વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ધોળાવીરા

ધોળાવીરા : પથ્થરો સાથે વાતો કરવાની મજા.


       સદીઓથી સૂમસામ પડેલાં આ પથ્થરોનાં સ્પર્શે વિશ્વની સૌથી વિકસિત સભ્યતાની ઝાંખી કરવા અમે ચાર મિત્રો ( હું,હેમભા, જીતુદાન, નિકુલસિંહ) નીકળ્યાં ત્યારે મારાં મનમાં એક જુદો જ મુદ્દો ભમતો હતો.. ધોળાવીરા પર એક શાનદાર નવલકથા લખવી. છેલ્લાં કેટલાંય દિવસથી ધોળાવીરા મારી વિચારસૃષ્ટિનો એક ભાગ બની ગયું હતું. 5000 વર્ષ પહેલાંનું એ ખંડેર નગર મને બોલાવી રહ્યું હતું.


        ભારતનાં પશ્ચિમ ભાગમાં વસેલ ખડીર બેટની ગોદમાં આવેલું આ શહેર પોતાની પડખે જ ડાયનાસોરનાં અસ્તિત્વને પણ ઉજાગર કરતું બેઠું છે.. લાખ્ખો,કરોડો વર્ષ જૂની શિલાઓ આપણને પાષાણ યુગમાં લઈ જાય છે પણ, આપણે વાત કરવી છે ધોળાવીરાની..


     ધોળાવીરા એક ગામ છે.. જે સાઇટ જતાં પહેલાં આવે છે. એની આગળ જનાણ કરીને એક ગામ આવે છે. જો તમે ગાડીમાં છો ને ડીઝલ ભરાવવાનું ભૂલી ગયા છો તો આ ગામમાંથી એ વ્યવસ્થા થઈ જશે. આ ગામડાઓમાં સોઢા રાજપૂતોની બોલબાલા છે. પરમારનો એક નાનકડો છોકરો અમને મળી ગયો. અમે ફકત એને જમવા માટે પૂછપરછ કરી તો કહે, અરે, જમવું હોય તો મારા ઘેર ચાલો. કોઈપણ પરિચય વગર, વગર પૈસે જમાડે એવાં માણસો પણ તમને અહીંની માટીમાં મળી આવશે. ખેર, અમે રાપરથી જમીને નહોતા નીકળ્યાં. ધોળાવીરા આગળ એક રિસોર્ટ આવે છે ત્યાં જમવું એવું નક્કી કર્યું હતું.


      લગભગ બે વાગ્યાં આસપાસ અમે ચારેય મિત્રો એ રિસોર્ટ પહોંચ્યા. ખાસ્સી એવી ગરમી હતી. રિસોર્ટ સૂમસામ લાગ્યું. રાઉન્ડ લગાવી અંદર ગયાં તો દેશી ભુંગાની રચના કરેલ સરસ મજાની લાઇનસર ઝૂંપડીઓ જોવા મળી..જે કચ્છમાં દરેક જગ્યાએ સહજ હોય છે. અંદર જઈ પૂછ્યું તો સ્ટાફ ઊંઘવાની તૈયારી કરતો હતો. અમને કહે, જમવાનો સમય પૂરો થઈ ગયો. તમે મોડાં પડ્યાં. મને વિચાર આવ્યો કે અમે તો અહીંના સ્થાનિક જ કહેવાઈએ.. જો, દૂરથી કોઈ ધોળાવીરા જોવા આવે ને આવો જવાબ મળે તો શું હાલત થાય? અહિ આસપાસ ગામોમાં ચારણો અને રાજપૂતો રહે છે જેથી, હેમભા, જીતુદાન કે નિકુલસિહની ઓળખાણ પણ નિકળે... એમાં, નિકુળસિંહ  અહી રાપર ખાતે નાયબ મામલતદાર એટલે કોઈ તો પરિચય નીકળી જ જાય પણ, હવે અમે જમવા પરથી ધ્યાન હટાવી ધોળાવીરા પર ધ્યાન કેન્દ્રિત કર્યું.


     બપોરે 3 થી 5 જેટલો ગોલ્ડન સમય અમે વિશ્વની સૌથી પ્રાચીન સંસ્કૃતિના એ અવશેષો વચ્ચે વિતાવ્યો. અહિ શું છે એ વિષે તો સૌ જાણે છે..ગૂગલ પર માહિતી ઉપલબ્ધ છે જ એટલે, એમાં નથી જતાં છતાં, ઇતિહાસની એક નજર ફેરવી લઈએ.


      1921 પહેલા આપણાં દેશવાસીઓ એવું સમજતાં હતાં કે ભારતનો ઇતિહાસ વૈદિક કાળથી શરૂ થાય છે.. પરંતુ, દયારામ સહની તેમજ એમની ટીમે રાવી નદી ( હાલ પાકિસ્તાન) નાં કિનારે હડપ્પાં સભ્યતાના અવશેષો શોધી કાઢ્યાં. કરાચી અને લાહોર વચ્ચે રેલવે શરૂ કરવા ઈંટોની જરૂર હતી.. જે જગ્યાએથી ઈંટો લાવવામાં આવી ત્યાં ખોદકામ દરમિયાન આ અવશેષો હોવાનો પુરાવો મળ્યો. 1922 માં પંજાબ ( પાકિસ્તાન) નાં મોટાંગોમેરી જિલ્લામાં મોહેં જો દડોનું ખોદકામ અંગ્રેજ અધિકારી સર જ્હોન માર્શલ અને રખાલદાસ બેનરજીએ શરૂ કર્યું તો આર્યોના આગમન પહેલાં,5000 વર્ષ પુરાણી સભ્યતાના અવશેષો મળ્યાં ને દુનિયાની સૌથી જૂની સંસ્કૃતિમાં ભારતનો પણ સમાવેશ થયો. અહિ ઉત્ખનન દરમિયાન જે મળ્યું એ સૌને સ્તબ્ધ કરે એવું હતું.


    1947 માં ભારત પાકિસ્તાનનાં ભાગલા પડયા ને બેય સ્થળો પાકિસ્તાનમાં ગયાં એટલે આપણાં દેશમાં સિંધુ ખીણ સભ્યતાના અવશેષો શોધવાની જરૂર પડી. ધોળાવીરા 1990 માં ઉત્ખનન થયેલ છે. આગળ જોયું એમ ધોળાવીરા અહીંનાં એક ગામનું નામ છે. જે ટેકરા પર આ અવશેષો મળ્યાં એને સૌ ગ્રામજનો ટીંબો કહેતા.


   આજે પણ ભારતમાં અસંખ્ય ગામડાંઓ માટે પાણી મોટી સમસ્યા છે તો 5000 વર્ષ પહેલાં આપણાં પૂર્વજોએ પીવાની અને ન્હાવા ધોવા માટે પાણીની જે વ્યવસ્થા કરી હતી એ અદભૂત હતી. હજુ દેશનાં ઘણાં ગામોમાં શૌચાલય નથી જ્યારે સિંધુ ખીણની આ સભ્યતામાં દરેક ઘરની સાથે અટેચ ટોયલેટની વ્યવસ્થા છે. બે માળનાં મેળાબંધ મકાનોનાં અવશેષો પણ મળ્યાં.


   અહિ આખેઆખા નગરો આર્કિટેક સિસ્ટમ થકી બનાવેલ છે. બધા જ ઘરો એક લાઈનમાં, એક સરખાં જોવા મળે છે. ઘરની અંદર રસોડું,સ્નાન માટે વ્યવસ્થા વગેરે છે પણ, ક્યાંય બારી હોવાનાં પુરાવા મળ્યાં નથી. પ્રકાશ માટે એ લોકો શું વ્યવસ્થા કરતાં હશે એ સંશોધનનો વિષય છે.


   અમને સૌથી રસપ્રદ સિસ્ટમ લાગી હોય તો એ અહીંની ગટર લાઇન કે પાણીની વ્યવસ્થા. નગરની ચોતરફ કુવાઓ તેમજ મોટાં મોટાં હોજ દેખાય છે. કહેવાય છે કે ધોળાવીરાની બેય બાજુ નદીઓ વહેતી..મુનસર વગેરે.. જે મૂળે તો સિંધુ નદીનું વહેણ.. જેનાં ખડકો વગેરે અવશેષો હાલ પણ નગર પાસે અડીને જ જોયા.. પાક્કી ખાતરી થાય કે અહી એક સમયે બે કાંઠે નદી વહેતી હોવી જોઈએ. એ નદીનું પાણી નગર સાથે કનેક્ટ કરવામાં એમણે જે પદ્ધતિ અપનાવી એ ખરેખર જબરદસ્ત છે.


    ધોળાવીરા મુખ્ય ટેકરા પર તમે ઉભા રહો તો આ ચીજનો અંદાઝ આવે કે એમણે શહેરની ચારેય બાજુ પાણી માટે હોજ બનાવી રાખ્યા છે.. જેમાં નદીનું પાણી આવતું. એ પાણી નગર પર ચડાવવામાં આવતું. ત્યાં ઉપર પણ એક મોટો કૂવો મળી આવ્યો જે 40 ફૂટ ઊંડો છે. પીવાના પાણી તેમજ સ્નાન માટે પાણીનાં બીજાં બે કુવા પણ છે. અહિ લોકો સ્વચ્છ પાણીનાં આગ્રહી હશે. ગંદા પાણીના નિકાલ માટે એમણે મસ્ત વ્યવસ્થા કરી રાખી છે. એક વિશાળ ભોંયરું મળ્યું છે.. જેમાં, અંદરથી ધસી આવતાં ચામાચીડિયાંનાં ડરથી કોઈ જતું નથી પણ, અમે ચારેય જણ અંદર ગયાં. ભોંયરું ખાસ્સુ લાંબુ છે.. અંદર પગ ખૂંચી જાય એવો કાદવ ને અંધારું..ઉપરથી ચામાચીડિયાં ફફડાટ કરે..આમ છતાં,છેક અંદર સુધી ગયાં...


   અહીં સૌથી આકર્ષક હોય તો રસ્તાઓ..ઘરની બહાર જ રસ્તો પડે.. એ રસ્તો આગળ નીકળી કાટખૂણે વળે... એ બધા રસ્તાઓ એક મુખ્ય રસ્તાને મળે.. એ જમાનામાં પણ પાક્કા રોડ આપણાં પૂર્વજોએ બનાવેલા.


  જે સૌથી મોટું સ્નાનાગર મળે છે એમાં એક વસ્તુ નક્કી છે કે એ પ્રજા ધાર્મિક ઉત્સવો વખતે જાહેર સ્નાન કરતી હશે. જો કે, સિંધુ ખીણ સભ્યતામાં એકપણ મંદિરનાં અવશેષ નથી મળ્યાં. હા, સ્ત્રીની મૂર્તિઓ ઘણી મળી છે..કદાચ, માતૃપૂજાનું મહત્વ ખૂબ હશે.


        અહી આખા શહેરની રચના ત્રણ પ્રકારે છે. એક સૌથી ઉંચી જગ્યા પર મુખી ( રાજા કહી શકાય) એનો પરિવાર....સહેજ નીચે મુખ્ય નગર .. જેમાં વ્યાપારીઓ, કારીગરો શ્રીમંત લોકો..નીચે ત્રીજું નગર.. જેમાં મજૂરો વગેરે..આમ, ત્રણ ભાગમાં વસેલ આ શહેરનાં લોકો સુખ,સમૃદ્ધિ,શાંતિથી જીવતાં. મૂળે,આ પ્રજા શાંતિપ્રિય હતી. એમને વ્યાપારમાં રસ હતો. બીજા દેશો સાથે વ્યાપાર ચાલતો. વસ્તુઓનું આદન પ્રદાન થતું. અહીંના લોકો કલાત્મક ચીજો બનાવતા. ખાસ તો સ્ત્રીઓ ઘરેણાંની શોખીન હતી. અમારી સાથે ગાઈડ તરીકે રહેલ સોઢા રાજપૂત

બહાદુર સિહે એક જગ્યા અમને બતાવી હતી કે જ્યાં સ્મશાન હતું. માણસ મરે પછી એની સાથે સોનાનાં દાગીના પણ ચિતામાં જ રખાતા.. મૃત્યુ સાથે એની પ્રિય ચીજવસ્તુઓ બાળી નાખવામાં આવતી.. એનાં અવશેષો આ સ્મશાનમાંથી મળ્યાં છે.


  ખેર, આ બધી વાતો સૌ જાણે છે પણ,અમારી ચર્ચાનો વિષય એ રહ્યો કે આવી મહાન સભ્યતા અસ્ત કેવી રીતે પામી? સૌ કહે છે કે સિન્ધુ નદીમાં પુર આવ્યું હશે ને બધું ધ્વંશ થયું હશે.. એનાં પુરાવા રૂપે હાડપિંજર પણ મળી આવ્યાં છે..


   જો કે, નિકુલસિંહ નું કહેવું છે કે સિંધુ નદીનું વહેણ સુકાયું અથવા તો પલટાયું ને પાણીની અછત સર્જાતા આ પ્રજા સ્થળાંતર કરી ગઈ હોય ને નગર ખંડેર બની ગયું હોય....મને આ વાત વધારે વ્યાજબી લાગે છે.


     ઇતિહાસનાં વિધાર્થી તરીકે હું વિચારું છું તો સિંધુ નદીના વહેણને મારાં વઢિયાર પ્રદેશ સુધી આવતું જોઈ શકું છું.. પણ, એ અલગ સંશોધનનો વિષય છે.. પણ,આ સભ્યતા ગજબ હોવી જોઈએ. એમની દીર્ઘદૃષ્ટિને નમન કરીએ એટલા ઓછાં. મારી સાથે લોકસાહિત્યનાં, ઈતિહાસનાં જાણકાર બે ઉમદા ચારણો પણ હતાં. સફરમાં જીતુદાન સતત પોતાનાં ઘૂંટાયેલ ગળા વડે લોકસાહિત્યનું રસપાન કરાવતા રહ્યાં.. હેમભાએ અત્યાર સુધી વણ ઉકેલી સિંધુ ખીણની સંસ્કૃતિની ભાષાનાં ફોટા લીધાં.. બ્રાહ્મી લિપિ વિશે થોડું સંશોધન કરવાની જરૃર છે.


    સાઇટ પર પુરાતત્વ વિભાગ તરફથી સિક્યુરિટી જોબ કરતા સોઢા રાજપૂતોને જીતુદાને રાણા પ્રતાપ વિશે સ્વરચિત રાસડો સંભળાવી ડોલાવી દીધા. એમણે જ અમને સૂચવ્યું કે તમે આટલા સુધી આવ્યાં છો તો fosil park જઈ આવો. 18 કરોડ વર્ષ જૂનાં ડાયનાસોર પુરાવા ત્યાંથી મળ્યાં છે. અમે ત્યાં પણ ગયાં.


   ભારત પાકિસ્તાનની સરહદે આવેલ એક નયનરમ્ય સ્થળ. દૂર દૂર ક્ષિતિજ દેખાય એવું વિસ્તરેલ સફેદ રણ.. રણની અંદર ડુંગર ઉપર કરની માતાનું મંદિર.. એનાં કિનારે ભંજણા  દેવનું મંદિર.. બી.એસ. એફ કેમ્પ...એવું લાગે જાણે દરિયા કિનારે આવી ગયાં...ખરેખર તો આ પિકનિક સ્થળ બની શકે પણ,અહીથી બોર્ડર બિલકુલ નજીક છે. એકવાર એવું બન્યું કે મહારાષ્ટ્રથી એક યુવાન બાઈક લઈ  આ જગ્યાથી પાકિસ્તાન જવા નીકળી ગયો... અહી મંદિર હોવાથી સૌ દર્શને આવે. એ યુવાનને પાકિસ્તાનની એક યુવતી સાથે ફેસબુક પર પ્રેમ થયો. હકીકતમાં સોશ્યલ મીડિયા પર એ એકાઉન્ટ પણ ફેક જ હતું. આ પ્રેમીએ પાકિસ્તાન જવા આ જગ્યા પસંદ કરી. અહિ બાઈક મૂક્યું...ને પ્રેમિકાને મળવા પાકિસ્તાન નીકળી પડ્યો પણ, એ બિચારાને ખબર નહિ કે આગળ પણ આર્મી હશે. પકડાયો ને ખૂબ મોટો ઉહોપહ થયો. એ ઘટના પછી બી. એસ. એફ ખૂબ એલર્ટ થઈ ગઈ છે. આવી બધી વાતો અમે રાઉન્ડ પર ચાંપતી નજર ફરતાં જોષી સાહેબ સાથે કરી. અહીથી ફોસિલ પાર્ક ગયાં. ડાઈનાસોરની વિશાળકાય પ્રતિમાઓ અહી મુકેલી છે. ટેકરાની નીચે પાષાણ યુગના પથ્થરો પડ્યાં છે..સામે સફેદ રણ....આ જગ્યા ફોટો સેશન માટે બેસ્ટ છે. અમે પરમ મિત્ર મહાદેવ બારડનાં આ જગ્યા પરના ઘણાં ફોટા ફેસબૂક પર જોયા હતા. આ વખતે એમને સાથે લેવાના હતા પણ,અચાનક નીકળી ગયાં ને હજુ અમારે બીજીવાર અહી આવવાનું હોવાથી એ વખતે વાત એવું ઠરાવ્યું.


  પણ, એક વાત નક્કી છે કે આવી જગ્યા પર મિત્રો સાથે ફરવાનો આનંદ જ અલગ હોય છે. 5000 વર્ષ પુરાણી સભ્યતાના અવશેષો સાથે જે સમય વિતાવ્યો એમાં અમે જમવાનું વીસરી ગયેલા. કકડીને ભૂખ લાગી હતી ને ઢળતી સંધ્યાએ અમે આ પ્રાચીન વિશ્વથી છૂટા પડ્યાં...આખરે, રાપર આવિને બીજાંએક મિત્ર જીતુદાન ગઢવીના ઘેર સરસ મજાનું જમ્યાં. એક યાદગાર દિવસ બની રહયો. Thanks.. હેમભા ગઢવી, જીતુદાન ગઢવી... special thanks.. નીકુલસિંહ વાઘેલા...

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ