વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ભિતર બેઠું ચોમાસુ...!

વર્ષારાણી પોતાની શાહી સવારી લઈને દસ્તક દેવાની તૈયારીમાં હતી. ધરતી પણ પ્યાસા ચાતકની માફક વર્ષાની એ ભીની  બુંદોને જીલવા બેતાબ હતી. અમરની આંખોમાં અવનીને પોતાના આલિંગનમાં લેવાની અદમ્ય તડપ હતી. કાળા કાળા ડિબાંગ વાદળો મેહુલિયાને પોતાનામાં ભરી હવા સાથે આંખ મીચોલી રમી રહ્યા હતા. મદમસ્ત પવનની લહેરખીઓ પણ આ બધું જોઈ શરારતે ચડી હતી. મોસમનો મિજાજ જોઈ મોર પણ કળા કરી કરીને વર્ષા રાણીને આવકારવા થનગની રહ્યો હતો. આખું વાતાવરણ એટલું મદહોશ બન્યું હતું કે જોનારની આંખો, આ મૌસમને ખુદમાં સમાવવા આતુર થઈ જાય.


આવા મનોરમ્ય મૌસમમાં પણ વૈશાખી દરવાજો બંધ કરી, કામમાં પોતાનું મન પરોવવાની વ્યર્થ કોશિશ કરી રહી હતી. ચોમાસુ શરૂ થતા જ તેનું મન બેચેની અને દર્દથી એટલું ભરાઈ જતું કે, બહારનું ચોમાસું અને ભીતરનું ચોમાસું એકાકાર થઈ તેના અસ્તિત્વને ઝાંઝોવી નાખતું !


ધોધમાર વરસાદ જાણે, તેની ભીતર ધરબાયેલા દર્દ અને ઝખ્મોથી છલોછલ એવા એક નવા ચોમાસાને આકાર આપતું.  એ ચોમાસુ એવું તો પૂરું લાવતું કે તેમાં તેને પોતાના સઘળા અરમાનો ડૂબતા તાદૃશ્ય થતાં.


વૈશાખીએ નક્કી કર્યું હવે બસ... !


આજે તો આ વરસાદ મારી આંખોમાં પુર નહી લાવી શકે. ત્યાં જ અંદરથી દોડતી દોડતી નાની મિષ્ટિ, વૈશાખીને  વળગી પડતાં બોલી,


"મમ્મી, લાગે છે આજે વરસાદ આવશે. આજે તો હું તને પણ મારી સાથે વરસાદમાં રમવા લઈ જઈશ. અને આજે તો તારે મારી સાથે આવવું જ પડશે !"


પાંચ વર્ષની મીષ્ટિની આંખોમાં જોઈ વૈશાખી ભાવવિભોર બની ગઈ. તે તેને ગાઢ આલિંગન આપી, માથા પર હેત ભર્યું ચુંબન કરતા બોલી,  "બેટા, આજે નહીં. ફરી ક્યારેક. મારે હજી તારા માટે નાસ્તો પણ બનાવવાનો બાકી છે. તું બહાર બગીચામાં જઈ વરસાદની મજા લે. ત્યાં સુધીમાં હું તારા માટે તારી મનગમતી બટાકાની ચિપ્સ બનાવી દઉં."


વૈશાખીની વાત સાંભળીને તેને ઝૂલા પર બેસાડતા મીષ્ટિ બોલી, " મમ્મી, દર વખતે તમે એવું જ કહો છો. આ તો ફક્ત એક બહાનું છે. તમે ક્યારેય મારી સાથે વરસાદમાં રમવા નથી આવતા.  શું તમને વરસાદ નથી ગમતો ?  મને તો ખૂબ ગમે છે. વરસાદની નાની-નાની બુંદોને બંને હાથ પર ઝીલવાનું  મન થાય છે, પણ વરસાદમાં તમને ઉદાસ જોઈને મને વરસાદમાં રમવાની જરા પણ મજા નથી આવતી !"


મિષ્ટીની વાતો સાંભળી વૈશાખીની આંખો છલકાવા લાગી. તે કંઈ બોલે તે પહેલાં જ બહાર ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો. વીજળીના કડાકાથી આખું આભ ગૂંજી ઉઠ્યું. નાનકડી મિષ્ટી અવાજ સાંભળી પોતાની મા ની સોડમાં ભરાઈ ગઈ.


વૈશાખી મનમાં જ બબડી, ' આજે પણ તું મને ભીતરથી ભીંજાવવા અને ડરાવવા આવી ગયો.'  તે મિષ્ટીને લઈને અંદરની બાલ્કનીમાં બેઠી. તેની નજરો સમક્ષ ભૂતકાળની ઘટનાઓ તરવરવા લાગી.


********************


મૌસમના પહેલા વરસાદની એ સાંજ હતી. ઝરમર ઝરમર વરસાદ ટીપ ટીપ વરસી ધરતીની આગોશમાં સમાઈ રહ્યો હતો. ભીની માટીની ખુશ્બુ વાતાવરણને મઘમઘતું બનાવી રહી હતી.  શીતળ પવનની લહેરખીઓ વૃક્ષની લતાઓ સાથે હિલોળે ચડી હતી.


વૈશાખી આ વાતાવરણને, વરસાદની એ ભીની માટીની મહેંકને, પોતાનામાં સમાવવા બેતાબ હતી. વૈશાખીને વરસાદ એટલો ગમતો કે, તે ચોમાસાની રીતસરની રાહ જોતી.


વૈશાખી કોલેજના છેલ્લા વર્ષમાં હતી. કોલેજથી તેનું ઘર એકદમ નજીક હતું. એટલે તે આવા વાતાવરણમાં વાતાવરણને માણવા છત્રી ભાગ્યે જ લઈ જતી. આજે પણ કોલેજ છૂટયા બાદ તે ઝરમર વરસાદની મજા લેતી ઘરે જવા નીકળી. કોલેજથી ઘરનું અંતર બસ પાંચ મિનિટ હોવાથી તેને રસ્તા પર ભીના થવાનો વધુ ડર ન હતો. પણ આ શું ?અચાનક વાતાવરણ પલટાયું.  ઝરમર વરસાદના સ્થાને ધોધમાર વરસાદ વરસવા લાગ્યો.


વૈશાખી આ જોઈ દોડવા લાગી. તેને પલળે તે પહેલા ઘરે પહોંચવું હતું. તેના કાનમાં તેના મમ્મીના  કહેલા શબ્દો અથડાયા


'વરસાદ ભલે ધીમો હોય પણ તેનું નક્કી ન કહેવાય. છત્રી સાથે રાખવી જોઈએ. આમ જુવાન દીકરી પલળીને રસ્તા પરથી આવે તે કેવું લાગે !'


વૈશાખીએ પોતાની ચૂંદડીને પોતાની આસપાસ વીંટી લીધી. સામા પવનના કારણે તે દોડી શકતી પણ ન હતી. એવામાં તેને પાછળથી એક જાણીતો સ્વર સંભળાયો,"વૈશાખી, ઉભી રહે. તને ડ્રોપ કરી દઉં. ચાલ મારી ગાડીમાં બેસી જા."


વૈશાખી ઊભી રહી. પાછળ જોયું તો તેના જ ક્લાસનો છોકરો મયુર પોતાની બાઈક લઈને ઉભો હતો. વૈશાખી, મયુરને ઓળખતી હતી. પોતાની સોસાયટીમાં જ તે રહેતો.  બંનેની કોલેજ પણ એક ! વૈશાખીએ કદી તેની સાથે વાત કરી ન હતી. વૈશાખી વિચારતી હતી કે હું શું કરું? ત્યાં જ મયુર ફરી બોલ્યો, " વૈશાખી, વધુ નો વિચાર. વરસાદ ખૂબ વધુ છે. પવન પણ ખૂબ છે. તું જલદીથી બેસી જા. હું તને ઘરે ઉતારી દઈશ."


વૈશાખીને મયુરની વાત યોગ્ય લાગી. તે મયુર સાથે તેની બાઈક પર બેસી ગઈ.


સપ્રમાણ ઉંચાઈ અને મજબૂત બાંધાનો મયુર ખૂબ સોહામણો હતો. કોઈ પણ છોકરીને એક નજરે ગમી જાય તેવું તેનું વ્યક્તિત્વ હતું. તો વૈશાખી પણ નખશિખ સુંદરતાનો પર્યાય હતી.


એક તો બે યુવા ધડકન અને ઉપરથી વરસાદી વાતાવરણ !  બંનેના દિલમાં કેટલાય અરમાન જાણે એકસાથે સળવળી ઊઠ્યા. મયુર વારંવાર સાઈડ ગ્લાસમાંથી વૈશાખીના ચહેરા પર નીતરતાં વરસાદના બૂંદોને નિહાળતો હતો. તેની વાળની લટો જાણે હવા સાથે જીદે ભરાણી હતી. વારંવાર તે મયુરનાં ગાલ પર આવી આહલાદક સ્પર્શનો રોમાંચ આપી જતી હતી. તેને સમેટવામાં એક-બે વાર વૈશાખીની નજર મયુર સાથે એકાકાર થઈ.


બંનેના તનની સાથે મન પણ એવા ભીંજાયા કે મનથી મનના તાર જોડાવા લાગ્યા.વૈશખીના કોરા મન પર મયુરના પ્રેમના અમીછાંટણા વહેવા લાગ્યા.પાંચ મિનિટની સફર,જિંદગીની સફર બની ગઈ.આ પ્રથમ મુલાકાત બંનેના જીવનની ખૂબસૂરત મુલાકાત બની ગઈ.


મયુરે, વૈશાખીને તેના ઘર પાસે ઉતારી. નીચે ઉતરી વૈશાખી અનિમેષ નજરે મયુરને જોઈ રહી હતી.


મયુર  બોલ્યો, વૈશાખી જલ્દી અંદર જા. તુ સાવ ભીંજાઈ ગઈ છે. વૈશાખીએ શરમાતાં શરમાતાં કહ્યું, " હા, પૂરેપૂરી ભીંજાઈ ગઈ !"


બીજા દિવસે સવારે વૈશાખી થોડી વહેલી કોલેજ પહોંચી ગઈ. તેના મનનો ચિતાર મયુર જાણી ગયો હોય તેમ, મયુર પણ તેનો બે સબરીથી ઇન્તજાર કરી રહ્યો હતો. સફેદ કુર્તી અને બ્લેક પ્લાઝામાં વૈશાખી ખુબ સુંદર લાગી રહી હતી. તેનાં ચહેરા પર રમતું મધુર સ્મિત તેની સુંદરતાને ચાર ચાંદ લગાવી રહ્યું હતું.


વૈશાખીને આવતી જોઈ મયુર આગળ વધ્યો અને બોલ્યો, "વૈશાખી, તું તો ફક્ત વરસાદથી ભીંજાણી, પણ હું તો પૂરેપૂરો તારા પ્રેમથી ભીંજાયો ! હું તને કોલેજના પ્રથમ દિવસથી પસંદ કરું છું. વિલ યુ મેરી મી ? "


વૈશાખીના કાન પણ જાણે આ જ સાંભળવા થનગનતી  રહ્યા હોય તેમ તે બોલી, " મયુર, કાલનો વરસાદ મારા જીવનમાં તારા પ્રેમનો વરસાદ લઈને આવ્યો. હું તો ગઈકાલે જ તારા પ્રેમરસથી તરબોળ થઇ ચૂકી છું ! "


પ્રેમીપંખીડાનો સાક્ષી બનવા ફરી મેહુલિયો રીમઝીમ વરસવા લાગ્યો. મયુર અને વૈશાખી દોડતા વૃક્ષની નીચે જઈ ઊભા રહ્યા. બંનેએ આંખોમાં આંખો પરોવી જીવનભર સાથે રહેવાના કોલ આપી  દીધા.


*********


વૈશાખી અને મયુરના લગ્નને આજે બે વર્ષ પૂર્ણ થયા હતા. આજે તેમની બીજી મેરેજ એનિવર્સરી હતી. તેમના પ્રેમના પ્રતીકરૂપે સુંદર પરી જેવી મિષ્ટિનું તેમના જીવનમાં આગમન થઈ ચૂકયું હતું.


વિશાળ રૂમના વિશાળ રજવાડી બેડ પર વૈશાખી, મિષ્ટિને તેની સોડમાં લઈને શાંતિથી ઊંઘી રહી હતી. મયુર તેના ચહેરાને નીરખી રહ્યો હતો. વૈશાખીની વાળની લટો તેના ચહેરા પર બેફિકરાઈથી લટારો મારી રહી હતી. તેના ગુલાબી હોંઠ ઊંઘમાં પણ મંદ મંદ મુસ્કુરાતા હતાં.


મયુર તેની નજીક ગયો. તેના ચહેરા પરથી વાળની લટોને હટાવી તેના કપાળ પર ઉષ્માભર્યુ ચુંબન કર્યું. તેના ગોરા ગાલને સહેલાવતાં તે ધીરેથી બોલ્યો, "હેપી એનિવર્સરી સ્વીટહાર્ટ ! "


વૈશાખીએ ધીરેથી આંખો ખોલી.  મયુરની આંખોમાં ઉભરાતી સ્નેહની ભરતીમાં તે ડૂબવા લાગી. એણે ધીરેથી મિષ્ટિને પોતાનાથી અલગ કરી.તેને સરખી સુવડાવી. તે હજુ ઉભી થવા જતી હતી ત્યાં જ મયુરે પોતાની મજબૂત બાહોમાં તેને સમાવી લીધી.  મયુરના પ્રેમથી તરબોળ થતાં વૈશાખી બોલી,


"મયુર, લગ્નના બે વર્ષ પછી પણ તારો પ્રેમ એટલો જ ઉષ્મા ભર્યો છે. સાચે જ તારા જેવો પ્રેમાળ પતિ પામી હું ધન્ય થઈ ગઈ. આઈ લવ યુ જાન. આઇ લવ યુ સો મચ. મયુર, તું મને આમ જ પ્રેમ કરતો રહે, અને હું આમ જ તારામાં મારા અસ્તિત્વને ઓગાળતી રહું !"


વૈશાખીની વાત સાંભળી મયુર બોલ્યો, " વૈશું, તું મારી જીંદગી છે. તું અને મિષ્ટિ, મારા દિલની ધડકન છે . આજે પણ હું એ વરસાદી સાંજનો ધન્યવાદ કરું છું. જેના કારણે મને તું મળી."


મયુર વધુને વધુ રોમેન્ટિક થઈ રહ્યો હતો. મયુરે, વૈશાખીને એક સરપ્રાઈઝ ગિફ્ટ આપતા બોલ્યો, "વૈશું, આ તારા માટે.આ ડ્રેસમાં જોવા મારા નયનો બેચેન છે."


વૈશાખી પોતાની અદાથી મયૂરને આહ ભરતો મૂકી ઉભી થઈ. તે જલદીથી શાવર લઈ બહાર આવી. શિફોન અને નેટના લાલ રંગના શોર્ટ વનપિસમાં વૈશાખી કોઈ મોડેલ જેવી કાતિલ લાગતી હતી.  મયુરે, વૈશાખીને પોતાની બાહોમાં જકડી તેના હોંઠ પર એક તસતસતું ચુંબન કરી લીધું. વૈશાખી પણ પોતાના પ્રેમરસથી મયુરને તરબોળ કરી રહી.


થોડી વાર બાદ તે વૈશાખીની આંખોમાં આંખો પરોવી બોલ્યો,


"જાનેમન, જોને આજે પણ એવું જ આહલાદક વાતાવરણ છે. વરસાદની મૌસમ બરોબર જામી છે. ખબર નહીં કેમ પણ આજે ફરી મન એ સાંજના સંસ્મરણોને વાગોળવા બેકરાર થયું છે. અને આજે તો આપણી એનિવર્સરી છે. શું આજ સાંજે હું મારી સ્વીટહાર્ટને લોંગ ડ્રાઈવ પર લઈ જઈ શકું ?" વરસાદમાં ભીંજાતી વૈશાખીને જોવા મારું મન બેચેન થયું છે. એ જ બાઈક અને એ જ તારો સાથ !  આજે મારે મન ભરીને બંનેને માણવો છે."


મયુરની વાત સાંભળી વૈશાખી બોલી,


"મયુર, તારી વાત તો સાચી છે. વરસાદમાં ભીંજાવા હું પણ હંમેશ તૈયાર જ હોવ. તને તો ખબર છે વરસાદ જોઈને હું કેટલી પાગલ થાઉં છુ ! એક તો વરસાદ અને બીજો તારો પ્રેમ ! મારી જિંદગીની ખુશીઓ તો તેમાં જ સમાયેલી છે."


"ખબર નહીં કેમ પણ આજે મારું મન થોડું વિચલિત થાય છે. એક કામ કરીએ આજે નહીં ફરી ક્યારેક જઈશું."


વૈશાખીની વાત વચ્ચેથી કાપતા મયુર બોલ્યો,  "વૈશું,  ના... હો.. આજની સાંજ તો તારે નામ."


મિષ્ટી તરફ હાથ ચીંધતા વૈશાખી બોલી, "મીષ્ટીનું શું ?"


વૈશાખીનું મન જાણે આજે વરસાદમાં જવાનું ના કહી રહ્યું હોય તેમ તેણે છેલ્લી કોશિશ કરી.


પણ મયુરે કહ્યું, "આવા વાતાવરણમાં તે બીમાર થઈ જાય. તે મમ્મી પાસે રહેશે. બસ તુ જલ્દી તૈયાર થઈ જા."


આજે વરસાદમાં જવાનું વૈશાખીનું મન ન હતું. પણ મયુરની ઈચ્છાને માન આપી તે જવા તૈયાર થઈ.


આજ સવારથી જ વાતાવરણ બદલાયેલું હતું. વરસાદ ચાલુ થયો હતો તો બંધ થવાનું નામ જ લેતો ન હતો. વૈશાખીએ ફરી આનાકાની કરી પણ મયુર ન માન્યો તે ન જ માન્યો. બંને વરસાદમાં બાઈક લઈને નીકળી પડ્યા.


ધોધમાર વરસાદમાં ભીંજાતી વૈશાખીને જોઈ મયુરનું મન પણ મહેંકવા લાગ્યું. તેવો શહેરથી ઘણા દૂર નીકળી ગયા હતા. વરસાદ અને પવનનું જોર વધવા લાગ્યું. મયુર માટે બાઈક ચલાવવાનું મુશ્કેલ થઈ રહ્યું હતું. તે હજુ બાઈકને સાઈડમાં ઊભી રાખવાનું વિચાર જ કરતો હતો. ત્યાં જ અચાનક સામેથી એક પૂરજોશમાં આવતો ટ્રક તેની બાઈક સાથે અથડાતા બંનેનું એક્સિડન્ટ થયું. વૈશાખીને બચાવવા મયુરે તેને દૂર ફંગોળી.વૈશાખી તો બચી ગઈ પણ તે ખુદને ન બચાવી શક્યો. મયુરને ત્યાં જ બ્રેઈન સ્ટ્રોક થઈ ગયો. આસપાસ મદદ માટે વૈશાખી એ ઘણા વલખાં માર્યા પણ ધોધમાર વરસાદ અને વેરાન જગ્યાને કારણે તેની બધી કોશિશ વ્યર્થ !


વૈશાખી તેને જોઈ હૈયા ફાટ રુદન સાથે ત્યાં જ ફસડાઈ પડી. બહાર વરસતા વરસાદના પાણી કરતા વૈશાખીની આંખોનું પાણી જોઈ ક્યાંક કુદરત પણ ચોધાર આંસુએ રડી હશે !  બધી ઘટનાઓને લીધે વૈશાખી બેહોશ થઈ ત્યાં જ   ઢળી પડી. જ્યારે હોંશ આવ્યો ત્યારે તેના હાથ ખાલી હતા. હતા માત્ર કદી ન ભૂલાય તેવા ભીતરમાં છુપાયેલ ઝખ્મ !


********


વૈશાખીની આંખ સમક્ષ ત્રણ વર્ષ પહેલાંની એક એક ઘટનાઓ ફિલ્મની રીલની માફક ફરી વળી. તે દિવસથી  આજ સુધી વૈશાખી વરસાદની એ ભયાનક સાંજનું દર્દ પોતાની ભીતરમાં સાચવીને બેઠી હતી.


તેની પાસે બસ રહી ગયો હતો આંસુઓનો સૈલાબ ! જે ધોધમાર વરસાદે વૈશાખીને પોતાની જિંદગી આપી હતી તે જ ધોધમાર વરસાદે તેની પાસેથી તેનું સર્વસ્વ છીનવી લીધું.


દર ચોમાસે તેના ઝખ્મો તાજા થતા. તેની ભીતરમાં એક નવું ચોમાસું બેસતું, જે ભૂતકાળના દર્દથી કણસતું રહેતું.


આજે પણ તે મિષ્ટીને પોતાની સોડમાં લઈને આંખોમાં છલકાતા વરસાદ સાથે બહારના વરસાદને જોઈ રહી હતી.

તેના મનમાં નાનકડી મિષ્ટિનો સવાલ ગુંજતો હતો.


' મમ્મી, તને કેમ વરસાદ નથી ગમતો?'


ઝખ્મો તાજા થાય જોઈ આ ચોમાસુ..

નયનો વહે મારા એવા જાણે ભીતર બેઠું ચોમાસુ ..!


સમાપ્ત

Bhumi Joshi "સ્પંદન"

11/6/2021.


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ