વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

માનસી

   

મંદિરમાં બેસીને પ્રભુ સ્મરણ કરતી માનસીને ઓચિંતાનો સાગર યાદ આવી ગયો. ’સાગર’ તે હસીને બોલી, ‘મને તો શ્રી હરીને ભજતાં પણ તું યાદ આવે છે! કેવી ગાંડી છું જો! અને તું? તને તો હું ક્યારેય યાદ નહીં આવતી હોઉં.’ તરત જ તેના મનના ખૂણામાં બેઠેલો સાગર બોલ્યો, ‘કેમ એમ બોલે છે? હું તો તને ચોવીસ કલાક યાદ કરતો રહું છું, સુતા, ઉઠતા, સ્કુટર ચલાવતા, કામ કરતા, દરિયે દોડતા તારું સ્મરણ કાયમ જ મારા મનમાં રહે છે. માનસી, આ વાત મેં તને કેટલીવાર કહી છે.’

‘હા, કહી તો ઘણીવાર છે. પણ મને કેમ ખાત્રી થાય? શું કરતો હશે તે અત્યારે?’ તેણે વિચાર્યું, ‘આપણને દિવ્ય ચક્ષુ મળે તો કેટલી મજા આવે. આખો દિવસ હું અહીં  બેઠીબેઠી મારા પ્રેમને જોયા કરું.

બસ એજ સમયે એક પ્રકાશ પુંજ પેદા થયો અને માનસીની આંખમાંથી તેની અંદર દાખલ થયો. એક ગેબી અવાજ માનસીને કહી રહ્યો હતો, ‘દિકરી તારી ભક્તિથી હું પ્રસન્ન છું. તને દિવ્ય ચક્ષુ જોઇને છે ને? તથાસ્તુ. આજથી તું ગમે ત્યારે ગમે તેટલે દુર તારે જેને જોવું હશે, જોઈ શકીશ.’ 

માનસીને લાગ્યું તેને ભ્રમ થઈ રહ્યો છે કાંતો તેને સપનું આવ્યું હશે. પણ ના, આ સપનું નહોતું અને નહોતો ભ્રમ. તેણે સાગરને તેના રૂમની પથારીમાં સૂતેલો જોયો. તે આભી બની ગઈ. આબેહુબ એજ રૂમ. એજ પથારી અને રાચરચીલુ. આળસ મરડી સાગર પથારીમાં બેઠો થયો અને  રૂમની બહાર આવ્યો. માનસીને તો મજા પડી ગઈ. ‘આજે મારે છુટ્ટી, આજે હું કંઈજ કામ નહીં કરું, આજે આખો દિવસ મારા દિવ્ય ચક્ષુઓથી હું સાગરને જોયા કરીશ.’      

તે મંદિરમાંથી બહાર આવી સોફા પર બેઠી. તેણે ફરીથી પ્રયત્ન કર્યો. તેના શરીરમાંથી એક ધ્રુજારી પસાર થઈ ગઈ. તેના ગાલ પર લાલીમાં છવાઈ ગઈ. તેનો મિત્ર નાહી રહ્યો હતો. તેના ભીના માંસલ શરીરને તે જોઈ રહી. તેયાર થઈ નાસ્તો કરી રોજના ક્રમ મુજબ દવાખાને ગયો. ત્યાં જતાંની સાથે જ તેને દર્દીઓએ ઘેરી લીધો. માનસીએ આખી સવાર સાગરને જોયા કર્યો. દવાખાનામાં દર્દીઓની વાતો કરતો, તેની સારવાર કરતો, બાળકોને તેડીને રમાડતો, કોઈક વૃદ્ધાની પીઠ થાબડી તેને સાંત્વના આપતો. પણ ક્યારેય તે માનસીને યાદ કરતો હોય તેવું તેને ન લાગ્યું. એ તો સતત પોતાની ધૂનમાં એકસરખું કામ કર્યા કરતો હતો. ખુબ ધ્યાનથી જોયું તો તેને લાગ્યું કે કયારેક કયારેક સાગર કોઈક ગીત ગણગણ્યા કરે છે અને જયારે તેમ કરે છે ત્યારે તેના હોઠ પર આછું સ્મીત આવી જાય છે. પણ તે શું ગણગણે છે તે માનસી સાંભળી ન હોતી શકતી.

બપોરે જમીને આરામ કરી ફરીથી સાગર દવાખાને ગયો. અને સવારની જેમજ તેણે સતત કામ કર્યા કર્યું. માનસીના મનમાં ઉદાસી છવાવા લાગી. તેને કંટાળો આવવા લાગ્યો. પોતાના પ્રિયતમ મિત્રને તે સતત જોયા કરે છે અને તે  મિત્રને તો માનસીની જરા પણ પડી નથી. તે ઊંચું પણ જોયા વગર પોતાનું કામ કર્યા કરે છે. ‘હશે હમણાં તો કામમાં છે પણ દરિયે દોડવા જશે ત્યારે જરૂર મને યાદ કરશે.’ તેણે વિચાર્યું. ખુબજ પ્રફુલિત ચહેરે દરિયાની ભીની રેતીમાં દોડતો સાગરને તેણે જોયો. દરિયાના ઘેઘૂર અવાજ વચ્ચે તારાઓના પ્રકાશમાં પણ તેને લાગ્યું કે સાગર કંઇક ગણગણી રહ્યો છે અને તેના હોઠ પર અત્યંત જાણીતું સ્મીત છે. પણ ત્યાં પણ માનસી દેખાઈ નહી

છેલ્લે રાત્રે પોતાના પુસ્તકો વાંચી પથારીમાં પડી ઘસઘસાટ સુઈ જતા સાગરને જોઈ માનસી રડી પડી. તેણે ઉંડો નિસાસો નાખી કહ્યું, ‘હે પ્રભુ! શાને કાજે મને આટલી દુ:ખી કરી? શાને કાજે મને દિવ્ય ચક્ષુ આપ્યા? શું  કરવા મારી ભ્રાંતિ તોડી નાખી? આના કરતા તો હું કશું નહોતી જોઈ શકતી તે સ્થિતિ સારી હતી’.

તેણે ફરીથી ઉંડો નીસાસો નાંખ્યો. અને સજળ નેત્રે પથારીમાં પડી. 

ઓચિંતાનો તેને ભાષ થયો કે કોઈક તેની રૂમમાં દાખલ થયું છે. કોઈક આવીને તેની પથારીમાં બેઠું છે. તેને સ્પર્શ કરે છે. તેના વાળમાં હાથ ફેરવે છે. તે ચીસ પાડે તે પહેલા તેની આંખો ખુલી ગઈ. તેણે સાગરને પથારીમાં તેની બાજુમાં બેઠેલો જોયો. ખુબ જ પ્રેમથી તેના વાળમાં હાથ ફેરવતા સાગરને જોઇને એકદમ ગુસ્સામાં માનસી બોલી, ‘જાઓ  હું તમારાથી નથી બોલતી, તમને મારી જરા પણ પડી નથી. આખા દિવસમાં તમને મારો વિચાર સુદ્ધા આવતો નથી. મને સદૈવ  યાદ કર્યા કરવાનો તમારો દાવો કેટલો પોકળ છે તેની મને આજે ખબર પડી ગઈ.’ પછી ધ્રુસકે ધ્રુસકે  રડી પડી. અત્યંત ઋજુતાથી સાગરે તેને કહ્યું. ‘ગાંડી, કેવી વાત કરે છે? મેં તો  તને આખો દિવસ યાદ કરી છે.’

‘સવારના પહોરમાં તને ખુબ જ ગમતું ગીત સાંભળ્યુ ત્યારથી હું તને યાદ કર્યા કરતો હતો. દવાખાનામાં કામ કરતી વખતે તે ગીત ગણગણતા તને યાદ કરતો હતો. પેલો લકવાથી લૂલો થઈ ગયેલો છોકરો આજે દોડીને દવાખાનામાં આવ્યો અને મને બાઝી પડ્યો, ત્યારે મેં તને યાદ કરેલી કે તું અત્યારે અહી હોત તો આ જોઇને કેટલી ખુશ થાત!’

‘દવાખાનાની બહારથી પસાર થતી રીક્ષામાં વાગતું, ‘પહેલી મુલાકાત મેં બાત ઐસી હો ગઈ રાજા ભી ખો ગયા-’ ગીત સાંભળીને એક ક્ષણ માટે હું વર્ષો પહેલાની આપણી પહેલી મુલાકાતને યાદ કરતો હતો. બસ તેજ દિવસથી હું તારા પ્રત્યે આટલો બધો આકર્ષાયો હતો. આટલા વરસો વીતી ગયા છતા તે ક્ષણ અને  તું મને હજી એટલી જ વહાલી છો, જેટલી તે દિવસે હતી. દરિયા પર પણ તું મારી સાથે હતી. આપણે  બંને પેલું ગીત ગાતા હતા અને હું તને આકાશમાં ઝગમગતા તારલાઓ બતાવતો હતો. દરિયાની રેતીમાં દોડતા કરચલાઓ જોઈને તું કેવી ડરી ગઈ હતી! અને છેલ્લે પથારીમાં પડ્યા પછી રોજના ક્રમ મુજબ હું તારી પથારી પાસે આવી તને વ્હાલ કરતો હોઉં છું, તારા વાળમાં હાથ ફેરવતો હોઉં છું તેમ આજે પણ આવ્યો છું. પણ મને કહેતો ખરી કે તારા મનમાં આ વાત આવી કઈ રીતે?" આટલું કહેતા તેણે માનસીને પોતાની છાતી પર ખેંચી. માનસીએ પોતાને મળેલા દિવ્ય ચક્ષુ ની વાત કહી પૂછ્યું,  ’તો શું મારા દિવ્ય ચક્ષુ ખોટા?, તેમણે જે જોયું તે ખોટું?’

સાગરે કહ્યું,’ના,તારા દિવ્ય ચક્ષુ ખોટા નથી પણ તેમને ગોઠવ્યા તે ઠેકાણું ખોટું હતું. તારો કેમેરા તારે મારા ઘરમાં કે દવાખાનામાં નહિ, મારા હદયમાં ગોઠવવો જોઈતો હતો. મારા ઘરમાં કે દવાખાનામાં તને માનસી નહિ દેખાય પણ જો તેણે મારા હદયમાં ડોકિયું કર્યું હોત તો ત્યાં માત્ર માનસી જ દેખાત. માત્ર માનસી બીજું કશું નહિ. ત્યાં માત્ર માનસીનું અસ્તીત્વ છે. ત્યાં દરિયો નથી, આકાશ નથી, તારા નથી અને બીજું તો જવા દે ત્યાં સાગરનું પણ કોઈ અસ્તીત્વ નથી. ત્યાં ફક્ત માનસી છે, ફક્ત માનસી.

હંમેશની ટેવ મુજબ ચંદ્રએ બારીમાંથી ડોકિયું કર્યું. જોયું તો માનસીના આંસુ સુકાઈ ગયા હતા અને તેનો હોઠ પર પરમ સતોષનું સ્મીત લહેરાતું હતું.

‘આજે ફરીથી માનસીએ પેલાને યાદ કર્યો લાગે છે!’ ચંદ્ર બબડ્યો, અને ઉચા આકાશે ચઢી ગયો.   

   

 

   ડો. પુલીન વસા 

   માંડવી કચ્છ

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ