વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રકાશપુંજ

મોહન ઉતાવળા પગે ઘરેથી નીકળીને ગામની બીજી બાજુ જીવાકાકાના ઘર ભણી જઈ રહ્યો હતો. ગામ આખું રાત્રીની ચાદર ઓઢીને સુઈ ગયું હતું. ચારેતરફ ઘનઘોર શાંતિ છવાયેલી હતી. મોહનના પગરવનો અવાજ સ્પષ્ટ સંભળાઈ રહ્યો હતો. એ સિવાય શેરીઓમાં ક્યારેય ક્યારેક કુતરાઓનો ભસવાનો અવાજ અને ગામની સીમમાંથી શિયાળીયાઓનો અવાજ સંભળાતો હતો. અને આમ પણ જ્યારથી આ કોરોના નામની મહામારી ગામમાં પ્રવેશી ત્યારથી રાત શું દિવસે પણ ગામની શેરીમાં કોઈ માણસ નજરે ન ચડે !

રવાતાં પગે ચાલતાં મોહન જીવાકાકાની ડેલીએ પહોંચ્યો. ધીમેકથી ડેલી ખટખટાવી પણ કોઈ પ્રત્યુતર મળ્યો નહીં. એટલે થોડી વધારે જોરથી સાંકળ ખટખટાવી અને સાદ કર્યો, “જીવાકાકા ઓ જીવાકાકા !"

જીવાભાઈએ ઉઠીને ખાટલા પાસેથી બતી ઉપાડી અને ઓસરીમાંથી ખડકી બાજું ચાલ્યાં, મોહનનો સાદ વર્તી લીધો હોય એમ ખડકીએ આવતાં આવતાં કહ્યું, “જારવ ભાઈ મોહન ! ખડકી ખોલું છું."

જીવાકાકાએ ખડકી ખોલી મોહનના ચહેરા બાજુ નજર કરી તો ચિંતાની રેખાઓ ચહેરા પર સ્પષ્ટ તરવરી રહી હતી. કપાળ પરસેવે રેબઝેબ થઈ ગયું હતું. ઉતાવળે ચાલવાના કારણે રીતસરનો હાંફી રહ્યો હતો.

"કાકા, રમલાને ઉઠાડોને, જીવતીને બવ મજા નથી, ઝટ શહેરમાં દવાખાને પુગવું જોશે."

ગામ આખામાં જીવાકાકાના રમેશ પાસે જ મોટર હતી. એટલે મોહન એને બોલાવવા માટે આવ્યો હતો.

“હા પણ, અચાનક !?"

“કાકા, મેં એને બે દિ પહેલાં કીધું તું કે શરદી થઈ છે, હાલ દવા લઈ આવીએ પણ ના માની, એને બીક છે કે દવાખાના વારા પાછા ઘરે નહીં મોકલે."

"ઈ તો ગામમાં આ જોને, આઠ-દસ અકાળે અવસાન થયા તો ગમે એવો માણહ બી જાય."

“અટાણે તો બવ તબિયત બગડી એટલે થયું કે હવે દવાખાના ભેગા થાયે."

“હારુ કર્યું, ન્યા સરખું નિદાન કરાવીને ઈલાજ તો થાય, જારવ હું રમલાને ઉઠાડું, તું ઝટ ઘરે જઈને તિયારી કરી લે."

મોહન ડેલીએથી જ પાછો ફર્યો, ત્યાં જીવાકાકાનો સાદ કાને અથળાયો, “મોહન ! ઉભો રે !"

મોહન પાછો ફરીને જીવાકાકા પાસે પહોંચ્યો, “હં કાકા"

જીવકાકાએ ગંજીના ખીસ્સામાંથી થોડા રૂપિયા કાઢીને મોહન સામે હાથ લંબાવ્યો, “આ લે ઝાઝા તો નથી. પણ ટાણે થોડા હોય ઈ પણ કામ આવે. આ વખતે ખેતીમાં કઈ ખાસુ ઉપજ્યું નથી એટલે તારી પાસે વધુ વ્યવસ્થા નઈ હોય, આ રાખ અને રમલા ભેગા બીજા ઘરમાંથી મોકલું છું"

“અરે પણ કાકા..."

મોહનને વચ્ચે અટકાવતાં જીવાકાકાએ કહ્યું, “અરે રાખ ને, એમ કરતાં જરૂર ન પડે તો હું ક્યાં ગામ મૂકીને વયો જવાનો ! જા હવે ઝટ ઘરે પૂગ"

મોહન આવા કપરા ટાણે વગર માંગ્યે મદદ કરવા માટે આભારવશ જીવાકાકા સામે જોઈ રહ્યો, આંખોમાં ઝરઝરીયા આવી ગયા, કશુંક બોલવા માંગતો હતો પણ જાણે શબ્દો ગળે આવીને અટકી ગયા.

ત્યાંથી બે-ત્રણ શેરી વટાવી મોહન ઘરે પહોંચ્યો ત્યાં તો રમલો પણ ગાડી લઈને પાછળ આવતો નજરે ચડ્યો.


મોહન ઘરે પહોંચ્યો ત્યાં મોહનના માતા સવિતાબેને બધી તૈયારી કરી રાખી હતી. રમલો ગાડી લઈને દરવાજા પાસે આવ્યો. સવિતાબેને જીવતીને ગાડીમાં બેસાડી. મોહનનો પાંચ વર્ષનો દીકરો રાજુ પણ જાગતો હતો. રાજુને દાદી પાસે જ છોડી, મોહન અને જીવતીને લઈને રમલાએ તેના ગામથી વીસેક કિલોમીટર દૂર શહેરના એક દવાખાના તરફ ગાડી દોડાવી.


થોડીવારમાં તેઓ દવાખાને પહોંચ્યા, દવાખાનામાં દાખલ થતાં જ મોહને અત્યાર સુધી ક્યારેય ન જોયેલી ભીડ દવાખાનામાં જોઈ. ચારેતરફ બસ દર્દીઓ જ દર્દીઓ !


જીવતીને દાખલ કરી, ત્યાં હાજર ડોકટરોએ રાબેતા મુજબ કોરોનાના રિપોર્ટ માટે ટેસ્ટ શરૂ કર્યા.

થોડીવારમાં મોહન અને રમલાને તો ત્યાંથી રજા આપી દેવામાં આવી પણ જીવતીના રિપોર્ટ ન આવે ત્યાં સુધી ત્યાં જ દાખલ કરવામાં આવી.


બીજા દિવસે સવારે મોહનને જે આશંકા હતી તે સાચી ઠરી. જીવતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો. મોહન અને એના પરિવાર માથે જાણે અણધારી આફત ત્રાટકી ! મનમાં હવે જીવતીને જોઈ શકશે કે કેમ એવા પ્રશ્નોના વમળો સર્જાયા. એક તરફ ઘરની નાજુક સ્થિતિ અને ઉપરથી આ મહામારી.


જીવતીને દાખલ થયાને અઠવાડિયું થવા આવ્યું. ન તો તેને દવાખાનામાં મળવા દેતા હતા કે ન તો તેના કોઈ સમાચાર ! મોહનનું મનોબળ દિવસે ને દિવસે ભાંગતું જતું હતું. ઘરે આવે એટલે રોજ રાજુની આંખોમાં એક જ પ્રશ્ન વંચાતો કે મારી મા ક્યાં છે? ક્યારે આવશે ? જેનો જવાબ ન તો મોહન પાસે હતો કે ના સવિતાબેન પાસે.

મોંઘી મોંઘી દવાઓના ખર્ચાના કારણે અઠવાડીમાં મોહન પાસે હતી એ બધી મૂળી સમાપ્ત થઈ ગઈ. દવાખાને દવાનું કરે તો ઘરે ખાવાના સાસા પડે એવી સ્થિતિ ઉભી થઈ.


મોહન રોજ ઘરથી દવાખાનું અને દવાખાનેથી ઘરે એમ ચક્કર જ લગાવતો. અમુક પરિસ્થિતિઓ એવી જન્મે કે ગમે તેવો કઠોર માણસ પણ ભાંગી પડે છે. મોહન પણ એ જ સ્થિતિમાં હતો કે હવે પરિવારનું ભરણ-પોષણ અને દવાખાનાનું ખર્ચ કેમ કાઢવું.


એક દિવસ શહેરમાં દવાખાને જતો હતો ત્યાં રસ્તામાં એક દસેક વર્ષની છોકરી હાથમાં ફુગ્ગાઓ લઈને આમ-તેમ ફુગ્ગા વેંચવા માટે ફરી રહી હતી. મોહનને બસની રાહમાં ઉભેલો જોઈ એ છોકરીએ તેની પાસે આવીને કહ્યું, “એક ફુગ્ગો લઈ લો ને !"

મોહન એકાદ ક્ષણ માટે એ છોકરીનો ચહેરો જોઈને વિચારમાં પડ્યો કે આ છોકરીને ક્યાંય જોઈ છે. અચાનક યાદ આવ્યું કે જ્યારે એ જીવતીને લઈને દવાખાને આવ્યો ત્યારે આ છોકરી પણ એક વૃદ્ધ દંપતી જોડે ત્યાં આવી હતી એટલે એણે કહ્યું, “બેટા, તું તો થોડા દિવસ પહેલાં તારા મા-બાપુજી જોડે દવાખાને હતીને?"

“હા, કાકા મારા દાદી દવાખાનામાં દાખલ છે."

“તો બેટા તું કેમ આ ફુગ્ગા વેંચે છે."

“કાકા, દાદા કહે છે કે દાદીની દવા લેવામાં ઘણો ખર્ચ થશે. તો હું પણ આ ફુગ્ગા વેંચીને દાદાની મદદ કરું છું."


મોહન એક પણ શબ્દ બોલ્યાં વગર એ છોકરી સામે જોઈ રહ્યો અને ખિસ્સામાંથી દસની નોટ કાઢી છોકરી સામે લંબાવી છોકરી એક ફુગ્ગો મોહનને આપીને આગળ ચાલતી થઈ.


મોહન એ છોકરીને જતી જોઈને મનોમન વિચારી રહ્યો, “આ દસ વર્ષની નાનકડી છોકરી જો એના દાદી માટે આટલી મહેનત કરીને પૈસા એકઠા કરે છે. તો હું તો ઘણો સક્ષમ છું."

અને ઘરે જવાને બદલે મોહન સીધો શહેરમાં જ અલગ અલગ જગ્યાએ કામની તપાસમાં નીકળ્યો !

ઘણીવખત આપણું મનોબળ ભાંગી પડે ત્યારે અમુક નાનકડી બાબત પણ પ્રેરણાદાયી બને છે. પેલું કહેવાય છે ને, "ડૂબતે કો તીનકે કા સહારા !"

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ