વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

દંડાવાળી

“ઓ કાકા, ક્યાં જાઓ છો? અને તમારું માસ્ક ક્યાં છે?” હવાલદાર હેમંતે સોસાયટીના ગેટમાંથી બહાર નીકળી રહેલા આધેડને પૂછ્યું. એ આધેડે ભરાવદાર મૂંછનો વળ ચડાવતા સામો સવાલ કર્યો, “તમને બેસવા માટે અમારી જ સોસાયટીનો ગેટ મળ્યો? આટલા મોટા વિસ્તારમાં બીજી કોઈ જગ્યા નથી મળતી તમને? મારે અગત્યનું કામ છે. થોડીવારમાં આવી જઈશ.”

“અરે કાકા હમણાં લોકડાઉનમાં શું અગત્યનું કામ છે? કોઈ બીમાર છે?” હવાલદારે પૂછ્યું. એ જ સમયે એક બાઈક પર બે યુવાનો બાજુની સોસાયટીમાંથી બહાર નીકળ્યા. બીજા હવાલદારે એનો દંડો ઉઠાવી બાઈકને ત્યાં જ ઊભી રાખી બંનેને નીચે ઉતાર્યા અને કડકાઈથી પૂછ્યું, “ક્યાં જાઓ છો?”

“સર મહિના પછી કોલેજની એક્ઝામ છે. એક ફ્રેન્ડ પાસે નોટ લેવા જઈએ છે.” બંને યુવાનો ગેંગેફેંફે થઈ ગયા. 

“અમને ઉલ્લુ બનાવો છો? રખડવાના બહાના બનાવો છો? ખબરદાર જો બીજીવાર અહીંથી બહાર ગયા છો તો! આ દંડો તમારો સગો નહીં થાય.” હવાલદારે દંડો ઉગામી ગુસ્સામાં કહ્યું. બંને યુવાનો ઝડપથી બાઈક વળાવી જતાં રહ્યા. હવાલદાર હેમંતે આધેડને કહ્યું, “જુઓ કાકા, ગમે એવું અગત્યનું કામ હોય, આ રીતે બહાર જવાનું સલામત નથી. ઉંમરવાન વ્યક્તિઓએ તો ખાસ સાચવવાનું છે. પહેલા તો તમે બહાર નીકળતી વખતે માસ્ક પહેરો. હમણાં ઘરે જાઓ અને અમને ડ્યૂટી કરવા દો.”

“હું મહિપતરાય જાડેજા, આ સોસાયટીનો ચેરમેન છું. માસ્કથી મને ગૂંગળામણ થાય છે. તમે અમારી પરમીશન વિના જ અહીં અડ્ડો જમાવી દીધો અને ઉપરથી અમારા પર જ રોફ જમાવો છો. તમે મને જાણતા નથી હું કોણ છું. કમિશ્નર શ્રીવાસ્તવ મારો મિત્ર છે. મારી સાથે મગજમારી કરવાનું રહેવા દેજો.” એ આધેડે થોડા ગુસ્સામાં કહ્યું. 

હેમંત એમને કશું કહેવા જાય એ પહેલા જ બીજો હવાલદાર ત્યાં આવ્યો અને ગુસ્સાથી બોલ્યો, “જુઓ વડીલ, તમારી સાથે શાંતિથી વાત કરીએ છીએ, એનો અર્થ એ નથી કે તમે મનમાની કરો. લોકોની સલામતી જાળવવી એ અમારી ડ્યૂટી છે. તમારે અમને શીખવવાની જરૂર નથી કે અમારે ક્યાં ડ્યૂટી કરવી. તમારી કોઇની પણ સાથે ઓળખાણ હોય, અમને કોઈ ફર્ક નથી પડતો. ચૂપચાપ અહીથી જતાં રહો, નહીં તો આ દંડો તમારી ઉંમર સામે નહીં જોશે.” 

મહિપતરાયને અત્યંત ગુસ્સો આવ્યો, પણ જાહેરમાં પોતાની ફજેતી નહીં થાય એટલે ચૂપચાપ સોસાયટીમાં જતાં રહ્યા. મહિપતરાય જાડેજા, રજપુતી ગરમ મિજાજ. બેંકમાંથી એક વર્ષ પહેલા જ રીટાયર થયેલા. એમના ગુસ્સાવાળા સ્વભાવને કારણે વધુ મિત્રો પણ નહોતા. ઘરમાં પણ એમનું એકચક્રી શાસન ચાલતું. જોકે કદી કારણ વગર કનડતા નહીં, છતાં એમના પત્ની રંભાગૌરી અને એકનો એક દીકરો સ્વરાજ પણ મહિપતરાયના કડપથી દબાયેલા રહેતા. બે વર્ષ પહેલા ઘરમાં વહુ આવી હતી સુકીર્તિ, જે હમણાં ત્રણ મહિનાની ગર્ભવતી હતી. સુકીર્તિ પણ પોતાના સસરાથી મર્યાદિત અંતર રાખીને ચાલતી. પરિવારમાં કોઈપણ નિર્ણય મહિપતરાયને પૂછ્યા વિના નહીં લેવાતો. 

બાળપણથી જ મહિપતરાય એમના જેવા જ કડક સ્વભાવના પિતા સાથે રહેલા. માતા તો જન્મતા જ ગુજરી ગયેલી. પિતાનો કડક સ્વભાવ મહિપતરાયને વારસામાં મળ્યો હતો. એમને ગુસ્સો વ્યક્ત કરતાં આવડતું હતું, પણ કદી મનની ખુશી કે પ્રેમ એ જાહેર નહોતા કરી શકતા. સ્વરાજ નાનો હતો, ત્યારે પણ એણે પિતાનો ગુસ્સો જ જોયો હતો. જ્યારે જ્યારે એણે જીવનમાં સફળતા મેળવી, ત્યારે મહિપતરાયે ફક્ત હળવું હસી લીધું હતું. ના કોઈ શાબાશી કે ના કોઈ ખુશી. સ્વરાજ હંમેશા એવું જ માનતો કે એના પિતાને પ્રેમ કરતાં નથી આવડતું. ફક્ત રંભાગૌરી અને સુધાંશુ જ જાણતા હતા કે બહારથી કડક દેખાતા મહિપતરાયની છાતીમાં પણ એક પ્રેમાળ હ્રદય ધબકતું હતું. સુધાંશુ એટલે મહિપતરાયના ખાસ મિત્ર. બાજુની જ સોસાયટીમાં રહે. રોજ જ એકબીજાને મળીને બે-ત્રણ કલાક સાથે ગાળવાના. 

આજે પણ મહિપતરાય સુધાંશુને મળવા જ જતાં હતા, પણ સોસાયટીની બહાર બેસેલ બે હવાલદારોએ એમને અટકાવી દીધા. સમગ્ર વિશ્વને કોરોના રૂપી રાક્ષસ ગળી જવા મોઢું ફાડીને ઊભો હતો. મેડિકલ સાયન્સ પણ હજી અંધારામાં ગોથા ખાતું હતું. જીવન બચચાવવાનો ફક્ત એક જ ઉપાય હતો, માસ્ક પહેરવો અને અન્ય વ્યક્તિથી સલામત અંતર જાળવવું. જેને પગલે સમગ્ર દેશમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. મેડિકલ સ્ટાફ અને પોલીસ દિવસ-રાત જોયા વિના એમની ફરજ બજાવી રહ્યા હતા. સામાન્ય પ્રજા રોજગાર બંધ થવાને કારણે પરેશાન હતી. છતાં ક્ષુલ્લક કારણોસર અમુક લોકો ઘરની બહાર નીકળી પોતાના જીવન પર ખતરો ઊભો કરી રહ્યા હતા. 

મહિપતરાયે ઘરે પહોંચી બાલ્કનીમાંથી જોયું કે હવાલદાર હેમંતે એક યુવાન સાથે દલીલો કર્યા બાદ, એને બે દંડા મારી દીધા હતા. મહિપતરાયના હ્રદયમાં કડવાશ ફેલાઈ ગઈ. ‘સત્તા મળતા ગધેડો પણ સિંહ બની જાય છે.’ 

તેઓ રોજ જ કોઈ ને કોઈ વ્યક્તિને હવાલદારનો માર ખાતી જોતા. એમના મનમાં એ બંને હવાલદારો પ્રત્યે ધૃણા ઊંડી થતી જતી હતી. પણ બીજીવાર એમની સાથે જીભાજોડી કરવા જતાં કદાચ પોતાને પણ એ દંડો ખાવો પડે, એમ વિચારી બહાર નહોતા નીકળતા.

ત્રણ મહિના બાદ લોકડાઉન હળવું થઈ ગયું. લોકો પોતાના સામાન્ય જીવન તરફ વળવા લાગ્યા. સ્વરાજ પણ ફરી નોકરીએ ચડી ગયો હતો. સુકીર્તિની ગર્ભાવસ્થા પણ સુખરૂપ જઈ રહી હતી. કોરોના પ્રત્યે બેદરકાર બનેલા લોકો ધીરેધીરે કાળ તરફ ધકેલાઈ રહ્યા હતા. જોકે મહિપતરાય અને એમનો પરિવાર સુરક્ષિત હતા. હવે તો એમણે ન્યૂઝમાં કોરોના વિશે જોવાનું પણ બંધ કરી દીધું હતું. તેઓ એવું જ માનતા હતા કે સરકાર પ્રજાને ખોટી રીતે હેરાન કરે છે અને મીડિયા ખોટા આંકડાઓ દર્શાવી લોકોને ડરાવે છે. આસપાસ શું બની રહ્યું છે, એની સાથે એમને કોઈ નિસ્બત નહોતી. સુધાંશુ સાથેની રોજની મુલાકાત પણ ચાલુ થઈ ગઈ હતી. 

એક દિવસ મહિપતરાયના પાડોશીના ઘરેથી મરણચીસ ગુંજી ઉઠી. ઘરના એંશી વર્ષના વૃદ્ધ કોરોનામાં અવસાન પામ્યા હતા. આ એમની સોસાયટીમાં કોરોનાથી થયેલું પહેલું મૃત્યુ હતું. સહુએ એમ મન મનાવી લીધું કે વૃધ્ધત્વને કારણે કોરોનાનો સામનો નહીં કરી શક્યા. કારણકે સોસાયટીમાં કોરોનાના આઠ કેસ આવી ચૂક્યા હતા, જે યુવાન હતા અને ઝડપથી રીકવર થઈ ગયા હતા. હવે લોકોમાં માન્યતા ફેલાવા લાગી હતી કે કોરોના ફક્ત સામાન્ય શરદી અને તાવનો જ રોગ છે, જે ઝડપથી સારો થઈ જાય છે. પરંતુ આ જ ગેરમાન્યતાએ અનેક પરિવારો વિખેરવાનું શરૂ કરી દીધું હતું. 

એક વહેલી સવારે સુકીર્તિએ દીકરીને જન્મ આપ્યો. પરિવારમાં ખુશી ફેલાઈ ગઈ. મહિપતરાય આટલા વર્ષો બાદ ખુશ દેખાઈ રહ્યા હતા. પહેલીવાર એમણે જાતે સોસાયટીમાં દરેક ઘરે જઈ પેંડાનું બોક્સ વહેંચ્યું હતું. એમને જાણનારા લોકો પણ મહિપતરાયનો બદલાવ જોઈ આશ્ચર્ય પામી ગયા હતા. પણ એમનો કડક સ્વભાવ નહોતો બદલાયો. 

આમ જ છ મહિના પસાર થઈ ગયા હતા. અને એક દિવસ કોરોનાએ એમના ઘરે દસ્તક દીધી. સ્વરાજને પહેલા શરદી અને બે દિવસ બાદ તાવ આવવાનો શરૂ થયો. સુકીર્તિએ સ્વરાજનો કોવિડ ટેસ્ટ કરાવવા કહ્યું, પણ મહિપતરાયે ચોખ્ખી ના પાડી દીધી. એમનું સ્પષ્ટપણે માનવું હતું કે હવે ચોમાસુ શરૂ થયું છે અને સ્વરાજને દર ચોમાસામાં એકવાર શરદી સાથે તાવ આવે જ છે. એમણે જાતે જ સ્વરાજને તાવની દવા આપી દીધી. છતાં તાવ નહીં અટક્યો. હવે સ્વરાજે પણ મહિપતરાયને કોવિડ ટેસ્ટ કરાવવા દેવા વિનંતી કરી. કમને મહિપતરાય સ્વરાજને કોવિડ ટેસ્ટ કરાવવા લઈ ગયા. 

બે દિવસ બાદ સ્વરાજનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. સુકીર્તિ અને રંભાગૌરી રડી ઉઠયા. કારણકે પાંચ દિવસથી સ્વરાજનો તાવ નહોતો ઉતરતો. ત્યારે મહિપતરાયને અમંગળની આશંકા થઈ. એ તાત્કાલિક સ્વરાજને હોસ્પિટલ લઈ ગયા. પરંતુ એમનું નસીબ એમના કરતાં બે ડગલાં આગળ ચાલતું હતું. દરેક કોવિડ હોસ્પિટલના બેડ ફૂલ હતા. 

સ્વરાજની હાલત ધીરેધીરે બગડતી જતી હતી. ફેમિલી ડૉક્ટરે દવા તો આપી હતી, પરંતુ એનાથી સ્વરાજને કોઈ રાહત નહીં થઈ. હવે મહિપતરાય મરણિયા થયા હતા. સ્વરાજ એમને ખૂબ વ્હાલો હતો, પણ કદી એના માથે પ્રેમ ભર્યો હાથ ફેરવ્યો નહોતો. આજે એ જ સ્વરાજ જાણે એમનાથી દૂર થતો જતો હતો. 

આખરે એક પ્રાઈવેટ હોસ્પિટલમાં સ્વરાજને બેડ મળી ગયો. હોસ્પિટલનું અને દવાનું બિલ સતત વધતું જ જતું હતું. મહિપતરાય કશું જ વિચાર્યા વિના પોતાની બધી સેવિંગ્સ તોડીને સ્વરાજને બચાવવાના પ્રયત્નમાં લાગ્યા હતા. કોરોનાના શરૂઆતના છ દિવસ જે બેદરકારી દર્શાવી હતી, એ હવે વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચૂકી હતી. સ્વરાજનું ઑક્સીજન લેવલ સતત ઘટતું જતું હતું. ઑક્સીજન સિલિન્ડરની અછતને કારણે એની હાલત વધુ ખરાબ થઈ ગઈ હતી. એના ફેફસા ખલાસ થઈ ચૂક્યા હતા. 

ડૉક્ટરોએ મહિપતરાયને આશા છોડી દેવા જણાવી દીધું. રંભાગૌરી અને સુકીર્તિને સ્વરાજની હાલત વિશે જરા પણ જાણ નહોતી. મહિપતરાય એમની સામે જૂઠું બોલી એમને આશ્વસ્ત કરતાં રહેતા હતા. એમણે સ્વરાજને મળવું હતું, પરંતુ કોઈ ડૉક્ટર એમને પરમીશન આપતું નહોતું. સ્વરાજ જન્મ્યો અને એમણે પહેલીવાર એને ઊંચક્યો હતો, ત્યારે સ્વરાજે એના નાનકડા હાથે મહિપતરાયની મૂંછ પકડી લીધી હતી. એ સમયે મહિપતરાયે પહેલીવાર સ્વરાજને કપાળે ચુંબન કર્યું હતું. પરંતુ ત્યારબાદ કદી એમણે સ્વરાજને પ્રેમ કે હુંફ નહોતી આપી. નાનો સ્વરાજ કોઈવાર રડતો, ત્યારે મહિપતરાય એને કડકાઈથી કહેતા કે રડવાનું કામ કાયરોનું ગણાય. ત્યારબાદ સ્વરાજ કદી એમની સામે રડતો પણ નહીં. ધીરેધીરે સ્વરાજ મનથી પિતાથી દૂર થતો ગયો. એના વિશ્વમાં ફક્ત રંભાગૌરી જ હતા, જે એની લાગણીઓ સમજતા હતા. અને હવે સુકીર્તિ હતી, જેની સામે એ પોતાનું હૈયું ખોલી શકતો. 

આજે એ જ સ્વરાજ મહિપતરાયની ગેરમાન્યતાનો ભોગ બની પોતાના અંતિમ શ્વાસ લઈ રહ્યો હતો. મહિપતરાય આજે સ્વરાજની ફક્ત એક ઝાંખી મેળવવા તરસી રહ્યા હતા. પરંતુ એમની આ ઈચ્છા હંમેશ માટે અધૂરી જ રહી ગઈ. હોસ્પિટલમાંથી આવેલા એક ફોને એમને ભાંગી નાખ્યા. હમણાં સુધી સ્વરાજ પાછો આવશે એ આશાએ રોજ સ્વરાજની રાહ જોતાં રંભાગૌરી અને સુકીર્તિ ભાંગી પડયા. સ્વરાજના ચહેરા પર અંતિમ ચુંબન પણ નહોતા કરી શક્યા. એમને વિશ્વાસ નહોતો આવી રહ્યો કે એમના જીવનનો આધાર હંમેશ માટે છૂટી ચૂક્યો હતો. સુકીર્તિની નાની દીકરી એની છાતીએ વળગી ભૂખને કારણે રડી રહી હતી અને સુકીર્તિની આંખો સ્વરાજના હાર ચડાવેલા ફોટા સામે સૂકી નજરે જોઈ રહી હતી. 

મહિપતરાયને નહોતું સમજાતું કે એ રંભાગૌરીને કેવીરીતે આશ્વાસન આપે. પોતાની જ ભૂલને કારણે આજે એમના ઘરનો દિપક બુઝાઇ ગયો હતો. રંભાગૌરીની આંખો સતત વહેતી હતી. મહિપતરાય એમની પાસે ગયા અને ખભે હાથ મૂકી કઈંક બોલવા ગયા. રડી રહેલા રંભાગૌરીએ ગુસ્સામાં એમનો હાથ ઝાટકી નાખ્યો અને ધારદાર નજરે પતિ સામે જોયું. મહિપતરાય એ તીક્ષ્ણ નજરથી શેહ ખાઈ ગયા. ધબ દઈને ત્યાં જ બેસી પડયા. 

વર્ષો સુધી કડપ દાખવતી એમની આંખોને રડવું હતું, પણ લોહીમાં ભળી ગયેલી કડકાઈ એમને અવરોધી રહી હતી. ચૂપચાપ એ ઊભા થઈને પોતાના રૂમમાં જતાં રહ્યા. આજે એમનો દીકરો અનંતની વાટે સીધાવી ગયો હતો, પરંતુ અંતિમવાર એનો ચહેરો પણ જોવા નહોતો મળ્યો. મહિપતરાયને છાતી ફાડીને રડવું હતું. જોરથી ચીખીને કહેવું હતું કે સ્વરાજ એકવાર પાછો આવી જા, હું તને ખૂબ ચાહું છું. પરંતુ રૂમમાં છવાયેલી ઘેરી સ્ત્બધતા એમના હ્રદયનો ભાર વધારતી જ રહી.

*** 

આજે સ્વરાજને ગુજર્યાને એક મહિનો વીતી ચૂક્યો હતો. ઘરના સભ્યો એકબીજાની પાસે તો જીવતા હતા, પણ સાથે નહોતા. સુકીર્તિને એની દીકરીનું પણ ભાન નહોતું રહ્યું. એ આખો દિવસ બારીમાંથી ખુલ્લા આકાશને તાકી રહેતી. રંભાગૌરી પોતાની જાતને જ આશ્વાસન આપતા ઈશ્વરને ફરિયાદ કરતાં રહેતા અને સ્વરાજની એકમાત્ર નિશાની એવી નાની દીકરીને સાચવતા રહેતા. મહિપતરાય હવે એકદમ મૌન થઈ ગયા હતા. સ્વરાજના મૃત્યુનો ભાર એમને અંદરથી કોરી રહ્યો હતો. યુવાન વહુનું વૈધવ્ય અને પત્નીનો ભાવવિહીન ચહેરો એમના હ્રદયને તોડી રહ્યો હતો. બંને સ્ત્રીઓ વણબોલ્યે મહિપતરાયને એમની ભૂલનો અહેસાસ કરાવતી હતી. 

એક દિવસ સુધાંશુ સાથે બેસેલ મહિપતરાયે જોયું તો સુધાંશુનો દીકરો બહારથી આવ્યો, માથા પર પાટો બાંધ્યો હતો અને શરીરે ઉઝરડા પડી ગયા હતા. સુધાંશુએ પૂછ્યું તો એના દીકરાએ જણાવ્યુ કે એનું બાઈક લપસી ગયું હતું અને એક પોલીસવાળાએ એને હોસ્પિટલ પહોંચાડીને મદદ કરી હતી. આ સાંભળી મહિપતરાયને એક વર્ષ પહેલાની ઘટના યાદ આવી ગઈ. તેઓ ઝડપથી ત્યાંથી ઊભા થઈને જતાં રહ્યા. 

એ વિસ્તારના પોલીસ સ્ટેશને જઈ એમણે હવાલદાર હેમંત અને એની સાથેના બીજા હવાલદારની તપાસ કરી. એમને જે માહિતી મળી, એનાથી એમનું હ્રદય ભાંગી ગયું. હવાલદાર હેમંતને ડ્યુટી બજાવતા જ કોરોના લાગુ પડી ગયો હતો અને અંતે એણે પણ અનંતની વાટ પકડી લીધી હતી. એની સાથેના હવાલદારની ટ્રાન્સફર અંતરિયાળ ગામડામાં થઈ ગઈ હતી. મહિપતરાયે હેમંતનું એડ્રેસ લીધું અને એના ઘર તરફ ચાલવા માંડયું. 

એકધારા ચાલી રહેલા મહિપતરાયના હ્રદયમાં એક વર્ષ પહેલાની ઘટનાઓ તરવરી ઉઠી. કેવીરીતે આખો દિવસ હેમંત એમની સોસાયટીની બહાર ઊભો રહીને લોકોને બહાર ફરતા અટકાવી રહ્યો હતો. જ્યારે કોઈ નહીં સમજે ત્યારે પોતાના દંડાથી ડારતો હતો. થોડા જિદ્દી લોકોએ એના દંડાનો માર પણ ખાધો હતો. પોતાની બાલ્કનીમાંથી રોજ હેમંતને જોતાં મહિપતરાય હંમેશા હેમંત અને એના સાથીને નફરત કરતા રહેતા. 

જેવા એ હેમંતના ઘરે પહોંચ્યા, ત્યાંનો માહોલ જોઈ એમનું હ્રદય બેસી ગયું. બે અને ચાર વર્ષના બે માસૂમ બાળકો, વિધવા પત્ની અને વૃધ્ધ માતપિતા ચાલીમાં એક રૂમ અને કિચનના નાનકડા ઘરમાં રહેતા હતા.. જેમાં હેમંતની માતાને આંખે દેખાતું નહોતું. હેમંતની પત્ની ઘરમાં પાપડ વણતી હતી અને હેમંતના પિતા સાયકલ પર ફરીને પાપડ વેચતા હતા. મહિપતરાય જાણતા હતા કે આવા માહોલમાં કેટલા લોકો પાપડ ખરીદતા હશે. ઘરનો કમાનાર સુરજ આથમી ચૂક્યો હતો અને નાની મીણબત્તી વડે પરિવાર નભવાની કોશિશ કરી રહ્યું હતું. થોડીવાર ચૂપચાપ ત્યાં બેઠા બાદ એમણે થોડા પૈસા એ અંધ માતાના હાથમાં મૂક્યા અને ઘરની બહાર નીકળવા લાગ્યા. એકાએક એમની નજર પોપડા ખરી ગયેલી દીવાલ પર લટકાવેલ હેમંતના યુનિફોર્મ પર પડી. ત્યાં જ ખૂણામાં દીવાલને ટેકવીને એનો દંડો પણ પડયો હતો. મહિપતરાય એકધારું એ દંડા સામે જોઈ રહ્યા. 

બીજા દિવસે સવારે સોસાયટીના લોકોને એક કૌતુક જોવા મળ્યું. સોસાયટીના ગેટ પર મહિપતરાય હાથમાં દંડો લઈને ઊભા હતા. આવતા જતાં દરેકને બહાર નીકળવાનું કારણ પૂછતાં હતા. જેમણે માસ્ક નહીં પહેર્યો હોય, એને પોતાના તરફથી માસ્ક આપતા હતા. ક્ષુલ્લક કારણોથી બહાર નીકળતા લોકોને કડક શબ્દોમાં ઘરે જવાનું કહેતા હતા. એ જ સમયે સુધાંશુ ત્યાં આવ્યા અને મહિપતરાયને કઈંક પૂછવા જાય, ત્યારે જ એક યુવાન બાઈક લઈને ત્યાંથી નીકળ્યો. મહિપતરાયે એને ઊભો રાખ્યો અને બહાર ફરવાનું કારણ પૂછ્યું. એ યુવાને બેફિકરાઈથી કહ્યું, “અંકલ મારા ફ્રેન્ડની બર્થડે છે. એણે હોટલમાં પાર્ટી રાખી છે. મારે કેકનો ઓર્ડર આપવા જવાનું છે.”

આ સાંભળી મહિપતરાય કડક અવાજે બોલ્યા, “મિત્રના જન્મદિવસને તારો મરણ દિવસ બનાવવો છે? ચૂપચાપ ઘરે જા. નહીં તો આ દંડો તારો સગો નહીં થાય.”

એ યુવાન દલીલ કરવા ગયો એટલે મહિપતરાયે દંડો ઉગામ્યો અને ત્રાડ પાડી બોલ્યા, “હું જીવતેજીવત આ સોસાયટીમાં હવે કોરોનાથી કોઈ મરણ નહીં થવા દઉં. તારા માબાપને આજીવન રડાવવા કરતાં તને દંડો મારીને તારા મા-બાપની બદદુઆ લેવાનું પસંદ કરીશ. હવે બેદરકારીથી બીજા કોઈ સ્વરાજને એના જન્મદાતાથી અલગ નહીં થવા દઉં. ઘરે જતો રહેજે!” બોલતા બોલતા મહિપતરાયની આંખો વરસી પડી. સુધાંશુ પોતાના મિત્રનો બદલાયેલો મિજાજ જોઈને એક સંતોષભર્યું સ્મિત કરી એમના ઘરે જતાં રહ્યા.

બાલ્કનીમા ઉભેલા રંભાગૌરી આંસુભરી આંખે વિચારી રહ્યા, ‘આજીવન સહુ તમારા પ્રેમ અને હુંફ માટે તરસ્યા. કાશ સ્વરાજ જાણી શક્ત કે તમારો પ્રેમ આવો પણ હોઈ શકે છે!’

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ