વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

શું કહ્યું,...કંઈ નહીં.



  ઝરમરીયો મેહુલિયો ધીમો એકધારો વર્ષયો કે,પ્રકૃતિ ખીલી ઉઠી.નદીએ ધીમેથી વહેવાનું ચાલુ કર્યું.પહાડોપરથી ધીમા પણ જાણે મોતીઓની માળા જેવા ઝરણાઓએ નદીને મળવા ઉત્સુક થઈ ગીતો ગાતા નાચગાન કરી રહ્યા.


  ગુલાબના છોડોપર ફૂલો આમતેમ ડોલવા લાગ્યા.એક ફૂલની કળી થોડી ગુમસુમ થઇ કે,બીજી લહેરાઈને તેને પ્રેમથી ઠેલો મારતા બોલી,


  "અલી..કેમ બોલતી ડોલતી નથી,"


  જવાબમાં કળી વધુ ઉદાસ થઈ ત્યાંજ બીજી કળીયો આવી બીજી કળીને વીંટળાઈ દૂર ખેંચી ગઈ.બધી સાથે ઝૂલતા ગીતો ગાતી તે પાછી ફરી અને પહેલી ઉદાસ કળીને બાથમાં લેતા ફરી કહ્યું,


  "એલી.... એય...ચાલને ડોલીયે જોને સૌ આજ નિતનવા સાજ સજી કેવા ઝૂમે છે કે,પછી આ નાની ઉંમરમાં કોઈ ભમરો....."કહી તેને ડોલાવી કે,ઉદાસીમાં રહેલી કળીએ મોઢું હસતું રાખતા એક નિસાસો નાખી કહ્યું,


  "કંઈ નથી પણ મને વિચાર આવ્યો કે,આપણું પણ જીવન કેવું ! પ્રભુએ આપણને ફક્ત પ્રકૃતિની સુંદરતા માટેજ સર્જ્યા."


  "તે આપણે  ભાગ્યશાળી નથી ?"...બીજીએ ખિલખિલાટ હસતા કહ્યું,


  "તું નીચે નજર કર તો ખબર પડે,આપણા ભાઈ બહેનો કેવા કચડાયેલા પડ્યા છે.છેવટે તો આપણે પણ"...આ સાંભળી બીજી થોડી ઉદાસ થઈ પણ હસીને કહ્યું,


  "ગાંડી તું સામે જો,ખેડૂતો કેવા હરખાય છે.અને પેલીબાજુ જો નાના નાના બાળકો કેવા છબછબિયાં કરે છે.આખરે તો તેઓ પણ માટીમાં જ ભળી જવાના એ નિયમ છે. એમ તો આપણે ભગવાનના ચરણોમાં જઈશું કે,કોઈ નવલીનાર આપણને માથામાં ગુંથશે."


  "હા પણ છેવટે તો કચરામાં જ જવાનુને ? કોઈ આપણને કાયમ થોડું રાખે".


  "રાખેને કેમ નહીં ? મારી મા તો કહેતી કે,કોઈ પ્રેમી યુવાન આપણને પુસ્તકમાં રાખી તેની પ્રેમીકાને આપે તો એ બહુ સાચવે."


  "તો ચાલ આપણે તેવા યુવાનની રાહ જોઈએ."


  અને બને સખીઓએ બીજી સખીઓ સાથે ડોલતા ડોલતા સુંદર ગીતો ગાઈને બાગમાં પોતાની સોડમ ફેલાવી.


  બેન્ચપર હાથ ભેરવી બેઠેલા બે યુવાન ભીંજાયેલા હૈયા ઉભા થઇ જાણે એ સોડમ પામવા નજીક આવ્યા.એ જોઈ બને કળીયો કંઈક આશાએ એકબીજામાં ભેરવાઈ.યુવકે એ કળીયો ચૂંટી યુવતીને આપતા કહ્યું,


  "મારા તરફથી આ પહેલી ભેટ."...યુવતીએ સહર્ષ સ્વીકારતા કહ્યું,


  "હું તારી આ ભેટ જિંદગીભર સાચવીશ"...કહી તેણે બને કળીયોને ચૂમી પોતાની પર્સમાં રાખી કે,બને કળીયો અંદર ખિલખિલાટ હસી પડી.યુવકે જાણે કંઈક સાંભળ્યું હોય તેમ પૂછ્યું,


  "શું કીધું ?"


  "કંઈ નહીં"....અને બને ખડખડાટ હસી પડ્યા.


   

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ