વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ઘરચોળું

                      'ઘરચોળું'

"અવનિ, આજે ફરી પાછો વેવાઈનો ફોન આવ્યો હતો, કહેતા હતા કે એમના નાનાભાઈને ત્યાં વહુનું સીમંત છે તો ધરાને જરૂર થી મોકલશો,જેથી ધરા કુટુંબના બધા સભ્યોને ઓળખી શકે અને તેના લગ્ન માટે કપડાં અને દાગીનાની ખરીદી પણ થઈ જાય-" કહેતા આકાશભાઈ ઓફિસેથી આવી સોફા ઉપર બેસી ગયા. જાણે દીકરીને પોતાનાથી દૂર કરવા માટે મન માનતું નહોતું..  

ધરા, અવનિબહેન અને આકાશભાઈની લાડકી દીકરી. ત્રણ ભાઈ બહેનમાં સૌથી મોટી દીકરી. નાની બહેન રીમા, અને સૌથી નાનો ભાઈ રાકેશ. ધરાની સગાઈ થઈ ગઈ હતી. લગ્ન બે મહિના પછી લેવાના હતા. પરંતુ ઘરમાં પ્રસંગ હોવાથી તેને તેડાવવા માટે વેવાઈનો બીજી વાર ફોન આવ્યો હતો. હવે ના પણ કેમ કહેવાય? 

" તમે આમ ઢીલા નહીં પડો. આજે નહીંતો કાલે દીકરીને સાસરે વિદાય તો કરવાની જ છે ને."અવનિ બહેને પતિદેવને પાણીનો ગ્લાસ આપતાં કહ્યું. "અને વેવાઈની વાત પણ સાચી છે ને, ધરા ત્યાં જાયતો બધાને મળે, ઓળખે, અને એની હાજરીમાં ખરીદી થાયતો એને ગમે એવુ લઈ શકેને? તમે બસની ટિકિટ કઢાવીને વેવાઈને કહી દેજો. આપણે ધરાને અહીંથી રાત્રે બસમાં બેસાડી દેશુ અને સવારે જમાઈરાજ બસ-સ્ટૉપ પર આવી લઈ જાય." 

અને ધરાને પહેલીવાર સાસરે જવાની તૈયારી થવા લાગી. સાથે સાથે મમ્મી,પપ્પા, બા, દાદા , ભાઈ, બહેન અને સહેલીઓ તરફથી શીખામણનો દોર પણ શરૂ થયો. 

   બા-દાદા ઉવાચ, " જોજે બેટા, સાચવીને રહેજે, ધીમેથી બોલવાનું, બહુ ખીખીયાટા(મોટા અવાજે હસવું)નો કરતી."

તો મમ્મી - પપ્પા, " બધાનાં સ્વભાવને અનુકૂળ બનીને રહેજે. ખરીદીમાં તારા સાસુ જે લેવાનું કહે એ માનીને ચાલજે. કોઈ ભૂલ નો થાય એનું ધ્યાન રાખજે." જેવી ન જાણે કેટલીય શીખામણોનું જાણે કે પોટલું બાંધી દીધું હતું.તો સહેલીઓ કાંઈ ઓછી થોડી ઉતરે? ફરવા જઈએ ત્યારે કેવો ડ્રેસ પહેરવો-થી માંડીને ફીલ્મોમાં આવે છે એમ હાથમાં હાથ નાંખીને ચાલવું જેવી કેટલીય વાતો સમજાવી હતી. 

નાના ભાઈ, બહેનને તો માંડ મોકો મળ્યો હતો, મોટીબહેનને શીખામણ આપવાનો. એટલે જરાય ગભરાયા વગર કહી જ દીધું,"જોજે ધરાડી, સખણી રહેજે, હોય એવી વર્તાતી નહીં." અને બધા ખડખડાટ હસી પડ્યાં હતાં . 

 જ્યારે ધરાએ માત્ર એક જ વાત મનમાં નક્કી કરી હતી 'હું ફક્ત મારા પરિવારને અને તેની ઈચ્છાઓને  સમજીને રહીશ.' મીઠી મુંઝવણ અને કેટલાય મીઠા સપનાઓ સાથે ધરા સાસરે જવા તૈયાર થઈ ગઈ. રાત્રે મમ્મી પપ્પા બસમાં મુકવા માટે આવ્યાં હતાં. અને શરૂ થઈ બસની મુસાફરી, ધરાને તેનાં ક્ષિતિજ પાસે લઈ જવા માટે. આખી રાત બસમાં જ વીતાવવાની હતી. ઊંઘ તો શેં આવે? પણ મનમાં અનોખા સ્પંદનો જાગતાં હતાં. 


ચાલને સખી, આવ મારી પાસમાં, 

વાત જે મનમાં ઉઠી, કહું તને કાનમાં, 

કાલ પિયુ સાથે મુલાકાત થાશે, 

કરું હું શી શી વાત એને શાનમાં? 


માવતર એના મારે આંખ-માથે, 

મારા માવતરનો વિયોગ શેં સહેવાશે? 

દેર-નણંદ મારા મીઠાં મીઠાં, 

ભાઈ ને બહેન ક્યાં જાશે પોતીકા? 


બંગલા એના મોટા મોટા, 

મીઠું આ ફળિયું શેં ભુલાશે? 

છો ને મળતું નવું સરનામું, 

ઘર આ મારું, પારકું થાશે? 


મીઠી મુંઝવણ અને મીઠા સપના, આંખ ક્યારે મળી ગઈ એ ધરાને ખ્યાલ જ ન રહ્યો. પણ એને ખાતરી હતી કે બીજા દિવસની સવાર તેની જીંદગીની એક અલગ, ખુશીઓથી ભરેલી સવાર બની રહેશે. 

         " ક્ષિતિજ બેટા, જલ્દીથી ઉઠી જા, તારે ધરાને લેવા માટે બસ-સ્ટૉપ જવાનું છે. બસ આવ્યા પહેલા પહોંચી જા એટલે ધરાને રાહ જોવી નો પડે." સરીતાબેને પોતાના વ્હાલા દીકરાનાં માથે હાથ ફેરવીને ઉંઘમાથી ઉઠાડતાં કહ્યું.  આમ તો એ પણ જાણતાં હતાં કે મોડી રાત સુધી ધરાનાં વિચાર કરવામાં ઉંઘ નહી આવી હોય,વહેલી સવારે આંખ માંડ મળી હશે. પરંતુ સમયસર બસ-સ્ટૉપ પર પહોંચી જવું જરૂરી હતું. અને મમ્મીનો અવાજ સાંભળીને ક્ષિતિજ ઝડપથી ઉઠી તૈયાર થઈ પોતાની ભાવી જીવનસંગિનીને લેવા પહોંચી ગયો. ત્યાં જ બસ પણ આવી ગઈ. થોડા પેસેન્જર ઉતર્યા તોય ધરા ન દેખાતા ક્ષિતિજ વિહ્વળ થઈ ગયો. જાણે એક એક પળ એક યુગ સમાન હોય એવો અનુભવ થઈ રહ્યો. અને આખરે તેની આતુરતાનો અંત આવ્યો. ધરાની રાતની મુસાફરી હોવાથી આંખોમાં ઉંઘ ભરી હતી, પરંતુ જેવા એક બીજાને જોયા, ઊંઘની જગ્યા મદહોશીએ લઈ લીધી. ક્ષિતિજે ધરાનાં હાથમાંથી સામાન લઈ ધરાનો હાથ પકડી ગાડી તરફ આગળ વધ્યો. ધરા પણ જાણે ક્યારેય અલગ નહીં થવાની ભાવના સાથે ક્ષિતિજનો હાથ પકડીને ચાલી રહી હતી. ગાડીમાં પાછળની સીટ ઉપર સામાન ગોઠવી બન્ને આગળ બેસી ઘરે જવા માટે રવાના થયા. ઘરે બધા 'કુંવારી વહુ' ની રાહ જોઈ રહ્યાં હતાં. સરીતાબેન તો જાણે ઘેલા ઘેલા થયાં હતાં. અને કેમ ન હોય? સરીતાબેનનાં કહેવા પ્રમાણે "પુત્રનુ મુખ તો એ જનમ્યો ત્યારનું જોયું હોય, પરંતુ પુત્રવધુનું મુખ તો વર્ષોની તપસ્યા પછી જોવા મળે છે." પ્રથમવાર ઘરે આવેલી પુત્રવધુનું ઘરમાં બધાએ હ્રદયપૂર્વક, ફુલ વરસાવીને સ્વાગત કર્યું. અને સંગીતનાં  શોખીન સરીતાબેને, દીકરાની લાગણીને વાચા આપતું ગીત, 'બહારો ફુલ બરસાઓ મેરા મહેબૂબ આયા હૈ' પણ સીડી પ્લેયર પર મુકી દીધું. ધરા બધાની લાગણી અને પ્રેમ જોઈને ખુશ થઈ ગઈ. એનાં મનમાં રહેલો ડર અને સંકોચ દુર થઈ ગયા. બે દિવસ ખુબ મસ્તી મજાક કરતા પસાર થઈ ગયા. આવતીકાલે જેઠાણીનું સીમંત હતું એની તૈયારી થઈ રહી હતી. ધરા ઘરે પહેલીવાર આવી હતી, એને તો ઘરનાં કોઈ રીત રિવાજની પણ ખબર નહોતી છતાં પણ દરેક કામ જાણે કે એને પુછીને, અને બતાવીને થતું હતું. ખરેખર તે આ ઘરની પુત્ર-વધૂ છે તેનો અહેસાસ હરપળ થઈ રહ્યો હતો. જે ધરા માટે બહુ મોટી વાત હતી. 

      ધરાનું મન જાણે આ બધું સ્વીકારી શકતું નહોતું. તેના માસી, છ મહિના પહેલાં મળ્યાં હતાં,ત્યારે જે વાત કરી હતી, " મારા સાસુ મારી સાથે સારી રીતે વાતચીત પણ નથી કરતા. કોઈ કામ હોય તો મારા નણંદને એના સાસરે ફોન કરીને પુછે. જ્યારે હું ઘરમાં હોવ તો પણ... મારી તો જાણે કોઈ કિંમત જ નહીં." 

   તો બે વર્ષ પહેલા પરણેલી એક કઝીન બેન, " મારે કંઈ લેવું હોય, અરે! કંઈ ખાવુંપીવું હોયને, તો પણ સાસુજીની રજા લેવાની. અમે પતિ પત્ની સાથે એકલા ક્યાંય બહાર જવાનું કહીએ તો મારી પહેલાં તો પોતે તૈયાર થઈ જાય. હંમેશા અમારી સાથે ને સાથે જ હોય."

   જ્યારે બાજુમાં રહેતા ભાભીની વાત, " સાસુ તો પહેલાં હરખાય, અને પછી થાય હડકાયા. ક્યારેય વહુને સુખેથી જીવવા નો દે. સાસુ તો રોજ પડાવે આંસુ."

    જ્યારે અહીંનો માહોલ સાવ અલગ હતો. સાંભળેલી વાતો અને પોતાની સાથે થઈ રહેલા વર્તન વચ્ચે ધરા અટવાઈ ગઈ હતી. 

    ક્ષિતિજને એકવાર પુછ્યું પણ ખરૂ, "ક્ષિતિજ, હું તો ઘરે પહેલીવાર આવી છું, તોપણ મમ્મી મને બધું બતાવીને કરે છે? શું ખરેખર આવું હોય? "

 ક્ષિતિજે પણ પ્રેમથી ધરાનો હાથ પોતાના હાથમાં લઈ જવાબ આપતા કહ્યું "ધરા, મમ્મીનો સ્વભાવ જ એવો છે,અને આપણા ઘરની રીત પણ. દરેકનું સ્વતંત્ર અસ્તિત્વ છે અને એટલે જ તને ખાસ કહું છુ કે તું કોઈ પુર્વગ્રહ બાંધીને નહીં આવતી. બસ હંમેશા ખુશ રહેવું." 

   જેઠાણીનાં સીમંતનો પ્રસંગ ખુબ આનંદથી ઉજવાઈ ગયો. બધા મહેમાનો પણ વિદાય થઈ ગયા હતા. અને હવે ધરાનાં લગ્નની ખરીદી શરૂ થઈ. પહેલા દાગીનાની ખરીદી કરવા ગયા. સાસુ, સસરા, નણંદ, જેઠાણી, કાકીજીસાસુ, ધરા અને ક્ષિતિજ બધા સાથે હતા. જ્વેલરીનાં શોરૂમમાં દાખલ થતાં ઝળહળતી રોશનીમાં, શોકેસમાં ગોઠવેલા સોનાના અને હીરાનાં આભૂષણો મનને મોહી લેતા હતા.. અલગ અલગ ડિઝાઈનમાં દાગીના જોઈ પારખીને ખરીદી કરી લીધી. ક્યારેક બધાની પસંદ અલગ પડતી હતી, પરંતુ ન જાણે કેમ પણ સરીતાબેન ધરાની પસંદને સમજી જતાં હતાં અને એ જ વસ્તુ લેવા માટે આગ્રહ રાખતાં હતાં. ધરા પણ મનોમન ખુશ થતી હતી. પોતાનું મંગળસુત્ર જોઈને ધરા ભાવવિભોર થઈ ગઈ હતી. જાણે  પોતાનું સ્વપ્ન પૂર્ણ થયું હોય. અને જમવાનો સમય થઈ જતાં બધાં હોટલમાં જમી ઘરે આવી ગયાં. 

       બીજા દિવસે સાડીઓની ખરીદી માટે ગયાંં. સાડી ખરીદવાનું કામ એટલું સહેલું નહોતું. બે ત્રણ શોરૂમમાં ફર્યા, કોઈ સાડીનો કલર ગમે તો કોઈની ડિઝાઈન, અને કોઈને આ સાડી ગમે તો કોઈને પેલી સાડી. ધરા પણ મુંઝવણમાં મુકાઈ ગઈ હતી. છેવટે એક શોરૂમમાં બધાને એક સાથે પસંદ પડે એવી સાડીઓ જોવા મળી. ધીમાં અવાજે ગુંજતા ગીત સાંભળતા,સરીતાબેને,બાંધણી,પટોળુ,કાંજીવરમ, જેવી એવરગ્રીન સાડીઓ ધરાને પહેરાવી, અને પસંદ કરી લીધી. લગ્નમાં આવેલા મહેમાનોને ગીફ્ટમાં આપવાની સાડીઓ પણ લેવાઈ ગઈ. ધરાનાં  મમ્મીને આપવાની સાડી માટે પણ ધરાની પસંદગીને જ મહત્ત્વ આપ્યું હતું. ધરા માટે આ બધું નવાઈ ભર્યું હતું. 

 અને હવે ઘરચોળાની પસંદગી કરવાનો સમય આવી ગયો હતો. 

   ઘરચોળું, એ માત્ર એક સાડી નથી, એને સ્ત્રીનાં સૌભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે. જે દરેક સ્ત્રીનું એક સ્વપ્ન હોય છે. જેમાં પતિનો પ્રેમ અને સાસરાનું સન્માન ભરેલુ હોય છે. અને દરેક નવવધુનો શણગાર હોય છે. ધરા મનમાં વિચારતી હતી કે 'આજે  મારા જીવનની મહત્ત્વની ખરીદીની મધુર ક્ષણે જો મારી મમ્મી મારી સાથે હોત તો કેટલું સારું થાત, મારા દિલની વાત, મારી પસંદને એ વણકહે સમજી શકે.' પરંતુ આ તો મારા સાસુ છે. સાત સારી તોય સાસરી. અને ફરી ધરાનાં માનસપટ ઉપર સાસરિયા વિશે સાંભળેલી વાતો છવાઈ ગઈ. ફરી એક વાર ધરા વિચારોનાં વમળમાં ફસાઈ ગઈ. 

     સેલ્સમેને ઘરચોળા બતાવવાનું શરૂ કર્યું.  ધરા ઘરચોળાની પસંદગી કરવામાં થોડી મુંઝવણ અનુભવતી હતી. એટલે દુકાનદારે એને પહેરીને જોવાનું કહ્યું. આમ તો ઘરચોળું લગ્ન સમયે જ પહેરવાનું હોય છે, પરંતુ ધરાની મુંઝવણ પારખીને સરીતાબેને પણ સહમતી દર્શાવી. 

     અને ધરાની નણંદ સાથે હતાં એમણે ધરાને ઘરચોળાની પાટલી વાળીને પલ્લુ માથે રાખી અરીસામાં જોવાનું કહ્યું. જ્યાં ધરાએ અરીસામાં પોતાનું પ્રતિબિંબ જોયું....  પોતાની જાતને દુલ્હનનાં રૂપમાં જોઈ.... ને કેટલીય જાતની લાગણીઓ એને ઘેરી વળી. મનમાં વિચારોનો પ્રવાહ ચાલુ થયો 'મારી જીંદગી હવે બદલાઈ જશે? મમ્મી, પપ્પા, ભાઈ, બહેનનો પ્રેમ, સહેલીઓનો સંગાથ છોડવો પડશે? એ ઘર, જ્યાં મેંં મારૂ બાળપણ વિતાવ્યુ એ છોડવું સહેલું તો નથી જ. અને એ વિચારમાં ડૂબી જાય એ પહેલાં જ ગીતનાં બોલ ગુંજી રહ્યા હતા. જાણે એનાં વિચારોને વાચા આપતાં હોય. 

 " દુલ્હન બનકે ગોરી ખડી હૈ, 

કોઈ નહી અપના, કૈસી ઘડી હૈ. " 

   

અને ધરાની કાજળ ઘેરી આંખમાં આંસુ ઝળકી ઉઠ્યાં, હોઠ ધ્રુજી રહ્યાંં. ધરા પાછળ ફરીને સરીતાબેન સામે જોઈ, અસ્ફુટ સ્વરે માત્ર એકજ શબ્દ બોલી, "મમ્મી..."

 સરીતાબેનનાં હૈયે અનોખો ઉમળકો જાગ્યો અને દોડીને ધરાને ગળે લગાવી દીધી. ધરા એ સ્નેહની સરવાણીમાં ભીંજાઈ ગઈ. એ ઘડી, એ પ્રેમ, એ હુંફાળો સ્પર્શ, જેમાં ધરાનાં બધા જ વિચારો, પુર્વગ્રહ, અને મુંઝવણ બધું વહી ગયું. 

    અને સરીતાબેનની પસંદગીનું ગીત ગુંજી ઉઠયું. જેને ધરા માણી રહી હતી… 

    "ખુશ રહો હર ખુશી હૈ તુમ્હારે લિયે. "  

   અને સાસુ વહુનાં આ સુભગ મિલનને ત્યાં હાજર રહેલાં બધાં લોકોએ તાળીઓથી વધાવી લીધું.


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ