વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ગોરંભો

"અલી રાધુડી, આ જીજુને જ્યારે ને ત્યારે નળે ટીંગાડી દે છે તે પછી શરદીનો કોઠો ન થાય તો શું થાય?"

ઘણા વર્ષે મળેલી સહેલી રાધાની ઠેકડી ઉડાડતાં સુધાએ તેનો ચાંદલો પાછો આપ્યો. પરંતુ મજાકનો મોળો પ્રતિસાદ જોઇ તે થોડી ગંભીર બની. રાધાનાં ગાલ પર હાથ રાખતાં પૂછ્યું, "શું થયું?"

"રહેવા દે ને, એનો ભાર લાગે છે. હવે નથી ખમાતો. આંયા છું એટલા દિ' તો શાંતિ લેવા દે." 

રાધાની નીચી નજરમાં ઓગળેલું આંસુ સુધા સામે ઓઝલ ન રહી શક્યું. સુધા હાથ પકડી રાધાને ચોકમાં ખેંચી ગઈ. 

"જો તો ખરી, કેવો ગોરંભો છે! વરસસે તો એવો વરસસે કે-"

"કે, બધું તાણી જશે... " 

ડુસકું સંભળાયું એટલે રાધાની હડપચી ઉંચી કરી નજરનું તારામૈત્રક રચતાં સુધા બોલી, 

"આ જો, મેં તો ચાંદલાનું ટેટુ જ કરી દીધું છે. હવે એ મારૂં અવિભાજ્ય અંગ છે. બસ, પછીથી એનો ભાર પણ નથી લાગતો… "

સુધાની આંખની અજબ ખુમારી રાધાની પીડાનાં પડ વીંધતી ચાલી. સમજણના સૂર્યનો ઉદય થયો અને ગોરંભો વરસ્યા વિના જ વિખેરાઇ ગયો. 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ