વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

એક મુઠ્ઠી પ્રેમ અને હૂંફની

             “કાવ્યા….કાવ્યાઆઆ મારો શર્ટ પ્રેસ નથી કર્યો ? મેં તને કાલે જ કહ્યું હતું કે મારો વ્હાઈટ શર્ટ પ્રેસ કરી રાખજે મારે આજની મીટીંગમાં એ પહેરવાનો હતો” અખિલ અકળાતા બોલ્યો.

             “કુલડાઉન મિ. હસબન્ડ વ્હાઈટ નહીં તો બીજો શર્ટ પહેરી લે ઓકે ચલ બાય આઈ એમ ગેટીંગ લેટ” કહેતા કાવ્યા અખિલનાં વાળમાં હાથ ફેરવતી નીકળી ગઈ.

            કાવ્યા પર અકળાયેલો અખિલ વોર્ડરોબ ખોલતાં બોલ્યો, “ જોઈ લે બેટા લવમેરેજની મજા  કર હજુ લવમેરેજ શું બેદરકાર છોકરી મળી છે કોઈ રિસ્પોન્સીબિલિટી જેવી ચીજ જ નથી ને” કહેતા વોર્ડરોબમાંથી પિન્ક શર્ટ કાઢી પહેર્યો.

            કાવ્યા અને અખિલ કોલેજમાં સાથે અભ્યાસ કરતા હતા એક મિત્રવર્તુળમાં હોવાના કારણે પહેલા મિત્ર અને બાદમાં એકમેકનાં પ્રેમી બની ગયા હતા.

            કાવ્યા પહેલાથી જ અલ્લડ અને બિન્દાસ પ્રકૃતિની છોકરી હતી, અને તેનો આ સ્વભાવ અખિલને આકર્ષી ગયો હતો.

            એમ.બી.એ. પૂર્ણ કર્યા બાદ કાવ્યાને તરત જ જોબ મળી ગઈ,દેખાવે તે જેટલી સ્માર્ટ ચપળ અને આકર્ષક હતી તેટલી જ અભ્યાસમાં પણ તે તેજસ્વી હતી .

            અખિલ તેનાથી બિલકુલ વિરૂદ્ધ પ્રકૃતિનો હતો ,ઓછું પણ ધારદાર બોલવું એ તેની સ્વભાવગત લાક્ષણિકતા હતી.તેની ૫’૬ હાઈટ, ક્લોથીંગ સેન્સ અને આકર્ષક દેખાવથી કાવ્યા તેના પર ફિદા હતી.

            અખિલને જોબ મળ્યા બાદ કાવ્યાએ સામેથી અખિલને પ્રપોઝ કર્યું હતું બધા મિત્રોની વચ્ચે અચાનક કાવ્યા એ ધડાકો કર્યો , “લેટ્સ મેરી અખિલ” અખિલ તો બાઘાની જેમ તેને જોઈ જ રહ્યો.

           લગ્ન બાદ અખિલના મમ્મી સાથે રહેવાની તેને ચોખ્ખી ના પાડતા તે બોલી હતી, “લુક અખિલ મને મારૂં ફ્રીડમ ખૂબ વહાલું છે હું જોબ પરથી આવું ને તારી મમ્મી મને કંઈ બોલે કે કંઈ કામ કહે એ મને નહીં ગમે તું એને જરૂર હોય એ રીતે સર્વન્ટ ,બાઈ કે કેરટેકર રાખી દે પણ હું  સાથે રહી આદર્શ વહુનો ડ્રામા નહીં કરી શકું.” કાવ્યાનાં આવા શબ્દોથી અખિલ અને તેની મમ્મી યશોદાબહેનને ખૂબ આઘાત લાગ્યો હતો.અખિલે તેને ઘણું સમજાવ્યા બાદ એ સાથે રહેવા માની હતી.

            ધીમે ધીમે અખિલને કાવ્યાના બેજવાબદાર વર્તનનો અનુભવ થવા લાગ્યો.તેની મમ્મી ઘણીવાર કહેતી કે તે માં બનશે પછી તેની જવાબદારીનું ભાન આવશે પણ કાવ્યા બાળકની જવાબદારી  માટે તૈયાર ન હતી.

           પણ કુદરતને અલગ જ મંજૂર હશે એમ કાવ્યાનાં સ્વભાવમાં પરિવર્તન આવ્યું કેવી રીતે ! તો ચલો જાણીએ .

            વાત એમ બની કે આપણા કાવ્યાબેન કોરોનાનાં સકંજામાં સપડાયા.આ સમયે તેના સાસુ અને અખિલે તેની ખૂબ કાળજી રાખી. ક્વોરન્ટાઈનનાં ચૌદ દિવસ કાવ્યા માટે કોરોના કરતાં વિશેષ પોતે કરેલા વર્તન માટે મનોમંથનનાં રહ્યા.ચૌદ દિવસ બાદ જે કાવ્યા ક્વોરન્ટાઈનમાંથી બહાર આવી તે અલગ જ હતી.

            અખિલ અને તેના મમ્મી માટે કાવ્યાનું આ પરિવર્તન અપચ્ય જરૂર હતું પણ અગમ્ય નહીં .

            “અખિલ લેટ્સ બી  પેરેન્ટસ” કાવ્યાએ ધડાકો કર્યો. અખિલ ચમક્યો  બાઘાની જેમ કાવ્યા સામે જોઈ રહ્યો.

            “એય બાઘા તને કહું છું તારે પપ્પા ન બનવું હોય તો કંઈ નહીં પણ મને મમ્મી બનવું છે” એમ કહેતી તે ફોન લઈને ડ્રોઈંગરૂમમાં જતી રહી.

            “મમ્મી તમને દાદી બનવાની ઈચ્છા નથી?” કાવ્યાના આ સવાલથી મમ્મી પણ થોડી થોથવાઈ ગઈ.તેણે મમ્મીનો હાથ પકડી પોતાની બાજુમાં બેસાડી અને ફોનમાં કંઈ બતાવ્યું .

            “પણ બેટા આ તો કોઈ બાળકને દત્તક આપવાની જાહેરાત છે”. “હા મમ્મી આ કોરોનાએ કેટલાય ઘરોનાં દિપક બુજાવી દીધા છે તો કેટલાક બાળકોનીં માથેથી માતાપિતાની છત્રછાયા પણ છીનવી છે .મમ્મી શું આપણે આ બાળકને પોતાનું ન બનાવી શકીએ? એક મુઠ્ઠી પ્રેમ અને હૂંફની શું આપણે ન આપી શકીએ ?” કાવ્યાનાં આ પ્રસ્તાવે અમારી બોલતી જ બંધ કરી દીધી.

           “પણ કાવ્યા આ કોનું બાળક છે કયા કુળનું છે એ પણ ..” અખિલનાં વાક્યને અડધેથી કાપતાં મમ્મી બોલી , “જેનું પણ હતું હવે આપણું થશે બેટા હું તારી સાથે છું”. કહી મમ્મીએ કાવ્યાને સપોર્ટ કર્યો .

           અંતે લગ્નનાં ચાર વર્ષે અમારા ઘરમાં પગલીનો પાડનાર આઈમીન પાડનારી લક્ષ્મીજીની પધરામણી થઈ.”અખિલ મનોમન બોલ્યો.

           આ કોરોના એ દુનિયામાં જેટલી મહામારી ફેલાવી હોય પણ એકબીજા માટે સંવેદના, લાગણી, મદદની ભાવના પણ ફેલાવી જ હશે એ કાવ્યાને જોઈ હું ચોક્કસપણે કહી શકું.એમ વિચારતો અખિલ પોતાની ઢીંગલીને રમાડતો “ દિકરી મારી લાડકવાયી દેવની દીધેલ છે” ગણગણતો ઘરમાં પ્રવેશ્યો.

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ