વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મહાભારતની પ્રાસંગિકતા...

મહાભારતની  પ્રાંસગિક્તા


           પાર્કર વિલામાં ,આલીશાન વેલ-ફર્નિશ્ડ બેડરૂમમાં હોમ થિયેટર સિસ્ટમ માં અંગ્રેજી ધૂન નું સંગીત રોહિતના તનમાં નવી ઊર્જા ઉત્પન્ન કરતું હતું અને તે જ ઘોંઘાટ નીચેના બગીચામાં પ્રકૃતિ સાથે સંવાદ કરતા દાદા વિશ્વનાથ ને ખલેલ પહોંચાડતું હતું.


""રોહિત.... રોહિત.."


"બોલો દાદા"


"હમણાં કઈ સ્પર્ધા ચાલે છે ? listeners વધારવાની?"


"દાદા કઈ સમજાય તેવું બોલોને?"


આ તારા રૂમમાંથી દૂર દૂર સુધી ગીતો સંભળાય તેને થોડું ધીમું સાંભળી શકાય?"


"સોરી દાદા ,મને તો ટેવ પડી ગઈ છે, તમારે મને કહેવાય ને?"


"રોહિત દર વખતે બધા બધું સમજાવે નહિ, થોડું પોતે પણ સમજવાનું શીખી શકાય."


"તમે છો ને દાદા".


"હા, પણ હવે તો તું પણ મોટો થઈ ગયો,પણ સાચું કહું મને તો નાનકડો રોહિત વધારે ગમે જે મારી પાસેથી વાર્તા સાંભળતો હોય."


"મને તો હજુ ગમે કહો ને?"


"હવે તો તારે પણ રામાયણ કે મહાભારત વાંચવું જોઈએ."


"ના , દાદા મને તો આ બધું બોરિંગ અને અર્થવિહિન લાગે".


"મહાભારત તો અમર મહાગ્રંથ છે દીકરા તેના બધા જ વિચાર, ભાવ કે ઘટના હંમેશા માટે પ્રાસંગિક છે જે ભૂત, ભવિષ્ય ને વર્તમાનની બધી જ ઘટનાને લઈને ચાલે છે."


"બસ બસ દાદા મને તો આ વધુ પડતું લાગે છે ક્યાં એ જુની પુરાણી વાર્તાઓ અને ક્યાં આજની આધુનિકતા?"


"આ જ સમજવાનું અને વિચારવાનું છે બેટા આમ  તો એક શ્લોકમાં જ આખુ  મહાભારત આવી જાય અને આમ જોઈએ તો મહાભારતના અભ્યાસ માટે એક જીવન પણ ઓછું પડે".


"તો દાદા કહો જોઈએ અત્યારની તત્કાલીન 'કોરોના ગ્રસ્ત' વિશ્વમાં ,આ મહામારીમાં મહાભારત ક્યાં પ્રાસંગિક છે?"


વિશ્વનાથ મંદ મંદ હાસ્ય કરતા બોલ્યા" તો તારે આજે વાર્તા જ સાંભળવી છે એમ ને?"


"હા"


"મહાભારત ના આદિપર્વના અંતભાગ સાથે

સાથે આ વાર્તા પ્રસંગ સંકળાયેલો છે."


         "રાજા ધૃતરાષ્ટ્ર પાંડવોને ખાંડવવન(ખાંડવપ્રસ્થ) નગર વસાવવા કહે છે. આ ખાંડવવન એટલે અત્યારનો મેરઠ પ્રદેશ ખાંડવ એટલે ખાંડ, મધુ ત્યાં મહુવાના પુષ્કળ વૃક્ષો હતા જેના ફૂલોથી આખું વાતાવરણ સુગંધિત રહેતું હતું તથા બધા જ પ્રકારના પશુ-પંખી જીવજીવાત અને જળચર પ્રાણીઓ થી સમૃદ્ધ પ્રકૃતિ હતી. ત્યાંના રાજા હતા તક્ષક નાગ રાજ."


           "હવે જ્યારે અર્જુન અને કૃષ્ણ ખાંડવવન પહોંચ્યા ત્યારે અર્જુનને આ જંગલ થોડું નડતરરૂપ લાગ્યું જેવી રીતે તમને બધાને શહેરી વસવાટ માટે આજ ના જંગલો નડે છે તેમ જ."


          "અર્જુન ને મનમાં વિચાર આવ્યો કે જો આખા જંગલોને ખતમ કરી દેવામાં આવે તો મને મારા રાજ્ય માટે વધારે વિસ્તાર મળી જાય. કૃષ્ણની સલાહથી અર્જુન અગ્નિદેવને બોલાવે છે."


           અગ્નિદેવે અર્જુનને કહ્યું કે "હું સાત વખત આ વનને બાળવા નો નિરર્થક પ્રયાસ કરી ચૂક્યો છું પણ ઈન્દ્રદેવ તક્ષક રાજાના પરમ મિત્ર છે જેના કારણે આ કાર્ય પૂર્ણ થતું નથી."


           કૃષ્ણ ભગવાને અર્જુનને વરુણ દેવની તપસ્યા કરવાનું કહ્યું વરુણ દેવ અર્જુનથી પ્રસન્ન થઈ વરદાન માગવાનું કહે છે.


           અર્જુન ત્રણ વસ્તુઓ માંગી લે છે

સૌથી પહેલા ગાંડીવ ધનુષ્ય,પછી અક્ષય તર્કષ કેજેમાંથી બાણ ખૂટે જ નહીં અને છેલ્લે મનની ગતિ થી ઉડે તેવો રથ જેનો ઉપયોગ પાછળથી અર્જુને મહાભારતના યુદ્ધમાં કર્યો. એ જ બધી વસ્તુઓ છે જેને અત્યારનો મનુષ્ય વિકાસના નામે ઓળખાવે છે.


           અને પછી શરૂ થયો મહા સંહાર...

અગ્નિદેવે  પ્રચંડ અગ્નિની જ્વાળાઓ ફેલાવી અને બધા જ નિર્દોષ અબોલ પશુ-પંખી જળચર જીવો અગ્નિમાં શેકાવા  લાગ્યા .પ્રકૃતિમાં હાહાકાર મચી ગયો અને બધા જીવો બચવા માટે આમતેમ ભાગવા લાગ્યા કોઈ પોતાની આંખ તો કોઈ પોતાની પાંખ બચાવવા માટે.


            "અને ત્યાતો અર્જુને ગાંડીવ ધનુષ્ય થી એક પછી એક બાણ છોડવાનું શરૂ કર્યું.અને બધા જ જીવો તેમાં ભડથું થઈ ગયા જળાશય સુકાઈ ગયા અને અર્જુનને એ જગ્યાએ પ્રતિશોધ ને રોપી  દીધો. આ ઘટના બની ત્યારે નાગરાજ તક્ષક ત્યાં ન હતા કુરુક્ષેત્ર ગયા હતા અને હવે ફ્કત ચાર પંખીઓ, તક્ષક રજાનો પુત્ર અશ્વ સેન અને મય અસુર એ કે જેની મદદથી કૃષ્ણ ભગવાને પાછળથી ઇન્દ્રપ્રસ્થ ની રચના કરી તે જ જીવિત બચ્યા.


           "અને એ જગ્યાએ પ્રકૃતિનો વિચ્છેદ ઉડાડીને કહેવાથી સુંદર ભવ્યાતિભવ્ય ઇન્દ્રપ્રસ્થ નગરી નું સર્જન થયું."


          આ વાર્તા સાંભળતા સાંભળતા રોહિત ના ચહેરા અને આંખો ના ભાવ બદલાવા લાગ્યા.


"પછી શું થયું દાદા?"


"પછી શું થાય દીકરા, પ્રતિશોધની શરૂઆત."


       " તક્ષક રાજાએ એ પ્રતિશોધ મનમાં દાબી દીધો અને યોગ્ય સમયની પ્રતિક્ષા કરવા લાગ્યા. ત્યારબાદ મહાભારતનું યુદ્ધ પૂરું થયું પાંડવો સ્વર્ગ આરોહણ માટે ગયા.  રાજા પરીક્ષિત હસ્તિનાપુરના રાજા બન્યા ત્યારે તક્ષક નાગ રાજ ના ડંખ થી તેમનું  મૃત્યુ થયું.,જો આપણે આમ જ પૃથ્વી ની પ્રકૃત્તિ ને નુકશાન પહોંચાવામાં કઈ બાકી નહિ રાખીએ તો તેના ગંભીર પરિણામો માટે તૈયાર રહેવું પડશે."


          " તેમના મૃત્યુથી દુઃખી થઈને પરીક્ષિત રાજા ના પુત્ર જન્મેજય એક મોટો યજ્ઞ કરે છે જેમાં વિવિધ વનો જેવા કે નૈમિષારણ્ય દંડકારણ્ય વગેરે જેવા વનના બધા સર્પોને યજ્ઞમાં હોમી દે છે અને ફરી મહાસંહાર થયો.."


        "ઋષિ વૈશંપાયને જનમેજય ના પ્રતિશોધ ને શમાવવા મહાભારત કથા કહેવાની શરૂઆત કરી ને કળિયુગ માં જીવન કેમ વ્યતીત કરવું તે સમજાવ્યું."


"અદભુત દાદા આ બધું તો મેં પહેલી વાર સાંભળ્યું. આ તો ખજાનો છે ખજાનો".


"રોહિત હવે તું મને કહે મહાભારત આજના યુગમાં પ્રાસંગિક છે કે નહીં?"



"100% દાદા આ કથા જ આપણને સૂચિત કરે છે કે આંધળા વિકાસની દોડમાં ભાગ લઇ રહેલા મનુષ્ય વંશજ ને થોડીવાર શાંતિની શોધમાં પ્રેમ ને હૃદય અને મસ્તિષ્કમાં જગ્યા આપવાની જરૂર છે".


"હા, અને તને ખબર છે હમણાં lockdown ના હિસાબે નજરે ન ચઢતા ઘણા પ્રાણીઓ નીલ ગાય જેવા તથા દરિયાઈ જીવો પોતાના મનગમતા હક ના વાતાવરણ માં સ્વતંત્રતાનો શ્વાસ લઈ શક્યા"   


"હા દાદા".


"તો ચાલો રોહિત કમસેકમ આપણે આના પરથી બોધ લઈ પ્રકૃતિ સાથે સમન્વય સાધીને વિકાસ કરીએ પણ સાથે સાથે પ્રકૃતિની રક્ષા પણ કરીએ...."

"શાંતિ અને પ્રેમના વારસાને આવનારી પેઢીમાં સંક્રમિત કરીને...."


  



💦💦💦💦💦💦💦💦💦💦💦💦



          મારી દ્રષ્ટિએ મહાભારત આજે પણ પ્રાસંગિક છે અને ભવિષ્યમાં પણ રહેશે બસ તેનું યોગ્ય અર્થઘટન થવું જોઈએ.


તમે શું કહો છો?      



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ