વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

નવું પ્રભાત...

આખું ગામ આજે હીબકે ચડ્યું હતું. ગામના પાદરે આવેલ વડલાઓ પણ, પોતાની ડાળી હલાવી હલાવી પોતાનું દુઃખ વ્યક્ત કરતા હતા. આકાશ પણ જાણે  નારાજ હોય તેમ કાળો ધાબળો ઓઢી બેસી ગયું હતું. પક્ષીઓ પણ ચિં.. ચિં.. કરી આ પળને રોકી લેવાની  નાકામ કોશિશ કરી રહ્યા હતાં. શિવાની પણ ચોધાર આંસુએ રડતી હતી.તે વારંવાર ઉભી રહી પાછળ જોઈ રહી હતી.તેને વળાવવા આવેલ ગામ લોકો છેક ગામના પાદર સુધી આવ્યા હતા.તે આ માયાળુ લોકોને છોડી જવા નહોતી માંગતી. પણ હવે જવું પડે તેમ હતું.


           શિવાનીના કદમો થોડી થોડી વારે થોભી જતા.તે ફરી થોડીવાર અહી ઉભી રહી અહીંના પ્રેમને પોતાના દામનમાં સમેટી લેવા ઈચ્છતી હતી. તે કંઈ વિચારે તે પહેલાં એક નાનો છોકરો દોડીને શિવાનીને વળગી પડ્યો. અને બોલ્યો, "દીદી અહીં જ રહી જાવને ! શા માટે જાવ છો ? તમારા વગર અમે કેમ રહીશું?"  તેની નાની નાની આંખોમાં મોટા મોટા આંસુઓ જોઈ  શિવાનીનું હદય દ્રવી ઉઠ્યું.તે ભૂતકાળમાં સરી પડી.તેની આંખો સામે ભૂતકાળ તરવરી ઉઠ્યો.


   ***********


શિવાની એક શિક્ષિકા હતી.ભાવનગર શહેરની એક પાલિકાની સ્કૂલમાં પોતાની ફરજ બજાવતી હતી. છેલ્લા ૧૦ વર્ષથી તે આ ફરજ બજાવતી હતી.દેખાવે સુંદર શિવાનીએ જાણે લગ્ન ન કરવાની કસમ ખાધી હોય તેમ આજ સુધી તેણે લગ્ન નહોતા કર્યાં.નોકરીના આ સમય ગાળામાં તેની ત્રણ વાર બદલી થઈ હતી.સ્વભાવે માયાળુ શિવાની જ્યાં જાય તેને જ પોતાનો પરિવાર બનાવી લેતી.


એક દિવસ તેને એક અગત્યના કામથી પોતાની જૂની અને પ્રથમ શાળામાં જવાનું થયું. માધવપુર પ્રાથમિક શાળામાં. શિવાની ત્યાં ફરી જવા માટે ઉત્સુક હતી.


આ શાળા ખૂબ ગ્રામ્ય વિસ્તારમાં આવેલી હતી.માધવપુર ગામની એ એક માત્ર શાળા હતી.આ એ શાળા હતી જેની સાથે શિવાનીની અસંખ્ય યાદો જોડાયેલ હતી. વળી,આ તેની નોકરીની પ્રથમ શાળા હતી.


મોટે ભાગે રબારી,ભરવાડ અને બે પાંચ ઘર પટેલના.ખૂબ નાનું પણ રળિયામણું ગામ હતું. મોટા ભાગના લોકો મજૂરી કરીને જીવન ગુજારતા. આર્થિક રીતે ખૂબ પછાત  અને ગરીબ ગ્રામીણ લોકો મોટે ભાગે અભણ હતા. પણ દિલના ખૂબ માયાળુ.ગામમાં સંપ તો એવો કે એકબીજા માટે જીવ આપવા તૈયાર થઈ જાય. એકના સુખે સુખી અને એકના દુ:ખે , દુ :ખી ! એવા પ્રેમાળ લોકોથી ભરેલ આ ગામ ખરેખર સુંદર હતું.


આખા ગામમાં એક જ શાળા હતી, એટલે ગામના બધા બાળકો અહી ભણવા આવતા. ગામના લોકો શાળાના બધા શિક્ષકોનો ખુબ આદર કરતાં.તેમના માટે ખડે પગે ઊભા રહેતા.એક પછી એક એમ દરેક દૃશ્યો શિવાનીની નઝર સમક્ષ તરવરવા લાગ્યા.


લગભગ ત્રણ વર્ષ સુધી તેણે આ શાળામાં નોકરી કરી.ગામના લોકોએ તેને ગામની દીકરી જેવો સ્નેહ આપ્યો.ત્રણ વર્ષમાં તો શિવાની ગામના દરેક વ્યક્તિને વ્યક્તિગત ઓળખતી થઈ ગઈ હતી. પોતે એક પ્રામાણિક અને નિષ્ઠાવાન શિક્ષિકા હોવાથી તે શાળાની સૌથી લોકપ્રિય શિક્ષિકા બની ગઈ.નાના બાળકો તો તેને જોઈ દોડીને શાળાએ આવતા હતા.


પોતાના ઘરથી આ શાળા દૂર હોવાથી શિવાની આ ગામમાં જ શાળાની નજીક ઘર ભાડે રાખી રહેતી હતી.પોતે એકલી રહેતી પણ ગામના લોકો તેને કદી એકલવાયું લાગવા દેતા ન હતા. શિવાની પણ વર્ષોથી તે ગામની રહેવાસી હોય તેમ ભળી ગઈ હતી.


ત્રણ વર્ષ બાદ પોતાની બદલી થતાં તે અન્ય શાળમાં જતી રહી હતી.તેને એ ગામ અને શાળાને છોડવાનું ખૂબ દુઃખ થયું હતું.પછી તો સમય સાથે તેણે બીજી બે અન્ય  શાળા બદલી.આજે નોકરીના દસ વર્ષે પણ,  માધવપુર માટેનો પ્રેમ અકબંધ હતો.


*************


આજે સવારે પ્રિન્સિપાલે અગત્યના કામથી શિવાનીને પોતાની જૂની શાળામાં જવાનું કહ્યું તો આ વાત સાંભળી શિવાની ખુશીથી ઉછળી પડી. તેણે તરત જવાની તૈયારીઓ કરી.


બે દિવસ બાદ પોતાના સંસ્મરણોને વાગોળતી ,ખુશીઓથી ઝૂમતી માધવપુર જવા રવાના થઈ. કેટલાય અરમાનોને સાથે લઈ તે માધવપુર પહોંચી.


સવારે દસ વાગ્યા આસપાસ તે માધવપુર પહોંચી. ગામની એ જમીન પર પગ મૂકતાં જ તેના મનને અજીબ સૂનકાર વ્યાપી ગયો. ગામમાં પ્રવેશતાં જ ગામના પાદરે આવેલ વડલા નીચે ગામના લોકો બેસતા હતા. ત્યાં અત્યારે એક ચકલું પણ ફરકતું ન હતું. શિવાનીને આ જોઈ ખૂબ નવાઈ લાગી કેમ કે પોતે કરેલ નોકરીના ત્રણ વર્ષમાં આવું કદી બન્યું ન હતું.તે વિચારોમાંને વિચારોમાં શાળા સુધી પહોંચી. રસ્તામાં ગામના જાણીતા એક બે  વ્યક્તિ મળ્યા પણ દરેકનો વ્યવહાર ખૂબ અજીબ લાગ્યો. દરેક વ્યક્તિ જાણે તેને ઓળખતી ન હોય તેમ  સામે જોયા વગર જ ચાલી નીકળ્યા.  આ બધું જોઈ શિવાનીનું મન વ્યગ્ર થઈ ગયું.



શિવાની માંડ માંડ શાળાએ પહોંચી.ત્યાં જઈને તેને પોતાનું કામ પતાવ્યું  અને વાત વાતમાં શાળાના હાલના શિક્ષિકા રેવા બહેનને પૂછ્યું. એટલે રેવા બહેન બોલ્યા, શિવાની બહેન શું કહું ? શહેરની માફક આ ગામ પણ કોરોનાના સકંજામાં આવી ગયું છે. ગામમાં કોરોનાએ કાળો કેર વરત્યો છે. ગામના સરપંચ અને અન્ય મોભીએ કોરોનામા પોતાનો જીવ ગુમાવ્યો છે. અને થયું એવું કે આ શાળાના એક શિક્ષક મનોજ ભાઈને કોરોના થયો હતો.


તે આ ગામમાં જ રહેતા. તેમનો ચેપ ગામના લોકોને લાગ્યો.બસ ત્યારથી ગામના લોકો શાળાના દરેક શિક્ષકને તેના માટે જવાબદાર સમજે છે.બિચારા મનોજ ભાઈ તો આ વિશે જાણતા પણ નહોતા.જેવી તેમને ખબર પડી તે રજા મૂકી ગામ છોડી જતા રહ્યા. એ તો જતા રહ્યા પણ શહેરી લોકો પ્રત્યેનો રોષ ગામવાળાના મગજમાંથી હટતો જ નથી.ગામના લોકોની દશા અને વિચારોની દિશા સાવ બદલાઈ ગઈ.


ગામ લોકોની નજરમાં આખી શાળાના શિક્ષકો અને નવા શહેરી લોકો જાણે દુશ્મન બની ગયા. રૂડું રળિયામણું  ગામ સાવ ભેંકાર બની ગયું. અરે! બહારના તો શું ગામનાને ગામના જ લોકો એકબીજા માટે પરાયા હોય તેવો વ્યવહાર કરે છે. ગામમાં લોકો એટલા ડરી ગયા છે કે કોઈને બોલાવતા પણ નથી.


આ બધું સાંભળી શિવાનીને ખૂબ દુઃખ થયું. પોતાના વ્હાલા ગામલોકોની આવી હાલત જોઈ તેનું મન હચમચી ઉઠ્યું.તેની આંખના ખૂણે ભીનાશ બાઝી ગઈ.તે બોલી,


"રેવાબહેન, કોરોનાના આટલા બધા કેસ છે તો રસી માટેનો કેમ્પ કેમ નથી કરતા ? અને આ લોકોની સારવાર માટે શું પ્રયાસ થાય છે ? ગામના દવાખાનાની શું હાલત છે ?


શિવાનીની વાત સાંભળી રેવાબહેન બોલ્યા, "શિવાની બહેન, કોરોનાથી બચવા શું કાળજી રાખવી, તે સમજાવવા ઘણા પ્રયાસ કર્યાં, પણ લોકો કશું સાંભળતા જ નથી.તે એવું જ મને છે કે રસી આપીએ કે દવાખાને જઈએ એટલે મરી જઈએ."


રેવાબહેનની વાત સાંભળી શિવાનીને બધું સમજાઈ ગયું.એક બે દિવસમાં શાળામાં વેકેશન પડવાનું હતું.શિવાનીએ ગામને ફરી ધબકતું કરવાનો નિર્ધાર કર્યો. જે ગામે તેને દીકરીની જેમ સાચવી, તે ગામને આમ નિ:સહાય છોડવા તેનું મન માનતું ન હતું. તેણે વેકેશનનો આખો મહિનો અહીંયા જ રહેવાનો નિર્ણય કર્યો.


શિવાનીએ ગામમાં કોરોના પ્રત્યે જાગૃતિ ફેલાવવા અને ગામને ફરી સ્નેહ અને હૂંફથી છલકાવવા એક અભિયાન ચાલુ કર્યું. સાહસ,સ્નેહ અને હૂંફની મુઠ્ઠી લઈ તેણે પોતાના મિશનનો પ્રારંભ કર્યો.


સૌપ્રથમ તેણે ગામના દવાખાને તપાસ કરી અને ત્યાંના ડોકટર રવી મહેરાને મળી.ગામમાં દવાખાનું ખૂબ મોટું ન હતું.પણ સગવડો ઘણી હતી.એક ડોકટર અને બે નર્સનો સ્ટાફ હતો. બીજા એક ડોક્ટર અને એક નર્સને સ્પેશિયલ કોરોનાની સારવાર માટે મુકાયા હતા.


શિવાની ડો. રવીને સારી રીતે ઓળખતી હતી. ડો.રવી પણ આ ગામના હીત માટે હંમેશ પ્રયાસ કરતા. શિવાની જાણતી હતી તેની મદદથી પોતાના પ્રયાસ જલ્દી સફળ થશે.


શિવાનીએ ડો. રવીની મદદથી પ્રથમ તો પોતાના માટે એક ઘર ભાડે રાખ્યું.


શિવાનીની આંખમાં હિંમત અને કંઈક કરી છૂટવાની તમન્ના જોઈ ડો.રવિને પણ એક નવી આશા દેખાઈ.


બીજા દિવસે સવારે શિવાની અને ડોકટર રવીએ પોતાને જરૂરી સમાન જેમકે કોરોના માટેની દવાઓ,ઇન્જેક્શન,દસ બેડની વ્યવસ્થા, જરૂરી બાટલાઓ,ઓક્સી મીટર, બ્લડ પ્રેશર મશીન તેમજ અન્ય જરૂરી પ્રાથમિક અને બીજા સાધનોનું લીસ્ટ કર્યું. જેમાંથી મોટા ભાગની વસ્તુઓ હતી.જે ન હતી તે મંગાવવાનું નક્કી કરાયું.


ડો.રવિ અને શિવાનીએ સરકાર તરફથી મળતી ગ્રાન્ટ અને ગામના અન્ય બે સેવાભાવી લોકો પાસેથી ફાળો એકઠો કર્યો. અને  ખુટતા પૈસા પોતે નાખી શહેરથી બધો સામાન મંગાવી લીધો.


ગામના દવાખાનામાં કોવિડ કેર સેન્ટર ચાલુ કર્યું. અને ત્યાં છ બેડની વ્યવસ્થા કરી.સાથે જ ગામની શાળા કે જે વેકેશનમાં બંધ રહેવાની હતી ત્યાં બીજુ કોવીડ કેર સેન્ટર ચાલુ કર્યું.ત્યાં પણ ચાર બેડની વ્યવસ્થા કરી.


ડો.રવી અને શિવાનીનું સાહસ જોઈ ગામના બીજા યુવાન ,યુવતીઓ કે જે થોડું જાજુ ભણેલ હતા ,તે પણ તેમની મદદે આવ્યા. જોતજોતમાં વાત આસપાસના ગામમાં ફેલાવા લાગી.ત્યાંથી પણ જરૂરી મદદ મળવા લાગી. ગામના શિક્ષકો,આશા વર્કર, દવાખાનાનો અન્ય સ્ટાફ બધાની મદદથી બંને કોવીડ સેન્ટરમાં તમામ જરૂરી સ્ટાફની વ્યવસ્થા થઈ ગઈ. પણ હવે પ્રશ્ન હતો ગામના કોવીડ ગ્રસ્ત લોકોનો ભરોસો જીતી , તેમને હોસ્પિટલ સુધી લાવવાનો!  તે લોકો આવે તો જ તેમની સરખી સારવાર થઈ શકે.


શિવાની અને અન્ય બે નર્સોએ પોતે માસ્ક, પીપીઈ કીટ , ગ્લોઝ જેવા જરૂરી પ્રિકોશન લઈ, કોવિડ ગ્રસ્ત લોકોની વચ્ચે જઈ, તેમને સ્નેહ અને હૂંફ આપી સમજાવ્યા. સમયે સમયે જરૂરી દવા અને ઈન્જેકશનની સાથે યોગ્ય આહાર મળતા દર્દીમાં બે ત્રણ દિવસમાં સુધારો જોવા મળ્યો.દવાખાનામાં અગાઉથી સેવા આપતા ડોકટર રવી અને તેમની બે નર્સ પણ શિવાનીની કામગીરી અને ઉત્સાહ જોઈ દંગ રહી ગયા. શિવાનીએ જે ઘરોમાં કોરોના હોય, તે ઘરમાં જમવાનું બનાવી ,ટિફિન વ્યવસ્થા શરૂ કરી. જેમાં ગામની અન્ય મહિલાઓ અને બીજા લોકો સ્વેચ્છાએ જોડાયા.


શિવાનીની એક અઠવાડિયાની મહેનત આખરે રંગ લાવી.લોકોમાંથી ધીમે ધીમે કોરોનાનો ભય દૂર થવા લાગ્યો.જે લોકોને વધારે તકલીફ લાગતી હતી.તેમના સ્વજન સ્વેચ્છાએ કોવીડ સેન્ટર પર ભર્તી કરાવવા અને સારવાર લેવા તૈયાર થઈ ગયા.બંને કોવીડ સેન્ટર પર લોકોની સારવાર થવા લાગી .લોકોમાંથી હતાશાના સ્થાને નવી આશ જાગવા લાગી.


શિવાનીએ રોજ સવારમાં લોકોને યોગ,કસરત,અને તુલસી આદુનો ઉકાળો,લીંબુ વાળું ગરમ પાણી, વરાળ લેવી જેવી બાબતોની પણ સમજ આપી. ધીમે ધીમે  કરતાં આખા ગામમાં જાગૃતિ આવવા લાગી.લોકો સમજવા લાગ્યા કોરોનાથી ડરવાની જરૂર નથી પણ બસ જરૂર છે, સાવચેતી અને સાવધાનીની.


ડો.રવિને ને હજુ એક વાતથી અસંતોષ હતો. તે બોલ્યા, "શિવાની, હજુ લોકો રસી લેવડાવવા માટે ખચકાય છે.તેમનો ભ્રમ દૂર કરવો છે.તેના માટે તેમને યોગ્ય રીતે સમજાવવા પડશે."


શિવાનીએ કહ્યું, "આ બાબતે છેલ્લા ત્રણ દિવસથી હું ઘરે ઘરે જઈ લોકોને સમજાવું છું.મને લાગે છે કે લોકોને મારી વાતમાં વિશ્વાસ આવી રહ્યો છે.મે આવતી કાલે કેમ્પ છે એવું કહ્યું છે.હવે જોઈએ કાલે શું થાય ! "


શિવાનીના આશ્ચર્ય વચ્ચે કેમ્પમાં રસી મુકાવવા માટે માસ્ક પહેરી, યોગ્ય અંતર જાળવી લોકોની લાઈન લાગી  હતી.પૂરજોશમાં ગામમાં રસીકરણ કાર્યક્રમ ચાલુ કરવામાં આવ્યો.


શિવાની આ જોઈ ખૂબ ખુશ થઈ. એક મુઠ્ઠી સ્નેહ અને હૂંફથી ફરીવાર શિવાની ગામલોકોના દિલમાં વસી ગઈ.ગામલોકોને પોતાના વર્તન પર ખૂબ પસ્તાવો થયો.


શિવાનીની મહેનત રંગ લાવી એક મહિનામાં ગામમાંથી કોરોનાના કેસ ખૂબ ઘટી ગયા. લોકો હવે દરરોજ માસ્ક પહેરી, અંતર જાળવી રહેવા લાગ્યા. ગામના શિક્ષકો પ્રત્યે આદરભાવ રાખી તેમના કામમાં સાથ સહકાર આપવા લાગ્યા. લોકો સોશિયલ ડિસ્ટન્સ રાખતા પણ દિલમાં અંતર ઘટી ગયું. ફરી સૌ સાથે મળી કિલ્લોલ કરવા લાગ્યા.માધવપુર એકબીજાની કાળજી,હૂંફ અને સ્નેહથી ધબકવા લાગ્યું.


*************


પોતાનું લક્ષ્ય પૂર્ણ થતાં આજે શિવાની આ ગામ છોડી જવાની હતી.આખું ગામ રડી રહ્યું હતું.  શિવાનીના કદમો જાણે ઉપડતા ન હતા.તેની નજરો કોઈને શોધતી હતી.


સૌ કોઈની જેમ ડો.રવી પણ ઈચ્છતા હતા કે શિવાની ન જાય.પોતાના દિલમાં શિવાનીએ ક્યારે દસ્તક દીધી તે તો  ડો. રવી પોતે પણ નહોતા જાણતા.આટલા સમયના સાથમાં તેણે  શિવાનીના આંખમાં પોતાના માટે પ્રેમ છલકતો જોયો હતો. તે હિંમત કરી ગામને પાદર આવ્યા.


બધા ગામ વાળની વચ્ચે જઈ તે બોલ્યા, "શિવાની, રોકાઈ જા.આ જિંદગી હવે તારા વગર નહી જીવી શકાય. જેમ તે આ ગામમાં સ્નેહ અને આશાનો સંચાર કરી એક નવું પ્રભાત લાવી તેને જીવંત કર્યું, તેમ મારી જીવનસાથી બની મારી જિંદગીને તારા સ્નેહથી રોશન કરી દે.


શિવાની બધાની વચ્ચે દોડીને ડો. રવીની સ્નેહાળ બાહોમાં સમાઈ ગઈ. ગામ લોકોની સાથે સાથે તેની જિંદગીમાં પણ નવું પ્રભાત ઊગ્યું હતું.



હોય ભલે લાખો નિરાશા...

તેમાં હોય છુપાયેલ એક શા..

હોય ભલેને અમાવસની કાળી રાત..

ઘોર અંધકાર ચીરીને પણ ઉગે છે પ્રભાત...!



સમાપ્ત

Bhumi Joshi "સ્પંદન"

મિત્રો કોરોનાથી ડરવાને બદલે થોડી કાળજી અને સાવચેતી રાખી, હિંમતથી તેનો સામનો કરીએ તો આપણે ચોક્કસ તેને હરાવવામાં સફળ થઈએ.આવા સમયે જરૂર છે, બસ એક મુઠ્ઠી સ્નેહ અને હૂંફની !













             







ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ