વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

રે વરસાદ... !

સતત ચોથા દિવસે પણ આજે વરસાદે ધોધમાર લ્હાણી કરી. પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી. લોકો વરસાદમાં નહાવા નીકળી પડ્યા અને વરસાદી માહોલ મનાવવા લિજ્જતથી ઘરોમાં ગરમ ગરમ ભજીયા બનવા લાગ્યા.  કેટલાય કવિઓએ વરસાદી કવિતાઓ લખી નાખી.


શહેરના છેડે વાંસના બનેલા સાવ કાચા ઝૂંપડામાં રહેતી સોળ વરસની ગાંડી અમલીની મા ચાર દિવસથી વરસાદને લીધે વારે વારે તૂટી પડતા ઝુંપડાને ફરી જેમ તેમ થોડા લાકડા અને કોઈએ આપેલી તાલપત્રીના અધારે ઊભું કરીને થાકીને લોથ થઈ ઝૂંપડાની અંદર આવી. વળી એક જોરદાર ઝાપટાએ ઝૂંપડાની આગળની બેય દિવાલને ધરાશાયી કરી દીધી. ખુલ્લા ઝૂંપડામાં બેઠેલી, સૂધબૂધ વગરની દિકરીની ફાટ ફાટ થતી યુવાની ફાટેલા કપડામાંથી આસ પાસના વરુઓની નજરે ન ચડે માટે એણે પોતાનો જર્જરિત સાડલો દિકરીના શરીર ફરતે વીંટાળ્યો.


સામે સોસાયટીમાં કેટલાક છોકરાઓ વરસાદમાં નહાતા નહાતા ખુશ થતાં ગાઈ રહ્યા હતાં, 'આવ રે વરસાદ..'


નિઃસાસો નાખીને એ બોલી, 'રે વરસાદ તું ક્યાં આવ્યો! '

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ