વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

દીક્ષા

હિરાચંદ શેઠની સંપત્તિ રસ્તા પર ઉછળતી અને વેરાતી હતી. પુત્રી યશસ્વીની આજે દીક્ષા પૂર્વેની વરસીદાન રથયાત્રા હતી. આવતી કાલ પછી સ્કુટર પર ઉડતી કે ફરારીમાં ફરતી દીકરી, હાઈહિલના સેન્ડલ વગર ઉઘાડા પગે ચાલશે. બાપનું કાળજું કોતરાતું હતું. તો બીજી બાજુ કાકામાણેકચંદ હરખ ઉત્સાહથી રસ્તા પર નાણા ઉછાળ્યે જતા હતા. કાકી વૈશાલીનો હરખ સમાતો ન હતો. મા વગરની યશસ્વીને કાકીએ જ ઉછેરી હતી. ભત્રીજી યશસ્વીનું ગઈકાલે જ બારમાં ધોરણ નું પરિણામ આવ્યું હતું. દર વર્ષે પંચાણુ ટકા કરતાં વધુ માર્ક લાવનાર યશસ્વી નાપાસ થઈ હતી. કાકી સાથે એક પ્રખર મુનિના પ્રવચન સાંભળવા ગઈ હતી અને પરીક્ષા આપવાનું માંડી વાળ્યું હતું. એ વૈશાલી કાકીને વ્હાલથી આન્ટીમૉમ કહેતી.

આન્ટીમૉમે જ કહ્યું હતું બેટી, આ તો નિરર્થક સાંસારિક શિક્ષણ છે. એની તને શું જરૂર. તું તો મોક્ષના માર્ગનું અધ્યયન કરી રહી છે. દીકરી તેં તો કલ્પસૂત્ર જેવા મહાગ્રંથનો અભ્યાસ કર્યો છે. તારો હવે પછીનો અભ્યાસ તો નિર્વાણની દિશા તરફનો જ હશે. તારો જન્મ આ સંસારને માટે થયો નથી. તું એક વિશિષ્ઠ વ્યક્તિ છે. બેટી હવે દુન્યવી ભણતરનું શું કામ?”

કાકા કાકીએ જ યશસ્વીને ઘર્મ પરાયણ બનાવી હતી. પોતાનો પુત્ર મિતેશ તો દેરાસરમાં પગ પણ મુકતો ન હતો. ધર્મ પ્રતિબંધીત બધા જ શોખ માણતો હતો. આવતી કાલે યશસ્વી દીક્ષા લઈ સંસારના સર્વ ભૌતિક સુખ અને વળગણો ત્યાગીને સાધ્વી થવાની હતી. હિરાચંદની દુનિયા લુંટાઈ રહી હતી. તેઓ આજે સગાવ્હાલાની ભીડમાં ફંગોળાતા અભાનપણે બેટીના રથની સાથે આગળ વધતા હતા.

ભવ્ય રથયાત્રા જોવા અને ઉછળતા નાણાં વણવા હજારો માણસો ભેગાં થયાં હતાં. પ્રખ્યાત બેન્ડના બોલિવૂડી સંગીતની ધૂન પર રચાયલા ભજનો પર યુવક યુવતીઓ મન મૂકીને નાચતાં હતાં. યશસ્વીનો રથ સાત શણગારેલા અશ્વો ખેંચતા હતા. આગળ એક ગજરાજ હતો. યશસ્વી રાજકુંવરીના ભવ્ય શણગારોથી શોભતી હતી. આગળ પ્રભુજીના બે રથ પાંચ પાંચ અશ્વો ખેંચતા હતા. બીજા અગ્યાર ઘોડા અને પાંચ બગી વરઘોડાની ભવ્યતાની બાંગ પોકારતી હતી. શંખવાદકો શંખ નાદ કરતાં હતાકાઠિયાવાડી રાસમંડળીનગારા મંડળીઓ તેમની કલાથી મનોરંજન પૂરું પાડતી હતી. આવી ભવ્ય શોભાયાત્રા આ શહેરમાં પહેલી જ હતી. ષોડસી રૂપસુંદરી દુલ્હનની જેમ શણગારાઈ હતી. આ એનો છેલ્લો શણગાર હતો. કાલથી એના દેહ પર માત્ર બે જ શ્વેત વસ્ત્રો વિંટળાયલા હશે. થોડે થોડે સમયે યશસ્વી મુઠી ભરીને ટોળાઓ ઉપર સોના ચાંદીના સિક્કાઓનો વરસાદ વરસાવતી હતી. એના ઊછાળેલા સિક્કા જેના હાથમાં સીધા ઝીલાતાં તેઓ પોતાને ભાગ્યશાળી માનતા. પણ પિતા હિરાચંદ શેઠની ભાગ્યરેખા આજે પૂર્ણ થતી હતી.

રથમાં બેઠેલી યશસ્વીને એક અપવિત્ર વિચાર આવી ગયો. જાણે તેજસ એની બાજુમાં જ બેઠો છે અને એ પરણીને સાસરે જઈ રહી છે. પણ ના આવતી કાલથી એને ઉપાશ્રયમાં રહેવાની ગોઠવણ થઈ ચૂકી હતી. એના લાંબા રેશમી વાળના સેંથામાં સિંધુર નથી પુરાવાનું. એ જાણતી હતી કે માથા પરના વાળ એક પછી એક તણાશે. મૂળીયામાંથી ઉખડશે. ઓહ! એને યાદ આવી ગયું. જ્યારે પહેલી વાર આઈબ્રો ઠ્રેડિંગ કરાવ્યું હતું ત્યારે કેટલું ખેંચાયું હતું અને હવે? કમકમા આવી ગયા.

પુસ્તકમાંના અનેક કઠોર નિયમો વાંચ્યા અને સમજ્યા હતા. બધા જ કરે છે હું પણ કરીશ. બસ બે દિવસ પહેલાં એ નવજીવન માટે તૈયાર હતી. રથમાં બેસીને ઝાકમઝોળ માહોલમાં અંદરથી તે ધ્રૂજતી હતી. આવતી કાલની કલ્પનાથી મનોબળ ભાંગતું જતું હતું. રથમાંથી ઉતરીને નાસી જવાનો અપવિત્ર વિચાર આવી ગયો. અબજપતિ રૂવાબદાર હિરાચંદ બાપ આંસુ સાથે રથની બાજુમાં ચાલતો હતો. ઘસડાતો હતો.

યશસ્વીનો દીક્ષાનો ઉમંગ ગઈકાલે જ ઓસરી ગયો હતો. વહેલી સવારે એ કાકાકાકીને બંગલાની બાલ્કનીમાં ખાનગી વાત કરતાં સાંભળી ગઈ હતી. એક ભયંકર આંચકો લાગી ગયો. એ તૂટી ગઈ. હત્તપ્રદ થઈ ગઈ. શું આ કારણે મારે દિક્ષા લેવાની છે. શું આ કારણે મારે સંસારસુખ ત્યાગીને સાધ્વી થવાનું છે?

પપ્પાએ દીક્ષા ન લેવા માટે કેટલી સમજાવી હતી. પણ એને તો આ સંસારમાંથી મુક્તિની ધુન લાગી હતી. હાઈસ્કુલ મિત્ર તેજસે કેટલીયે વાર કહ્યું હતું યશ્વી આઈ લવ યુ. બસ તું અને હું. જીવનના સુખદુખ સાથે માણીશું. એ આઠમા ધોરણમાં હતી ત્યારે તેજસે એને પહેલી કીસ કરી હતી તે યાદ આવી ગયું. ચાર વર્ષ પહેલાંનો એ સ્પર્શ અત્યારે પણ રોમાંચની ધ્રૂજારી જગાવી ગયો. એણે જો પપ્પા અને તેજસની વાત માની હોત તો આ દિવસ ના આવતે. આજે ખોટું ખોટું હસતી હતી અને સિક્કા અને વરસાવતી હતી. એના પર પણ પુષ્પોનો વરસાદ થતો હતો. એની જય બોલાતી હતી. એનું મન ક્યાંક બી જે જ હતું.

વરઘોડો આગળ વધતો હતો. જ્યાં એને અટકવાનું હતું તે દેરાસર નજીક આવતું હતું. એની વિહ્વળ નજર કોઈકને શોધતી હતી. શું એને મારો મેસેજ મળ્યો ન હોય! એ કેમ આવ્યો નહિ. એના પગ પર ઠંડા રેલા ઉતરી રહ્યા હતા.

એવામાં યશસ્વીના રથની બાજુમાં નૃત્યની મસ્તી માણતા ટોળામાં વૈશાલીકાકીને કોઈનો ઘક્કો લાગ્યો. કાકી પડી ગયા, માથામાં વાગ્યું. લોહી લુહાણ થઈ ગયા, કાકી માનવ મેદનીમાં ઘેરાઈ ગયા. તરત જ એક એમ્બ્યુલન્સ આવી ટોળાએ માર્ગ કરી આપ્યો,

પણ આ શું? એમ્બ્યુલન્સનો દરવાજો ખૂલ્યો. બે યુવાને યશસ્વીને ઉંચકીને એમ્બ્યુલન્સમાં નાંખી અને પળ વારમાં જ એમ્બ્યુલન્સ સાયરન સાથે ભીડ ચીરતી દોડવા લાગી. બધા બુમ પાડતા જ રહી ગયા. ટોળુ એમ્બ્યુલન્સ પાછળ દોડતું હતું. અરે! અરે! યશસ્વીજીને નહિ, વૈશાલી બહેનને ઈજા થઈ છે. પણ એ બુમરાણનો કોઈ અર્થ ન હતો. ક્ષણમાં એમ્બ્યુલન્સ નજર બહાર નીકળી ગઈ.

એમ્બ્યુલન્સવાળાની ભુલ હતી? ત્યાં તો કોઈકે બુમ પાડી યશસ્વીનું અપહરણ થયું છે, અબજોપતિની દીકરી છે. છોડાવવા કરોડોની માંગણી થશે. શ્રાવક દીક્ષાની શોભાયાત્રાના ઈતિહાસમાં આવું કદીએ બન્યું નથી. બની શકે જ નહીં. પણ આજે જે બન્યું એ હકીકત છે. એક બાજુ કાકી વૈશાલી ઘાયલ થયાં હતાં બીજી બાજુ યશસ્વીને એમ્બ્યુલન્સ ઉપાડી ગઈ હતી. ક્ષણવારમાં સાધ્વી થનાર યુવતીના અપહરણના સમાચાર સોસિયલ મિડિયામાં વાઈરલ થઈને દેશ દેશાંતરમાં ફરતા થઈ ગયા.

કાકા પત્નીની ચિંતા અને અપહરણની વાતથી રઘવાયા થઈ ગયા હતા. શું કરવું તે સમજાતું ન હતું. હિરાચંદને લોકોએ એક કારમાં બેસાડી દીધા. હિરાચંદ શેઠ કારમાં બેસીને નવકાર મંત્રની માળા જપતાં હતાં.

દશ મિનિટમાં પોલીસ હેડક્વાર્ટરમાંથી હિરાચંદ શેઠ પર ડિ.એસ.પી. સાહેબનો ફોન આવ્યો. શેઠજી આપની દીકરી સલામત છે. અત્યારે અમારી પૂછપરછ ચાલુ છે. એ પૂરી થયે આપને જણાવીશું કે આપ એને ક્યાં અને ક્યારે મળી શકો છો. અડધા કલાક પછી બીજો ફોન આવ્યો. આપ પરિવાર સહિત પોલીસ સ્ટેશન પર આવો.

સમાચાર અને અટળકો ફેલાતી રહી. હજારો માણસોના ટોળાં શહેરના પોલીસ સ્ટેશનની આજુબાજુ જમા થવા લાગ્યાં. મિડિયા કેમેરા અને રિપોર્ટરો પોલીસ સ્ટેશનને ઘેરી વળ્યા. ટોળાંએતો યશસ્વીને આજે જ સાધ્વી જાહેર કરી દીધી. સાધ્વીજી કહાં હૈ?’ ‘હમેં સાધ્વીજીકા દર્શન ચાહીયે.’ ‘કિડનેપરકો ફાંસી દો.’ ‘કિડનેપરકો હમેં શોંફ દો. હમ ઉસ્કા ન્યાય કરેંગે.

બીજો કલાક નીકળી ગયો. ટેન્શન વધતું હતું. આજુબાજુ પોલીસ કોર્ડન વિસ્તરી. માઈક ગોઠવાયા. પોલીસ સ્ટેશનની આજુબાજુના ઉંચા મકાનોની બારી અને બાલ્કનીમાં ગોઠવાયલા કેમેરા પોલિસ સ્ટેશનના ઓટલા પર ઝૂમ થયા.

સૌથી પહેલાં હિરાચંદ શેઠ બહાર આવ્યા. પછી ડીએસપી સાહેબ અને કલેક્ટર સાહેબ બહાર આવ્યા. બુમો પડી હમેં તો સાધ્વીજી કા દર્શન ચાહીયે. સાધ્વીજી અમર રહો.

અને એક મહા આશ્ચર્ય!

ટીનેજર યશસ્વી તેના મિત્ર તેજસનો હાથ પકડી જીન અને ટીશર્ટમાં હાજર થઈ. કલેક્ટર સાહેબ માઈક પાસે આવ્યા. આ બનાવ અંગેનો જાહેર ખુલાસો મીસ.યશસ્વી પોતે જ આપશે. અત્યારે એ કોઈ પ્રશ્નનો ઉત્તર આપશે નહિ.

વ્હાલા પપ્પાજી અને પ્રેમાળ જનતા જનાર્દન. આપ સૌને જય જીનેન્દ્ર. સાદર નમસ્કાર. આપના પ્રેમ અને લાગણી બદલ હું ખુબ જ આભારી છું. આજે જે કાંઈ બન્યું તેને માટે સૌ સ્નેહીઓ અને સમાજની ક્ષમા માંગું છું.

મારા જન્મ પછી મારી માતાનું અવસાન થયું હતું. મેં મારી માતાનું મોં પણ જોયું નથી. મારી બે વર્ષની ઉમ્મર પછી મારા સાવકા કાકાશ્રી માણેકચંદ અને વૈશાલી કાકી અમારા ઘરમાં રહેવા આવ્યા. મારા પપ્પાજીને નાનપણમાં જ સાવકી માએ ઘરમાંથી કાઢી મૂક્યા હતા. મારા પપ્પાજીએ સખત પરિશ્રમ દ્વારા કુશળતાથી આજની સંપત્તિ ભેગી કરી છે. સાવકા કાકાએ શેરબજારના સટ્ટા અને મોજશોખમાં બધું જ ગુમાવી દીધું હતું. જેમની સાથે બોલવા મોં જોવાનો સંબંધ ન હતો એ ભાઈને મારા પપ્પાએ આશરો આપ્યો.

મારો ધાર્મિક ઉછેર અને સંસ્કાર મારા કાકીને આભારી છે. એમને હું આન્ટીમૉમ કહું છું. મને મારા પપ્પાજીનો ખુબજ પ્રેમ મળ્યો છે. મને આઠ વર્ષની ઉમ્મરથી જ જૈન ફિલોસોફી અહિંસા અને ત્યાગની વાતો સમજાવવામાં આવતી રહી છે. એમાં કશું ખોટું પા નથી. ધીમે ધીમે જૈન શાસ્ત્રના પુસ્તકો વાંચતી થઈ. પ્રવચનોમાં રસ પડવા માંડ્યો.

બીજી બાજુ મારા મિત્ર તેજસે મને એની તરફ ખેંચવા માંડી. તેજસ મારો જીગરજાન દોસ્ત છે. કાકીએ તેજસને મળવા પર પ્રતિબંધ મુકી દીધો. અમે મળતા નહિ પણ કાયમ ટેક્સ્ટ દ્વારા કોન્ટેક્ટમાં રહેતા.

આન્ટીંમૉમ મને દેરાસર, અપાસરાના મુનિઓ અને ઉપદેશ આપતા આચાર્યો તરફ વાળતા રહ્યા. જ્યારે ધર્મપુસ્તકો કે પ્રવચનો સાંભળતી ત્યારે થતું કે આ સંસાર નકામો છે તો બીજી બાજુ ભૌતિક સુખની ભૂખ આંતરમનમાં મરી પરવારી ન હતી. જીવંત હતી. હું, બાર- ચૌદ વર્ષની ઉમરમાં જાગતા હાર્મોન્સને દબાવવાની કોશીષ કરતી રહી હતી. જે ઈચ્છાઓ જાગતી તેને આદેશ પુસ્તકો દ્વારા દફનાવવાનો નિષ્ફળ પ્રયાસ કરતી રહેતી. મારા કરતાં નાની ઉમ્મરના બાળકો જ્યારે દીક્ષા લઈને મોક્ષને માર્ગે જાય છે તો હું કેમ નહિ. કાકા કાકી દીક્ષા માટે પ્રોત્સાહન આપતા રહ્યા.

પપ્પાજી તો આખો દિવસ તો બિઝનેશમાં વ્યસ્ત હોય પણ રોજ રાત્રે અડધો પોણો કલાક મારી રૂમમાં આવીને બેસતા અને વાતો કરતાં. મને ડોક્ટર થવાનું દબાણ કરતાં. હું લાગણીઓના જાળામાં ગુંચવાયલી અને ફસાયલી રહી

આખરે એક દિવસે નિર્ણય લેવાઈ ગયો. બસ એક દિવસ રાજકુંવરીનો દબદબો માણીલેવો છે પછી સાધ્વી જીવન જીવી લઈશ. પણ પપ્પાના આશિષ ના મળ્યા. તેજસે પોતે ઝેર ખાવાની ધમકી પણ આપી હતી. એને પણ મેં ના ગણકાર્યા. મેં જાહેર કરી દીધું કે હવે મેં સૌ સગપણનો ત્યાગ કરી દીધો છે. તેજસે તો મેસેજ કર્યો પણ કે તારી દીક્ષા અહિંસક નથી. હિંસક છે. તું તારા પિતાને ઘીમે ઘીમે મૃત્યુ તરફ ઘકેલી રહી છે. એમની લાગણીનો ધ્વંસ કરી રહી છે. વિગેરે વિગેરે ઘણાં સંદેશા મોકલ્યા. મેં એ જોવાનું બંધ કર્યું. આખરે એ દિવસ આવી ગયો.

બે દિવસ પહેલાં બંગલાની બાલ્કનીમાં કાકા કાકી વાત કરતાં હતાં. હાશ વૈશાલી. આખરે તેં તારું ધારેલું અહિંસક રીતે પાર પાડ્યું. યશસ્વી દીક્ષા લઈ લે એટલે બેડો પાર. દીકરીના આઘાતમાં ડોસો મરી ગયો એ જાહેર કરવાનું તો રમતની વાત છે. પછી બધું આપણું અને આપણા દીકરાનું જ. આપણે જ ડોસાની જાયદાદના સીધા વારસદાર.  હું અબજપતિ માણેકચંદ.

મારા પગ ઠંડા થઈ ગયા. આ  મારી આ દીક્ષા, કાકાની ધન લાલસા માટે? આઈ હેડ કોલ્ડ ફીટ.

ઉત્સવની તડામાર તૈયારીઓ ચાલતી હતી. અંદરથી અવાજ આવતો હતો. મારે દીક્ષા નથી લેવી. પણ એ અવાજ બહાર નીકળી ન શક્યો. હવે પાછા વળવાની હિમ્મત ન હતી. મેં છેલ્લો ટેક્સ્ટ તેજસને કર્યો. આઈ ડોન્ટ વોન્ટ ટુ બી નન. આઈ એમ નોટ રેડી ટુ બી સાધ્વી. પ્લીઝ હેલ્પ.

હું રથ યાત્રાની છેલ્લી ઘડી સુધી તેજસની મદદની રાહ જોતી રહી. હું અંદરથી ધ્રૂજતી રહી. સાધ્વી જીવન વિશે અનેકવાર વાંચ્યું જાણ્યું હતું. દીક્ષિત બાળકોનું કઠોર જીવન જોયું હતું. પણ રથમાં બેઠા પછી બધું શેતાની શિક્ષા જેવું ભયાનક લાગવા માંડ્યું. મારા સ્કુલના મિત્રએ જ કાકીને ધક્કો મારી ગબડાવ્યા હતા. તેજસે એમ્બ્યુલન્સની ચોરી કરી નજીકમાં જ પાર્ક કરી રાખી હતી. તક મળતાં બે મિત્રોની મદદથી મને ઉઠાવી સીધા પોલીસ સ્ટેશન પર જ લઈ આવ્યા હતા. એમણે મને કિડનેપ નથી કરી.

મેં મારી વાત ડી.એસ.પી. સાહેબ અને કલેક્ટર સાહેબને સમજાવી છે. હવે મારે સાધ્વી નથી થવું. હું ડોક્ટર થઈશ. પૈસા માટે નહિ પણ સેવા માટે. પપ્પાને કહીશ પપ્પા તમે હોસ્પિટલો બાંધો. તમારા પૈસાનું જરૂરિયાત વાળા માટે દાન કરતા રહો. પપાજીને વિનંતિ કરું છું કે કાકા અને આન્ટીમૉમને માફ કરી એઓ ચેનથી જીવન જીવે એટલું ધન આપો. ભલે એમણે મને એમના અંગત સ્વાર્થના કારણે દીક્ષા તરફ વાળવાનો પ્રયાસ કર્યો પણ મને તો ધર્મજ્ઞાનની પ્રાપ્તિ જ થઈ છે.

હું માનું છું કે સિસ્ટમેટિકરીતે મારું બ્રેઇનવોશિંગ કરવામાં આવ્યું હતું. આન્ટીમોમે મને ઉછેરી છે એ ઋણ કેમ ભુલાય? ડિએસપી સાહેબને વિનંતી કરું છું કે તેજસ સામે એમ્બ્યુલન્સ ચોરવાનો અને લાઈસન્સ વગર ડ્રાઈવિંગ કરવાનો ગુનો દાખલ કરાયો છે તે પાછો ખેંચાય. હજારોની સંખ્યામાં હાજર છે એ જનતા જનાર્દનની હું ફરી ક્ષમા માંગું છું. સાધ્વી થયા વગર પણ હું ઘર્મને માર્ગે જ ચાલીશ. સંપત્તિનો ત્યાગ નહિ કરું. એનો આદર કરી સદમાર્ગે વાપરીશ. હું મુનીજી અને વિદ્વાન આચાર્યોને વિનંતિ કરીશ કે દીક્ષા માત્ર પુખ્ત વયના સ્ત્રી પુરુષોને જ આપવી જોઈએ બાળ દીક્ષા બંધ થવી જોઈએ.

આશાછે કે મારો આ ખુલાસો મારા ધર્મની અજૂગતી ટીકા તરીકે ન લેવાય. હું શ્રાવક છું અને શ્રાવક જ રહીશ. ચાલો આપણે હવે સામુહિક નવકાર મંત્ર સાથે છૂટા પડીયે.

માત્ર જૈન જ નહિ પણ સર્વ ધર્મના હજારો લોકો સમજીને કે સમજ્યા વગર સોળ વર્ષની યશસ્વી બોલાવે તેમ બોલતા હતાં.

નમો અરિહંતાણંનમો સિધ્ધાણંનમો આયરિયાણંનમો ઉવજઝાયાણં,

નમો લોએ સવ્વસાહૂણંએસો પંચ નમુક્કારોસવ્વપાવ પ્પણાસણો.

મંગલાણં ચ સવ્વેસિંપઢમં હવઈ મંગલં.

 માનવ મેદની ધીમે ધીમે વિખેરાઈ ગઈ. યશસ્વીના કાકાકાકીને વધુ પુછપરછ માટે પોલીસે રોકી રાખ્યા હતા.

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ