વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ચંદુયાન અને રોહિણી

ગયા સપ્ટેંબર મહિનાની ચૌદર્મી તારીખે વહેલી સવારે ચંદુ ચાવાલાનો ફોન આવ્યો.

સાસટ્રી, આજઠી ટારે રોજ મારે ટાં જમ્મવા આવવાનું છે.

મેં પુછ્યું, ‘કેમ રોજ, રોજ શું છે?’

ટુ બામન છે ને એટલી પન ખબર નઠી? કેલેન્ડરમાં જૂએ છે કે નૈ? આજથી હરાઢીયા ચાલુ ઠાય છે.

ડર વરસે ટો એક બામનના પોયરાને બુક કરાવી રાખેલો. રોજ આવીને જમી જટો. ને રોજના પાંચ ડોલર ડખણાં લઈ જટો. હવે એ પોઈરો હાઈસ્કુલમાંગીયો એટલે નખરા કરટો થઈ ગયો. ડિકરાને રોજના પચ્ચીહ ડોલર ડખના જોઈએ છે અને કે છે; રોજને રોજ લારવા, ડૂઢભાટ, મગજ, ડેસી દાલભાટ નઠી ભાવટા. એને સાલાને હરાઢીયામાં પંજાબી, ઈટાલિયન, મેક્સીકન, ચાઈનિસ, ઠાઈ ફૂડ જોઈએ છે. ચંપાએ એને ફાયર કરી ડીધો. બામન ને આપના ડોહાઓ જે ખાટા તે જ ખવરાવાય. મેં ચંપાને કીઢું એના કરટાં સાસ્ટ્રીને જ બોલાવીએ ટો કેમ. ચોખ્ખો બામન છે. ઈન્ડા પન ખાટો નઠી, અને ડારુ પન પીટો નઠી.

સોરી ચંદુભાઈ હું પણ બગડેલો બ્રાહ્મણ છું. તમારે માટે નકામો. હું રેશનાલિસ્ટ નથી પણ અમુક રિવાજોમાં માનતો નથી. મારે ત્યાં શ્રાદ્ધ પક્ષમાં માત્ર એક દિવસ સદ્ગત વડીલોને યાદો તાજી કરીને માનસિક તર્પણ કરીયે, વડીલોની સ્મૃતિને વાગોળીએ અને દૂધપાક પૂરી ખાઈને જલસા કરી લઈએ છીએ. બ્રાહ્મણ, ગાય, કુતરા, કાગડાની વાત છોડો. અમેરિકામાં એવું કોઈ રખડતું ઢોર મળવાનું નથી. તમે ખાઈ પીને વડીલોએ તમારે માટે જે કાંઈ કર્યું હોય એને યાદ કરો; અને જો ધર્મને નામે કોઈને ખવડાવવું હોય તો, અનાથ ગરીબ બાળકો કે વૃદ્ધોને ભોજન પુરું પાડતી હોય એવી કોઈ સંસ્થાને ભારતમાં બસો પાંચસો દાન કરો.

ચાલ ટારે મરઘે હવાર. પન કાલે રવિવાર છે. બઢા દોસ્ટારને બોલાવેલા છે. હાથે બેહીને જલ્સા કરીશું. મને હમના હમના બૌ ફની ડ્રીમ આવે છે. મારે ટારી હાથે ને આપના વિડવાન ડોસ્ટ ડાક્ટર કેડારને અને મંગાને પન બોલાવેલો છે.

આમ પણ અમે મહિનામાં એક બે વાર ભેગા થતાં જ હોઈએ છે. રવિવારે સાંજે અમારો ડાયરો ચંદુભાઈનેત્યાં જામ્યો હતો. મેં આ પહેલાં પણ જણાવ્યું હતું કે અમારા ચંદુભાઈ અને ચંપાવતીએ લગ્ન પહેલાં જ થોડી ગરબડ કરી નાંખેલી એટલે ન છૂટકે ડોહાઓએ કમને પણ શ્રાદ્ધ પક્ષમાં ચંદુને ઘોડે ચઢાવી દીધેલો. એ યાદમાં ગમેતે એક દિવસે એન્નીવર્સરીમાં કેઈક મેમોરિયલ થઈ જતું.

હું ચંદુને ત્યાં ગયો ત્યારે ચાળીસ પચાસ નાના મોટા માણસો ભેગાં થયાં હતાં. ગપ્પા મારતા હતા.

મેં પુછ્યુંચંદુભાઈ તમારા ડ્રીમની વાત શું છે?’

સાસ્ટ્રી, મારે નઠી કેવી.

શાસ્ત્રીજી ચંદુએ મને ફોન પર વાત કરી છે.મંગુએ કહ્યું. બસ પછી તો મંગુએ પેટ પકડીને ખડખડાટ હસવા માંડ્યુ. અટકે જ નહીં. કપિલ શર્મા શોમાં પેલો કીકુ શારદા તો જૉક કહ્યા પછી ગાંડાની જેમ હસે; પણ મંગુએ તો ચંદુની વાત કહેતાં પહેલાં જ મોટે મોટેથી હસવા માંડ્યું. આંખ નાકમાંથી પાણી નીકળતા થઈ ગયા. જેમ તેમ કરતાં અટક્યો.

સામાન્ય રીતે ગંભીર રહેતા અમારા મિત્ર, ડોક્ટર કેદારે કહ્યુંમંગુભાઈ, મામલો શું છે? જરા અમને કહો તો અમે પણ લાફિંગ ક્લબમાં જોડાઈ જઈએ. અમારા ફેફસાને પણ એક્સર્સાઈઝ મળે.

ચંદુ સામે આંગળી કરીને કહ્યું; ‘આપણા સુપર સ્ટાર, ચંદ્રકાંત ચાવાલા ગયા’, એણે પાછું  ખડખડાટ હસવા માંડ્યું.

ચંદુભાઈ ચિઢાયા.વાતમાં કાઈ દમ નથી ખાલી પીલી, ખોટું હસે છે.

મંગુએ ગ્લાસમાંનો બિયર પુરો કર્યો.ઑકૅ. ઑકૅ. છેલ્લા પંદર દિવસથી જ્યારે ચંદુ બપોરનો નેપ લે છે ત્યારે રોજ જ એકનું એક ડ્રીમ રીપીટ થાય છે. એ ડ્રીમ એને એટલું ગમે છે કે ઊંઘ ન આવતી હોય તો પણ શેડ બંધ કરીને સ્વપનું લાવવાને માટે ગોદડું ઓઢીને સૂઈ જાય છે; અને પાછું જોવા માંડે છે.

ના ના એવું નથી. મંગુને મસાલો નાંખીને વાત વધારવાની કુટેવ છે.વાત ચાલતી હતી અને મહિલા મંડળ પણ આવી ચઢ્યૂં. ચંપાએ પુછ્યુંમંગુભાઈ, એમના સ્વપનાની એવી તે કેવી વાત છે કે એમણે તમને કહી અને મને ના કહી?’

મંગુએ વાત કહેતાં પહેલાં હસવા માંડ્યું. અમારા કરસનદાદાએ બરાડો પાડ્યો.મંગા, પહેલાં વાત ભસ અને પછી હસજે. જો અમને હસવા જેવું લાગશે તો જ અમે હસીશું.

વાતાવરણ શાંત થયું.

ચંપા, તારા હબીને રોજ ફની સ્વપનું આવે છે. મોદીજી એને માટે ખાસ ચાર્ટર પ્લેઇન મોકલે છે. એમાં એ બેંગલોર ઈસરો સેંટર પર જાય છે. આ ૨૦૧૯ નથી પણ ૨૦૨૪ની સાલ છે.

ચંદ્રયાન-૩ની પુરી તૈયારી થઈ ગઈ છે.  રોકેટ ફાયર થવાનું કાઉન્ટ ડાઉન ગણાય છે. જાપાનની સ્પેસ એજન્સીએ મોકલેલું લુનાર રોવર અને લેંડર પણ ગોઠવાઈ ગયું છે.

મોનિટર કન્ટ્રોલ લેબમાં મોદીજી બેઠા છે. આપણા ચંદુભાઈ બાઘા મારે છે. એમની આજુબાજુ સ્પેસ સાઈન્ટિસ્ટોનું ટોળું છે.

મોદીજી ચંદુભાઈને કહે છે.શ્રી ચંદ્રકાંતજી, આ એક સિક્રેટ મિશન છે. દુનિયાને એટલી જ ખબર છે કે આપણે ચંદ્રની સાઉથ પોલનો જ અભ્યાસ કરવાના છીએ. પાણી છે કે નહિ અને ત્યાંની અંધારી રાત્રે રોવર સાથે કેમ ભટકવું અને નવું શોધવું એ મિશન છે. અમેરિકા કે બીજા દેશના લોકોને ચંદ્ર પર રહેવા જવાનો રસ હોય એમ લાગતું નથી. પણ આપણે તો ત્યાં વસાહત ઉભી કરવી જ છે. નાસા સાથે ખાનગી સમજૂતી થઈ છે કે સૌથી પહેલાં એક ઈંડિયન અમેરિકન સિટીઝનને કાયમને માટે ચંદ્ર પર રહેવા મોકલવા છે. એમાં મારી ભલામણથી તમારું સિલેક્શન થયું છે. તમારા જન્માક્ષર મેચ થયા છે. તમારું નામ પણ ચંદ્રકાંત છે. ચંદ્રપતિ છો. તમે ગુજરાતી છો. તમે મારી જ્ઞાતીના છો. અને મારી જેમ ચાવાલા પણ છો. તમે બત્રીસ લક્ષણા છો. તમારે ચંદ્ર પર જવાનું છે અને કાયમને માટે ત્યાં જ રહેવાનું છે. ત્યાં તમારે નવો સંસાર માંડી નવું આર્યાવત સર્જવાનું છે.

તમે તો ઈંટેલિજંટ છે એટલે તમને ખબર તો હશે જ કે સૌથી પહેલાં એપોલો ૧૧ માં નીલ આર્મ્સ્ટ્રોંગ અને એડવીન બઝે, એકવીશ કલાક અને એકત્રીસ મિનિટ (૨૧ક-૩૧મિ) ચંદ્ર પર ગાળી હતી, ત્યાર પછી અમેરિકાએ એપોલો ઉડાવી ઉડાવીને કુલ બાર (૧૨) જણાને ચંદ્રની ધરતી પર ઉતાર્યા હતા. છેલ્લે ડિસેમ્બર ૧૯૭૨માં એપોલો ૧૭માં યુજીન અને હેરિસન ચંદ્ર પર ઉતર્યા અને તેઓ ચંદ્ર પર ૩ દિવસ ૨ કલાક ૫૯ મિનિટ ગાળી હતી. એટલે કે લગભગ ૭૫ કલાક. પણ એ લોકોને ચંદ્ર પર ન ગમ્યું એટલે પાછા નાસી આવ્યા. તમારે તો ત્યાં જ રહેવાનું છે. અત્યારે તમને એનું કારણ કહેતો નથી

તમે પૃથ્વી પરથી ગયેલા ચંદ્ર પરના પહેલા વસાહતી આદી માનવ ગણાશો. ઈસરો અને જાપાનીસ સ્પેસ એજન્સી JAXA બનાવેલું લુનાર રોવર અને લેંડર એના પ્રોગ્રામ પ્રમાણે એનું કામ કરશે. અને સ્પેસક્રાટ પાછું આવશે. તમને ત્યાં બધે ગોલ્ફ કાર્ટ જેવું રોવર મળશે. અમે તમને પાણીપુરી સહિતની જીવન જરૂરિયાત માટેની બધી વસ્તુઓ પહોંચાડીશું.

આમ કહીને મોદીજીએ ચંદુભાઈને બે મિનિટ પિસ્તાળી સેકંડનું ગાઢ આલિંગન આપ્યું. મોદીજી હગ કરવાનો રેકોર્ડ ધરાવે છે. એની છપ્પનની છાતી જેને વળગે તે વ્યક્તિ મોદીજીનો ભક્ત બની જાય.

આલિંગન પછી ઈસરોના માણસોએ ચંદુભાઈને સ્પેસ સૂટ પહેરાવીને H3 રોકેટમાં ધકેલી દીધા.

મંગા, આમાં તને હસવા જેવું શું લાગ્યું?’ કરસનદાદા મંગુ મોટેલ પર ખિજવાયા.

કેદારે પણ કહ્યું કેચંદુભાઈએ ચંદ્રયાન-૩ ની માહિતી વાંચી હશે તે સ્વપનામાં આવતી હશે. એમણે જે જોયું તે હકિકતમાં સાચું જ છે. એપોલો ૧૧ અને ૧૭ની માહિતી પણ સાચી જ છે. ચંદુભાઈ, તમારા સ્વપનાની વાતે બધાને કેટલીક વાત જાણવા મળી. એ વાત પણ સાચી છે કે જાપાન સાથે લુનાર રોવર અને લેંડરનો સહયોગ છે. ઈટ્સ એજ્યુકેશનલ ડ્રીમ. કોંગ્રેચ્યુલેશન ચંદુભાઈ. આવા રિકરિંગ ડ્રીમ અમુક વખત રીપીટ થાય અને પછી આપોઆપ બંધ થઈ જાય. આમાં ચંદુભાઈ એકલા નથી લાખ્ખો લોકોને આવા રીકરિન્ગ ડ્રીમ આવતા હોય છે. તમારા જીવનમાં ઊંડે ઊંડે એવું કંઈક છે જેને તમે સ્વીકાર્યું નથી અથવા તો કોઈ અશક્ય મહેચ્છાને બહાર આવવા નથી દીધી તે સ્વપ્ન દ્વારા જાગૃત થાય છે. સફળતા પૂર્વક ભણેલા એજ્યુકેટેડ માણસને પણ એવાં સ્વપના આવે છે કે એ  એક્ઝામ આપવા જાય છે અને કાંઈ યાદ આવતું નથી.  ઈન્ટરનલફોબિયા જાગ્ર્ત થાય છે. કોઈક હવામાં ઊડે છે તો કોઈક જાહેરમાં કપડા વગર ફરે છે.  વ્યક્તિ સાથેના સારા માઠા પ્રસંગોમાં વાસ્તવમાં ન બન્યા હોય તે બનતા દેખાય છે. બીક લાગે એવા સ્વપના આવે છે. જાગ્રૂત થતાં એ વિખેરાઈ જાય છે. બધા જ સ્વપના આપણને યાદ રહેતાં નથી. ઊંઘવાના સમય અને ઊંગતા પહેલાં કોઈ બીજા જ વિષયના વિચારમાં ચિત્ત પરોવો તો એકની એક વાત પુનરાવર્તિત થતી અટકે છે. જો એ બોધર કરે તો સાયકોલોજીસ્ટને મળવું જરૂરી છે. પણ મને નથી લાગતું કે ચંદુભાઈને કોઈ માનસિક પ્રોબ્કેમ છે અને સાઇકિયાટ્રિકને મળવું પડે.કેદારે રિકરિંગ ડ્રીમ વિશે માહિતી આપી. આમાં હસવા જેવું અમને લાગ્યું જ નહિ.

ના ડોક્ટર સાહેબ, તમે આખી વાત સાંભળી જ નથી. ચંદુ તું બધાને જાતે કહે છે કે પછી તે જે મને કહ્યું છે તે બધાને હું જ કહી સંભળાઉં?’

મંગા, મારી મોટી ભૂલ કે મેં મારા ડ્રીમ્સની વાત તને કરી. હું શાસ્ત્રીને વાત કરવાનો હતો અને ભૂલમાં તારો નંબર લાગી ગયો. મેં થોડી વાત કરી. તે મૂગા રહીને સાંભળ્યા કર્યું. બદમાશ ભસ્યો પણ નહિ કે હું મંગો છું. શાસ્ત્રી નથી. સ્વપનું પુરું થયું. હવે આગળ કહેવા જેવું કશું જ નથી.

અરે દોસ્તો સાંભળવા જેવું તો હવે જ છે.મંગુ મૂડમાં હતો

ચંદુનું ડ્રીમ પાર્ટ ટુ.

ચંદુભાઈનું H3 રોકેટ ઊડ્યું. આપણી પૃથ્વીની એક બે પ્રદક્ષિણા કરીને પૃથ્વીના ગુરુત્વાક્ક્ષણની બહાર નીકળી ગયું. ઈસરો કમાન સેંટરમાંથી સિગ્નલ અને સૂચના આવતા હતા. રોકેટમાં ચંદુભાઈના પગ ફ્લોરપર રહેતા ન હતા. અધ્ધર ઊંધા ચત્તા થતા હતા. હવે હું ચંદુભાઈએ મને ફોન પર જે વાત કરી તે એના શબ્દોમાં જ કહીશ.

શાસ્ટ્રી, ટુ આ વાટ કોઈને કે ટો નૈ.

મોડીસાહેબે મારે હારુ પ્લેન મોકલેલું ટ્યારે મેં ખાઢેલું પન નૈ. ભૂખ લાગેલી. પેટમાં કડાકા બોલે ને રોકેટના કડાકા બોલે. રોકેટ ના બઢા ભાગ છૂટા પડતા ગૈલા. છેલ્લે બે પાંખવારૂ કેપ્સ્યુઅલ જેવું જ ઊડતું હતું. મેં ટો જોરથી બુમ પારી, ચંપા ખાવાનું આપ. પણ ચંપા થોરી ખાવાનું આપ્પાની ઉતી. ઍતલામાં એક ખૂનામાંથી એક બ્યુટિફુલ જાપાનીસ લેડી નીકલી.સર તમારે માતે અત્યારે ચહા અને બે સમોસા તૈયાર છે.એ બ્યુતીને અરકવા ગયો તો બોલી સર, હું રિયલ નથી પણ રોબોટિક વૈઇટ્રેસ છું. નો ટચી ટચી. સુનિટા વિલિયમ્સની જેમ મેં પણ સમાસા ખાઈ લીઢા.  સોફ્ટ લેંડિંગ થઈ ગયું.

પેલી રોબોટ મને પિટાંબર, નાઈસ ખેસ, બે ટન હાર, હાથના ડાયમંડના ઘરેના અને માઠાનો મુગટ આપી ગઈ. હું એ પહેરીને બાર નિકલ્યો ટો દૂર મોટો મહેલ હટો, પાસે ગના બધા ઘોડા વારો રથ હતો. રથમાં બેસીને હું મહેલ પાસે ઉતર્યો. એતલે તરત ઐશ્વર્યારાય કરટાં પન સો ગની બ્યુટિફુલ લેડિઝ મારી આજુબાજું આવી ગઈ. બધીએ પોત પોતાની ઓલખાન આપવા માંડી.

મંગા, ભલે તું ચંદુની વાત કરે છે પન એની તોતડી સુરતી બોલી બોલવાનું બંધ કર અને સીધી વાત કર. સુરતી બોલી તારે મોંએ ના શોભે. ત્રાસ લાગે છે.  કેદારે એને ટોંક્યો.

એક પછી એક સુંદરી ઓ આવી.

ઓ અમારા કાંત, ઓ અમારા બીલવેડ હસબંડ ચંદ્રકાંત, હું અશ્વિની, હું ભરણી, હું કૃત્તિકા, હું મૃગશિર, હું આર્દ્રા, હું પુનર્વસુ, હું પુષ્ય, હું અશ્લેષા, હું મઘા, હું પૂર્વાફાલ્ગુની, હું ઉત્તરાફાલ્ગુની, હું હસ્ત, હું ચિત્રા, હું સ્વાતિ, હું વિશાખા, હું અનુરાધા, હું જ્યેષ્ઠા, હું મૂલા, હું પૂર્વાષાઢા, હું ઉત્તરાષાઢા, હું શ્રવણ, હું ધનિષ્ઠા, હું શતભિષા, હું પૂર્વાભાદ્રપદા, હું ઉત્તરાભાદ્વપદા, હું રેવતી. અમે તમારી પત્નીઓ છીએ તામારી સાથે રતિ રમણ કરવા અમે તલપી રહ્યા છીએ.

ચંદુભાઈને તો જન્નતની એકવીસ હૂરને બદલે છવ્વીશ અપ્સરા મળી. પણ ચંદુભાઈ બીજી કોઈ ખાસને ખોળતા હતા. મોસ્ટ બ્યુટિફુલ, મારી ફેવરિટ ક્વીન રોહિણી, ક્યાં છે? ચંદુ રોહિણી, રોહિણી, રોહિણી બુમ પાડતો હતો.

અને મહેલમાંથી એક સુપર ડુપર બ્યુટિફુલ ગર્લ લચકતી ચાલે આવી, ચંદુ પાણી પાણી થઈ ગયો. ઓહ માય રોહિણી. રોહિણી ચંદુને વળગે તે પહેલાં જ કબાબમાં હડ્ડીની જેમ એનો ફાધર ઈન લો, દક્ષ પ્રજાપતિ ગુસ્સે થતા ચંદુ પાસે આવ્યો.

ચંદુડા, એકલી રોહિણી જ નહિ મારી  બધી દીકરીઓને ઈક્વલ ટાઈમ, લવ અને એટેન્શન આપજે. હવે જો સરખો નહિ મરે તો શ્રાપ આપીને તને ફરી પાછો તારી ચંપુડી પાસે મોકલી આપીશ.

ચંદુએ કહ્યું, ના ના, પિતાજી. હવે કોઈ શ્રાપ આપશો નહિ. મને આ બધી જ ચાલશે. બધીને હું સાચવીશ. મારે ચંપા પાસે હવે નથી જવું. હું બધીને પ્રેમ કરીશ. અને બિચારાનું સ્વપ્ન પુરું થયું. હા હાહા. ચંદુ ચંપાની પાસે પાછો ફેંકાઈ ગયો. મંગુ તાળી પાડી ને હાહા કરતો હતો. બધા હસતા હતા. મંગુએ વાત પૂરી કરી.  બિચારા ચંદુએ  મને ફોન કરવાને બદલે ભૂલથી મંગુ મોટેલને ફોન કરી દીધો અને હાહાનું કારણ બન્યો.

હંમ, ચંપા નથી જોઈતી એમને? હંમ કરીને જ્યારે ચંપા ઊંડો શ્વાસ લે ત્યારે સમજવું કે ચંદુનું આવી બન્યું.

માઈ હબી, માઈ ડિયર ચંદ્રકાંત ચાવાલા ફાધર ઈન લો મિસ્ટર દક્ષ પ્રજાપતિએ ઉંચકીને એમના હોંચી હોંચી કરતા ઘોડા પર અવળા બેસાડીને મોકલી આપ્યા કે શ્રી મોદીજીએ ઈસરોમાંથી સ્પેશિયલ રોકેટ મોકલ્યું હતું.  હવે સમજાયું કે રાત્રે અને બપોરે રોહિની રોહિની કેમ લવતો હતો! આજે હમણાં તારી ધોલાઈ નહિ કરું. રાત્રે તારી વાત છે.

અમે બેઠા હતાં ત્યાં બધી લાઈટ ડીમ થઈ ગઈ. ચંપા એક મોટી કેઈક લઈ આવી. મારી સામે ગોઠવી દીધી. એના પર લખ્યું હતું “ HAPPY 80Th BIRTHDAY SHAASTRIJI” મેં ધાર્યું ન હતું કે મારા મિત્રો મારી બર્થ ડે ઉજવશે. હું થેંક્યુ સિવાય કશું બોલી ન શક્યો.

એ પંદરમી સપ્ટેંબર હતી.

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ