વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પપ્પા તો ઠંડા છે...

"એં... એં... એં... મારુ ઈજરી (ઇરેઝર)ખોવાઈ ગયું... "

"જોને બેટા, ત્યાં જ હશે. "

"મેં બધ્ધે જ જોયુ... નથ્થી..."

"સારુ, બીજુ લઈ લે. પણ હોમવર્ક કરવા માંડ. "

"સુનોના સંગેમરમર કી યે મિનારે... "  માંડ નાનકીને હોમવર્ક કરવા મનાવી, ત્યાં મોબાઇલ રણકી ઉઠયો. તેણે ઘડિયાળ સામે જોયું. રસોઈ ને મોડું થતું હતું. તેણે ઉતાવળે હાથ ધોઈ કોલ રિસીવ કર્યો. સામે છેડે નાનકીનાં પપ્પા હતા... એકદમ ગુસ્સામા... ચૂપચાપ બધું સાંભળી, છેલ્લે હા એ હા કરી ફોન મૂક્યો. ત્યાં ફરી નાનકીનો કજીયો ચાલુ થયો. 

"એં.. એં.. એં... મારી પેન્સિલ તૂટી આવી. " 

"લાવ બકા, શાર્પન કરી આપું. "

પેન્સિલ અને શાર્પનર હાથમાં લઈને તેણે બબડવાનું ચાલુ કર્યું... "બધા હોમવર્ક ન કરવાના બહાના છે. આવડી એવી અંગૂઠા જેવડી છોકરી... ને અત્યાર થી હોમવર્ક કરવામાં જોર પડે છે. આગળ જઈ ને શું કરશે કોને ખબર? "

એનુ બબડવાનું અને નાનકીનું રડવાનું બંને સાથે ચાલું હતા. પેન્સિલ ની અણી નીકળી ગઈ એટલે નાનકીને પાછું સમજાવવાનુ ચાલુ કર્યું. 

"જો બકા, હવે એકદમ શાંતિ... હં ને... પપ્પાનો આવવાનો ટાઈમ થઈ ગયો છે. ઓલરેડી ગરમ થઈ ને આવશે એટલે તુ કજીયો બંધ કરી દે. થોડી શાંતિ રાખ. મને ફટાફટ ભાખરી બનાવી લેવા દે... "

જાણેકે જાદુઈ અસર થઈ આ શબ્દોની. નાનકીનો કજીયો એકદમ બંધ થઈ ગયો. તેણે ફટાફટ પોતાનું હોમવર્ક પૂરૂ કરી બેગ પણ પેક કરીને ઠેકાણે મૂકી દીધું. વગર કીધે રમકડાનો ઢગલો પણ ઉપાડી લીધો. સોફા પર કુશન બરાબર ગોઠવી દીધા. 

અનિકેત ઘરે આવ્યો. હજી પણ મગજ પર ગુસ્સો સવાર હતો, પણ દરવાજામાંજ નાનકીનું હસતું મોઢું જોયું અને અડધો ગુસ્સો ઓગળી ગયો. એક નાનકડું સ્મિત આપી તે ઘરમાં અંદર આવ્યો. સામે હાથમાં પાણીના પ્યાલા સાથે ઉભેલી જાનકીને જોઈને બાકીનો અડધો ગુસ્સો પણ ઊડી ગયો. ફ્રેશ થઈ જમવા બેઠો. ઓફિસમાં બનેલી ઘટના વિશે વાત કરતા કરતા જમવાનું શરૂ કર્યું. જાનકી વચ્ચે વચ્ચે હોંકારો આપતી, પણ નાનકી...

નાનકીએ એક સરખું પૂછવાનુ ચાલુ કર્યું, 

"પપ્પા તમને શું થયું?" 

ત્રણ ચાર વખત પૂછવા છતાં અનિકેત તરફથી સરખો જવાબ ન મળ્યો, એટલે નાનકી એના ખોળામાં ગોઠવાઈ ગઈ અને હળવેથી અનિકેતના ગળા પર પોતાની નાનકડી હથેળી અડકાડીને પાછી તરત ઉભી થઈ ગઈ. અનિકેતની સામે, પિરસવા બેઠેલી જાનકીનાં ખોળામાં લપાઇને તેના કાનમાં બોલી, 

"પણ મમ્મી, પપ્પા તો ઠંડા છે!" 


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ