વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પિતા


આજે જે લખવા જઇ રહ્યો છું એ માત્ર શબ્દો નથી, પણ થોડાં ઘણા અનુભવ અને લાગણીઓ રજૂ કરી રહ્યો છું.

આજે ફાધર ડે છે, એટલે જ્યાં નજર કરું ત્યાં ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સઅપ બધે જ ફાધર ડે ઉજવાઈ રહ્યો છે. આ એક જ દિવસ છે જ્યારે બધા ને પોતાના પિતા પ્રત્યે પ્રેમ ઉભરાઈ આવે છે અને બીજો એક દિવસ પિતાનો જન્મદિવસ.
(વાક્ય થોડું કડવું જરૂર છે પણ સાચું એટલું જ છે.)

સંતો, મહાત્માઓ બધાએ માતાને જ વધુ મહત્વ આપ્યું છે, વાર્તાઓમાં, કવિતાઓમાં પણ માતાના જ ગુણ ગાવામાં આવ્યા છે. હું પણ મારી માતા ને મહત્વ આપું જ છું, પણ મારા માટે મારા પિતા પણ એટલા જ મહત્વના છે જેટલી મારી માતા.
બહુ ઓછું લખેલું વાંચવા મળે છે પિતા વિશે એટલે જ આજે થોડા શબ્દો પિતા માટે લખી રહ્યો છું.

સંતાનોની જરૂરિયાતો અને સપનાઓ પુરા કરવા માટે પોતાની ઈચ્છાઓ અને જરૂરિયાતોને ત્યજનાર પિતા ને કઈ રીતે ભુલાય.

જે ખભા પર બાળપણ વીત્યું છે એ ખભા હવે જવાદરીઓથી ઝુકી ગયેલા મેં જોયા છે.
રાત પડે રોજ નવી નવી વાર્તાઓ સંભળાવીને બાળક ને સુવડાવતા એ પિતા ના કાન અત્યારે "પપ્પા હું છું ને તમે ચિંતા ના કરો" સાંભળવા તરસી રહ્યા છે.
જે હાથ પકડીને બાળપણ માં ચાલતા શીખ્યા એ જ હાથ અત્યારે ઉભા રહેવા માટે આધાર શોધી રહ્યા છે.
જે આંખોની મદદથી બાળપણમાં દુનિયા જોઈ એ જ આંખો અત્યારે એ જ દુનિયામાં પોતાના સંતાનોને શોધી રહી છે.

દુઃખ પડે માતા બધાની સામે રડી શકે છે, પણ રાત્રે તાકીયામાં મોઢું છુપાવીને ડુસકા ભરે છે તે પિતા જ હોય છે.

બરાબર છે કે રોજ આપણને સગવડ કરી આપનાર માતા છે, પણ જીવન ની આજીવિકાની વ્યવસ્થા કરનાર જીવન જરૂરી વસ્તુઓ લાવનાર પિતા જ હોય છે.

પરિણામ કેવું પણ આવે માતા સૌથી નજીક લાગે છે, વખાણ કરે છે,
પણ ચૂપચાપ જઇ ને મીઠાઈ લાવનાર તો પિતા જ હોય છે ને.

બાળકનો જન્મ થતી વખતે સુવાવડી સ્ત્રીનું દર્દ બહું જ હોય છે,
પણ એજ સમયે બહાર અસ્વસ્થ થઈ ને આમ તેમ આંટા મારતા પિતા જ હોય છે.

તેમનો દાઢી વધેલો ચહેરો તેમની કરકસર દેખાડે છે કે તેમના સંતાનો પાર્લરમાં જઈને 200 રૂપિયા આરામથી વાપરી શકે.

સંતાનો પાસે રોજ પહેરવા માટે નવા કપડાં એટલા માટે છે કેમ કે પિતા હાલ પણ કાના પડેલી ગંજી જ પહેરે છે.
પોતાના સંતાનો ને કલોચરી વગર ના કપડાં પહેરાવવા માટે પોતાનાં શરીર પણ પડેલી કલોચરીઓની ચિંતા ના કરનાર પિતા જ છે ને.

સંતાનોની ઊંઘની ચિંતામાં પોતે ઉજાગરા કરીને રાત દિવસ કામ કરનાર પણ પિતા જ છે ને.

સંતાનો બીમાર પડતા દોડતા હોસ્પિટલ પહોંચી જાય છે, પણ જ્યારે પોતે બીમાર પડે તો આરામ કરવાથી પણ ડરતા હોય છે તે પિતાને કેમના ભૂલી શકાય.

માતા દેવકી-યશોદા ના વાત્સલ્યની પ્રશંશા અવશ્ય કરીએ છીએ, પણ નદીના પુરમાંથી મધરાતે માથા ઉપર બાળકને સુરક્ષિત લઈ જનાર વાસુદેવને કઇ રીતે ભુલાય.
રામ એ કૌશલ્યના પુત્ર જ હતા, પણ પુત્ર વિયોગે તરફડીને મૃત્યુ પામનાર તો પિતા દશરથ જ હતા.

સર્વને ફાધર ડે ની ખૂબ ખૂબ શુભકામના.

✍️ચિંતન પટેલ. (અક્ષ)


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ