વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

નવા કપડાં

નવા કપડાં


     "આખો દિવસ પેપરમાં ડાચું ઘાલીને બેસી રહેવું હતું તો મારી સાથે પ્રેમ શું કામ કર્યો? લગ્ન શું કામ કર્યા? નીરુ  પોતાના લાંબા વાળનો ચોટલો પેપર પર પછાડતા બોલી." આખા ગામના સમાચાર જાણવા બેઠા છે, પણ બૈરીએ મોગરાની વેણી નાખી છે તે જોવાની ફુરસદ પણ નથી."


   "ઓહો ! નિરુપમા દેવી, રડતી રાધા .."કહેતા પેપરમાંથી ડોકું બહાર કાઢી, રવિએ તેને આંખ મિચકારી .આંખ અને હોઠથી જ ઈશારો કરી કહ્યું," ખુબ સરસ."


   " મને પણ."ધ્યેયા જોરથી બોલી." મેં પણ મોગરાના ફૂલ માથામાં નાખ્યા છે. પપ્પા કેવી લાગુ છું? મમ્મીને એક આંખથી વાલો આપ્યો. તો મને બે આંખથી આપો પપ્પા." કહેતા ધ્યેયા, તેમની ચાર વર્ષની દીકરીએ પેપરના બે કટકા કરી, પપ્પાને જોરથી બાઝી પડી.


"પપ્પા, મને તમારી દયા આવે છે. મને તમારા માટે ખૂબ સહાનુભૂતિ છે." કહેતા ધ્યેય,તેમનો છ વર્ષનો દીકરો હસી પડ્યો.


"બધું સરસ છે. પણ મને ભૂખ બહુ જ લાગી છે. પેટ પર હાથ ફેરવતો ધ્યેય ભીમની એક્શન કરવા માંડ્યો.


"હંહં.!આખો દિવસ રસોડું. કોઈની મદદ નહીં." ફરી લાંબા વાળનો ચોટલો અમળાવતી નીરુ બબડવા  માંડી.


"ચાલ, તને મદદ કરું." રવિ હસતા હસતા ઉભો થયો અને નીરુનો પાલવ પકડયો.


"પપ્પા.. પાલવ નહીં મમ્મીનો ચોટલો પકડો, એટલે આગગાડી બનાવીએ."


"બસ ચાંપલી ! પપ્પાની લાડકી!"


"મમ્મી, આજે હું તને મદદ કરીશ." રવિ કુદતો કુદતો બોલ્યો.


"શેમાં"


"તે જમવાનું બનાવ્યું છે. તે ઝાપટવામાં..!" કહેતો રવિ પપ્પાની પાછળ શર્ટ પકડીને ઊભો રહ્યો. ધ્યેયા ધ્યેયની પાછળ શર્ટ પકડીને ઉભી રહી.


"સાવધાન! નિરુપમા.. ધ ટ્રેજેડી ક્વીન..એન્જિનકી સવારી આ રહી હૈ." રવિએ નીરુની કમરે હાથ વીંટાળી આલિંગન આપ્યું .


' શરમાઓ.. આ છોકરાઓ સામે જ છે .ખબર પડે છે? સાવ નઠારા..!" ગુસ્સા અને શરમથી લાલ  લાલ થઈ નીરુ રસોડા તરફ દોડી.


પાછળ ત્રણેય જણા ટ્રેનના ડબ્બાની માફક તેની પાછળ ગયા. એકબીજાના કપડા પકડી.


ત્યાં તો ખુલ્લી બારીમાંથી તાકતા વીરુકાકી બોલ્યા." નીરુ, કયા સ્ટેશને ગાડી ઊભી રહેવાની છે ?મારે ચા પીવી છે."


"કાકી ગમે તે સ્ટેશન હોય. તમે ગરમ ગરમ ગોટા મોકલાવો. હું અહીંથી ડુંગળી અને મરચા તમને મોકલાવું છું." રવિ હસતા હસતા નીરુને હેરાન કરતાં બોલ્યો.


"ઉભો રહે.. મારા રોયા !" વીરુ કાકીએ બારી બંધ કરી.


"પપ્પા. મમ્મીને તમે પપ્પી આપી. હવે ધ્યેયનો વારો, પછી મારો વારો."


"હા બેટા. તમને પપ્પા ખૂબ બધી પપ્પી આપશે. પણ મારો વારો ક્યારે?"


"તમારો વારો છેલ્લો. પપ્પા!"


    "હા. મારો વારો કાયમ છેલ્લો જ હોય છે." આંખ બંધ કરી, ભૂતકાળની મીઠી યાદોમાં ખોવાયેલો રવિ સ્મશાનમાં બેઠો બેઠો સ્વગત બોલી ઉઠ્યો.


   "હા. બેટા તારો વારો છેલ્લો જ હતો. હવે સ્મશાનમાં કોઈ નથી." પીપીઈ કીટ પહેરેલા વડીલ જેવા લાગતા માણસે, રવિના ખભે હાથ મુકીને આશ્વાસન આપ્યું." આપના ત્રણેવ સ્વજન સ્વધામ પહોંચી ગયા. બેટા."


  માંડમાંડ ઉભો થઇ રવિ સ્મશાનની બહાર નીકળ્યો.

" એકલો અટૂલો..સ્વજન વિનાનો."


    દરેકને આ મહામારીનો ડર હતો. બધાએ ફોન પર જ આશ્વાસન આપ્યું.


    પણ જોવા જાય તો આ શહેરમાં રવિનું  હતું પણ કોણ?


    આઈ. ટી. કંપનીમાં નોકરી કરતા રવિની ટ્રાન્સફર પુનાથી વડોદરા થઈ .ભર્યું કુટુંબ છોડી રવિ પોતાની પત્ની અને બાળકો સાથે વડોદરા શિફ્ટ થયો. તેના માતા-પિતા,ભાઈ-બહેન બધા જ પૂનામાં રહેતા હતા.એક મહિના પહેલા તે લગ્ન સમારંભમાં પુના ગયો. ત્યાંથી પરત આવ્યો અને નીરુ,ધ્યેય,ધ્યેયાને કોરોના લાગુ પડ્યો.


   ખૂબ દવા કરી.પાણીની માફક પૈસા વહાવ્યા.પણ આખરે .."પ્રભુની અમાનત હતી અને પ્રભુએ પાછી લઈ લીધી."


    રવિ એક સ્મશાનેથી આવ્યો અને બીજા સ્મશાને ઊભો રહ્યો .બાળકો અને પત્ની વગરનું તેનું ઘર આખરે સ્મશાન જ હતું તેને માટે!


   આ કેવી કારમી પળ છે માણસની! તેના સ્વજનનું મૃત્યુ થાય તો ખભે હાથ દેવા વાળું કોઈ નહીં. પ્રેમ અને સ્નેહથી સીંચેલા સ્વજનના મૃતદેહને પોટલું વાળી, બબ્બે પ્લાસ્ટિક કવરમાં પેક કરી,સળગતી આગમાં નાખી દેવાના. તેનું અંતિમવાર મોઢું પણ જોવા નહીં મળે!


   કારમાં આઘાતથી ખિન્ન,રવિ આંસુ વહાવતો ઘરમાં બેઠો હતો. વીરુકાકી ચા અને નાસ્તો લઈને આવ્યા. માથે હાથ ફેરવ્યો.


"અરે કાકી ! દૂર રહો. તમને પણ કોરોના થઈ જશે." રવિ રડતો રડતો બોલી ઉઠ્યો.


"એક વખત તો મરવાનું જ છે ને! આજે નહીં તો કાલે." સજળ નયને કાકી બોલી ઉઠ્યા.


   આજે પહેલીવાર રવિને વીરુકાકીમાં પોતાની "મા "ના દર્શન થયા. તે તેમના ખોળામાં માથું મૂકી રડી પડ્યો.


  તેના માથામાં ધીમે ધીમે હાથ ફેરવતા વીરુ કાકી બોલ્યા,"નર્મદા નદીને કિનારે જઈ બધી વિધી કરી આવજે બેટા. અહીં તો હવે ગોર મહારાજ મળવા પણ મુશ્કેલ છે."


"હા.. જરૂર."કહી તે આડો પડ્યો. તેની આંખ મીચાઈ ગઈ.


  ટ્રિન..ટ્રિન.. એક મેસેજે તેને ઉઠાડી દીધો.

ઊંઘ ભરેલી આંખે તેણે મેસેજ વાંચ્યો."કોરોનાથી અનાથ થયેલી બે મહિનાની બાળકી અને બે વર્ષના બાળકને દત્તક આપવાના છે. સંપર્ક કરો 9898*****".

   હૃદય પર સખત ભાર લઈ તે ઊભો થયો." આજે પોતે પણ સ્વજન વગર..!"


**


   નર્મદા નદીના ખળખળ વહેતા નીર જાણે કહી રહ્યા હતા.' જીવન એટલે નિરંતર વહેવું."


   નર્મદા નદીના કિનારે મૃત્યુ પછીનું કારજ કરાવવા, અસંખ્ય માણસોની ભીડ હતી. કદાચ પહેલીવાર આટલી સંખ્યામાં સમૂહમાં વિધિ થઈ રહી હતી.


"યજમાન ધ્યાન આપો." ગોર મહારાજ બોલ્યા.


"જી.." રવિ વાળ વગરના પોતાના માથા પર હાથ ફેરવતા બોલ્યો.


"અને તું પણ બેટા." ગોર મહારાજે રવિ પાસે બેઠેલા એક નાના  બાળકને કહ્યું. તે હજી રડી રહ્યો હતો. હજી આઘાતમાં હતો.


"બેટા, મૃત્યુ એટલે શું? " 


"મરી જવું. અચાનક કહ્યા મૂક્યા વગર ચાલ્યા જવું. શરીર અહીં મૂકીને." છોકરો જવાબ આપતા આપતા રડી પડ્યો અને ગોર મહારાજને પગે લાગ્યો.


"ના..ના.. બેટા. મૃત્યુ એટલે નવો દેહ ધારણ કરવાની પ્રક્રિયા. નવા કપડાની માફક નવું શરીર ધારણ કરવાની પ્રક્રિયા. જે ગયા છે તે બીજા કોઈ સ્વરૂપે, નવું શરીર ધારણ કરીને તારી પાસે આવશે જ. તું તેને ઓળખી લેજે. ભગવાન તને તેમના આવવાના સંકેત પણ આપશે જ."


"શું ચોક્કસ આવશે?" પેલો બાળક અને રવિ એક સાથે બોલી ઊઠ્યા.


"હા. આ શરીર પ્રભુની અમાનત છે અને તે પાછું લઈ લે છે. પણ એક નહીં તો બીજા સ્વરૂપે તમને એ સ્વજન પરત આપે છે. તમારું હૃદય પ્રભુ, પ્રેમ અને કરુણાથી છલોછલ ભરી દે છે. આ પ્રેમ અને કરુણા રૂપી "હૂંફ"માણસો અને પ્રાણીઓમાં માત્ર વહેંચવાની જ હોય છે. આ પ્રેમ વહેચતાં વહેચતાં જ તમને તે ખોવાયેલું સ્વજન, બીજા સ્વરૂપે મળી જાય છે."


"પ્રેમ અને કરુણા..હૂંફ.." રવિના મગજમાં  શબ્દો ઘુમરાતા રહ્યા.


   રવિ મક્કમતાથી ઊભો થયો. ઘરે આવી તેણે આખું ઘર સેનેટાઈઝડ કરાવ્યું. માળીયેથી ઘોડિયું ઉતાર્યું. વીરુકાકીને કહ્યું,"ઘરે આવીને આરતીનો થાળ તૈયાર રાખે." અને ગાડી ઝડપથી ચલાવતો જતો રહ્યો.


   વીરુકાકીએ ખૂબ રાહ જોઈ. સવારની બપોર થઇ પણ  તે નહીં આવ્યો.તેમને ચિંતા પેઠી." ફરી કંઈક અમંગળ તો નહીં બન્યું હોય ને?"


ત્યાં જ  ગાડીનો હોર્ન વાગ્યો.


"વીરુકાકી..વીરુકાકી.." રવિએ બૂમ પાડી." જુઓ તો કાકી કોણ આવ્યું છે?"


    વીરુકાકી આશ્ચર્યચકિત થઈ ગયા. તે થોડીક વાર કશું બોલી શકયા નહીં.


"કાકી આરતી તો ઉતારો!જુઓને ધ્યેય અને ધ્યેયા આવી ગયા."


   વીરુકાકીએ આરતી ઉતારી. બેઉ બાળકોને તેડી લઈ સ્નેહથી ગળે લગાડી દીધા.


   "મૃત્યુ એટલે નવા કપડાની માફક નવો દેહ ધારણ કરવાની પ્રક્રિયા.. પ્રભુ ..પ્રેમ અને કરુણા તારા હૃદયમાં છલોછલ ભરી દેશે. બસ તું એને વહેંચ્યા જ કર. તારું ખોવાયેલું સ્વજન તને મળી જશે પણ બીજા કોઈ સ્વરૂપે.." ગોરમહારાજના આ શબ્દોએ રવિને એક નવી જ જીવન જીવવાની દિશા આપી.


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ