વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ઝાંઝરી



                               🔅ઝાંઝરી🔅


માનસી આન્ટી એ ...માનસી આન્ટી..


આ ખુશ્બુને અહીં ઓટલે બેસાડું છું. મારી મમ્મી હજુ આવી નથી .મારે નિશાળે જવાનું મોડું થાયછે.આ ચાવી મુકું છું. ઉતાવળે બોલતો રાહુલ માનસી બહેનનો જવાબ પણ સાંભળ્યા વગર નાની બહેનને ઓટલે બેસાડી ખભે   દફતર સરખું કરતોકને ભાઈબંધ સાથે ભાગ્યો.


ગેસ ધીમો કરી હાથમાં વેલણને રોટલી કરતાં કરતાં માનસીબહેન બહાર આવ્યા. પોટલાની જેમ બેઠેલી ખુશ્બુ સામે હસીને બોલ્યાં આવી ગઇ તું?


પાંચ વરસ ની ઢીંચણ થી વળેલા પગ ઉપર ફ્રોક ઢાંકતી નાનકડી ખુશ્બુએ હસીને હકારમાં જવાબ આપ્યો.


  બેત્રણ બીસ્કીટ  ચીકીને ચોકલેટ ને ડીશમાં મુકી  ખુશ્બુ ને આપી  માનસીબહેન પાછા રસોડામાં આવ્યાં.


વડોદરા શહેરના અલકાપુરી   વિસ્તારમાં આશિષભાઈ ને માનસીબહેન રહે.આશિષભાઈ નોકરીમાંથી રિટાયર્ડ શાંતિ થી નિવૃત્ત જીવન ગાળે.માનસીબહેન ખુબ ભક્તિ ભાવ વાળા ને ગાયત્રી ના ઉપાસક.નાનપણથી માતાપિતા પાસેથી  પરોપકાર ને  બીજાને મદદરૂપ થવાનો સંસ્કાર વારસો મળેલો.સામે આશિષ ભાઈ પણ એટલા જ સેવાભાવી..ઓછાબોલા સમાજમાં લોકોને થોડા અતડા લાગે પણ સેવાને બીજાને મદદરૂપ થવાનો મહાન કે  મોટો   જે ગણો તે  ગુણ  ઠાંસી ઠાંસીને  ઈશ્વરે સ્વભાવ માં વરદાન રૂપ ભરેલો.અડધીરાત્રે પણ કોઈને ડોક્ટર કે હોસ્પિટલ  જવાની જરૂર પડેતો  ઘડીનો પણ ટાઈમ બગાડ્યા વગર તૈયાર થઈ જાય.કયા ડોક્ટર ક્યાં મળે..કઈ હોસ્પિટલ સારી કયા રોગમાં શું શું ટ્રીટમેન્ટ કરાવવી કે કયા ટેસ્ટ કરાવવા એ બધાની જાણકારી  પણ સારી. મદદરૂપ  પણ થાય ને યોગ્ય સલાહ પણ આપે.


આ સેવાભાવી દંપતી ને ત્યાં કંચન  કચરા પોતાને વાસણ કરે.વડોદરાની બાજુના નાના એવા ગામડાની કંચન એવા સમાજમાંથી આવે કે જ્યાં  છોકરીને સોળ સત્તર વરસે  પરણાવી દેવામાં આવે.કંચનના લગ્ન  પણ વડોદરામાં નાનીમોટી નોકરી કરતાં રમેશ સાથે થયેલા. રમેશ ને દારૂની ખોટી લત એટલે ઘડી ઘડી નોકરી છુટી જાય.ઘરમાં પૈસાની તાણ રહે.ઝગડા કંકાસને ગાળાગાળી  રોજ થાય..પણ કંચન મને  કમને સહન કરીને રહે..


આમ  સંસાર ચાલતો હતો. થોડા સમય પછી  એમને ત્યાં  સરસ મઝાનોએક દિકરો જન્મયો..રાહુલ..  


ને ત્રણેક વર્ષ પછી દીકરી ..ખુશ્બુ..


    ખુશ્બુ ત્રણ ચાર મહિના ની થઈ પણ પગ સીધા કરતી જ નોતી..થોડી મોટી થશે પછી સીધા  થઈ જશે એમ માની કંચન એને મોટી કરતી હતી.


આ બાજુ રમેશ ને નોકરી ધંધા મા એવું ને એવું  દારૂ પીવે ને રજાઓ પાડે એટલે નોકરીમાં થી પાણીચું મળે. રોજના ઝઘડા પણ રમેશ સુધરવાનું નામ જ ન લે.   કંચન એક બે વાર તો રિસાઈ ને પિયર પણ જતી રહી હતી.  ગરીબ માબાપ પણ કેટલું રાખે. હવે એ કંટાળી હતી. .બાળકોનું પેટ તો ભરવુ.. એણે કામ કરવાનો નિર્ણય કર્યો. આજુબાજુ ના જ બંગલાઓમાં કપડાવાસણને કચરાપોતા કરવાનું ચાલું કર્યું. પૈસા મળતા સાથે થોડું ઘણું ખાવાનું પણ મળી રહેતું. ખુશ્બુ વરસની થવા  આવી પણ હજુ ઉભી નોહતી રહેતી..કંચને નજીક ના એક બે ડોક્ટર ને બતાવી જોયું થોડીઘણી દવા કસરતને માલિશ કરવા કહ્યું એ પણ કરી જોયું  પણ ફેર નોહતો પડતો.ભૂવાને દોરાધાગા પણ કરી જોયા.. રમેશતો કાંઈ ધ્યાન આપે નહીં બિચારી એકલપંડે..કેટલું કરે?


આમને આમ ખુશ્બુ  વળેલા પગે જ મોટી થતી ગઈ.જ્યાં જાય ત્યાં એને તેડીને લઈ જવી પડે.એના પગ સીધા થાયજ નહીં. બીચારી ઉભી પણ ન રહી શકે.બેસી બેસીને ઘસડાતી ચાલે.ઝાડો પેશાબ પણ ચડ્ડી માં થઈ જાય.


રમેશ ક્યારેક નશામાં ખાટલામાં પડ્યો હોય.તો કયારેક ક્યાંક મજુરી એ જાય.


રાહુલ નાની બહેનનું ધ્યાન રાખતો.આમને આમ ખુશ્બુ પાંચ વરસની થઈ ગઈ.ખુશ્બુ ચાલી નોહતી શકતી પણ છોકરી ની જાત શોખ તો થાય એટલે બેઠાબેઠા નાના એવા અરીસામાં જોઈ માથામાં પીનો નાખે.  માળા  પહેરે બંગડીઓ પહેરે પાવડર લગાવે બીંદી કરે ને મનોમન ખુશ થાય.કંચન પણ  એની હેસિયત પ્રમાણે એને આવા નાના શોખ કરાવે.


છેલ્લા થોડા ટાઈમ થી કંચને માનસીબહેન ને ત્યાં કામ બાંધ્યુ હતું.


મળતાવડા  ને લાગણીશીલ સ્વભાવવાળા માનસીબહેન સાથે કંચનને  સારો ઘરોબો થઈ ગયો.


માનસી બહેન કંચનને ચા પાણી  કરાવે. જમવાનો સમય હોયતો જમાડે ને  બાળકો માટે ડબ્બામાં ભરી પણ આપે.


.અગિયાર વાગ્યાની આસપાસ કંચન ઘેર જતી. .ને રાહુલ શાળાએ જતો.


કયારેક કોઈ બંગલામાં કામ વધારે પહોંચે ને કંચનને મોડું થાયતો રાહુલ ખુશ્બુને માનસીબહેનને ત્યાં મુકી શાળાએ જતો.. પછી કંચન આવી  કામ પતાવી ખુશ્બુ ને લઈ જતી. જોકે આવુ તો ક્યારેક જ બનતું.


ખુશ્બુ ને પણ માનસીબહેનને ત્યાં ખુબ ગમતું.માનસીબહેન  એને નાસ્તો આપે..ઘરમાં બેસાડી ટી.વી  પણ ચાલુ કરી આપે. વાંકા વળેલા પગે બેઠેલી ખુશ્બુ  ટીવી મા આવતાં ગીત કાર્ટુન ને  ડાન્સ જોઇ  તાળી પાડી હસતી  બેઠા બેઠા ઉંચી નીચી થઈ પોતાની ખુશી વ્યક્ત કરતી. 


આશિષભાઈ આ જોઈ થોડા દુઃખી થતાં.   એમણે  મનોમન કંઈક નક્કી કરી માનસીબહેનને વાત કરી આપણે અહીં વડોદરામાં એક બહુ સારા ઓર્થોપેડિક ડોક્ટર છે .ડૉ. મનનશાહ  ખુશ્બુને એમની પાસે બતાવી જોઈએ.


માનસીબહેને કંચનને વાત કરી.


ડોક્ટર મનનશાહની એપોઇન્ટમેન્ટ ઓછામાં ઓછી પંદર વીસ દિવસ કે તેથી પણ વધુ સમય પછીની મળે.


આશિષભાઈ એ ફોન કરી એપોઇન્ટમેન્ટ લીધી.વીસેક દિવસ પછીની એપોઇન્ટમેન્ટ મળી હતી.કંચન પાસેતો કન્સટીંગના પૈસા પણ નોહતા.એટલે બીચારી મુંઝાતી હતી.આશિષભાઇ ને માનસીબહેને  એને કહ્યું ચિંતા ના  કરીશ ​ડોક્ટર મનનશાહ ખુબ  નામાંકિત  અનુભવી ને સારા ઓર્થોપેડિક સર્જન..ખુશ્બુને તપાસી ને કહ્યું  ખુશ્બુ ના પગ સીધા થઈ શકશે ને એ ચાલી પણ શકશે .એને ઓપરેશન કરાવવું પડશે.બાળકોના ઓર્થોપેડિક સર્જન  કરી આપશે.ડોક્ટર વિશાલપારકર અહીં વડોદરામાં જ છે અનુભવીને ખુબ સારા  છે.એનેબતાવી જુઓ.


એક આશા સાથે આશિષભાઇ  માનસીબહેન તથા કંચન ઘેર આવ્યા. 


હવે ફરી ડોક્ટર વિશાલની એપોઇન્ટમેન્ટ લેવાની હતી.ઓપરેશન ના હાઉથી ડરતી


નસીબ ને દોષ દેતી ને પૈસાના વાંકે પાછી પડતી  કંચને શરૂઆત માં તો ના પાડી..પણ આશિષભાઇએ ને માનસી બહેને એને ધરપત આપતાં કહ્યું ચિંતા ના કરશો ઈશ્વર પર શ્રદ્ધા રાખો..બધું થઈ પડશે.


ડોક્ટર વિશાલની એપોઇન્ટમેન્ટ લીધી.. એમણે પણ ડોક્ટર મનન શાહના કહ્યા મુજબ ઓપરેશન ની વાત કરી ને બેલાખ સુધી નો ખરચો બતાવ્યો.


કંચનતો આટલી રકમ સાંભળીને સાવ ઢીલીજ પડી  ગઈ હતી. વળી આશિષભાઇએ તથા માનસીબહેને એને આશ્વાસન આપ્યું ને ભગવાન પર ભરોસો રાખવા કહ્યું.


આ બાજુ કરોના પણ ડોકુ તાણી રહ્યો હતો.લોકડાઉનની વાતો સંભળાતી હતી.


હવે બે  લાખ રૂપિયા ની સગવડ કરવાની હતી.કંચન જ્યાં જ્યાં કામ કરતી હતી એ બંગલા વાળાને વાત કરી કોઈ એ દસહજાર કોઈ એ પાંચ હજાર એમ મદદની તૈયારી બતાવી.આશિષભાઇનો દિકરો ને દિકરી પણ સેવાભાવી એ લોકોએ પણ મિત્ર વર્તુળોમાં વાત કરી થોડા પૈસા કરી આપ્યાં.બાકી ની રકમ આશિષભાઇએ ઉમેરવાનું નક્કી કરી જ રાખ્યું હતું.


ઓપરેશન ની ડેઇટ લઈ લીધી.


પણ કરમની થોડી નબળી કંચનની ઈશ્વર પરીક્ષા લેવા માંગતો હશે તે એના પતિ રમેશને  પેટનો સખત  દુઃખાવો ઉપડ્યો.હાલને હાલ બાજુની હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો.દારૂની લતે એનું લીવર ખરાબ કર્યું હતું. દસદિવસની ટ્રિટમેન્ટ દરમિયાન ભેગા કરેલા બધાજ રૂપિયા ખર્ચાઈ ગયા.કંચન ભાંગી પડી.લોકડાઉન માં કામ પણ બંધ થઈ ગયું હતું .આવી વિકટ પરિસ્થિતિમાં રમેશને હોસ્પિટલમાં દાખલ કરવો પડેલો. કરોના નો ડર .બધા એને કામ કરવા આવવાની ના પાડે..શું કરવું સુઝે નહીં..  રમેશને રજા મળી.કંચન જેમતેમ ધર ચલાવતી.કરોના થોડો ઓછો થયા પછી ફરી આશિષભાઇએ ડો વિશાલની એપોઇન્ટમેન્ટ લીધી.


કંચનને માનસિક  તૈયાર કરી.ઓપરેશન શબ્દ થી ડરતી ખુશ્બુ ને માનસી બહેને કહ્યુ  તું ચાલતી થઈશ  ને તને ડાન્સ નો શોખછે તો તું ડાન્સ પણ કરી શકીશ. હું તને ચાંદીની ઝાંઝરી લઈ આપીશ. ખુશ્બુ હરખાઈ ઉઠી


નિયત દિવસે ખુશ્બુ ને દાખલ કરવામાં આવી.બધા ટેસ્ટ કરવામાં આવ્યા.ડોક્ટર વિશાલ પારકર તથા બીજા બે ડોક્ટર ની ટીમે ખુશ્બુ નું સફળ ઓપરેશન કર્યું. વળેલા પગને સીધા કર્યા. ઓપરેશન લાબું ચાલ્યું આશિષભાઇ માનસીબહેન તથા એમનો દિકરો જીનલ સતત કંચનને હૂંફ ને હિંમત આપતાં રહ્યાં.


ડોક્ટર વિશાલ હસતાં હસતાં ઓપરેશન થિયેટર ની બહાર આવ્યા. આશિષભાઇને કહ્યું ખુશ્બુ ને ભાનમાં આવતાં હજુ બે કલાક થશે.જરૂરી સુચના તથા દવાઓ નુ લીસ્ટ આપી ડોકટર એમની કેબીનમાં ગયા.જીનલ નીચે જઈ દવા લઈ આવ્યો.કંચનબહેન માટે ચ્હા નાસ્તો પણ લઈ આવ્યો.નીચે કેન્ટીનમાં કંચનના જમવાની વ્યવસ્થા પણ કરી દીધી.દસેક દિવસ પછી ખુશ્બુ ને રજા મળી.આશિષભાઇ ડોક્ટર ને મળ્યાં. સમગ્ર બીલની ચુકવણી કરી દીધી.(એક મુઠ્ઠી હુંફ )  ડોક્ટર પાસેથીજરૂરી માર્ગદર્શન લીધું.  દિકરો જીનલ ગાડીમાં કંચન તથા ખુશ્બુ ને એમનાં ઘેર ઉતારી આવ્યો.ખુશ્બુ ના પગે હજુ પાટા હતાં. એક મહિના પછી ખોલવાના હતાં આશિષભાઇ તથા માનસીબહેન કંચનના સંપર્ક માં રહ્યાં ને જરૂરી મદદ કરતાં રહ્યાં.એક મહિના  પછી ડોક્ટર વિશાલે ખુશ્બુ ના પાટા ખોલ્યાં ધીરે ધીરે  પગ પર હાથ ફેરવી ખુશ્બુ ને કહ્યું ઉભા રહેવું છેને?ચાલવું છેને?નાનકડી ખુશ્બુ એ  દુનિયા ભરની ખુશાલી એકઠી  કરી હકારમાં માથું ધુંણાવ્યું.


પણ હજુ એક મહિનો ફીઝીયોથેરેપી કરાવવાની હતી.


આશિષભાઇ નજીક ના ફીઝીયોથેરેપી સેન્ટર મા કંચનને લઈ ગયા ને ખુશ્બુ ની એક્સરસાઇઝ ની વ્યવસ્થા કરી આપી.(વળી એક મુઠ્ઠી હૂંફ)


લગભગ એક મહિના ઉપર ખુશ્બુ ની ફિઝિયો થેરાપી ચાલી. માનસી બહેનને ત્યાં કંચન કામ પર આવી શકતી નોહતી.માનસી બહેન ને એનો કોઇ વાંધો  કે અગવડ નહોતી જાતે કામ કરી લેતાં.


આમજ એક દિવસ  સવારે સાડાઅગિયારની આસપાસ દર્રોજની જેમ માનસી બહેન રોટલી કરતાં હતાં ને એમનાં કાને અવાજ સંભળાયો છમ..છમ..છમ..પહેલાં તો થયું ટી.વી.માં કંઈક આવતું હશે પણ છમ..છમ..છમ..અવાજ મોટો થઈ એકદમ નજીક બારણાં પાસે આવ્યો.પાછા વળી માનસીબહેને જોયું તો પગમા ઝાંઝરી પહેરેલી ખુશ્બુ મુસ્કુરાતી ઉભી હતી.એને ટટ્ટાર ઉભી રહેલી ને પગલાં ભરી  ચાલતી આવતી જોઈ  માનસીબહેનની આંખો હરખથી છલકાઈ ગઈ.બે ઘડી એના પગ સામે જોઇ રહ્યાં ને પછી એના બે હાથ પકડી બેત્રણ ફેર ફુદરડી ફરી લીધી.પાછળ કંચન પણ આવી. ગેસ બંધ કરી માનસીબહેન કંચન તથા ખુશ્બુ ની પાસે બેઠા.  ટી.વી.ચાલુ કરાવ્યું  ખુશ્બુ એ હરખી હરખીને ડાન્સ કર્યો..છાપું વાંચતાં આશિષ ભાઈ પણ આનંદ અનુભવી રહ્યા હતાં. માનસીબહેને બન્ને ને ચા નાસ્તો કરાવ્યો.આવતી કાલથી કામ પર આવવાનું કહ્યું.


વાર તહેવારે પિયર તરફથી મળેલાં ને ઘરખર્ચમાથી બચાવેલા  બધાં જ  રૂપિયા (પાંચેક હજાર ઉપર)ગણ્યા વગર એક કવરમાં મુકી ઘેર જતી કંચનના હાથમાં આપતાં માનસીબહેને કહ્યું ખુશ્બુ ના પગમાં થી આ ખોટી ઝાંઝરી કાઢી નાખજે ને ચાંદી ની ઝાંઝરી લાવી પહેરાવજે.( ફરી એક મુઠ્ઠી પ્રેમ)


કંચનની આંખોમાં ભાદરવો વરસી રહ્યો .

ને માનસીબહેનની આંખોમાં પણ દરિયો  છલકાયો.

નાનકડી ખુશ્બુ કુતૂહલ નઝરે બન્ને ને જોઈ

  • (​​​કથાબીજ સત્ય ઘટના પર આધારિત)

(સમગ્ર પ્રસંગો ને ઘટના દરમિયાન. માસ્ક સેનેટાઈઝર. ને સામાજિક દૂરીનો  સંપૂર્ણપણે ખ્યાલ રાખવામાં આવ્યો હતો.)


     ૨૪-૬-૨૦૨૧            ...."તુ"




ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ