વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ઊજળું અંધારું

       વહેલી સવારથી ધોધમાર વરસતો વરસાદ સાંજે અટકી ગયો હતો. વરસાદ પછીનું વાતાવરણ ખુશનુમા જણાતું હતું. ઉપર સ્વચ્છ આકાશ અને નીચે ભીંજાયેલા રોડ-રસ્તાઓ... આસપાસની વનસ્પતિઓના લીલા રંગમાં થયેલો વધારો વરસાદ આવ્યાની ચાડી ખાતો હતો. વરસાદ અટક્યા પછીનું બાકી રહેલું પાણી નેવેથી ટપ... ટપ...  ટપકતું હતું.

       છેલ્લા ચાર મહિનાથી 'સંજીવની હોસ્પિટલ'ના એક વોર્ડમાં તું જીવતી લાશ માફક પડેલી હતી. આજે નેવેથી ટપકતું પાણીનું બુંદ જાણે તારી પાંપણો પર પડ્યું હોય એમ તારી સ્થિર આંખો અસ્થિર બની. તારા શરીરમાં એકાએક ઊર્જાનો સંચાર થયો.

       તારી સામે ઊભેલી પચાસ વર્ષીય નર્સે તારા શરીરમાં થતું હલનચલન જોયું. આ દ્રશ્ય જોઈને એના ચહેરા પર ખુશીની એક લહેર ફરી વળી. છેલ્લા ચાર મહિનાથી એ આધેડ વયની નર્સ જ તારી માતા તરીકેની ભૂમિકા ભજવતી હતી. તેથી જ તારા ડાબા હાથનું હલનચલન અને આંખોનું ક્ષણિક અસ્થિર બનવું આ ઘટના એ નર્સને ગમી. અલબત્ત આ દ્રશ્ય જોઈને એના મનમાં આશાની એક કૂંપણ પણ ફૂંટી.

       એ નર્સને મનમાં થયું કે પોતે દોડીને ડૉ. ઈશાન પાસે જઈને કહે, "ડૉ. ઈશાન, આજે તો મારિયા..." પરંતુ, બીજી જ ક્ષણે એને યાદ આવ્યું ડૉ. ઈશાન તો હોસ્પિટલમાં હાજર જ ન હતા.

       ડૉ. ઈશાન બહાર ગયા હોવાથી નર્સે એમને ફોન કરવાનું માંડી વાળ્યું. એણે તારા પિતાને હોસ્પિટલ બોલાવવાનું નક્કી કર્યું. ટેબલ પરથી તારી ફાઈલ ખોલી અને તારા પિતાને ફોન કરી હોસ્પિટલ આવવાનું જણાવી, એ નર્સે તારા બેડ પાસે જ બેસી રહી.

       તારા પિતા નર્સના ફોન મુક્યાના કલાક બાદ જ હોસ્પિટલે પહોંચી ગયા. તારી સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે એ વાત જાણીને એમને સહેજ ખુશી પણ થઈ. 

       તારા પિતા તું જે વોર્ડમાં હાજર હતી ત્યાં પહોંચ્યા. તને બેડ પર બેઠેલી જોઈને એમને ક્ષણિક આશ્ચર્ય થયું! તારા તેજસ્વી ચહેરા પરની બોલકી આંખો વોર્ડ રૂમની બારીમાંથી બહારની તરફ ફરી રહી હતી. જાણે એ આંખો વરસાદ પછીના દ્રશ્યને પોતાનામાં કેદ કરવા મથતી હોય એમ! તારા પિતાના મનમાં ડર મિશ્રિત ખુશીની લાગણી ઉદ્દભવી... છેલ્લા ચાર મહિનાથી તું કોમામાં હતી, આજે તું કોમામાંથી બહાર આવી એ વાતની એમને ખુશી થઈ. પરંતુ, તારા જમણા હાથ તરફ નજર જતા મનમાં ઊંડે સુધી વ્યાપેલો ડર સળવળી ઊઠ્યો.

       તારા પિતા એકદમ નજીક આવ્યા. તારા ખભ્ભે હાથ મૂકીને પૂછ્યું, "હાઉ આર યુ પ્રિન્સેસ? યુ ફીલ બેટર નાઉ?"

       બારી બહારનું દ્રશ્ય જોવામાં વ્યસ્ત હોય એમ, તે ફક્ત હકારમાં માથું હલાવ્યું.

       તારા ચહેરા પર સદાય અકબંધ રહેતી મુસ્કાન આજે ગેરહાજર હતી, એ મુસ્કાનના સ્થાને ઉદાસીનતા બિરાજેલી હતી. તારી બોલકી આંખો હંમેશા સામેવાળી વ્યક્તિ સાથે શબ્દો વિના જ વાતો કરી લેતી! પરંતુ, અત્યારે એ બોલકી આંખોએ પણ મૌન ધારણ કર્યું હોય એવું લાગતું હતું. તારી સુંદરતામાં વધારો કરનાર ગુલાબની પાંખડી જેવા ગુલાબી હોઠો પણ અત્યારે ફિક્કા લાગતા હતા.

        તારા પિતાએ બાજુમાં બેસીને તને પૂછ્યું, "મારિયા શું વિચારી રહી છો?"

       તું તારા જમણા હાથ તરફ જોતા બોલી, "ડેડી આજ પછી હું ક્યારેય ચિત્રો નહીં બનાવી શકું?" આટલું બોલતાની સાથે જ તારી આંખોમાંથી આંસુ ધસી આવ્યા.

       તારા પિતાએ તારા આંસુ લૂછતાં કહ્યું... દિલની તખતી પર હંમેશા એક વાત કોતરીને રાખજે બેટા, "બંધ આંખે જોયેલા સપના પૂર્ણ કરવા એ કદાચ આપણા હાથમાં નથી હોતું, કારણ કે કલ્પનાની વધુ નિકટ હોય છે. પરંતુ, ખુલ્લી આંખે જોયેલા દરેક સપના પૂર્ણ કરવા માટે આપણે સક્ષમ રહેવું જોઈએ. કારણ કે વાસ્તવિકતાની વધુ નિકટ હોય છે."

       તે ફરી એકવાર તારા કોણીના ઉપરના ભાગેથી કપાયેલા જમણા હાથ તરફ ઈશારો કરતા રડસમ અવાજે કહ્યું, "પણ ડેડી, જ્યારે જમણો હાથ જ નથી રહ્યો ત્યારે હું ચિત્ર કેવી રીતે દોરી શકીશ?"

       આટલું કહેતાની સાથે જ ચાર મહિના પહેલા ઘટેલી ઘટના તારી નજર સમક્ષ ફરી વળી. એ અકસ્માત... જેમાં તે તારો જમણો હાથ ગુમાવી દીધો. તને મનોમન થતું હતું, 'તારા જીવનમાં એક વંટોળ આવીને જતો રહ્યો. જે તારા હાથને પણ સાથે લઈ ગયો અને એની સાથે તારું સપનું પણ…'  તું વધુ દુઃખી થાય એ પહેલાં જ તારા પિતાએ વાતને બીજી તરફ વાળતા કહ્યું, "જમણો હાથ નથી તો શું થયું બેટા, ડાબો હાથ તો છે જ ને!"

   "પણ ડેડી મેં ક્યારેય ડાબા હાથથી..."

       તું વાક્ય પૂરું કરે એ પહેલાં જ તારા પિતાએ તને સવાલ પૂછ્યો, તું ચિત્રો શા માટે દોરે છે મારિયા?

       "ડેડી, યુ નો વેરી વેલ... આઈ લવ પેઇન્ટિંગ. મારે એક સફળ- પ્રખ્યાત ચિત્રકાર બનવું છે. આજે લોકો મારા નામથી મારા ચિત્રોને ઓળખે છે. પણ મારી આવતી કાલમાં અજાણ્યા લોકો મારા ચિત્રો થકી મને ઓળખે એ મારું સપનું છે."

       "સપનું સાકાર કરવું હોય તો ઝનૂનની જરૂર પડશે બેટા" પરિસ્થિતિ વિકટ હોય ત્યારે બમણી મહેનત કરવી પડતી હોય છે." તારા પિતાએ તને આશ્વાસન આપતા કહ્યું.

    તે વાતને ટાળતા કહ્યું, "ક્રિશિવ ક્યાં છે ડેડી?"

     "છેલ્લા ચાર મહિના એને પણ હોસ્પિટલમાં જ પસાર કર્યા છે બેટા, આજે કોઈ ઇમરજન્સી કામથી બહાર ગયો છે... જલ્દી આવી જશે."

      તું અને તારા પિતા વાતો કરી રહ્યા હતા, ત્યાં જ દરવાજે ટકોરા પડ્યા. તમે બંનેએ દરવાજા તરફ નજર ફેરવી, દરવાજે ડૉ. ઈશાન ઊભેલા હતા.

        "પ્લીઝ કમ હિયર ડૉક્ટર ઈશાન." તારા પિતાએ બેડ પરથી ઊભા થતા કહ્યું.

        અંદર પ્રવેશતાની સાથે ડૉ. ઈશાને તારી સામે હળવું સ્મિત વેરીને કહ્યું, "યુ ટેક રેસ્ટ બેટા. કોમામાંથી બહાર આવેલ વ્યક્તિએ થોડા દિવસો માટે બોલવું ઓછું ને આરામ વધુ કરવો."

       તને આરામ કરવાનું કહીને ડૉ. ઈશાન તારા પિતા સાથે બહાર નીકળી ગયા.

        વાતની શરૂઆત કરતા ડૉ. ઈશાને તારા પિતાને કહ્યું, "મિ.માથુર, મારિયા બહુ જ જલ્દી સંપૂર્ણપણે સ્વસ્થ થઈ જશે. ચાર મહિના કોમામાં રહી ચૂકેલી પેશન્ટ છે પરંતુ હાલ કોઈ ચિંતા જેવી વાત નથી. કદાચ મારિયાની જગ્યાએ અન્ય વ્યક્તિ હોત તો કોમમાંથી બહાર આવી પોતાની જમણો હાથ ગુમાવેલો જોઈને ફરી કોમામાં સરી પડેત. પણ, મારિયાનું મનોબળ મજબૂત હતું. તેથી એ પરિસ્થિતિ સામે ટકી ગઈ."

       "ચાર મહિના દરમિયાન એ કોઈ રિસ્પોન્સ ન કરી શકતી ત્યારે તમે અને ખાસ કરીને મિ.ક્રિશિવે બહુ સાંભળ લીધી. અને ત્યારે કહેલી વાતોની અસર પણ પેશન્ટ પર ખાસ્સી એવી થઈ છે. કદાચ, એ જ કારણે અત્યારે મારિયાની સ્થિતિ નોર્મલ છે."

       "વેલ, ટુમોરો મારિયા વિલ ડિસ્ટચાર્જ. અમુક મેડિસિનનું લિસ્ટ આપું છું. સમયસર દવા આપવી અને થોડા દિવસો માટે બિલકુલ સ્ટ્રેટ ન લે એની તકેદારી રાખવી."

***

       દીવાલ પર લાગેલી ઘડિયાળમાં ટકોરો વાગ્યો. આ અવાજથી જાણે તું ડરી ગઈ હોય એમ ઊંઘમાંથી સફાળી બેઠી થઈ ગઈ. તે ઘડિયાળ તરફ નજર કરી, રાત્રીના બાર વાગ્યા હતા.

       તારી નજર બારી તરફ ચોંટી ગઈ. અટકી ગયેલો વરસાદ ફરી ધોધમાર વરસી રહ્યો હતો. વીજળીના ચમકારાથી ક્ષણિક બારીના કાચ પર પ્રકાશ પડતો હતો ને બીજી સેંકડે ફરી ગાયબ થઈ જતો. રોડ પરથી વરસાદનું વહી જતું પાણી જોઈને તને પાણીની માફક ખળખળ વહી ગયેલી ક્ષણો યાદ આવી.

       તને બાળપણથી જ ચિત્રો પ્રત્યે ગજબનું આકર્ષણ હતું. જ્યારે તું સાત વર્ષની હતી ત્યારે પહેલી વાર ચિત્ર દોરેલું. જ્યારે સ્કૂલમાં ચિત્ર સ્પર્ધાનું આયોજન થતું ત્યારે હંમેશા તું પ્રથમ આવતી. સમય જતા તું ચિત્રોના ગળાડૂબ પ્રેમમાં પડી ગઈ! ચિત્રના કારણે જ તું અને ક્રિશિવ મિત્રો બન્યા હતા. જ્યારે પ્રથમ વખત તું એને મળી ત્યારે તમારી વચ્ચે કેટલી સહેજતાથી દોસ્તી થઈ ગઈ હતી. ને પછી સમય જતાં એટલી જ સહેજતાથી એ દોસ્તી પ્રેમમાં પરિવર્તન પામી હતી.

        ક્રિશિવના શાંત-સરળ સ્વભાવના લીધે પહેલેથી જ તને ક્રિશિવ ગમતો. જે દિવસે તને ખબર પડી કે ક્રિશિવ તને ચાહે છે. એ રાતે રાતભર જાગીને તે ક્રિશિવનો સ્કેચ બનાવ્યો હતો. જ્યારે એણે તને પ્રપોઝ કરી ત્યારે તે ભેટમાં એ સ્કેચ આપેલો. પછી તો જેમજેમ ક્રિશિવનો પ્રેમ વરસતો જતો એમએમ તું કેટલાય ચિત્રોને કાગળ પર સરનામું આપતી. દરિયાકિનારે બેસીને ઢળતા સૂરજને નિહાળતા પ્રેમીઓ, વરસતા વરસાદમાં છત્રી લઈને નીકળેલા યુગલો, ક્યારેક વરસાદમાં ભીંજાતા પાગલ પ્રેમીઓ, તો ક્યારેય ભીની સડક પર વૉક કરવા નીકળેલા નાદાન પ્રેમીઓ...આવા તો અસંખ્ય ચિત્રો તે ક્રિશિવના પ્રેમ હેઠળ જ દોરેલા.

        'જ્યારે પ્રિય વ્યક્તિ સાથે હોય ત્યારે ગમતી વસ્તુ પણ વધુ ગમવા લાગતી હશે!?' તું સ્વગત બબડી. પણ હવે તો... તારા જમણા હાથ તરફ જોઈને તે એક ઊંડો નિસાસો નાંખ્યો.

***

        સૂરજના ફેલાતા કિરણો જ્યારે હોસ્પિટલની બારીમાંથી તારા મુખ સુધી પહોંચ્યા ત્યારે તું ઊંઘમાંથી જાગી. આંખો ખુલતાની સાથે જ તે એક જાણીતા ટેરવાનો સ્પર્શ અનુભવ્યો. સામે બેઠેલી વ્યક્તિને જોઈને તું રડવાનું રોકી ન શકી. 'ક્રિશિવ...' એટલું બોલતાની સાથે તારી આંખોમાંથી ખારું પાણી બહાર નીકળી આવ્યું.

       ક્રિશિવને વળગીને તું ખૂબ રડી. "ક્રિશિવ આજ પછી હું ક્યારેય ચિત્ર નહીં દોરી શકું... મારું સપનું... ચાર મહિનાથી મેં એકપણ ચિત્ર નથી દોર્યું ને હવે..." તું એકીશ્વાસે બધું બોલતી રહી અને ફરી તારી નજર તારા જમણા હાથ તરફ જઈને અટકી ગઈ.

       એવું કોણે કહ્યું કે આજ પછી 'મારિયા- ધ પેઈન્ટર ગર્લ' ચિત્ર નહીં બનાવી શકે? વાતાવરણને હળવું કરતા ક્રિશિવ બોલ્યો.

       "તું મારી સ્ટ્રોંગ લેડી છો 'મૅરી'!" મને વિશ્વાસ છે તું આ પણ કરી બતાવીશ. ક્રિશિવના મુખેથી 'મૅરી' શબ્દ સાંભળીને તારા ઉદાસ ચહેરા પર સ્મિત આવી ગયું.

       એ રાતે તું હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ. રોડ પર પૂરપાટ ઝડપે ચાલતી કારની બારીમાંથી બહારના અવનવા દ્રશ્યો જોઈને તારા મનમાં ચિત્રો દોરવાની તીવ્ર ઈચ્છા જાગી. પરંતુ તારે એ ઈચ્છાને સંકેલીને મનમાં એક ખૂણામાં મૂકવી પડી.

       ફિલ્મોના દ્રશ્યોની જેમ ત્યારે તારા મનમાં સચવાયેલા અમુક દ્રશ્યો નજર સમક્ષ આવીને તને પજવતા હતા. કોરા કૅન્વાસ પર પેન્સિલથી બનાવેલા સ્કેચો, ક્યારેક કોલાઝ વર્ક, તો ક્યારેક રંગબેરંગી કલરથી શોભતા ચિત્રો.

       "હવે મારી જિંદગી પણ કોરા કૅન્વાસ જેવી જ બની રહેશે? કે જેને ક્યારેય કોઈ રંગો સ્પર્શી નહીં શકે." મનોમન તું તારા ગુમાવેલા હાથ માટે વિષાદ અનુભવી રહી હતી.

       "દરેક ખામી તમારી અંદરથી એક ખૂબીને બહાર લાવતી હોય છે." બાજુમાં બેસેલા ક્રિશિવે તારા મનની વાત જાણી લીધી હોય એ રીતે તને કહ્યું.

        "ક્રિશ, હવે હું કોઈ ખૂબી જતાવવા માટે સમક્ષ જ નથી. તું જ કહે, મારા જમણા હાથ વગર હું મારી કળાને કેવી રીતે રજૂ કરીશ?" મને નથી લાગતું કે હું..." તૂટતાં મનોબળ સાથે તું બોલી. થોડી ક્ષણો માટે કારમાં શાંતિ છવાઈ ગઈ.

       ઘરે પહોંચીને તારા રૂમમાં પ્રવેશી ત્યારે ચારેબાજુ તે દોરેલા ચિત્રોના પોસ્ટર જોઈને તું દુઃખી થઈ ગઈ. એ રાતે મોડે સુધી તું ઊંઘી ન શકી. તારા મનમાં વિચારોની આંટાઘૂંટી ચાલતી રહી.

       "ડેડી ઇઝ રાઈટ, ખુલ્લી આંખોએ જોયેલા સપના પૂરા કરવા માટે આપણે સમક્ષ રહેવું જ પડે! મારું સપનું છે એક દિવસ ખ્યાતનામ ચિત્રકાર બનવાનું... હું જરૂર એ પૂરું કરીશ. જેમ જમણા હાથથી ચિત્રો દોરતી એમ હું કોશિશ કરીશ ડાબે હાથે પણ દોરી શકું.' તારા ડાબા હાથની મુઠ્ઠી વાળીને તે મક્કમતાથી તારી જાતને વચન આપ્યું."

       બીજા દિવસે સવારથી જ તું કોરા કૅન્વાસ પર ચિત્રો દોરવા મથતી. આખા દિવસને અંતે એક ચિત્ર પણ બની ન શકતું. ક્યારેક લાંબા સમય પછી ચિત્રો તૈયાર થતા તો એમાં રંગ ભરતી વખતે ચિત્ર ખરાબ થઈ જતું. એ સમયે તું ફરી હાર માની લેતી. ત્યારેે ક્રિશિવ તને હિંમત આપી ચિત્ર દોરવા પ્રેરતો.

        દિવસો જતા ક્રિશિવના કહેવાથી તે તારા ચિત્રો ફરીથી બ્લોગ પર શેર કરવાનું શરૂ કર્યું. જ્યાં લાખોની સંખ્યામાં લાઈક અને કમેન્ટ્સ મળતી ત્યાં તારા ચિત્રો પર લોકો મજાક ઉડાવવા લાગ્યા. ત્યારે તું નિરાશ થઈ જતી. તારા પિતાએ કહેલા શબ્દો તારા મગજમાં ચગડોળની માફક ઘૂમ્યા કરતા. તું ફરી તારા સપના તરફ દોટ મુકતી... શરૂઆતમાં તને ખૂબ અઘરું લાગતું. પહેલા તો તું દિવસમાં ચાર-પાંચ ચિત્રો તૈયાર કરી લેતી. પરંતુ હવે ડાબા હાથથી ચાર-પાંચ દિવસે માંડ એક ચિત્ર તૈયાર થતું!

       "ક્રિશિવ, મારાથી જીવંત ચિત્રો બની જ નથી શકતા! હું ડાબા હાથથી ચિત્રો તો દોરું છું. પણ... પહેલાની માફક શું એમાં જીવંતતા જોવા મળે છે?" જાણે તું પરિસ્થિતિથી હારી ગઈ હોય એવા સ્વરે ક્રિશિવને કહેતી.

       ક્રિશિવ હંમેશા તને કહ્યા કરતો, "મૅરી, તું કોશિશ ચાલુ રાખ. એકદિવસ પહેલાની જેમ જ ફરી તારા ચિત્રો થકી તું લોકોનું દિલ જીતી લઈશ."

       એ જ્યારે તને આમ કહેતો ત્યારે તને લાગતું, આ તો આશ્વાસનના શબ્દો માત્ર! કહેવું અને કરવું એમાં કેટલો ફરક…

       અંતે, તે તારા પર હાવી થયેલી પરિસ્થિતિને વિજેતા ઘોષિત કરી દીધી. સાત વર્ષની વયે શરૂ કરેલી સફરને પંદર વર્ષ માણ્યા બાદ તે અટકાવી દીધી. તું ચિત્રોથી દૂર ભાગવા લાગી. ક્રિશિવ જ્યારે તને ચિત્રો દોરવાનું કહેતો ત્યારે તું ગુસ્સે થઈ જતી.

***

       એક સાંજે તું અને ક્રિશિવ ફરવા માટે દરિયાકિનારે ગયા. સૂરજને ક્ષિતિજમાં વિલીન થતા જોઈને તારું મન ઉદાસ થઈ ગયું. અકસ્માતમાં ગુમાવેલા તારા હાથ તરફ જોઈને તું બોલી, "અમુક ઈચ્છાઓ મૃત્યુ પામવા માટે જ જન્મી હોય છે." જેમ આ સાંજ ઢળે છે એમ ઈચ્છાઓ પણ… 

       દરિયાના ઊછળતા મોજાનો અવાજ તારા કાને અથડાયો ત્યારે તું તંદ્રામાંથી જાગી. તે એ દિશામાં નજર ફેરવી. દરિયાના ઊછળતા મોજાઓની વચ્ચે એક માછલી ઊંડા જળમાંથી સપાટી પર આવવા માટે છલાંગ લગાવતી હતી. લગભગ પંદર મિનિટ સુધી તે એ દ્રશ્ય એકધારું જોયા કર્યું. તારી નજર એકાએક તારા જમણા હાથ તરફ જઈને અટકી.

         થોડીવાર રહીને તે ક્રિશિવને કહ્યું, "ચાલ ક્રિશ હવે ઘરે જઈએ?"

       એ સાંજે ઘરે પહોંચીને તરત જ તું એક કોરા કૅન્વાસ પર ચિત્ર દોરવા લાગી. અચાનક તને ચિત્ર દોરતી જોઈને ક્રિશિવને ખુશી થઈ.

       ઘણા દિવસોની મથામણ અને અઢળક પરિશ્રમ બાદ એક રાતે તે 'ઊંડા જળમાંથી બહાર છલાંગ લગાવતી માછલી!'નું ચિત્ર તૈયાર કર્યું અને તારા બ્લોગ પર શેર કર્યું.

        એક કલાક બાદ એ ચિત્ર પર એક પ્રસિદ્ધ ચિત્રકાર લાઈક અને કમેન્ટ્સ આવી, 'આબેહૂબ ચિત્ર!' કોઈ કળાપ્રેમી આટલી બારીકાઈથી પોતાની કળાને લોકો સમક્ષ રજૂ કરી શકે. 'મિસ. મારિયા માથુર આજે કોરા કૅન્વાસને તમે ખરા અર્થમાં ભીંજવી દીધું!'

     તું કમેન્ટ્સ વાંચીને ખુશીથી ઝૂમી ઉઠી.તને રાત્રીના ઘોર અંધકાર વચ્ચે પણ કોઈ અજવાળું તારા તરફ આવી રહ્યું છે એવું મહેસૂસ થયું.

 

✍️ ©મીરા પટેલ

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ