વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

જીદ્દ

જેવા સૂર્યનાં કિરણોએ આકરાં થઈ ધરતીને તપાવવાનું શરૂ કર્યું કે તેણે દોટ મૂકી. પોતાની એકમાત્ર અને અંતિમ ઇચ્છા પૂરી કરવા માટે. નફરત હતી તેને પોતાના અસ્તિત્વથી, પોતાની ખારાશથી. એ ખારાશમાં પ્રિયજનનાં સ્મિતને ઓગળતું જોયું હતું. એનાં જાતભાઇઓમાંથી કેટલાક એવા પણ હતા જેમનો દેહ પ્રિયજનના સ્મિત સમયે ઘડાયો હતો. એમનામાં ગજબની મીઠાશ હતી. પણ, મોટા ભાગના ખારા હતા… એની જેમ જ. 

અસહ્ય હતું. અને એટલે જ નક્કી કર્યું હતું કે એ ખારાશથી મુક્ત થઈને જ રહેશે. ખારામાંથી મીઠા થવાનો એક જ માર્ગ હતો-ઉર્ધ્વગમન. ઘણી લાંબી મજલ કાપી હતી એના માટે. એટલે જ આજે સૌથી પહેલી દોટ મૂકી ઉર્ધ્વગમન કર્યું. પહેલું ચરણ સફળ રહ્યું. ત્યાં ઘણા જાતભાઈ મળ્યા જે તેની જેમજ ખારાશથી મુક્ત થવા ઈચ્છતા હતા. ધીરે ધીરે વાદળનો દેહ બંધાયો અને પવનની લહેરખી સાથે એ ઉડતું ચાલ્યું. અંતે એ સમય આવી જ ગયો. વાદળ વરસી જ પડ્યું. પણ આ શું? નદીને બદલે દરિયો! તેના નસીબમાં નકરી ખારાશ જ લખી હશે! ના, તેણે મન મક્કમ કર્યું અને ફરી દોટ મૂકી, પોતાની ઇચ્છા પૂરી કરવા. ફરી એકવાર ઉર્ધ્વગમન અને…. 

જીદ હતી એ આંસુની, કે એ મીઠું બનીને જ રહેશે! 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ