વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

શાસ્ત્રીની શોકસભા

લલ્લુ લેખક હજુ પણ લમણે હાથ મુકીને ચિંતકની અદામાં બેઠો હતો. લખવા માટેના વિચારોનું ઝાપટું એની ખોપડી પર પડતું અને બ્રેઈનમાં એબશોર્બ થાય તે પહેલાં જ એનું ઈવાપોરેશન થઈ જતું. એણે ચન્દુ ચાવાલાની સુરત યાત્રા વિષે તંત્રીને મસ્કા મારીને છપાવ્યું તો ખરું પણ એના માથા પર વાચક અને વિવેચકોએ સારા જેવાં માછલાં ધોયાં.

સુરતી ભાષામાં લખવાનું બંધ કરો. એ અભદ્ર બોલીથી તમે સાહિત્યિક ભાષાને અશુધ્ધ કરી છે.

એય લલ્લુ, ક્યાં તો અંગ્રેજી આવડતું હોય તો અંગ્રેજીમાં લખ કે ગુજરાતીમાં લખ. ગુજરાતી ભાષાના દૂધપાકમાં ચન્દુના સુરતી કાંદા, લસણ અને આદુ-મરચા નો વઘાર કરવાનું બંધ કર. અમારા કર્ણાવતીના સાહિત્યકારોના કાનમાં સુરતી ખીલા ઠોકાય છે..

શર્માજી કહેતા હતા, “લલ્લુ તુમ હિન્દીમે લીખો

લલ્લુએ મનોમન વિચાર કર્યો કે પ્રગટ કરવા જેવા વિચારો આવે તો સાહિત્યિક ગુજરાતી ભાષામાં જ લખવું .

એને ખાત્રી થઈ ગઈ કે વાચક-વિવેચકોનામાં ફની-બૉનનો હવે અભાવ છે. લલ્લુ લેખકના ભેજામાં લખવા માટેના વિચારોનો અભાવ હતો. એને સમજ ન્હોતી પડતી કે પાવડે પાવડે પુરસ્કાર અને રોયલ્ટીના ટોપલા ભરતા મેન્યુફેક્ચરીંગ કોમર્સિયલ કોલમિસ્ટો કોની પાસે આઈડિયા લેતા હશે? ઍટલિસ્ટ ચન્દુ ચાવાલા પાસે તો નહીં જ.

ચન્દુને યાદ કરતાં જ ચન્દુનો ફોન આવ્યો.
ચન્દુભાઈ તમે ખૂબ જીવવાના છો. તમને યાદ કર્યા અને તમારો ફોન આવ્યો.

ટુ જિવ્વાની વ્વાટ કરે છે ને હું તને મરવાની વાટ કેવાનો છું.
લલ્લુ! પેલ્લા ટારી પાસે ટિસ્યુ બોક્ષ લઈને શાંટીથી બેસ ને મારી વાટ સાંભર. ટને એક ખુબ જ આઘાટ જનક, ડુખડ સમાચાર આપ્પાના છે. ટને કડાચ રડુ આવે ટો પેપર ટિસ્યુ કામ લાગહે.

સમાચાર કહેજો, પણ તમારી ભાષામાં લખવાની જીદ ના કરશો.

ના ડીકરા ના,(ચન્દુભાઈ લલ્લુ કરતા ઉમ્મરમાં નાના છે)

આટો બૌ સિરીયસ વાટ છે ટારે જૉઇએ ટો ભડરમ ભડ્ર બામનીયા સંસ્કૃટમાં લખજે. આઈ ડોન્ટ કૅર. પન લખવુ પરે એવા જ સમાચાર છે.

.”બોલો ચન્દુભાઈ શું સમાચાર છે.લલ્લુએ ચન્દુભાઈ પ્રત્યેના વિવેકને ડિવૉર્સ નહોતા આપ્યા

ટારો લેખક ફ્રેન્ડ ગીયો?”

કોણ? …કોણ?”

કોન શું, પેલો શાસ્ટરી. આપનો હુરતી પવીન શાસ્ટરી. બચારો સારો માનસ હુતો. ભર જવાનીમાં ઉપરી ગયો. માંડ સિત્તેર પંચોતેરનો ઓહે. કાલે બપ્પોરે બાર વાગ્યે એના ફ્યુનરલમા જવાનુ છે. ગમે ટેમ, પન આપના હુરટનો જ ને! ફ્યુનરલ હોમમાં ઠોરું ટોરુ ટો ભેગુ કર્વુ પરેને! આપને નઈ જઈએ ટો ફ્યુનરલ હૉલ ખાલી ખાલી લાગે. બચારાનું આપના વગર ઓલ્ખે પન કોન? હું અટ્યારેને અટ્યારે જ બઢ્ઢાને ફોન અને ઈ-મેઇલ કરીને જનાવી ડઉં છું. આપને બઢાએ પોના બાર ને ટકોરે ટાં પોંચી જવાનું છે. અને એના ફ્યુનરલનો ટારે આંખ્યે ડેખ્યો અને કાને સાંભર્યો હેવાલ લખીને છપાવવાનો છે. કાગર પેન્સિલ ને મુવી કેમૅરો લેટો આવજે.

લલ્લુએ એ જવાબદારી અને દુઃખદ્ પ્રસંગ વીશે લખવાની તક સહર્ષ સ્વીકારી લીધી.

બીજે દિવસે લેખક લલ્લુ અને અને ચન્દુ ચાવાલા પેન્સિલવેનિયાના ફ્યુનરલહોમ ક્રિમેટોરીમાં પહોંચી ગયા. બહાર શાસ્ત્રીના સાહિત્યકાર મિત્રો(?) , સંપાદકો અને તંત્રીઓ તથા એના વાચકો, વિવેચકો, ટિકાકારો અને સમીક્ષકોનું મોટું ટોળું હતું. બધા ચન્દુ ચાવાલાની રાહ જોતાં હતાં. ચન્દુની એન્ટ્રી થતાં જ બધા એના પર તૂટી પડ્યા.

સ્વ. પ્રવીણ શાસ્ત્રીની ફ્યુનરલ સર્વિસ સવારે સાત થી નવ વાગ્યા સુધી હતી. ક્રિમેશન સાડા નવ વાગ્યે પતી ગયું હતું. સ્વર્ગસ્થનો પરિવાર એમના રહેઠાણ પર પહોંચી ગયો હતો.

ફ્યુનરલ હૉલના કર્મચારીએ માહિતી આપી.

ચન્દુએ ભૂલમાં બધાને બાર વાગ્યાનો સમય આપ્યો હતો. બધા અકળાતા હતા. બધા ચન્દુના માથે માછલાં ધોતાં હતાં..

હવે સ્નેહીઓનો(?) બબડાટ શરૂ થયો. શાસ્ત્રી તો આખી જીંદગી ન્યુ જર્સીમાં ખોડાયલો હતો. એના ફેમિલીએ પેન્સિલવેનિયામાં ફ્યુનરલ રાખીને બધાને બસો માઈલનો ગેસ બળાવ્યો.

કોઈકે એનો ખુલાસો કર્યો. પૈસા બચાવવા જ આ નાનું ફ્યુનરલ હોમ કમ ક્રિમેટોરી શોધી કાઢ્યું હશે. ન્યુ જર્સી તો મોંઘુ પડે. શાસ્ત્રી પૈસાની બાબતમાં ઘણો ચિકણો હતો. પ્રખર કંજુસો પણ એની પાસે દીક્ષા લેવા આવતા. વિલમાં લખી ગયો હશે. બિચારા ફેમિલીનો શું વાંક.?’

શાસ્ત્રીના બીજા મિત્રએ(?) ટાપસી પુરાવી. તમારી વાત સો ટકા સાચી છે. મહા કંજુસ! કોઈ પણ સંસ્થામાં જાતે લાઈફ મેમ્બર થવાને બદલે એના પાંચ વરસના ગ્રાન્ડસનને લાઈફ મેમ્બર બનાવતો.

બીજાનો મોંઘો ગેસ બળે તેની ચિંતા નહિ. આતો ચન્દુએ ફોન કર્યો એટલે આવવું પડ્યું. જીવતા હોય તેની બે આંખની શરમ.

ડાહ્યાલાલે બધાને સમજાવીને શાંત પાડ્યા. ભલે એના અંતિમ સંસ્કારના સાક્ષી થવાનું સદભાગ્ય આપણે નહીં મળ્યું પણ જ્યારે આપણે અહિ ભેગા થયા જ છીએ ત્યારે અહીં જ શાંતીસભા યોજીને જેને એમના વિશે જે કાંઈ કહેવું હોય તે કહીશું. ઠરાવ કરી તેનો સંદેશો એમના કુટુંબીઓને પહોંચાડીશું અને બે મિનિટનું મૌન પાળી છૂટા પડીશું. લલ્લુભાઈ એનો સચિત્ર હેવાલ છાપામાં છપાવશે.

બધા કમને તૈયાર થયા. લલ્લુ આઈપેડ પર દુઃખદ્ પ્રસંગ પર નોંધ કરતો રહ્યો. મોટા ઑકટ્રીના ઝાડ નીચે એક બાંકડો હતો. એના પર ચડીને વક્તાઓ બોલતા હતા.

આ કંઈ સ્વર્ગાગમન કરવાની શાસ્ત્રીની ઉમ્મર ન હતી. સામાન્ય રીતે પ્રસિધ્ધ સાહિત્યકારો પંચ્યાસી કે નેવુંની ઉંમર પછી જ વાચકોને રડાવે છે. શાસ્ત્રી તો આવજો કહ્યા વગર જ ચાલ્યો ગયો.

ટોળામાં ગણગણાટ થતો હતો. એને બે વાર એટેક આવ્યો હતો. એની આર્ટરીમાં ભૂંગળીઓ ગુસાડેલી હતી. કિડની પણ કચરાથી ભરેલી હતી. આંતરડા પણ સડેલા હતા. ડાયાબીટીસ હતો તોયે ઢગલાબંધ ગળપણ ખાતો હતો. કોમ્પુટર પર આંગળાને કસરત મળતી, બાકી એક્સરસાઈઝ ને નામે મીંડુ. આ હિસાબેતો એ ઘણો મોડો ગયો.’  કોઈ જાણભેદુએ શાસ્ત્રીનો મેડિકલ રિપોર્ટ જાહેર કર્યો.

બેંચ પર ચડેલા એક વક્તા ભાવભીના અવાજે બોલતા હતા; ‘શાસ્ત્રી અમેરિકાના સુપ્રસિધ્ધ સાહિત્યકાર હતા

ટોળામાંથી કોઈકે ધીમેથી સુધારો કર્યો. અમેરિકા નહીં પણ ન્યુ જર્સીના જ વાર્તાકાર હતા.

કોઈકે એમાં વધારાનો સુધારો કર્યો. આખા ન્યુ જર્સીમાં નહીં પણ માત્ર એડિસનમાં જ આપણા જેવા બે પાંચ જણા જ જાણતા હતા કે પ્રવીણ શાસ્ત્રી જેવો કોઈક આડુઅવળું લખીને લેખક બનવાની કોશિશ કરતો માણસ છે.

એક વિવેકપંથી વક્તાએ બેંચ પરથી કહ્યું કે શાસ્ત્રી રેશનાલિસ્ટ હતો. ધાર્મિક કર્મકાંડમાં માનતો ન હતો. અંધશ્રધ્ધાળુ ન હતો. આત્મા ફાતમામાં માનતો ન હતો. આજે આપણે કોઈએ એના આત્માને શાંતી મળે એવું બોલવાનું નથી.

કોઈક જાણકારે ફોડ પાડ્યો રેશનાલિસ્ટ માય ફૂટ!રેશનાલિસ્ટ શાનો. મેં એને બે વાર મંદિરમાં મહાપ્રસાદ ઝાપટતા જોયો છે. રોજ ભગવાનને પગે લાગીને ઘરની બહાર નીકળતો હતો. એના તો ચાવવાના જુદા અને બતાવવાના જુદા હતા.

એક સાહિત્યકાર બહેને બેન્ચ પર ચડી એને માટે ખાસ બનાવેલી કવિતા ગાઈ. એમની આંખ સજળ હતી. એમણે કહ્યું દરેક સાહિત્ય સભામાં એમની ખોટ સાલશે. એઓ ખુબ સારા વાર્તાકાર હતા. બધા સાહિત્યકારોને ખૂબ ધ્યાનથી સાંભળતા હતા.

એ કાંઈ સાંભળતો ન હતો. દેખાવ કરતો હતો. ખરેખરતો એ બહેરો હતો. બધા ક્યારે પુરુ કરે અને ડિનર શરુ થાય તેની રાહ જોતો હતો.’   એક જાણભેદુએ ખાનગી વાત જાહેર કરી..

એક અવલોકનકાર મિત્રએ બેંચ પર ચડી શ્રધ્ધાંજલી આપતા કહ્યું એઓ માત્ર વાર્તાકાર જ ન હતા. ગુજરાતના સાહિત્યકારોને ટક્કર મારે એવા નવલકથાકાર પણ હતા.

ફરી પાછો એક અવાજ આવ્યો. એટલે તો એની એકેય ચોપડી વેચાઈ નહિ. બધાને મફતમાં પધરાવતો હતો.

એવામાં એક બહેન કાળા ગોગલ્સ અને સફેદ કુર્તા-ઘરારા સાથે બેંચ પર ચડ્યા. ક્રોધ આક્રોસથી ધ્રૂજતા હતા. નાક કાનમાંથી નીકળતો ધુમાડો દેખાતો ન હતો પણ બૉડી લેન્ગ્વેજ પરથી અનુભવાતો હતો. એણે ત્રાડ નાંખી. સાઈલન્સ પ્લીઝ.

ટોળાનો બબડાટ ગણગણાટ એકદમ શમી ગયો.

આઈ હેવ એ ક્વેશચન ફોર યુ ગાય્ઝ. આ શોક સભા છે કે સત્તાપક્ષ અને વિરોધપક્ષનો અખાડો છે? હું એની કોઈ સગી નથી કે સાહિત્યકાર મિત્ર નથી. મેં એની નવલકથા ખરીદીને વાંચી છે. એનાથી પ્રભાવિત થઈને એની પ્રકાશિત થયેલી બધી જ નવલિકાઓ વાંચી છે. વી લોસ્ટ ગ્રેઇટ ઓથર. હું એને કૉઈ વાર મળી નથી. મેં માત્ર એના ફૉટા જ જોયા છે. સાંભળ્યું છે કે એ ખુબ જ વિનમ્ર સાહિત્યકાર હતા. કોઈની અણગમતી કે ખોટી ટીકાનો પ્રતિકાર કર્યા વગર સ્વીકાર કરી લેતા. અરે પોતાની ભૂલ ન હોય તો પણ સંબંધ જાળવવા માફી માંગી લેતા. આ એમની નબળાઈ નહીં પણ મહાનતા હતી.

હા એની ઢગલાબંધ બુકો ન વેચાઈ કારણ કે એ વેપારી ન હતા. એને માર્કેટિંગની આવડત ન હતી. સાહિત્યના મોટા માથાઓ સાથે સાંઠ ગાંઠના સંબધો ન હતા. જેમ બૉલિવુડમાં બધા ખાનો, કપુરો અને બચ્ચનોના કેમ્પસ હોય છે તે જ પ્રમાણે કોઈપણ કળા કે સાહિત્યમાં પણ હું, બાવો ને મંગળદાસોના કેમ્પસ હોવાનું સાંભળ્યું છે. મારા જાણવા મુજબ એ કોઈ કેમ્પમાં પૈસા ખર્ચીને મેમ્બર થયા ન હતા.

એની બધી જ નવલિકાઓ જૂદા જૂદા વિષયોમા અને જૂદી શૈલીમાં લખાયલી છે. એમણે અમેરિકાના દેશી લોકજીવન ને અને માનસશાસ્ત્રને પચાવ્યું હતું. શાસ્ત્રીના એક મિત્રએ કહ્યું હતું કે શાસ્ત્રી એક વાર એક સાહિત્ય સમારંભમાં ગયા હતા. ઊંટોની સભામાં શાસ્ત્રીની હાલત નાના સસલા જેવી હતી. બધા ઊંટો એકબીજાની વક્રતાની પ્રસંશા કરતા હતા. અહો રૂપમ અહો ધ્વની જ સ્તો. મને લાગે છે કે એમની ટીકા કરનારા તમે બધા એ ઊંટ કેમ્પસમાંના જ હસો.

હું એમની અને એમના લેખોની પ્રસંશક છું. હું અત્યારે જ એમને ત્યાં જઈને એમના પત્નીને આશ્વાસન આપી આવીશ.

ટોળામાંના એકે ધીમે રહીને કૉમેન્ટ કરી કે બુઢ્ઢો બધામાં થોડી થોડી સેક્સની વાતો લખતો હશે એટલે એ બહેનને વાંચવાનું ગમતું હશે.

જોકે એ બહેને એની ટીકા સાંભળી ન હતી.

લલ્લુ એના લેખને માટે નોટ્સ લખતો રહ્યો.

*******

તે જ સાંજે લલ્લુ લેખક અને ચન્દુ ચાવાલા શાસ્ત્રીને સ્મરણાંજલીનો લેખ લખવાનું ફોર્મેટ ઘડતા હતા.

ચન્દુના સેલફોને શીલાકી જવાનીના રીંગ ટોનથી એમની વિચારમાળામાં ભંગ પાડ્યો.

હલ્લો

કેમ છો, ચન્દુભાઈ…. હું શાસ્ત્રી.

તુંતુંતુંસાસા..સાટરી?….. ટુ..ટુ..એતલી વારમાં ભૂત પન ઠઈ ગીયો?’

ના, ચન્દુભાઈ હું જીવતો જાગતો શૈલાબેન સાથે બેઠો છું. એઓ લાગણી પૂર્વક મારા પત્નીને આશ્વાસન આપવા અને શોક સભામાં મને અપાયલી શ્રદ્ધાંજલી(?) નો હેવાલ આપવા આવ્યા હતા.

પનપનસાસ્ટરી ટુ મને ભૂત ઠઈને બીવરાવતોતો નઠીને? મારાઠી ભૂલમાં જ બઢાને ખોટ્ટો ટાઈમ અપાઈ ગૈલો.

હું ટને સો વાર સોરી કૌઉ છું. પ્લીઝ ભૂટ ભઈ મને બિવરાવતો નઈ. મને બઊ પરસેવો થઈ જાય છે.

ચન્દુભાઈ હું ભૂત નથી.

ટો એતલી વારમાં તારો પુનર જનમ પન થઈ ગીયો?’

અરે ભાઈ હું મર્યો જ નથી.

હેંએ. ભૂતભાઈ હાચ્ચુ બોલો?’

અરે ચન્દુભાઈ! શું આ જગતમાં હું જ એકલો પ્રવીણ શાસ્ત્રી છું? કેટલાયે શાસ્ત્રી કુટુંબમા અનેક પ્રવીણો જન્મ્યા હશે. જન્મેલાનું મૃત્યુ નક્કી જ છે. તમારી મારા પ્રત્યેની એડવાન્સ લાગણી બદલ ખૂબ આભાર. મને હવે જીવતો ન કરશો તો પણ ચાલશે; પણ ખરેખર સદગત પ્રવીણ શાસ્ત્રીના આત્માની શાંતી માટે જરુરથી પ્રાર્થના કરજો.

સંદીપભાઈ ભંડારીએ બે દિવસ પહેલા જ મને પણ કહ્યું હતું કે એને મારા નામ ધારી એક પંચાણું વર્ષના વડીલના ફ્યુનરલની પેન્સિલવેનીયામાં વ્યવસ્થા કરવાની છે.

મને જીવંત જોઈને શૈલા બહેન પણ પહેલા ગુંચવાયા અને પછી ખુશ થયા. થેન્ક્ યુ ચન્દુભાઈ. તમારા આ આયોજન ને કારણે મને મારા એક સાચા પ્રસંસક બહેનની ઓળખાણ થઈ.

બેન્ચ પરથી મને અપાયલી શ્રધ્ધાંજલી કરતાં ટોળામાંના વિધાનોએ મારી આંખ ઉઘાડી છે. જો તમે તેમને ઓળખતા હો તો મારા વતી તેમનો આભાર માનજો.

અને એક વાત ચન્દુભાઈ . આવતી કાલે શૈલા બહેન એના ભાઈના બાબાનું નામ પાડવા જવાના છે. બાબાનું નામ પ્રવીણશાસ્ત્રીપાડવાના છે.

પ્રવીણ કે પ્રવીણ શાસ્ત્રી?

હા, હા…,’ પ્રવીણશાસ્ત્રી.વન વર્ડ. મારા બ્લોગ પર થી.

ફોન બંધ થયો.

ચન્દુ ચાવાલો ગુંચવાયલો હતો. પરસેવાવાળી વિગ કાઢીને ટાલ ખંજવાળતો હતો. ખુશ થવું કે દીલગીર થવું તે સમજાતું ન હતું.

લલ્લુ લેખકે પ્રાસંગિક લેખ લખવાની તક ગુમાવી. લલ્લુ લમણે હાથ મુકીને ફરી વિચારમાં પડી ગયો…..હવે કયા સબ્જેક્ટ પર લખવું?

ચન્દુ ચાવાલો જીવતા શસ્ત્રીને ઘેર ઉપડ્યો. જોવા અને ખાત્રી કરવા કે એણે ફોન પર ભૂત સાથે તો વાત નથી કરીને…!!!!

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ