વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સકારાત્મક સંક્રમણ

હું હમણાં અમદાવાદ ગયો હતો મારા કૉલેજ ના કામ થી. કોરોના ની પેલી લહેર પતી એટલે મેં જવા નું નક્કી કર્યું. આમ અમદાવાદ ને બહુ યાદ કર્યો આટલો સમય, 3 વરસ જે વિતાવેલા ત્યાં. અમદવાદ શહેર ની સાથે ઘણી યાદો જોડાયેલી છે. આમ પણ મિત્રો હોય ત્યાં યાદો તો હોવાની જ. હમણાં જવાનું થયું એટલે બહુ ખુશ હતો કે પાછા બધા મિત્રો મળીશું અને વળી પાછા ફરીશું એ અમદાવાદ મા, ફરીથી બેસીશું એ ચા ની ટપરી એ અને યાદ કરીશું એ કોલેજ મા વિતાવેલા એ યાદગાર પળો ને.

અમદાવાદ પહોંચી ને મિત્રો ને મળવા ની ખુશી તો હતીજ પણ એમાં એક ખાસ મિત્ર ને ના મળી શકવા નું દુઃખ પણ હતું, આદિત્ય. આદિત્ય મારા કોલેજ નો જ મિત્ર હતો. એ આમ ગાંધીનગર નો હતો પણ અમદાવાદ હોસ્ટેલ માં રહેતો. આદિત્ય સ્વભાવ થી બહુ જ સકારાત્મક હતો. એ ખરાબ મા ખરાબ પરિસ્થિતિ માં પણ કંઈ સારું ગોતી જ લેતો. એનો દુનિયા ને જોવાનો નજરીઓ કાંઈક જુદો જ હતો. એના મતે બધું સારું થશે અને બધા નું સારું થશે. એના સામે મારો સ્વભાવ એકદમ વિપરીત, મારે બધી પરિસ્થિતિ મા ખરાબ પેહલે જ દેખાય. પણ દોસ્તી ક્યાં જોવે છે આવી નાની નાની વિભિન્નતાઓને. અને એજ તો પ્લસ પોઇન્ટ છે દોસ્તી નો. તમે જેવા છો એવા તમને સ્વીકારે એ દોસ્ત.

અમદાવાદ પહોંચતાની સાથેજ મે આદિત્ય ને મેસજ કર્યો. ક્યાં છે દોસ્ત? આજે તારી જગ્યા ખાલી છે આપણી ચા ની ટપરી પર. કોલેજ પૂરી થતાં ની સાથે જ એ વિદેશ જતો રહયો અને હું મારા ગામ પરત આવી ગયેલો. ત્યાર પછી અમારી વાતચીત પણ બઉ ઓછી થતી. પણ એના શેહેર મા આવી ને એને યાદ કરવું તો બનતું જ હતું ને. હું બેઠો અમારી ટપરી પર અને પાછી એજ કટીંગ ચા અને મસ્કા બન મંગાવ્યું. હજી તો એક ચૂસકી લીધી ને ત્યાં આદિત્ય નો મેસેજ આવ્યો. અરે તું અમદાવાદ ક્યારે આવ્યો? ઊભો રે હું હમણાં જ આવું આપણા અડ્ડા એ. એ અહીંયા જ હતો? ક્યારે આવ્યો પાછો? એણે મને જાણ કેમ ના કરી? આ બધા પ્રશ્નો મારા અંદર ચાલતા હતા પણ એની સાથે દોસ્ત ને મળવા નો ઉત્સાહ પણ બહુ જ હતો.

એના આવતા ની સાથે જ મે એને મારા પ્રશ્નો થી ઘેરી લીધો. અમે હાથ મલાવ્યા અને બેઠા અમારા અડ્ડા પર. મે એને પાછું પૂછ્યું ક્યારે આવ્યો તું? યાર આ કોરોના વધ્યો એટલે ઘરવાળાઓ ને ચિંતા થવા લાગી અને મને પરત બોલાવી લીધો. અમે પછી ચા મંગાવી અને વાતો કરવા લાગ્યા અને યાદ કરવા લાગ્યા એ જૂના દિવસો ને.

અમે બધી અલક મલક ની વાતો કરી. એણે કીધું કે કેટલી અલગ સંસ્કૃતિ છે વિદેશ ની આપણા દેશ થી, ને કેટલો મહાન છે આપણો દેશ. ખરેખર ઘર માં હોઈએ ત્યાર સુધી ઘરની કદર થાય જ નહી. વિદેશ નોકરી એ જતા ની સાથે જ કદર થઈ એને આપણા દેશની. એણે મને જણાવ્યું કે ત્યાં કેટલું શિસ્ત છે અને લોકો કેટલું પાલન કરે છે. એણે મને એના કામ વિશે પણ જણાવ્યું. ત્યાં કામ કરવાના ફાયદા અને ગેરફાયદાઓ પણ જણાવ્યા. અંતે વાત તો એજ આવી કે આપણા ભારત જેવું કંઈ નથી.

થોડી વાતો થઈ એટલે મે એને છોકરાઓ નો એક બહુ મહત્વનો પ્રશ્ન પૂછી લીધો, શું કે મારા ભાભી? અમારે દોસ્તારો માં કોઈ ની પ્રેમિકા હોય એટલે એ અમારા ભાભી. ભાભી? કોઈ હોવી તો જોઈએ ને પેલે. એ છોડ મારા ભાભી શું કે, એ કે? એણે તરતજ વળતો સવાલ કર્યો. શું કહું યાર આ કોરોના ના લીધે મળવા પણ નથી જવાતું. મળવાનું કેટલું ઓછુ થઈ ગયું છે ખબર છે? આ કોરોનાએ તો જીવ લીધો.

કોરોના નો નામ આવતા ની સાથે  હું ભડકી ગયો. અને કોરોના ની દુનિયા પર અને મારા પર શું અસર થઈ એ કેવા લાગ્યો. તને ખબર છે કોરોના ના લીધે લોકો નાણાકીય રીતે તો ખરાજ પણ સાથે માનસિક અને શારીરિક રીતે પણ કેટલા હેરાન થયા છે? તને ખબર છે  કેટલું યાદ કર્યું તમને, મારા મિત્રોને, તમારી સાથે રખડવાને, ચા ની ટપરી ને. અરે સ્ટ્રીટ ફૂડ ખાવા માટે તો હું તરસી ગયો. કંટાળી ગયોતો આ ઘર માં બનાવેલ સ્ટ્રીટ ફૂડ ની સાત્વિક નકલો થી. તને ખબર છે કેટલા સમય થી હું કિયારા ને મળ્યો પણ નથી. હવે એનું મોઢું યાદ કરું ને તો જાંખું દેખાય છે, આટલો સમય વિડિયો કોલ માજ જે જોયેલી તે. આ કોરોના એ તો જીવ લીધો. હજી સાહેબ પાછા બીજા રાઉન્ડ માં પણ આવે છે બોલો.

હું કેટલી વાર થી કોરોના ના અવગુણો ગાયા કરતો હતો અને એ બસ પોતામાં ખોવાઈ ને બેઠો હતો. જાણે કોરોના નો નામ લેતા ની સાથે કાઈ થઈ ગયું હોય એને. મે તરાત પૂછ્યું એને, તે પણ મિસ કર્યું ને આ બધું? કે પછી કોરોના નુ નામ લેતા તને વિદેશ યાદ આવી ગયું? હા. ના ના, એટલું જવાબ આપી એ પાછો પોતાના વિચારો માં ખોવાઈ ગયો. મને હવે ચિંતા થવા લાગી. દોસ્ત, તું બરાબર છે ને? કાઈ હોય તો કે, મારાથી છુપાવિશ તું?

શું કહું યાર, કોરોના ના આટલા અવકા કાઢયા તે પણ ખબર છે એ કેટલા નાના છે. તું તારા દોસ્તો ને આટલા સમય સુધી મળી ના શક્યો એટલે દુઃખી છે પણ એ તો વિચાર કે હવે આ બઘું પત્યા પછી પાછો તું એમને મળી પણ શક્યો ને. અરે ઘણા લોકો તો પોતાના પરિવાર કે સગા સંબંધીઓને હવે ક્યારે નઈ મળી શકે. તે રખડવાનું બહુ યાદ કર્યું હેં ને? અને હવે રખડી પણ શકે છે, અને ત્યાં બીજી બાજુ લોકો ની જિંદગી એક જ જગ્યા એ થોભી ગઈ છે. તું ઘરનું ખાઈ ને કંટાળી ગયો, પણ ભરપેટ તો ખાધું, અહીયાં લોકો ચા બિસ્કિટ થકી જીવવા લાગ્યા. તને તારી પ્રેમિકા ને વાસ્તવિક મા ન મળી શકવાનો દુઃખ છે અને ઘણા લોકો એ તો પોતાના પરિવારને પણ છેલી વાર વિડિયો કોલ માં જોયા. કોરોના એ આપડી દોડતી જિંદગી ને એક જગ્યા એ સ્થિર કરી દીધી દોસ્ત.

સાચી વાત છે દોસ્ત. મે ખાલી મારો જ વિચાર કર્યો. આ બધું સાચું પણ મને એમાં તારો દર્દ દેખાય છે. તે પોતે આવું કાંઈ એહસાસ કર્યું હોય એવું લાગે છે. શું વાત છે? અરે કોરોના ને લીધે મે મારા પિતા ને ખોયા છે. આદિત્ય ના મોઢે આ સાંભળતા જ હું ચોંકી ગયો.

હેં! ક્યારે? મને તો કાઈ ખબર જ નથી આ વાત ની. કાંઈ તકલીફ હતી એમને? 

આ બનાવ હમણાં ૨ મહિના પેલા જ બન્યું. એમને કોરોના થયું હતું અને એ વધી જતાં શ્વાસ લેવા માં તકલીફ પડવા માંડી અને બસ એના લીધે એ અમને છોડી ને જતાં રહ્યા.

યાર બહુ દુઃખ થયું આ સાંભળીને. અને હવે પોતા પર ગુસ્સો પણ આવે છે કે ક્યાં હું મારા નાના નાના દુઃખો તને કેતો હતો જ્યારે તું આટલું બધું થયા પછી પણ શાંત હતો. 

હું સાચુ કહું ને તો હું પણ બહુ સમય સુધી દુઃખી હતો પણ પછી મે બધું સકારાત્મક રીતે જોવા નું ચાલુ કર્યું.

અમાં પણ સકારાત્મક? 

હા જો સમજાવું તને. જ્યાર થી મેં ભણવાનું શરૂ કર્યું ત્યારથી હું હોસ્ટેલ મા રહેવા લાગ્યો. મારું ઘરે રહેવાનું બહુ ઓછુ થતુ. મે કદાચ મારું આખું બાળપણ અને જવાની દોસ્તો સાથે હોસ્ટેલ મા જ વીતાવી. મારા માતા પિતા કે પરિવાર સાથે મે લેખેલો સમય જ વિતાવ્યો હશે. ભણવાનું પૂરું થયું એટલે હું તરત વિદેશ જતો રહયો એટલે ત્યારે પણ એમની સાથે રહી ના શક્યો.પણ હમણાં જ્યારથી લોકડાઉન લાગવા ની અફવા ફેલાવા લાગી એટલે મારા પિતા એ મને વિદેશ થી પાછો ઘરે બોલાવી લીધો. અને હું પણ કોરોના ના ડર થી કંઈપણ દલીલ કર્યા વગર પાછો આવી ગયો. આ નિર્ણય મારી જિંદગી નો સૌથી સારો નિર્ણય હતો.

મારા પરત આવતાની સાથે જ લૉકડાઉન શરુ થઈ ગયું અને મે મારી જિંદગી નો સૌથી સારો સમય દરમિયાન મારા ઘરે વિતાવ્યો. હું સમજતો થયો ત્યારથી કદાચ પેલી વાર હું એટલો સમય મારા પરિવાર સાથે રહયો હોઈશ. ખરેખર એ દિવસો ક્યારે ભૂલાશે નહી. મે કેટલા સરસ પળો વિતાવ્યા મારા માતા પિતા સાથે અને ભાઈ બેન સાથે. આ ફાયદો કોરોના ના લીધી જ થયો મને.

પણ તારા પિતાને તો તે કોરોના ના લીધે જ ગુમાવ્યું ને, એ સૌથી મોટું નુક્શાન ના થયું તને?

હા એતો થયું જ. પણ એ તો વિચાર આ કોરોના ના લીધે જ હું પાછો ઘરે આવ્યો અને આટલો સમય પસાર કર્યો એમની સાથે. અને આવા કેટલા લોકો હશે મરા જેવા જેમને ફાયદો થયો હશે.

કોરોના ના ફાયદાઓ ખાલી તું જ જોઈ શકે દોસ્ત.

આપણે જન્મ્યા ત્યારથી પૈસા કમાવાની દોડ મા લાગી ગયા છીએ. આ કોરોના એ આપડે બે પળ ઉભા રાખ્યા. કેટલાક લોકો તો એવા હતા ને કે જે પોતાના ઘરે ખાલી સુવા જ જતાં અને આખો દિવસ ઓફીસ મા રહેતા, એવા લોકો પણ પોતાના ઘરે રહી શક્યા. ઘણા લોકો જે પોતાનું ગામ છોડી ને શહેર મા રેવા જતાં રહ્યા હતા એવા લોકો ને પણ પાછો પોતાના વતન અને પોતાના ઘરે રહેવાનો મોકો મળ્યો. ઘણા વિદ્યાર્થીઓ જે હોસ્ટેલ માં રહેતા એમને પણ ઘરે જવા મળ્યું. અરે ઘણા બાળકો તો એવા પણ હતા કે જેમના માતા પિતા બન્ને કામ કરતા એવા બાળકો ને પણ કોરોના ના ચાલતા પોતાના માતા પિતા સાથે સમય વિતાવાનો મોકો મળ્યો. આ કોરોના કે લોકડાઉન ખરાબ અને દર્દનાક હતું પણ એના ફાયદા પણ હતા.

દોસ્ત આટલી તકલીફો સહન કરી ને પણ સકારાત્મક રહેવું આ તું જ કરી શકે છે. ખરેખર તારી પાસેથી અમને બધા એ આ ગુણ શીખવું જોઈએ. કોરોના ના લીધે આટલા કષ્ટ જેલ્યા છતાંય તું  સકારાત્મકતા ફેલાવે છે અને હું થોડી તકલીફો થતા નકારાત્મકતા ફેલાવું છું. 

મુશ્કિલ પરિસ્થિતિઓ તો આવવાની જ અને આપણે એનો સામનો પણ કરવાનો જ છે પણ સકારાત્મક રહીને. આપણે બધા એ અગર કોરોના ને સકારાત્મક રીતે જોયું હોત, એને પોત પોતાના ઘરે રહી અને સરકાર ના નિયમો નું પાલન કર્યું હોત તો કદાચ આ બીજી લહેર આવત જ નહી. આપણને બીજી વાર આ મુશ્કેલ પરિસ્થિતિઓ નો સામનો કરવો જ ના પડત અને પછી આપણી જિંદગી ચાલતી નહી દોડતી થઇ ગઇ હોત. ચાલો તો પાછી આ ભૂલ ના થાય એના માટે સકારાત્મક રહીએ અને સકારાત્મકતા ફેલાવીએ.

તો ચાલો, સંક્રમિત થઇએ સકારાત્મકતા થી.


- Karan Tanna

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ