વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

રાણીની વાવ



જેની હાકલે નૃપતિ હલબલતા, કંપતા કૈંક નર કેસરિયાળ,

ગઢ પડતા ને નગર ડુલતાં એ અમારી અટંકી અણહિલવાડ.

                

                ગુર્જરપતિની હાકથી ભારતવર્ષના દરેક પ્રદેશ ધ્રુજતા. પાટણનો દરિયાપારનો વેપાર ઘણો બહોળો અને સમૃદ્ધ હતો. ભૃગુકચ્છ, દિવ્યમાલ અને કચ્છનાં બંદરો ધમધમતાં હતાં. વિદેશી વિધર્મીઓનો ડોળો હમેશાં સમૃદ્ધ નગરી પાટણ અને ગુજરાત ઉપર ફરતો હતો. તેનો ગુપ્તચર વિભાગ અને ખેટકો પાટણના સરહદી માર્ગો અને વ્યૂહાત્મક સ્થળોનો અભ્યાસ કરતા.


                પ્રભાતનો પહોર છે. દૂધો મેતર (અંત્યજ) ધારણોજ ગામે શિવશંકર પુરાણીનો સંદેશો લઈને જાય છે. ઉઘાડા શરીરે ખાંધે જનોઈ, કપાળમાં શિવત્રિપુંડ તાણેલ એક ભગવાધારી સંન્યાસી ધોરી મારગે ઊંચા આરબી અશ્વ ઉપર આરૂઢ થઈને દૂધા મેતરને સામો મળે છે. આપણી સંસ્કૃતિ પ્રમાણે બાજુમાં રહી દૂધા મેતરે ઘોડે સવાર બાવાજીને "નમો નારણ !" કરે છે.


             સંન્યાસી બોલતો નથી, પણ પોતાના હાથની આંગળીઓ લગાડીને અડધું માથું નમાવ્યું ન નમાવ્યું કરીને ખલતામાં કંઈક મૂકવાનો પ્રયત્ન કરવા લાગ્યો. એના હાથમાં લીલાપારાની ઝાંયવાળી તસબી હતી. તે યવનદળનો ગુપ્તચર હતો. દૂધા મેતરની ચકોર નજરથી તે ઓઝલ રહી શક્યો નહીં ! ને તરત જ એ બનાવટી વેશધારી બાવાએ ઘોડીની ડળીના ખલતામાંથી અસલ બસરાનાં મોતી કાઢ્યાં ને દૂધા મેતરને આપવા હાથ લંબાવ્યો, ત્યાં તો દૂધાએ જોરથી બૂમ પાડી : "યવન ! યવન ! ધોડજો...ધોડજો.." ને પેલા ગુપ્તચરે દૂધાને મારવા માટે ઘોડાના કાંઠે લટકતી નાની છરી કાઢી તેની પાછળ દોટ દીધી.

               સરસ્વતી નદીના કાંઠાની ઝાડીઓમાંથી દૂધા મેતરે તેને ભૂલવીને દિશાભાન ભૂલી. આડા વગડે પૂર્વ-દક્ષિણના ખૂણે પડતી રાણી કી વાવના ગરણી આકારના વળાંકમાં આંટો મારી બજારની દિશા પકડી !


               ભરચક્ક પાટણની બજારે બે હાથ ઊંચા કરી પોતાના માથાના ફાળીયાને અડધું ફાડી દૂધો મેતર દોડે જાય છે, પણ ચતુર દલિત બૂમ પાડતો નથી ! કારણ.. બૂમ પાડે તો લોકોમાં ભય ઉત્પન થાય. અફડાતફડી થાય. પોતાની જન્મ ભૂમિને ચાહતો દલિત સીધો નગર રક્ષકના કાર્યાલયે પહોંચ્યો. હાંફતાં હાંફતાં પોતે જોયેલા વેશધારી યવન ગુપ્તચરની સઘળી વાત કહી દીધી.

              

       મંત્રી માધવ સાથે ઊભેલા રાજા કર્ણદેવ સોલંકીનાં 'યવન' એવું નામ સાંભળતાં તેત્રીસ કરોડ રૂવાટાં ખડાં થઈ ગયાં, અંગરખાની કસો તૂટુ તૂટુ થઈ રહી. માધવ મંત્રી સામે જોઈને બોલ્યા, "ધન્ય પાટણની પ્રજા અદનામાં અદનો અંત્યજ પણ મા ગુર્જરીના રક્ષણ માટે કેટલો સજાગ છે! "


              દૂધા મેતરને શોધતો યવન ગુપ્તચર વાવના છેડા તરફ વળ્યો. પટાંગણમાં ભવ્ય કોતરણીથી કોતરેલ વિશાળ કિર્તીસ્તંભ અને પવનથી ફડફડાટા મારતા કુકુટ્ટ ધ્વજ ઉપર નજર ગઈ. એની નજર જેવી ધ્વજના અવાજ તરફથી નીચે પૂર્વ તરફ પડી તો આશ્ચર્યનો પાર ના રહ્યો. "ઓહ !  આટલી ભવ્ય વાવ." મંડ્યો કટકટકટ પગથિયાં ઉતરવા આડાને અવળાં, ઘડીક સીધાં ઉતરે તો ઘડીક ત્રાંસાં. બે હાથ પહોળા કરી વાવને માપવા લાગ્યો .ચોસઠ ગજ લાંબી, વીસ ગજ પહોળી ને વળી સાત મજલાને સત્યાવીસ ગજ ઊંડી. આવી વિશાળ વાવ પહેલીવાર જોઈ. કલાનો કસબી મજબૂરીએ ગુપ્તચર બન્યો હશે. દૂધા મેતરને ભૂલી ગયો. રાણીની વાવની કોતરણીના નકશીકામને ઝીણવટ ભરી નજરે નીહાળવા લાગ્યો.


                પ્રથમ માળથી એની નજર ભગવાન વિષ્ણુની મૂર્તિ પર પડી પણ સાત માળ સુધી એના એ જ આકારમાં દેખાતી હતી. એના મુખમાંથી શબ્દો સરી પડ્યા, "વાહ ! કારીગરી વાહ !"


              એક-એકથી ચડીયાતા અનુપમ કોતરણી કરેલા કિચકોના શિલ્પવાળા ત્રણસો ચાળીસ સ્તંભની હારમાળા જોઈ મંત્રમુગ્ધ થઈ ગયો.


              શૈવ-વૈષ્ણવ સંપ્રદાય ઉપરાંત અન્ય દેવી-દેવતાઓનાં શિલ્પો, વિષ્ણુંના કલ્કિ, વરાહ વગેરે દશે અવતારોના આલેખનનું ઉત્તમ શિલ્પકામ, શિવ-પાર્વતી, સૂર્ય, દુર્ગામાતા, મહાલક્ષ્મી અને ચામુંડા-મહિષાસુર મર્દિનીનું શિલ્પ જોઈ અભિભૂત થઈ ગયો.   

               કુબેર,યમ આદિ દિગ્પાલોની મનોહર પ્રતિમાઓ, અપ્સરાઓ, યોગિનીઓના શિલ્પમાં પ્રગટતું અનુપમ દેહલાલિત્ય, કમનિય કાયા પર સોળશૃંગાર અને પગમાં ચંપલ દર્શાવતાં મોહક નારી-શિલ્પો, કામસૂત્રની રતિક્રિડાના શિલ્પો વગેરે જોઈ બોલ્યો.


પીતળ સરખી પાનીયું, હેંગળા વરણા હાથ,

પંડનું બનાવેલ પુતળું, જેદી નવરો દીનોનાથ.

મચકે પગલાં માંડતી,  લચકે  પીંઠનો  લંક,

સહજ હાસ્ય કરે સુંદરી, દાડમ કળી દમંક.


        વળી મનમાં વિચારવા લાગ્યો. "કોણે બનાવી હશે,  આ ઉત્તમસ્થાપત્ય, વાસ્તુશાસ્ત્રનો લાલિત્યપૂર્ણ, શિલ્પકળા સાથે સુભગ સમન્વય ધરાવતી વાવ ?"


             "અરે ! આતો અહીંના લોકજીવન સાથે સંલગ્ન સંસ્કૃતિનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. આ પથ્થરો જોઈ એવું લાગે છે,  કેવા ! ઉત્તમ હશે એ કારીગરો જે કાંકરિયા-રેતિયા પથ્થરમાં શિલ્પો કોતરી આવી વાવ બનાવી છે."


             રાણીની વાવની ભવ્યતા જોઈ ચકિત થયેલા યવન ગુપ્તચર ની નજર એક પ્રતિમા પર પડી. પ્રતિમાની નીચે નામ કોતરેલ હતુ. એણે ઉકેલવાનો પ્રયત્ન કર્યો. "રા...ણી....ઉ...દ...ય...મ...તિ..

હા..બસ આજ રાણીએ બનાવેલી હોવી જોઈએ" એવું અનુમાન કર્યું.


             ખોબો ભરી પાણી પીવા જતાં એણે લાકડાથી જડેલ વાવનું તળિયું જોયું, યવન વિચારોમાં સરી ગયો. "જરૂર આ વાવ સરસ્વતી નદીના કિનારે પ્રજાને જળરાશી મળી રહે એ હેતુથી બનાવી હશે. જે રાજયના રાજય કર્તાઓ આવાં પ્રજાહિતનાં કાર્યો કરતા હોય તેને કેમ જીતાય ?"


               "અરે ! એની પ્રજાના સામાન્ય જનને પણ કેમ પકડી શકાય? આતો પ્રજાના માટે સુવર્ણયુગ કહેવાય." જાત સાથે ગુપ્તચર પ્રશ્નો કરે છે ને જાતે જ તર્ક કરી જવાબો આપે છે. એવામાં સૈન્ય સાથે રાજા કર્ણદેવ અને માધવ મંત્રી આવી પહોંચ્યા. યવનના ખોબામાં રહેલું પાણી ઢળી જાય છે. સિપાહીઓ એને પકડીને વાવમાંથી બહાર લઈ આવે છે.


               યવનના હાથની વિંટીમાં હિરાકણી હતી. એણે ધાર્યું હોત, તો એ દુશ્મનના હાથમાં જીવતો ના પકડાત. બે ઘડીમાં મોતને વ્હાલું કરી નાખત ! પણ એને જાણવું હતું, વાવના ઈતિહાસ વિશે.

               યવને બહાર કાઢતા સિપાહીને પૂછ્યું, "આ વાવ કોણે બંધાવી ?"

સિપાહી તોછડાઈથી બોલ્યો, "તારે શું કામ છે ? જેમણે બંધાવી એમણે ?"

"તું અહીં કયા મકસદ થી આવ્યો હતો એ કહે ? "

યવન કહે ; "હું પાટણની જહોજલાલી સાંભળીને પાટણ જોવા આવ્યો હતો."


પાટણ શે'રની પોળમાં છે પટોળાં બજાર,

જણ નર બંકા પાકતા વનિતા રૂપ અપાર.


         સિપાહીએ યવનનું જડબું પકડી, "તો શું ? દિયોર.. પાટણને લૂંટવાનું કાવતરું કર્યું છે એમ."

યવન : "જે સમજો તે, મારું મોત તો પાધરુ છે, પણ જણાવશો વાવ કયા રાજાએ બંધાવી હતી ?"

" રાજાએ નહીં, દિયોર ! રાણીએ બંધાવી છે." સિપાહીએ છણકો કર્યો.

"હા..હા..તો તો જે પ્રતિમા હતી એ રાણી ઉદયમતિએ બંધાવી એમને ?

       "આ તો તારાં આ ભગવાંની શરમે નકે હું એક શબ્દ પણ બોલું નહી. જો વાવ વિશે જાણવું છે. ને તો સાંભળ," 


           "ચાલુક્ય વંશના મહારાજ મૂળરાજ સોલંકીના પુત્ર ભીમદેવ. જેમને લોકો ભીમો બાણાવળી કહેતા. એમનાં મહારાણી ઉદયમતિ જે જૂનાગઢના ચુડાસમાનાં દીકરી હતાં.


      પહેરી તે પટોળાં ને રમતી રૂડે શણગાર,

      ભમતાં ટોળાં ભામની ગરવી ગુર્જર નાર.


             રાણી ઉદયમતિએ મહારાજ ભીમદેવની યાદમાં પ્રજાને પાણી મળી રહે એ હેતુથી આ વાવ બનાવી છે."

"કેટલા સમયમાં બની હશે એવું કાંઈ" ગુપ્તચર બોલ્યો.

સિપાહીએ કંટાળી માથે હાથ દઈ કહ્યું ; "પણ તારે ઈયાં કારાવાસમાં જઈ કોને દીવાલોને સંભળાવવું છે ?"

સિપાહીનું વર્તન જોઈ ગુપ્તચર નીચે જોઈ ચાલવા લાગ્યો.

"હેંડ મારેય વાટ કપાય, અને હમણા ! ઘડી પછી તો કયાં એને કોઈથી વાત કરવા મલશે." દયા ખાઈ આંચકો કરી સિપાહી બોલ્યો ;

"જો, સાંભળ !"

એટલે ગુપ્તચરે ઊંચું જોયું ને સિપાહીએ વાત શરૂ કરી.

" ઈ.સ.૧૦૨૨ થી કરીને ઈ.સ. ૧૦૬૨/૬૩ સુધી એટલે કે પુરાં ચાલીસ વરહ આ રાણી ની વાવનું બાંધકામ ચાલ્યું હતું."

              સિપાહીઓ ગુપ્તચરને લઈ બજારમાંથી કારાવાસના રસ્તે નીકળ્યા,યવનને કેદ પકડેલો જોઈ દૂધા મેતરે જય ઘોષ કર્યો; "જય... જય સોમનાથ."

               મહારાજ કર્ણદેવે યવન ગુપ્તચર અને સિપાહી વચ્ચે રસ્તામાં થયેલી વાત સાંભળી હતી. યવન ગુપ્તચર સ્થાપ્તયનો રસિક હતો. પ્રાથમિક પૂછતાછમાં કર્ણદેવે જાણી લીધું અને તરત નિર્ણય કર્યો કે ; "અમે સોલંકીઓ કલાના કસબીઓને કેદ કરી સજા નથી કરતા." માધવ મંત્રી એ સિપાહીઓને કહ્યું યવનને મુક્ત કરો. મુક્ત થયેલો યવન મહારાજની સામે આવી મોટેથી બોલ્યો ; "સોલંકી કુલભૂષણ મહારાજ કર્ણદેવનો જય...જય સોમનાથ..."

               

- રાઘવ વઢિયારી

રઘુ શિવાભાઈ રબારી કોલાપુર

સુરકા પ્રાથમિક શાળા

તા:રાધનપુર જિ:પાટણ

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ