વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

હું સમજી શકું છું...

હું સમજી શકું છું… 

તારી હાલત હું સમજી શકું છું… તારી પીડા હું સમજી શકું છું… કેટલાં ખોખલા શબ્દો છે! કાશ, ખરેખર કોઇક કોઇની પીડા સમજી શકતું હોત! એ તો જેને વીતે એને જ ખબર પડે. છેલ્લા દસ દિવસમાં આ ખોખલા શબ્દો સાંભળી સાંભળીને કાન પાકી ગયા છે. ક્યારેક તો બંને હાથ કાન પર દાબી ચીસ પાડીને સામું પૂછવાનું મન થાય છે કે દિકરી મારી મૃત્યુ પામી છે… દિકરો મારો ખોવાયો છે… તમારા સંતાનો તો તમારી સાથે જ છે, પછી એ પીડા, એ તકલીફ તમે ક્યાંથી સમજી શકો? 

મનમાં ઉઠેલા વંટોળે નાનકડાં આંસુનું સ્વરૂપ લઈ આંખમાં સ્થિરતા કરી. થોડાકનો ડૂમો બાઝ્યો અને બાકીનો પહાડ બની છાતી પર બેસી ગયો. ફરી ફોનની રીંગ વાગી. હવે તો ફોનની રીંગ સાંભળીને પણ એક લખલખું આખા શરીરમાંથી પસાર થઈ જાય છે. એ ખોખલા શબ્દો બોલનાર એ અનુભવી શકે? ખરેખર? અનુભવ્યા વિના સમજાય કેવી રીતે? 

સમી સાંજનો સમય, વરસતો વરસાદ અને વિજળીનાં કડાકા ભડાકા, વાદળા પાછળ છુપાયેલો સૂરજ ક્યારે આથમી ગયો એય ખબર ન પડી. કદાચ, એનામાં પણ હવે હિંમત નહોતી રહી મારા પડખે રહેવાની! ફાટેલા રેઇનકોટને કારણે શરીર અડધું પલળી ગયું હતું, પણ આ ધ્રુજારી એની નહોતી. આજે ફરી એક ચહેરો જોવાનો હતો, ઓળખવાનો હતો, આશા અને નિરાશા વચ્ચે સતત ઝૂલવાનું હતું, પણ… 

મેઈનગેટ પાસે રીક્ષા છોડી દીધી. મુખ્ય મકાન સુધીના વીસ પગલાં- દરેક ડગલે પગ વધુ ને વધુ ભારે થતા જતા હતા. આજથી બરાબર દસ દિવસ પહેલાં આવી જ રીતે કોલેજથી ફોન આવ્યો હતો. એક્સિડન્ટ… એક કારમો અકસ્માત, હિમાચલ પ્રદેશનાં પ્રવાસે ગયેલી બસ ખાઈમાં પડી ગઈ હતી. એક બસ, પાંત્રીસ પ્રવાસી, વરસાદી રાત, લપસણો પહાડી રસ્તો અને… ધડામ્! કેટલીય ચીસો હવામાં ગુંજી ઉઠી. કેટલીક કાયમ માટે વિરમી ગઈ! સમયસર મદદ મળી એટલે વધુ જાનહાનિ ન થઈ. પણ, મારી દિકરી….! 

અને ચાર વિદ્યાર્થીઓ ગાયબ હતા. દસ દસ દિવસથી એમની શોધખોળ ચાલે છે. એકાંતરે દિવસે પોલીસ સ્ટેશનથી ફોન આવતો રહે છે… ખીણમાંથી અડધી ખવાયેલી, અડધી કપાયેલી, અડધી બળેલી લાશ મળતી રહે છે અને ઓળખ કરવા…. 

દુનિયા લુંટાઇ ગઈ. શરીરમાંથી જાણે ચેતન ઓસરી ગયું. રહી ગયું તો બસ એક ખાલી ખોખું, જેને લાગણીહીન બની જવું પડે છે, એ જોવા, કે ક્યાંક એ ક્ષત વિક્ષત શરીર મારા દિકરાનું તો…! 

એ બસમાં રહેલા બધા વિદ્યાર્થીઓનાં માતાપિતા વારાફરતી મારી પાસે આવી ગયાં, એ ખોખલા શબ્દો ઉચ્ચારી ગયાં, પણ મારી પીડા એ શું જાણે? એમનાં બધાનાં બાળકો તો સહીસલામત એમની નજર સામે જ છે. 

ધ્રુજતાં પગલે મુખ્ય મકાન સુધી પહોંચતાં જાણે આખો ભવ નીકળી ગયો. હવે તો એ મુર્દાઘરનો ચોકીદાર પણ મને ઓળખી ગયો છે. તરત જ મને ટેકો કરી એ ખાના સુધી પહોંચવામાં મદદ કરી જેની અંદર કદાચ…! ફરી મારા હાથપગ ઠંડા પડી ગયા. મગજમાં ખાલી ચડી ગઈ. આંખે ઝાંખપ આવી ગઈ,પણ મેં આંસુ લુંછવાની દરકાર ન કરી. હવે તો આ આંસુએ પણ સમજીને સૂકાઈ જવું જોઇએ. પણ એય છે હઠીલા… એકદમ મારી દિકરી અને દિકરા જેવાં. એ પણ તો હઠ કરીનેજ આવ્યાં હતાં અહીં, આ પ્રવાસમાં, બાકી મારી તો ના જ હતી. 

હવે તો હાથમાં પણ એટલી હિંમત નહોતી કે સામે રહેલા શરીરના ચહેરા પરથી કપડું દૂર કરે. એ કામ પણ ચોકીદારે કરી આપ્યું. કદાચ, એને આ બધાની આદત પડી ગઈ હશે. એને તો આ રોજનું થયું ને. આંસુનું વજન વધી જતાં આંખ વધુ સમય એને સાચવી ન શકી. એમના દડી પડતાંજ દ્રષ્ટિ થોડી ચોખ્ખી થઈ અને એક ચહેરો દેખાયો. બંધ આંખો, બેસી ગયેલા ગાલ, કપાળમાં એક લાંબો ચીરો… લાખ કોશિશ કરવા છતાં ડુસકું છૂટીજ પડ્યું. ના, એ મારો દિકરો નહોતો. પણ હતો એની જ ઉંમરનો. કોઈકનો દિકરો તો હશે ને! એ પણ મારી જેમ જ… 

આશા અને નિરાશા વચ્ચે ઝૂલતા મનમાં આશા બાજુ એક તણખલું ઉમેરાયું. હજુ શક્યતા હતી કે એ મળી આવે… જીવતો! એ આશાએ જાણે પગમાં જોર પૂર્યું હોય એમ મેઈનગેટ તરફ જતાં પગલાં થોડા ઝડપી હતાં. રીક્ષા માટે નજર દોડાવી, તો આશ્ચર્ય વચ્ચે એક રીક્ષા છેક મારી પાસે આવીને ઉભી રહી. મેં એ રીક્ષાવાળાને મારા ઉતારાનું એડ્રેસ આપ્યું, ત્યાં તો પાછળની સીટ પરથી પરદો ખસ્યો અને એક શરીર બહાર આવ્યું. એનાં પગ પણ ધ્રુજતાં હતાં, મારી જેમ જ. કદાચ એ પણ ઓળખ માટે જ… 

મેં એ રીક્ષા જવા દીધી. એની સાથે જ ચાલવા માંડ્યું. ચોકીદાર ફરી મને જોઇ અસમંજસમાં મૂકાઇ ગયો, છતાં તેણે એટલાજ વિવેક સાથે ફરી એજ ખાનુ ખોલ્યું. ફરી ચહેરા પરથી કપડું હટાવી આપ્યું, અને ફરી મુક્ત થયેલો એક ઊંડો શ્વાસ… એ શ્વાસમાં રાહત હતી? આશા હતી? ડર હતો? નિશ્વાસ હતો? ખબર નહી. મેં એનો ખભો જોરથી દબાવી રાખ્યો હતો. કદાચ મારા મનમાં ઉંડે ઉંડે એવી ઇચ્છા હતી કે મારો ખભો પણ કોઈક આવી જ રીતે પકડી રાખે, મને સંભાળી લે, પણ એવું કોઇક તો મારી જિંદગીમાં હવે રહ્યું જ નહોતુ. 

તેણે મારી તરફ આભારવશ જોયું. ખબર નથી એની આંસુભરેલી આંખોમાં મારો ચહેરો સરખો ઝીલાયો હશે કે નહી, પણ એના કદમ પણ પરત ફરતી વખતે ઝડપથી ઉપડતા હતા, મારી જેમ જ. અમે મેઈનગેટ સુધી પહોંચ્યા ત્યાંસુધી કોઈ કંઈ બોલી ન શક્યું. ફરી રીક્ષાની શોધ ચાલી. રાત જામી ગઈ હતી. રીક્ષા મળવી અઘરી હતી. વિચાર્યું કે ચોકીદારને પૂછી જોઇએ, પરંતુ ફરી ઘર્રર્ અવાજ સાથે એક રીક્ષા એકદમ અમારી પાસે આવીને ઉભી રહી. એમાંથી પણ એક નિસ્તેજ ચહેરો બહાર ડોકાયો, બિલકુલ અમારા બંને જેવો. અમે આંખોથીજ મસલત કરી અને રીક્ષાવાળાને ત્યાં વેઇટિંગમાં રાખી ફરી તેની સાથે અંદર ગયા. 

અમારામાંથી કોઈ એ ખોખલા શબ્દો નહોતા બોલ્યા. પરસ્પર કોઈજ ઓળખાણ વિના, કોઇ સંવાદ વિના એકબીજાની પડખે ઉભા હતા. હા, અમે સમજી શકતાં હતાં… 

અચાનક ખભા પર કોઇનો સ્પર્શ અનુભવાયો. મારી ભરેલી આંખોમાંથી ફરી આંસુ સરી પડ્યાં. એ સાથે જ સામેનું ચિત્ર બદલાઈ ગયું. એ સ્પર્શને પકડી એકજ ક્ષણમાં સાત વર્ષની સફર ટુંકી કરી દીધી. વર્તમાન પરિસ્થિતિએ ફરી મગજને જાગૃત કર્યું. એ સ્પર્શ, એ હાથ એનો જ હતો, જેના યુવાન દિકરાનો મૃતદેહ ત્યારે મળી શક્યો હતો. એ સાથે જ બીજા બે હાથ પણ મારા વાંસે મૂકાયા. એમાંથી નીતરતી લાગણી છેક મારા હ્રદયના ઊંડાણ સુધી પહોંચી ગઈ હતી. 

આજે એ ગોઝારા અકસ્માતને સાત વર્ષ પૂર્ણ થયા હતા. હવે મારા દિકરાના પાછા ફરવાની આશા અને નિરાશા વચ્ચે સતત લોલક બની ઝઝૂમતા મનને સ્થિરતા મળવાની હતી. એ તો પાછો ન આવ્યો, હવે કાયદાની દ્રષ્ટિએ પણ મૃત જાહેર થઈ જશે. એના પાછા આવવાની અંતિમ આશા પણ આજે… 

એ રાત્રે મુર્દાઘરમાં ભેગા થયેલા અમે ચારેય દરવર્ષે આજના દિવસે ભેગા થઈ અમારા સંતાનો માટે મૂક પ્રાર્થના કરીએ છીએ. એકબીજાની હથેળી પર હાથ રાખી ગોળ કુંડાળું વળીને એમજ થોડીવાર મૂક સંવાદ સાધીએ છીએ, અને પછી છુટા પડી જઇએ છીએ. અમારામાંથી કોઈ એ ઠાલાં શબ્દો ઉચ્ચારતું નથી, છતાં હું જાણું છું કે… અમે સમજી શકીએ છીએ. 


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ