વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

એક મુઠ્ઠી સીંગ અને ચણાની...

"એક મુઠ્ઠી સીંગ અને ચણાની... "

   સાતમા ધોરણમાં અભ્યાસ કરતી સીમા, પોતાની બે સહેલીઓ સાથે સ્કૂલેથી ઘર તરફ ચાલીને જઈ રહી હતી. સમય લગભગ સવારે અગિયાર વાગ્યાનો હતો. ઘર અને સ્કુલ બહુ દૂર નહોતા, એટલે ત્રણેય સહેલીઓ સાથે મળીને ચાલીને જ ઘરે જતી હતી. એ બહાને થોડો મસ્તી મજાક નો એકસ્ટ્રા સમય મળતો હતો. 'કુછ એકસ્ટ્રા મિલતા હૈ તો અચ્છા લગતા હૈ'એમ ચાલતાં ચાલતાં, અવનવી વાતો કરી કંઈક નવું જાણવાની કોશિશ કરતાં હતાં. 

 રોજનાં રૂટીન મુજબ પહેલા રીનાનું ઘર આવ્યું એટલે " ચાલો બાય, કાલે મળીયે-" કહેતી રીના ઘરમાં જતી રહી. બે જ મીનીટ ચાલીને મીનાનું ઘર આવતાં એ પણ "બાય બાય,"કહીને છુટી પડી. હવે સીમા એકલી  પોતાની મસ્તીમાં ચાલી રહી હતી. ત્યાંજ પાછળથી એકદમ ધીમો અવાજ સંભળાયો, "તમે મારૂં એક કામ કરશો?" સીમા એ પહેલાં તો આજુબાજુ નજર કરી પણ કોઈ ન દેખાતાં પાછળ જોયું. 

નિસ્તેજ અજાણ્યો ચહેરો, ઊંડી ઉતરી ગયેલી આંખો, કપાળે ત્રણ ઢીમચા, આંખ નીચે અને હાથ પર લીલા ચકામાં, ધ્રુજતા પગ અને જરાક વધારે હવા આવે તો પણ પડી જાય એટલું નબળું એક સ્ત્રી શરીર દિવાલનાં ટેકે ઉભા રહેવાની નિરર્થક કોશિશ કરી રહ્યું હતું. સીમાએ અસમંજસમાં જમણા હાથની પહેલી આંગળી પોતાની તરફ કરી ઈશારાથી જ પૂછ્યું, હું? 

   ફરી એ જ સવાલ, "તમે મારૂં એક કામ કરશો?"

  સીમા વિચારમાં પડી ગઈ, ઘર તો સાવ નજીક આવી ગયું છે. જો પહોંચવામાં મોડું થશે તો મમ્મી ગુસ્સો કરશે. અને આ બેન કેવું કામ કરવાનું કહેશે કોને ખબર. પણ પરિવારના સંસ્કાર કહેતા હતા, 'કોઈને જરૂર હોય તો આપણાંથી થાય એટલી મદદ કરવી. ' 

 બસ, બધા વિચારો ખંખેરી સીમાએ પુછ્યું , "હા! બોલોને શું કામ છે?"

"સામેની દુકાનેથી સીંગ ચણા લાવી દેશો?" કોઈ જોતું તો નથી ને, એની ખાતરી કરવા આજુબાજુ નજર કરીને ફરી એકદમ ધીમા અવાજે કહ્યું. "હું રસીલા, પાછળની ગલીમાં જ રહું છું,તમને રોજ આ સમયે આવતાં જતાં જોયા છે. એટલે જ મેં તમને કહ્યું. તમે જલ્દી પાછા આવી જાજો હોં, અને હા, કોઈની હાજરીમાં મને સીંગ ચણા આપતા નહીં. હું આટલામાં જ રહીશ, તમે જાવ જલ્દી કરો, હમણાં કોઈ છે નહીં." કહેતા થીંગડાંવાળી સાડીનાં છેડે બાંધેલી બે રૂપિયાની નોટ સાચવીને આપી અને ઈંઢોણી-બેડું લઈ જલ્દીથી થોડા દુર જતાં રહ્યાં. 

'નામ જુઓ તો રસીલા, પણ ડાચાં તો સાવ બેસી ગયા છે-' વિચારતી સીમા મુંઝવણમાં મુકાઈ ગઈ. સીંગ ચણા લાવવા માટે મને કહેવાની શું જરૂર હતી? દુકાન તો સામે જ છે. જાતે જઈને લઈ આવ્યા હોય તો? હવે હું કાકાની દુકાને જઈશ એટલે પપ્પાને ખબર તો પડશે જ, અને સાંજે મારો વારો પણ પડશે, કારણ કે અમારે કંઈ જોઈએ તો એ પણ ભાઈ અથવા પપ્પા જ લાવી આપે છે. અને આજે બીજાને માટે હું જાવ! ચાલો, જે થાય એ જોયા કરો, વિચાર કરતી સીમા ફટાફટ સીંગ ચણા લઈ પાછી આવી ગઈ. સારા નસીબે ગલીમાં કોઈ હતું નહીં એટલે રસીલાએ પણ ઝડપથી આવીને પેકેટ લઈ સીધું ખાલી ઘડામાં મુકી દીધુ. "ભગવાન તમને ખુબ સુખી રાખે." કહેતાં રવાના થઈ ગઈ. સીમા પણ ઝડપથી ઘરે પહોંચી ગઈ.ઘરમાં પગ મૂક્યો ત્યાં જ, "કેમ બટા, આજે મોડું થયું?" હાથમાંથી સ્કુલબેગ લેતાં મમ્મીએ પુછ્યું. 

   સીમા એ થોડા ડરતા ડરતા પણ મમ્મીને બધી સાચી વાત કરી દીધી. વાત સાંભળીને મમ્મીએ પણ કહ્યું "સારૂં કર્યું બેટા, તે એને સીંગ ચણા લાવી દીધા. સવારની ભુખી હશે બિચારી."  

  ચાર પાંચ દિવસ સુધી આ રીતે ચાલ્યું.વચ્ચે રવિવાર આવ્યો. સ્કૂલે રજા. પણ સીમાને સતત રસીલાનાં વિચારો સતાવી રહ્યા હતા. "હું હમણાં આવું, " કહેતી તે એ જ જગ્યાએ પહોંચી ગઈ જ્યાં રોજ તે રસીલાને મળતી. રસીલા ત્યાંજ હતી. સીમાએ તરત હાથ લંબાવ્યો."લાવો, સીંગ ચણા લાવી દઉં." રસીલાની ચકળવકળ થતી આંખોમાંથી એક આંસુ સરી પડ્યું, કારણ કે આજે તેની પાસે પૈસા નહોતા..  

પણ પેટ તો માત્ર ભુખને જ જાણે ને! એ દિવસે તો રસીલાનાં પગે વાગવાથી લોહી પણ વહી રહ્યું હતું. સીમાએ દવાખાને લઈ જવાની વાત કરી, તો એ ગભરાઈને રડી પડી. સીમાએ પ્રેમથી સમજાવી શાંત કરી લોહી નીકળવાનું કારણ જાણવાની કોશિશ કરી. પણ કારણ જાણીને પોતે જ રડવા જેવી થઈ ગઈ. તેનાં મગજમાં એક જ સવાલ ઘુમરાતો હતો, કોઈ આટલું ક્રૂર કેવી રીતે હોઈ શકે? 

    રસીલા, એક સાવ ગરીબ પરિવારની દીકરી.બાળવયે પિતાનું અવસાન થયું અને માતા ઉપર બે દિકરીઓની જવાબદારી આવી પડી. માતા ઘરમાં જ સીલાઈકામ, પાપડ, અથાણાં જેવા બીજાનાં કામ કરીને ગુજરાન ચલાવતાં હતાં, પરંતુ દિકરીઓને ક્યારેય ઓછું આવવા નહોતું દીધું. યોગ્ય ઉંમર થતાં, સારૂં ઠેકાણું જોઈને રસીલાનાં લગ્ન કરી, 'હવે દિકરી સુખનો સૂરજ ભાળશે,' એવું વિચારીને વિદાઈ આપી. પણ રસીલાનું નસીબ બે ડગલાં આગળ હતું. સસરા જુઓ તો સાવ સીધા માણસ, તો સાસુ એટલાં જ કજીયાખોર, વાત વાતમાં લડાઈ કરવા માટે તૈયાર જ હોય. અને પતિ પરમેશ્વર (!), માતાપિતા નું એક માત્ર સંતાન, જે ખોટા લાડ લડાવવાથી તદ્દન ખોટા રસ્તે વળી ગયો હતો. જેને પાણી માંગે ત્યાં દુધ મળતું, એને હવે દારૂ થી ઓછું કાંઈ ખપતું નહોતું.  એકદમ માવડિયો હતો. માઁ કહે રાત, તો રાત અને દિવસ કહેતો દિવસ. ઘરનાં બધાં કામ રસીલાને જ કરવા પડે, જો કોઈ ભૂલ થઈ ગઈ હોય તો સાસુ અને પતિ બન્ને મળી રસીલાને ઢોર માર મારતાં હતાં. આજે બરાબર થઈ જશે, કાલે બરાબર થઈ જશે ની રાહ જોતા લગ્નને બે વર્ષ થઈ ગયા અને રસીલાએ એક દિકરીને જન્મ આપ્યો. દિકરાની રાહ જોતાં પરિવારમાં રસીલાએ દિકરીને જન્મ આપ્યો એ એનો સૌથી મોટો ગુનો હતો. ઘરનાં બધાં કામ કર્યા પછી પણ માત્ર પાણી પીને જ પેટ ભરવું પડતું. આવી જીંદગીથી થાકીને એક વાર તો આપઘાતનો વિચાર પણ આવ્યો હતો પરંતુ 'મારા ગયા પછી આ દિકરીનું કોણ? એ બાળકનો શું વાંક?' એમ વિચારીને કુવાના કાંઠેથી રડતી આંખે ઘરે પાછી આવી ગઈ હતી. 

  દિકરીનાં ઉછેર માટે, અને પેટની આગ ઓલવવા માટે, ઘરનાં કામ સાથે આજુબાજુમાં રહેતા લોકોને પણ  બે બેડા પાણી ભરી આપવા જેવા કામ કરી દેતી, તો સાસુ કથા-સત્સંગમાં ગયાં હોય ત્યારે કપડાં ધોઈ આપતી હતી, એના બદલામાં થોડાં રૂપિયા મળી જતા જેનાથી સીંગ ચણાની જોગવાઈ થઈ જતી. પરંતુ રસીલા આ બધું સાસુથી છાનામાના કરતી હતી. આજે સાસુની બાજ નજરથી આ છુપું રહી શકયું નહિ. એટલે આજે સવાર સવારમાં જ માઁ - દિકરાએ મળીને રસીલાને ઢોર માર માર્યો હતો અને જે બે પાંચ રૂપિયા હતા તે પણ લઈ લીધા હતા. રસીલા માંડ માંડ જીવ બચાવી ઘરેથી ભાગી નીકળી, પણ તેની દિકરી ઘરે જ રહી ગઈ. 

રસીલાની વાત સાંભળી સીમા દોડતી ઘરે જઈને એની મમ્મીને બોલાવી લાવી.એના મમ્મી પણ પરિસ્થિતિની ગંભીરતાને સમજી ઘરેથી ડબ્બામાં જમવાનું અને દવા લઈને જ આવ્યાં હતાં. ફર્સ્ટ એડથી દુઃખાવો ઓછો થયો અને પેટભરી જમ્યા પછી મન પણ શાંત થયું. પરંતુ કહેવાય છે ને કે ડર હોય એ જ સામે આવે એમ, હજુ કોઈ વાતચીત થાય એ પહેલાં જ રસીલાના સાસુ સમતાબેન પ્રગટ થયાં. 

   સાસુને જોતાં જ રસીલા, સામે જાણે મોતને જોયું હોય એમ ડરની મારી થર થર ધ્રુજવા માંડી. રસીલાની આવી હાલત જોઈને રેખાબેન (સીમાનાં મમ્મી) લક્ષ્મણરેખા બનીને રસીલા અને સમતાબેન વચ્ચે ઉભા રહી ગયા. સીમાએ પ્રેમથી રસીલાનો હાથ પકડી રાખ્યો. જાણે કહેતી હોય, "તમે ગભરાવ નહીં રસીલાબેન, હવે તમે એકલાં નથી." 

    રેખાબેને પહેલાં તો સમતાબેન સાથે શાંતિથી વાત કરવાનું વિચાર્યું , પરંતુ એ જાણતાં હતાં કે અહીં લાતોકે ભૂત જેવી પરિસ્થિતિ છે એટલે ઉંચા અવાજે ધમકી આપતા કહી દીધું, "સમતાબેન, જો આજ પછી રસીલા ઉપર હાથ ઉપાડ્યો છે તો એનું પરિણામ જરાય સારૂં નહીં આવે." કાન સુધી જાણે કે અવાજ પહોંચ્યો જ ન હોય એમ સમતાબેને કદમ ઉપાડ્યા.  

રેખાબેનને  રીતસર ધક્કો મારી, રસીલા પાસે જઈને પછાડી ખાધી. જમીન પર બેસી છાતી-માથું કૂટતાં કૂટતાં હૈયાફાટ રૂદન ચાલું કર્યું. તેમના હીબકાં વચ્ચે શબ્દો દબાઇ જતાં હતાં, છતાં જેટલું સમજાયું એનાથી રસીલા એકદમ થીજી ગઈ. શું પ્રતિક્રિયા આપવી તે તેને સમજાયું નહી. સમતાબેનનું રૂદન હજુય ચાલું જ હતું અને આજુબાજુ ભીડ ભેગી થવા માંડી હતી. "અરે વહુ, તું તો જોગમાયા છે. મારા દિકરાને માફ કરી દે. એને બક્ષી દે… તારા ઘરની બા'ર નીકળતાંજ તારો ધણી ફાટી પડ્યો રે… મારો એકનો એક દિકરો… "

"અરે,સમતાબેન, શું થયું? કાંઇક સમજાય એવું બોલોને… " રેખાબેને કંઇ ન સમજાતાં, હૈયાફાટ રડતા સમતાબેનનાં વાંસે હાથ ફેરવી તેમને શાંત રાખવાની કોશિશ કરતાં કહ્યું. 


"અરેરે, મારા કરમ ફૂટેલાં, હું  શું બોલું? હું અભાગણી, મારા ઘેર સાક્ષાત જગદંબા હતી ને મેં એની કદર નો કરી… આજે મને એનો બદલો મળી ગયો રે… "

સમતાબેનનું છાતી કૂટવાનું ચાલું જ હતું, ત્યાં પાછળથી રસીલાબેનનાં સસરા આવ્યા. એમના ચહેરા પર હંમેશની જેમ ગાંભીર્ય છવાયેલું હતું, પણ આંખમાં તગતગતાં આંસુને કારણે એ ગાંભીર્યનો રંગ જુદો દેખાતો હતો. એમના હાથમાં રસીલાની નાનકી હતી. હાથ લંબાવી નાનકીને રસીલાનાં હાથમાં સોંપતાં એટલું જ બોલ્યા, "વહુ, આજ ઘડો ફૂટી ગયો. તમે ઘરેથી નીકળ્યા પછી લાલો પણ ગુસ્સે થઈ ઘરની બહાર જતો રહ્યો. થોડે આગળ જતાં ગવરીએ એને શીંગડે ઉલાળ્યો. લાઇટનાં થાંભલે માથું ભટકાયું ને… "

ગળે બાઝેલો ડૂમો શબ્દો પર ભાર કરી રહ્યો હતો. 


"આ લો તમારી અમાનત.. મારા તરફથી તમે મુક્ત છો. "   

રસીલા તરફથી કોઈ પ્રતિક્રિયા ન મળી. પરિસ્થિતિની ગંભીરતાને સમજી જતાં રેખાબેને રસીલાને વ્હાલથી કહ્યું "બેટા! તું અત્યારે ગભરાયા વગર તારા ઘરે જા, તારી દિકરીને સંભાળ, કાંઈ પણ કામ હોય તો મને કહેજે. હું પણ તારી માઁ જેવી જ છું. અમે બધા તારી સાથે જ છીએ.અને હા! બેટા, હવે તું એ ઘરનો દીકરો બની સાસુ સસરાનું ઘડપણ પાળજે."  


રેખાબેન અને સીમા પાસેથી મળેલા પ્રેમની હુંફ લઈ એક વિશ્વાસ સાથે રડતાં રડતાં રસીલા સમતાબેન સાથે પોતાના ઘરે ગઈ. થોડા દિવસોમાં બધી વિધિ પૂરી થઈ ગઈ. પતિના મોતથી તેની જિંદગીમાં ઘણા ફેરફાર થયા હતા. તેની દીકરીની માથે બાપની છાયા નહોતી રહી.માતાને પણ દીકરાના ગયા પછી પોતાની ભૂલનું ભાન થયું હતું. જ્યારે રસીલાએ ઘરની જવાબદારી ઉપાડવા કમર કસી હતી. પહેલા છાનામાના બીજાનું કામ કરતી રસીલાને રેખાબેને સીમાની સ્કૂલમાં કચરા પોતાનું કામ અપાવી દીધું હતું. ઉપરાંત બીજા પણ કામ મળી ગયા હતા. સમતાબેન ઘરનાં કામ કરતાં અને દીકરીનું ધ્યાન રાખતાં હતાં. 

  થોડા દિવસ પછી સીમાનો પરીવાર રો હાઉસમાં લીધેલા નવા ઘરમાં રહેવા ગયો. જે ગામથી થોડે દૂર હતું, જેથી રસીલાને મળવાનું લગભગ બંધ થઈ ગયું હતું. હા, સમાચાર જરૂર મળતા રહેતા. એની દીકરી પણ હવે મોટી થઈ હતી. 

        ત્રણ વર્ષ પછી, સીમા સાયકલ પર સવાર થઈને પોતાની સહેલીઓ રીના અને મીનાને મળવા માટે એના ઘરે આવતી હતી. ત્યારે એક કાલોઘેલો અવાજ સંભળાયો, "તમે માલુ એક કામ કલસો?"

    સીમા એ જોયું તો ગુલાબી ઝાલરવાળું ફ્રોક પહેરેલી, વાંકડિયા વાળવાળી એક મીઠડી બાળકી એને બોલાવી રહી હતી. "તું મને કહે છે? હું તો તને ઓળખતી પણ નથી. " 

ફરી એ જ સવાલ, "તમે માલુ એક કામ કલસો? માલુ ઘલ છે ને પાછલની ગલીમાં છે, મને ઘલે મુકવા આવસો ? "

   "હું તો તને ઘરે મુકી જઈશ, પણ તું અહીં આવી શું કામ? "સીમાને જાણે એની સાથે વાત કરવાની મજા આવતી હતી. 

   એતો છેને, માલી મમ્મીએ ઓકલી(રોટલી ) બનાવી લીધીને એકલે મને કીધું કે તું બાર જઈને જો તો, તાં (ત્યાં) ગવલી ગાય છે? એકલે હું છે ને એને જોવા આવીતી. પન એ તો કસે બી દેખાતી નથી. તો હવે ઘલે જઈને મમ્મીને કેવું તો પડસે ને? તો તમે મને ઘલે મુકવા આવસો?

  "પરંતુ અહીંતો ઘણા લોકો આવ જા કરે છે, તો પણ તે મને જ શું કામ કીધું?"સીમા એ તેને તેડીને સાયકલ ઉપર બેસાડતાં પુછ્યું. 

    "એતો છે ને દીદી, માલે સાયકલ ઉપર બેસવુતુને એકલે. બસ બસ, લુકો લુકો (રૂકો રૂકો ) માલું  ઘલ આવી ગયું. તમે બવ સાલા છો હો દીદી." કહેતીક તે  સાયકલ ઉપરથી ઉતરવા મંડી. 

   અને ત્યાંજ દરવાજો ખુલતા એક ચહેરો દેખાયો, થોડો જાણીતો, થોડો ધુંધળો... કદાચ, કદાચ એ રસીલાબેન... પરંતુ એનાં તો ડાચા બેસેલા, ઉંડી ઉતરી ગયેલી આંખો, કપડાં પણ થીગડાંવાળા, હંમેશા રડતો અને દયનીય ચહેરો, જ્યારે જુઓ ત્યારે ડરેલા જ હોય… 

   જ્યારે આ તો વ્યવસ્થિત કપડાં, સુઘડ રીતે ઓળેલા વાળ, મોઢા પર તેજ અને સૌથી આકર્ષક તેના હસતા હોઠ અને આંખો... સીમા વિચારતી હતી 'આ રસીલાબેન ક્યાંથી હોય? જ્યારે છેલ્લે જોયા ત્યારે તો..... '

" અરે, સીમાબેન તમે?" જાણે ઘણા સમય પછી નાની બેન મળી હોય એટલા ઉમળકાથી રસીલા, સીમાને જાણે કે ભેટી જ પડી. અને રસીલાને આવા રૂપમાં જોઈને સીમા પણ ખુશ થઈ ગઈ. 

    "લાવો રસીલાબેન, સીંગ ચણા લાવવા છે?" કહેતી સીમા હસી પડી.  

    " ના ના, સીમાબેન એ દિવસો તો ગયા. એક સમય હતો જ્યારે આત્મહત્યાનાં વિચારોએ મને ઘેરી લીધી હતી, પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. આ ખુશીથી ભરપૂર જીંદગી તમારા પ્રેમ અને હુંફને આભારી છે.હવે તો હું કમાઈને મારા સાસુ સસરા અને મુન્નીને સંભાળુ છું. મારા સાસુનો પણ એમાં પુરો સહકાર છે. મને માઁ બાપનો પ્રેમ મળ્યો, અને હું એમના દિકરાની ખોટ પુરી કરવાની કોશિશ કરૂ છુ. મુન્નીને પણ દાદા દાદીનો ભરપુર પ્રેમ મળે છે. બધા એકબીજા સાથે પ્રેમ અને હુંફ ભરી જીંદગી જીવી રહ્યા છીએ. તમારો ખુબ ખુબ આભાર. " 


"ઠીક છે. તો લાવો, આજે તમે મને સીંગ ચણા ખવડાવો." સીમા હકથી એમનાં નાનકડાં પણ સુંદર ઘરમાં પ્રવેશતાં બોલી.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ