આકર્ષણ બટરફ્લાય પાર્ક. નાનાં મોટાં વિવિધ ડિઝાઇનવાળાં પતંગિયાં. લીલાં, કાળાં અને પાંખ પર ભૂરા કે પીળા કે લાલ ટપકાં વાળાં, ભૂરાં , સામાન્ય કેસરી કે પીળાં  પતંગિયાં અને તે રસ ચૂસી શકે એટલે સુગંધ આપતી વનસ્પતિઓ. લાલ અને સફેદ ચંપા અને કરેણ થી માંડી અનેક.


છઠું આકર્ષણ થોડું ચાલીને. ઝુ. એ પહેલાં એક ચિલ્ડ્રન પાર્ક જેમાં પીવાનું ઠંડુ પાણી અને આરામ કરવા પથ્થરોની જ બેંચો બનાવી છે જ્યાં બેસવાથી જંગલના પથ્થર પર બેઠા જેવી ફીલ આવે. એક રૂમમાં સોવેનિયર વેંચે છે જેમાં ગીરના સિંહ ના ચિત્રવાળાં ટીશર્ટ 400 રૂ. માં સરસ હતાં. કેપ, બ્લેઝર  વગેરે સુંદર વસ્તુઓ મળતી હતી.


ઝુ માં સિંહ, દીપડા,કાળિયાર, હરણ વગેરેનાં પાંજરાં ને બદલે ઓપન મોટમાં સિંહને પગ ઊંચા કરી આડો પડેલો કે દીપડાને જાળી પર પગ રાખી ઉભો જોયો.


સાતમું આકર્ષણ સર્પગૃહ. વિશાળ અજગરો ક્રોસમાં એક બીજા પર પડેલા, એક અજગર ખાધું હશે એટલે વચ્ચેથી પેટ ફુલેલો, એક અજગર માતા બાળ અજગર સાથે જોઈ. બે કોબ્રા સર્પ પૈકી એક સર્પ બીજા ઉપરથી ધીમે ધીમે અટકીને સરકતો હતો. ગાર્ડએ કહ્યું કે તેઓ મેટિંગ કરે છે. બીજો એક કોબ્રા લાબું મોઢું લઈને આવ્યો અને ટટ્ટાર થઈ ફેણ ચડાવી. એકદમ લાંબો ધામણ સર્પ,  અજગર જેવી ડિઝાઇન વાળો રસેલ વાઈપર, પૂરો ચમકતો રુપેરી ખડ નો સાપને એવા નાના મોટા અનેક સર્પ જોયા.


અંતે આઠમું આકર્ષણ પક્ષીગૃહ. મોટા પોપટ, કાકાકૌઆ, લક્કડખોદ, સફેદ મોર, રંગીન બજરંગી પોપટ, વિશાળ કદના રાજપીપળા પોપટ વગેરે જોયાં. બતકોને ગાર્ડે એમના ઘરમાંથી મુક્ત કર્યાં એટલે એક લાઈનમાં 11 બતકો દોડતાં તળાવમાં ભૂસકો મારી તરવા લાગ્યાં. એ જોવાની ખૂબ મઝા આવી.


એક જગ્યાએ હવે ઝુ એન્ડ થાય છે તેવું બોર્ડ જોઈ એક્ઝીટ તરફ બહાર ગયાં.

અહીં ઝુ થી પક્ષીગૃહો સુધી એરો એન્ટ્રી વખતે બતાવેલા છે પણ અંદર ભગવાન ભરોસે. બહારનો રસ્તો ગોતતા રખડયા કરો.

વચ્ચે બાંકડાઓ પર પાંજરાંમાંનાં લવબર્ડ જેવાં માનવ લવબર્ડ બેઠાં હતાં. એક નાજુકડીનાં બાવડાં સૂર્યપ્રકાશમાં ચમકતાં હતાં. સુંદર વાળ ફગફગતા હતા. એ એના વાળા ને કહે 'હું બોરિંગ થાઉં છું'! પેલાએ સુધાર્યું કે બોર થાઉં છું ક્હેવાય  તો કહે 'બોર, જમરૂખ જે કહે એ થાઉં છું. ચાલ બહાર.' આ સાંભળવાની પણ મઝા પડી!!

જોવું હોય તો બને તો સવારે 8 વાગે પહોચી જોવું. ફૂલો અને પાન સોળે કળાએ ખીલ્યાં હોય અને પ્રાણી,પક્ષીઓ પુરા મૂડમાં હોય. બપોરે તેમનાં પિંજરામાં ભરાઈ જાય.

સરખી રીતે જોવામાં 3 કલાક ગણી લેવાના.

આપણે સિંગાપોરનું કે બનેરઘટ્ટટા બેંગલોર નાં ઝુ જોઈએ તો ઘર આંગણે આ પણ જોવા જેવું. સસ્તું ભાડું ને સિદ્ધપુરની યાત્રા!

હવે તો છેક ઇન્દ્રોડા પાર્કના ગેઇટ સુધી મેટ્રો પણ આવવામાં છે. પાટિયાં જોયાં. બહાર નીકળતાં જ સર્વિસલેનમાં ઓનેસ્ટ, પીઝાહટ, મેકડોનાલ્ડ અને અનેક સારાં રેસ્ટોરાં છે.

મને તો ઘર આંગણે આ તીરથ ગમ્યું. ન ગયેલા પણ આ વાંચી જોઈ આવે તો જરૂર તેમને ગમશે.

-સુનીલ અંજારીયા



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ