વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મેઘ મલ્હાર

                              "મેઘ મલ્હાર"

                   ધરતીની સોડમે વરસાદનાં આગમનનાં વધામણાં આપ્યાં. વાછટે  મલ્હારનાં મનનાં કોરા ખૂણાને પલાળી દીધો. તે આંગણામાં ઘણાં વર્ષે પલળવા નીકળ્યો. તેનું તન તરબતર થઈ ગયું. મન મહેંકી ઉઠ્યું. એક મહેચ્છા નિતરતી રહી. મેઘાની યાદોનાં ભરડે તેને સંપૂર્ણ ભીંજવી દીધો. વિરહની આહુતિએ તેને અભિભૂત કર્યો. તેણે ઉપર જોયું. બધું એકાકાર. વરસાદ તો દર વર્ષે ધરતીને મળવાં આવી જ જાય. તો પછી? હૈયાની ઉઘાડી બારીમાં કંઈક ઉગ્યું. નજીવી નાની ગાંઠોમાં વર્ષો વીતી ગયા! મડાગાંઠ તો ક્યાં હતી!

                   તે પાછો ગાડીમાં ગોઠવાયો. ગાડી બે સમાંતર રસ્તા પાસે અટકી. તેણે પહેલાંનો રોજનો રસ્તો જ લીધો. ગાડી 'મેઘ મલ્હાર' બંગલાનાં  પ્રવેશદ્વાર સામે ઊભી રહી. તે બહાર નીકળ્યો. સામે કાચની બારીમાં કંઈક દ્રશ્યમાન થયું. રોશનીથી ઝગારા મારતાં રૂમમાં બે ઓળા એક થતાં દેખાયાં. મેઘામાં એકાકાર થવાની  મહેચ્છા ઓગળી ગઈ. બાજુમાંથી પસાર થતી ગાડીએ છાલક ઉડાડી. ગાડીમાં પાછાં ગોઠવાઇ તેણે ચશ્માંનાં કાચ ઉપર ઉડેલો કાદવ સાફ કર્યો. બીજા સમાંતર રસ્તે તે ઘર તરફ વળી ગયો.

                   ત્યાં મેઘાની ગાડી રોજનાં રસ્તે જ 'મેઘ મલ્હાર' બંગલે પહોંચી . ચશ્મા પર લાગેલા ભેજને તેણે સાફ કર્યો. રોશનીમાં તેણે પણ બારીમાંથી દેખાતી બે આકૃતિઓ જોઈ. તે મલકાઈ. તે મનમાં બોલી, "હું તો ભૂલી જ ગઈ કે 'અંકુર' એકવીસ વર્ષનો થઈ ગયો." વ્હાલમાં ભીંજાયેલી તે લોંગ ડ્રાઈવ પર નીકળી પડી.



                       

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ