વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ચમત્કારી ફૂલ


"આપનો આજનો દિવસ ખૂબ સારો જવાનો છે, લો આ ફૂલ લઈ લો." 

બસ સ્ટોપના બાકડા પર બે હાથ વચ્ચે માથુ પકડીને બેઠેલા નિકુંજના ચહેરા આગળ કોઈએ એક લાલ ગુલાબ ધર્યું. તેની આછી સુગંધ તેના નાકમાં પ્રવેશી પણ તેનું મન એ સુગંધ માણી શકે એ પરિસ્થિતિમાં નહોતું. તેના ફોર્મલ કપડાં ઈસ્ત્રી ટાઈટ હતાં, પરંતુ ચહેરા પર ચિંતાની કરચલીઓ સાફ દેખાઈ આવતી.  તેણે ન તો ઊંચું જોયું કે ન કોઈ જવાબ આપ્યો.


"અરે લઈ લો.. હું વેચતો નથી તમને આપી રહ્યો છું."


"અરે ભાઈ, નથી જોઈતું. શું સવાર સવારમાં માથું ખાઓ છો! આમ પણ ઈશ્વરની મહેરબાનીથી મગજમારીનો પાર નથી."  ચીડાયેલા નિકુંજે તેના ચહેરા પર નજર કર્યા વગર જ દાંત કચકચાવતા કહ્યું.


"અરે... કહું છું લઈ લો, આ કોઈ જેવું તેવું ફૂલ નથી. આ તો છે ને.. ચમત્કારી ફૂલ છે.. ચમત્કારી! બોલનારનો અવાજ  અદકેરા આનંદ અને ઉત્સાહથી છલકાતો હતો.


"ચમત્કારી ફૂલ!!" ચમત્કાર શબ્દ સાંભળતા જ નિકુંજના આંખકાન ચમક્યા. તેણે એ ભિખારીના ચહેરા પર નજર માંડી. લઘરવઘર મેલા કપડાં, કપડાનો કલર ગમે તે હશે પણ અત્યારે એકદમ કાળો થઈ ગયો હતો.  ધોયા વગરના વળ ચડી ગયેલા દોરડા જેવા વાળ, પાકી ગયેલી પીળી મકાઈના સડી ગયેલા દાણા જેવા દાંત, મેલના થર જામી ગયેલા હાથપગ, નજીકથી બોલે તો કદાચ તેના મોંની દુર્ગંધ પણ સહન ન થાય એ હદ્દે ખરાબ મોં હતું. એને જોઈને કોઈના પણ ચહેરા પર સુગના હાવભાવ ઉપસી આવે. નિકુંજને પણ એવું જ થયું. નિકુંજનું મોં બગડ્યું હોવા છતાં તે ભિખારીના મોઢા પર નિર્મળ સ્મિત અકબંધ હતું. તેના દેખાવમાં કંઈ આકર્ષક હોય તો એનું સ્મિત અને હાથમાં રહેલા લાલ ગુલાબના ફૂલો. ચહેરા પર એ જ પ્રેમાળ સ્મિત અને ઉત્સાહભર્યાં અવાજ સાથે નિકુંજને એણે ફરી કહ્યું,

"લઈ લો. મારે પૈસા પણ નથી જોઈતા. હું સાચું કહું છું આજનો તમારો દિવસ ખૂબ સારો જશે." એટલું કહીને એ ભિખારીએ ફૂલ નિકુંજના હાથમા પકડાવી દીધું અને ચાલતો થઈ ગયો.


" ઓય.. અરે ઉભો રહે ! " નિકુંજ તેને સાદ પાડતો રહ્યો પણ એ ભિખારીએ પાછું વળીને જોયું જ નહિ. નિકુંજ વધું કંઈ વિચારે કે કરે એ પહેલા જ તેની બસ આવી ગઈ. એ ફૂલ સાથે જ બસમાં ચડી ગયો. સદ્નસીબે છેલ્લી સીટ ખાલી હતી તે ત્યાં જઈ બારી પાસે ગોઠવાઈ ગયો. ફૂલને બારીમાંથી બહાર ફેંકી દેવાની ઈચ્છા થઈ પણ ભિખારીના શબ્દો મગજમા ઘૂમરાવા લાગ્યા,

"ચમત્કારી ફૂલ!, તમારો આજનો દિવસ બહુ સારો જશે."


      તેણે ધારી ધારીને ફૂલ સામે જોયું. એ જોતાં જ મેલઘેલા ભિખારીનો ચહેરો નજર સામે સ્થિર થયો. તેનું નિસ્વાર્થ પ્રેમ ભર્યુ સ્મિત યાદ આવ્યું. ઘણા સમય પછી તેની સામે કોઈએ કારણ વગર આવું સ્મિત કર્યુ હશે! અજાણતા જ નિકુંજથી મલકાઈ જવાયું. અંદરથી કોઈ અલગ અનુભૂતિ થઈ. તેની અંદરની હતાશા જાણે ઓછી થઈ હોય એવું તેણે અનુભવ્યુ. બસમાં પણ અકળામણ ઓછી લાગી. એકબાજુ બારીમાંથી પવનની લહેરખીઓ આવી રહી હતી. તો બીજી બાજુ નિકુંજના મનમાં વિચારોની લહેરખીઓ હિલોળા લઈ રહી હતી. મનોમન તે જાત સાથે સંવાદ કરવા લાગ્યો,

"શું ખરેખર આ કોઈ ચમત્કારી ફૂલ છે?


"કેમ ન હોઈ શકે! આવા ચમત્કારિક લોકો આમ જ, આવા સ્વરૂપે જ તો મળી જતાં હોય છે."


"શું નિકુંજ...તું પણ આવી વાતોમાં વિશ્વાસ કરે છે!"


"અરે પણ કોઈ એમ જ કારણ વગર કોઈને ફૂલ શા માટે આપે?"


વિચારોમાં ને વિચારોમાં તેનું સ્ટોપ આવી ગયું. ફૂલને પોતાની બેગમાં સાચવીને મૂકી, તે ઊતરી ગયો.




     અઠવાડિયા પછી એક સવારે એ જ બસ સ્ટેન્ડ પર તે ફરી પહોંચી ગયો. એ ભિખારીને શોધતી તેની નજર ચારે તરફ ફરી વળી. એને એ ક્યાંય નજર આવ્યો નહિ. તેણે ત્યાંની આજુબાજુની દુકાને જઈ પૂછ્યું, પણ કોઈને કશી ખબર ન હતી કે તે ક્યાં છે. ત્યાં જ તેની નજર રોડની પેલે પાર એક નાનકડા ફ્લાવર શોપ પર ગઈ. તે ફટાફટ ત્યાં પહોંચ્યો.

"અઠવાડિયા પહેલા એક ભિખારી અહીં આસપાસ જ હતો.  તેના હાથમાં લાલ ગુલાબ હતાં. શું તમે એને ક્યાંય જોયો છે?  એટલે કે તે કાયમ અહીં જ હોય છે?" ભિખારી વિશે જાણવા આતુર નિકુંજે ફૂલવાળાને એકીશ્વાસે બધુ પૂછી નાખ્યું.


નિકુંજને નખશિખ નિહાળીતા તે દુકાનદારે પૂછયું, "ભિખારી..! કેમ તમારે કોઈ ભિખારીનું શું કામ છે? કોઈ દાન દક્ષિણા આપવી છે?"


"અરે તમને ખબર હોય તો સીધી રીતે કહો નહિતર હું બીજા કોઈને પૂછું. તમને એટલા માટે પૂછયું કે તેની પાસે તે દિવસે આવા જ ફૂલો હતાં." લાલ ગુલાબ તરફ઼ આંગળી ચીંધતા તેણે કહ્યું.


"બે દિવસ પહેલાં જ એનું એક્સિડન્ટ થયું અને એમાં જ એ મૃત્યુ પામ્યો..!" તેના છેલ્લા શબ્દ સાથે એક નિસાસો પણ હવામાં ફંગોળાયો. "


"શું!? મૃત્યુ!"


"હા... પણ તમને કેમ આટલો આંચકો કેમ લાગ્યો? મને ખરેખર નથી સમજાતું કે તમારા જેવા સજ્જનને એક ધૂની એવા ભિખારીનું શું કામ પડે !" ફુલવાળો શંકાશીલ દ્વષ્ટિએ નિકુંજને નિહાળવા લાગ્યો.


"કદાચ તમે એને સરખો ઓળખતા નહોતા. એટલે એના વિશે એવું બોલો છો?"


"ઓળખતો નહોતો એટલે! અમારાથી વધુ એને કોણ ઓળખે ભાઈ? એના મૃતદેહ પર છેલ્લા ફૂલ મેં જ મૂકયા હતા." લાલ ફૂલો તરફ઼ ઈશારો કરતાં કહ્યુ, "આ જ...એના મનગમતા લાલ ગુલાબના ફૂલ.!"


"તો તો તમને ખબર જ હશે કે એ કોઈ સાધારણ ભિખારી નહોતો એ એક ચમત્કારી વ્યક્તિ હતો."


"શું સાહેબ સવાર સવારમાં બીજુ કોઈ મળ્યું નથી કે શું! છેલ્લા ત્રણેક વર્ષથી એ લગભગ અહીં જ આસપાસ રહેતો. જરૂર પડ્યે અમે એની મદદ પણ કરતાં. આજુબાજુના ખાણી પીણીના સ્ટોલવાળા તેને જમવાનું પણ આપી જતાં. અમે તો ક્યારેય કોઈ ચમત્કાર ન જોયો. હા...એક ચમત્કાર જોયો હતો કે એ પોતાની ભીખના તમામ પૈસાથી મારી પાસેથી ફૂલ લઈ જતો. ક્યારેય મફતમાં નહોતો ખરીદતો."


"તો પછી મારી સાથે કેમ ચમત્કાર થયો..?


"ચમત્કાર..! કેવો ચમત્કાર?


       કહેવું ન કહેવુંની અવઢવ અનુભવતા નિકુંજે આખરે વાત શરૂ કરી,

"અઠવાડિયા પહેલાં હું સામે જ બસ સ્ટોપ પર બેઠો હતો. કોરોનાની બીજી વેવ વખતે સારી સારી કંપનીઓની કમર તૂટી ગઈ. એમાં એક કંપની એ પણ હતી જ્યાં હું નોકરી કરતો હતો. કર્મચારી વધી પડ્યા એટલે અનેક કર્મચારીની સાથે મારી નોકરી પણ કોરોનાના ખપ્પરમાં હોમાઈ ગઈ. જેમ તેમ કરીને બચતમાંથી ચાર છેડા ભેગા કરતાં હતાં, પણ દુકાળમાં અધિક માસની જેમ મારા મમ્મીને કોરોના થયો. મમ્મી તો બચી ગઈ પણ સઘળી બચત લૂંટાઈ ગઈ. કોરોનાની વેવની અસર ઓછી થતાં જ હું રોજ ઈન્ટરવ્યૂ આપવા નીકળી જતો. પણ ક્યાંયથી નોકરી માટે હા નહોતી આવતી. લાગતું હતું કે હવે મારાથી આ ભાર વધુ નહિ ખેંચાય. ઘર પરિવારની જવાબદારી...હું ખરેખર માનસિક રીતે એકદમ તૂટી ગયો હતો. તે દિવસે પણ નિરાશ થઈ ત્યાં બેઠો હતો. એ સમયે જ એ ભિખારી મારી પાસે આવ્યો અને ફૂલ આપીને કહ્યું,

" ' આ ચમત્કારી ફૂલ લઈ લો, આજનો તમારો દિવસ સરસ જશે.' અને ખરેખર તે દિવસે ફૂલ હાથમાં આવતાં જ મારો ગુમાવેલો આત્મવિશ્વાસ જાણે ફરી આવી ગયો અને તે જ દિવસે મને સેલ્સમેનની નોકરી પણ મળી ગઈ. મારી ઈચ્છા હોવા છતાં ગયા અઠવાડિયે હું અહીં આવી ન શક્યો, કારણ કે મને બીજો એરિયા આપેલો."


"ઓહ, એમ વાત છે!" એટલું બોલતાં ફુલવાળો કંઈક મલકાયો.


ફૂલવાળાના આવા ઠંડા પ્રતિસાદની ધારણા નિકુંજને જરા પણ નહોતી. એને લાગલું જ કહી દીધું. "હા પણ.. તમને જોઈને લાગે છે કે મારી વાત સાંભળીને તમને કોઈ આશ્ચર્ય નથી થયું."


ફૂળવાળાએ કંટાળીને જવાબ આપ્યો, "જુઓ ભાઈ,  હવે એ ભિખારી આ દુનિયામાં નથી એટલે જણાવી દઉં કે એ રોજ અહીં આવતા જતા ઘણા લોકોને આ ફૂલ આપતો. રોજ બધાને કહેતો કે 'તમારો દિવસ સારો જશે.' "


"શું..!એટલે.. એ...અને હું સમજતો રહ્યો કે..! તો...તો પછી.. કોણ દુઃખી છે એ એને કેમ ખબર પડતી? શા માટે એણે મને જ આવીને કહ્યું કે તમારો આજનો દિવસ સારો જશે. એને કેમ ખબર પડી કે હું દુઃખી છું?"


ફૂળવાલાએ ફૂલોને બુકેમાં ગોઠવતા ગોઠવતા નિકુંજ સામે ક્ષણવાર જોયું અને બેદરકારીભર્યુ સ્મિત કર્યુ અને પાછો ફૂલો ગોઠવવા લાગ્યો.


"અરે હું તમને કંઈક પૂછી રહ્યો છું અને તમે ખાલી મલકાયા કરો છો!" તેના આવા વર્તનથી નિકુંજને વધુ અકળામણ થઈ રહી હતી.


"હસવા જેવી જ તો વાત છે ને સાહેબ!"


"કેમ, એમાં શું હસવા જેવું છે?" નિકુંજની અકળામણમાં ગુસ્સો પણ ભળવા લાગ્યો.


      ફુલવાળાએ ફૂલો ગોઠવવાનું બંધ કર્યુ અને નિકુંજ સામે જોયું. પછી સ્ટેન્ડ પર ઊભેલા લોકો, આજુબાજુની દુકાનોમાં ઊભેલા અને આવતા જતાં તમામ લોકો પર નજર ફેરવીને કહ્યું,

"જુઓ આ અગણિત, અજાણ્યા, સતત ભાગતા ચહેરાઓ. આના પર એક નજર કરો. આને જોયા પછી પણ ખરેખર તમને લાગે છે કે આજના સમયમાં દુઃખી માણસને શોધવા જવાની જરૂર છે.?"

       360° કેમેરો ઘૂમે એમ નિકુંજની નજર ચોતરફ ફરી વળી. જેમ જેમ તેની નજર ફરતી ગઈ તેમ તેમ તે દુઃખી થતો ગયો. આખરે કંઈ જ બોલ્યા વગર તે ચૂપચાપ ત્યાંથી નિકળી ગયો.

       બીજા દિવસે સવારે પેલા ભિખારીની જ્ગ્યાએ નિકુંજ ચમત્કારી ફુલોનું મોટું બંચ લઈ ઉભો હતો. આવતાં જતાં લોકોને એ સ્મિત સાથે લાલ ગુલાબ આપી રહ્યો હતો.  એ મેલાઘેલા ભિખારીના પ્રેમની સુવાસ ફૂલ રૂપે ધીમે ધીમે લોકોના હૃદયમાં પ્રસરી રહી હતી.



                           અસ્તુ


                                      - Hetal Sadadiya



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ