વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ચંદુ ચાવાલાના “કાનનો કીડો”

શાસ્ત્રીભાઈ, હું ચંપા બોલું છું.

બોલ ચંપા, કેમ ઓચિંતો ફોન કર્યો? બધા મજામાં છેને? અમારા ચંદુના શું સમાચાર છે? હોસ્પિટલમાં આપણે તમારું લિવિંગ વિલ બનાવ્યું પછી મળ્યા જ નથી. તમારું પર્સનલ વિલ બનાવવા તમો એકાઉન્ટન્ટ અને એટર્ની પાસે જવાના હતા તે જઈ આવ્યા.?’

ના  વિલ માટે એટર્ની પાસે નથી ગયા. પણ તમને અને મંગુમોટેલભાઈને લઈને ડિવૉર્સ વકીલ પાસે જવાનું છે.

કેમ એકદમ શું થયું?’

હું તમારા ફ્રેન્ડ સાથે ડિવૉર્સ લેવાની છું. ત્રીસ વાર તલ્લાક બોલી ચૂકી છું. પંણ મીંઢાને અસર જ નથી થતી.

શાસ્ત્રીભાઈ તમે અત્યારેને અત્યારે ઘેર આવો….તમે આવો એટલે સમજાવીશ.

અને ચંપાએ ફોન પર મસાણ પોક મૂકી. મેં કહ્યું, હું હમણાં જ નીકળું છું. હું, ચંદુ અને ચંપા એક જ મહોલ્લાના. ચંદુને એના કરતાં બે વર્ષ મોટી ચંપા સાથે ઈલ્લુ ઈલ્લુ થઈ ગયેલું. બન્ને એક જ જ્ઞાતીના. બન્ને પરિવાર ખમતા આસામી. મા-બાપે એપ્રુવ ની મહોર લગાવી દીધેલી. ક ટાઈમે બન્ને એ ગરબડ કરી નાંખેલી અને શ્રાધ્ધ પક્ષમાં ચંદુનો બેન્ડવાજા સાથે સુરતમાં વરઘોડો કાઢવો પડેલો.  આમતો અમારી ચંપા ખૂબ ઠરેલ. બહોળા પરિવારના કેરેક્ટરસને બેલેન્સમાં રાખતી. એ ફોન પર રડતી હતી. એનો ફોન મૂક્યો અને ચંદુનો ફોન આવ્યો.

સાસ્ટરી આ ટારી બેન ગાન્ડી ઠઈ ગઈ છે. આવીને ટારે ટાં ઠોરા ડિવસ હારુ લઈ જા.ચંપા અમારા મહોલ્લાની જ દીકરી, એટલે મને ભાઈ માનીને રાખડી બાંધે. એ સંબંધે ચંદુ મારા પર બનેવીપણાનો હક જમાવે. એની સાથે ફોન પર માથાકૂટ કરવાનો અર્થ નહિ. મેં કહ્યું હું આવું છું.

હું કપડા બદલું એટલી વારમાં તો મંગુ આવી પહોંચ્યો. શાસ્ત્રીજી, તૈયાર છોને?. આપણે ચંદુને હોસ્પિટલમાં ઠેકાણે પાડવો પડશે.

કેમ શું થયું?’

ચંદુ માધુરીના લફરામાં પડ્યો છે?’

માધુરી દીક્ષિત?’

હોતું હશે? વિદુષીનીની કોલેજની નિવૃત્ત પ્રોફેસર માધુરી, બે વર્ષથી ઉનાળો શરૂ થાય એટલે અમેરિકામાં ગુજરાતી સાહિત્ય પ્રસારણ બહાને રખડવા માટે આવી ચડે. વિદુષીનીએ એક વાર વ્યાવહારિક આમંત્રણ આપેલું કે આવો ત્યારે અમારે ત્યાં રહેજો. અમારા પપ્પાને પણ સાહિત્યમાં રસ છે. બધાને એમ કે એક બે દિવસ રહેશે પણ ગયે વર્ષે પૂરા ત્રણ વીક ખેંચી કાઢેલા. આમ પણ આપણા ચંદુને ત્યાં સાહિત્યકારો, નાટક ચેટકવાળા, કથાકારો, ફંડફાળો ઉઘરાવવાવાળા ના ઉનાળામાં ધામા હોય જ. એક બે દિવસ ઘરે રહે અને રાત્રે સત્સંગનો લાભ મળે.

છેલ્લા બે વર્ષ તો પ્રો.માધુરી સાથે વિદુષીની ફરતી રહી હતી, પણ આ વર્ષે તો વિદુષીની પેરિસ ગઈ છે; એટલે માધુરીના એસ્કોર્ટ બનવાની ફરજ બિચારા ચંદુને નિભાવવી પડે છે. કવિ સંમેલનોમાં ચંદુભાઈ માધુરીની બાજુમાં વિરાજમાન થાય છે. હવે ચંપા એમ માને છે કે આપણો પંચોતેરનો ચંદુ પંચાવનની લાગતી સાંઠ વર્ષની માધુરી પર લટ્ટુ થયો છે. બે દિવસથી ગાયા કરે છે પ્યાર કીયા તો ડરનાઆજે માધુરી એની માસીની દીકરીને ત્યાં ગઈ છે. રાત્રે પાછી આવશે. ઘરમાં ચંદુ અને ચંપા એકલા જ છે. બન્ને બે દિવસથી એકબીજા સાથે બોલતા નથી. અને બોલે તો ભાજપ કોંગ્રેસની ભાષામાં બોલે છે. ચંદુ પ્યાર કીયા તો ડરના ક્યાગાતો ફરે છે અને ચંપાએ અમેરિકન વાઈફની જેમ ડિશો ફેંકવાની શરુ કરી છે. શાસ્ત્રીભાઈ આપણાં ચંદુનું કંઈક તો કરવું પડશે.મંગુએ મને પૂર્વભૂમિકા સમજાવી દીધી.

અમે વાતો કરતાં ચંદુને ત્યાં પહોંચ્યા.

ચંદુ ખૂણા પર બેસીને મેગેઝિન ઉથલાવતો હતો.

ચંપાને મંગુ, ભાભી કહેતો.

ભાભી, વોટ્સ ધ પ્રોબ્લેમ? મામલા ક્યા હૈ? મને તો ચંદુના રોમાન્સની વાતમાં રસ પડે. આ શાસ્ત્રીને પણ વાર્તા લખવા વિષય મળે.

અહિ મારો સંસાર સળગી રહ્યો છે અને તમને મજાક સૂજે છે.ચંપા તાડૂકી

ચંપા વાત શું છે તે માંડીને વાત કર.

શાસ્ત્રીભાઈ, આ તમારો દોસ્ત ઘરડે ધડપણ, માધુરીના મોહમાં પડ્યો છે. પહેલાં માધુરીબહેન કહેતો હતો. હવે મારા દેખતાં જ એને મસ્કા લગાવીને કહે તમારું નામ ભલે માધુરી હોય પણ તમે દેખાવમાં તો અસ્સલ મધુબાલા જેવા જ લાગો છો. તો ચાંપલી કહે, આવું માનવાવાળા તમે એકલા નથી, મારા એક્ષ પણ એવું જ કહેતા હતા. ઘરમાં તો બધા મને માધુરીને બદલે મધુ જ કહે છે. તમે પણ મારા ઘરના જેવા જ છો એટલે તો હું અહિ આવી છું. મને માધુરીને બદલે મધુ જ કહેજો. બસ ભાઈ સાહેબ મધુ મધુ કરતા થઈ ગયા છે. ચંદ્રકાંત ચાવાલા મધુ સાથે બેસીને કાવ્યોનું રસદર્શન શીખે છે. બે દિવસ પહેલાં મિસ્ટર ચાવાલા બંધબારણે મધુ સાથે પ્યાર કીયા તો ડરના ક્યાનું મધુ સાથે રિહર્સલ કરતા હતા. શાસ્ત્રીભાઈ મને તમારે ત્યાં લઈ જાવ અને મંગુભાઈ આ તમારા મધુ મજનુ ને તમારી મોટેલના સ્પેશિયલ રૂમમાં લઈ જાવ. ઘરના છોકરાં વહુવારુઓ અને ગ્રાન્ડકિડસ આગળ તો કંઈ મર્યાદા રહે. આ પ્રોફેસર ક્યાં સૂધી પડી રહેવાની છે તે પણ ખબર નથી. જાય ત્યારે બામણ જમાડીશ. તમારે તો આવવાનું જઅમારીચંપા બહેનીએ ઉકળાટ આક્રોશ ઠાલવ્યો.

ચંદુલાલ હવે તમારે તમારા બચાવમાં શું કહેવું છે?’

યાર સાસ્ટરી, આ માઢુરીબેન ચંપા કરટાં વઢારે ભનેલી અને વઢારે ઈટલેક્છ્યુઅલ કોન્વર્સેશન કરવાવાલી પ્રોફેસર છે. એની પાહે કવિટા મને એના છંડ વિશે ખૂબ જાનવા શીખવા મલે છે. થોરા દિવસમાં ટો મને ઘનુ જાનવા મઈલું જે નોટો જાનટો. અટ્યાર હુધી ટો જીઆરે માઢુરીબેન આવટી તીયારે આપની વિડુષીની એની ટેઇક કૅર કરટી. આપની ફરજ છે કે વિડુષીની નઈ ઓય ટિયારે આપને જ ખિયાલ રાખવો પરે ને? આઈ બિલિવ ઇન હંબલ હોસ્પિટાલિટી. અઠિતિ દેવો ભવ.

ચંદુભાઈ કાવ્યોના છંદ-કુછંદ શીખો એને બદલે મારી સાથે ભલે શુદ્ધ નહિ તો સરખું ગુજરાતી બોલતા તો શીખો! એ પોફેસર સાથે તમે સુરતી બોલો છો?’ મારે ચંપાનો પક્ષ લેવો પડ્યો.

નોપ્પ. ઓન્લી વીથ યુ ડિયર શાસ્ત્રીજી. સાલો જેવો તમારો વિચાર કરું એટલે મને સુરતનો નકશો દેખાય છે. અને સુરતી જ શરૂ થઈ જાય છે.

અરે ભલા માણસ, હવે તો સુરત અને સુરતની સુરત બદલાઈ ગઈ છે. નકશો બદલાઈ ગયો છે. આપણે વર્ષોથી અમેરિકામાં પડ્યા રહ્યા છીએ. મારી સાથે સારું ગુજરાતી બોલવા માંડો ને!

એઈ ચંદુ, આ ભાભી કહે છે તે બંધ બારણે મધુ સાથે પ્યાર કીયા તો ડરના ક્યા ના રિહલ્સલની શું વાત છે.મંગુએ સીધો જ પથરો માર્યો.

મંગુ, વાતમાં કંઈ દમ નથી. મધુને હંમેશા આગલી રાત્રે બીજા દિવસના લેક્ચરની તૈયારી કરવાની ટેવ છે. મધુ માત્ર ગુજરાતી કવિના જ નહિ પણ ફિલ્મી ગીતોના પણ રસદર્શન સરસ રીતે રજુ કરે છે. શકિલ બદાયૂંની સાહેબની વાત નીકળી. એના પરથી શીશ મહેલના સેટ અને પ્યાર કિયા તો ડરના ક્યા ગીતની વાત પર પહોંચ્યા. પાંત્રીસ ફૂટ ઊંચો એકસો પચાસ બાય એંસી ફૂટનો શીશ મહેલ એક મિલિયનનો થયો હતો. પ્યાર કિયા તો ડરના ક્યા નો શબ્દદેહ નૌસાદ સાહેબની અગાસીમાં આખી રાતના બ્રેઇનસ્ટોરર્મિંગ પછી ફાયનલ થયો હતો. ઉત્તર પ્રદેશના લોક ગીત પ્રેમ કિયા, ક્યા ચોરી કરી હૈઉપરથી શકિલ સાહેબે આ રચના કરી હતી. તે જમાનામાં રીવરબરેશન (reverberation) માટેની ટેક્નોલોજી ડેવ્લોપ નહોતી થઈ. મજાની વાત તો એ કે એ ઈફેક્ટ લાવવા નૌશાદ સાહેબે લતામંગેશકરનું આ સોંગનું રેકોર્ડિંગ બાથરૂમમાં કર્યું હતું. અમે આ બધી વાતો કરતાં હતાં ત્યારે અમારે ત્યાંનો એક બાબલો તોફાને ચઢી, રૂમમાં દોડાદોડી અને ઘાંટાઘાંટ કરતો હતો.  બિચારી મધુ એ સોંગ રિપિટ કરી કરીને, એ સોંગના રસદર્શનની નોટ્સ તૈયાર કરતી હતી. એટલે મેં ડોર બંધ કરીને લોક કર્યું. મેં એ સોંગ વારંવાર સાંભળ્યું યે મગજમાં ઘૂસી ગયું છે. હવે એ નીકળતું જ નથી. જરા મારા બાથરૂમમાં શાવર લેતાં લેતાં રિવર્બરેશન ઈફેક્ટ જોવા બેત્રણ વાર મેં એ ગીત જરા મોટેથી ગાઈ જોયું. સાલું બરાબર ગુંજે છે.

ચંપાને રસ પડ્યો. શાસ્ત્રીભાઈ, આ રિવર બળવાની શું બલા છે?’ ચંદુને બદલે એણે એ સવાલ મને પૂછ્યો.

મૂળ અવાજ બંધ થઈ જાય પણ એનો ગુંજારવ કે પડઘો ચાલુ રહે. રેકોર્ડિગ સ્ટુડિયોમાં અને સાઉન્ડ સિસ્ટિમમાં એની સસ્ટેઇનની સગવડ હોય છે.મેં મારી અલ્પ આવડત પ્રમાણે સરળ ભાષામાં ચંપાને સમજાવ્યું.

ચંપા ફરી ઉકળી. હા હા હાબંધ બારણે પ્યાર કીયા તે બે દિવસ સુધી રિવર્બરેશન ચાલ્યું અને બાથરૂમ સુધી પહોંચ્યુ. સારું છે કે મધુ પાંત્રીસની નથી નહિ તો નવ માસ  સુધી સાઉન્ડ ઈફેક્ટ ચાલશે.

શાસ્ત્રી, આ મારી ચંપારાણી કંઇ સમજાવો.

જૂઓ દોસ્તો, આવો જ પ્રોબ્લેમ મને પણ નડે છે. હું મારા બ્લોગમાં એક જ રાગના અનેક કિલ્મી ગીતો મુકું છું. સાથે ક્લાસિકલ કંઠ અને વાદ્ય સંગીત પણ પોસ્ટ કરું છું. એક રાગનો આર્ટિકલ તૈયાર કરતાં સતત એક જ રાગ અઢાર-વીશ કલાક ઘૂંટાય છે અને કોઈ ગીતની એકાદ કળી મગજમાં એવી તો ઘૂસી જાય છે કે કેટલીક વાર તો દશ પંદર દિવસ સૂધી એ જ ગૂજ્યા કરે છે. આને અંગ્રેજીમાં સરળ ભાષામાં Earworm  કહે છે. મગજમાં એકાદ ગીતની કળી ચીપકી જાય તો જેમ જેમ ઉખાડવા પ્રયાસ કરીયે તેમ તેમ વધુને વધુ ચોંટતી જાય. મગજમાં એ જ રિપિટ થયા કરે. જેમ્સ કેલ્લારિસના સંશોધન પ્રમાણે દુનીયાના ૯૮% લોકોને આ અસર રહે છે. હું અને ચંદુભાઈ એકલા નથી. આ ગીતની ધૂન લાંબી નથી હોતી. માત્ર પંદર કે વધુમાં વધુ ત્રીસ સેકંડની લાઈનની જ હોય છે. ક્રોસવર્ડ પઝલ કે સુડોકુ પઝલ કે રસ પડે એવા બીજા વાંચનમાં પડી જાવ તો એ ઘૂસેલો કીડો ક્યારે નીકળી જાય એ પણ ખબર ના પડે.

ચંપા, અમારા ચંદુના મગજમાં મધુ નામનો કીડો નથી. મ્યુઝિક કાનકીડો જ છે ઈયરવોર્મ. બ્રેઈનવોર્મ. સ્ટક સોંગ સિન્ડ્રોમ, ઈન્વોલેન્ટરી મ્યુઝિકલ ઇમેજરી કહેવાય છે.

શાસ્ત્રી ભાઈ, હવે ઉમ્મર થઈ. ઈયરવૉર્મ જ હોય તો એના ભેજામાં કેમ કોઈ દિવસ ઓમ નમઃશિવાયનો કીડો ઘૂસતો નથી? શાસ્ત્રીભાઈ તમે ગમે તે કહો, મારી ડિક્ષનરીમાં મધુ એટલે ચંદ્રકાંત ચાવાલાના ભેજામાં ભરાયલો માધુરીકીડો જ છે. ઈન્ડિયામાં અનાજમાં કીડા કિલ્લા પડતા ત્યારે એ અનાજ અમે તડકે મૂકતાં હવે મારે તમારા બેસ્ટ ફ્રેન્ડને કાયમને માટે તડકે મૂકવા પડશે. કાલે મારી સાથે એટર્નીને ત્યાં આવજો

મેં વાતને વળાંક આપ્યો. ચંપા, ડિક્ષનરીની વાત કરે છે ત્યારે હમણાં સોસિયલ મિડિયામાં શબ્દ સાહિત્ય પર ઘણીચર્ચાઓ થાય છે. તો એક શબ્દના અનેક અર્થો અને રૂઢી પ્રયોગોની વાત થાય છે. ગુજરાતી લેક્સિકોનમાં કેટલાક અર્થો જાણવા જેવા છે. કીડો એટલે કોઈ પણ પ્રકારનું નાનું મોટું જંતુ, હોશિયાર, નિષ્ણાત, કોઈ વાત કે વસ્તુમાં પાવરધું કે રચ્યુંપચ્યું હોય તે. જેમ કે, કાયદાનો કીડો, અજંપો; ફિકર; ચિંતા, ઇંટો કે નળિયા પકવતાં પીગળીને ગઠ્ઠો થઈ ગયેલી માટીને અને બળી-પીગળીને ઠરેલો કોઈ પણ કચરાને પણ કીડો કહેવાય છે, ધાતુના પદાર્થો, ઘણા તાપથી રસરૂપ થઈ બંધાઈ જાય છે તે એમાલ્ગમને પણ દેશી ભાષામાં કારીગરો કીડો કહે છે, બાવળના લાકડાનો ગાંઠવાળો કકડાને પણ કીડો કહે છે,’

હું ચંપાને કીડા જ્ઞાન આપતો હતો અને ચંદુના ફોનનો લાઉડ રિંગટોન ગાજ્યો પ્યાર કીયાતો ડરના ક્યા”…”

વૅઇટ…’

હાય મધુ! ક્યારે આવે છે? લેવા આવું?…..ઓહ! વી આર ગોઇંગ ટુ મીસ યોર પ્લેઝન્ટ કંપની.

મંગુ તારી ભાભી ને કહી દે કે મધુ હવે એની માસીની દીકરીને ત્યાં જ રહેવાની છે. મારો પ્યાર કીયા નો ઇયર વૉર્મ ક્યારે નીકળશે એ તો મને ખબર નથી, પણ ચંપાનો બ્રેઇન કીડો હવે પાછો ઘરમાં નથી આવવાનો. મારા પેટમાંના કીડાઓ ભૂખમરો ભોગવે છે. એન્ડ સાસ્ટરી લેટ મી ટેલ યુ વન થીંગ. યુ આર મોસ્ટ બોરિંગ કીડો.ચંપાને કહે કે આજે સાંજે ઘરમાં જ લાઈવ પાણીપૂરીનો પ્રોગ્રામ રાખ્યો હતો તે મધુને બદલે તારી અને મંગુ સાથે જ પતાવવો પડશે.

અને અચાનકજ અમારા ભેજામાં મધુને બદલે પાણીપૂરી પાણીપૂરી પાણીપૂરીનો ઇયરવૉર્મ રીપીટ થવા લાગ્યો.

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ