વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

અંતિમ સ્મિત

સંપૂર્ણ બંધક અવસ્થામાં પણ તેની ચાલ કોઈ રાજા મહારાજા જેવી ઠસ્સાદાર હતી. આંખોમાં એક અજબ ચમક હતી. ગર્વથી ટટ્ટાર થયેલી તેની ડોકમાં નાંખેલો ગાળિયો ખેંચાયો, છતાં તેના ગળામાંથી ઉંહકારોય ન નીકળ્યો. સાક્ષાત્ મૃત્યુ તેની નજર સામે હતું, છતાં તેની નજર આકાશમાં ઘેરાઇ રહેલા કાળા વાદળો પર મંડાયેલી હતી. બસ, એકવાર વરસાદ વરસે… આ જ તેની અંતિમ ઈચ્છા હતી. મનોમન સતત થોડાંક વરસાદ માટે સર્જનહારને પ્રાર્થના કરી રહેલા એના મનમાં પ્રભુના દૂત સાથે થયેલ મુલાકાત તાદૃશ થઈ રહી હતી. 

"અનુકૂલન તો સાધવું જ પડશે. પણ એ એટલું અઘરું નથી. પરસ્પર એકબીજાની આદત પડી જશે, પછી કોઈ તકલીફ નથી. ઘણાંય જીવોએ અમારી સાથે અનુકૂલન સાધ્યું, અને અભયદાન મેળવ્યું.મંજૂર હોય, તો વધો આગળ."

ઘણી લાંબી વિચારણાને અંતે એ વામન વિષાણુઓ સાથે કરાર નક્કી કર્યો. બસ, હવે રાહ હતી તો માત્ર વરસાદની. વરસાદનાં ભેજ સાથેજ પ્રભુના દૂત-એ વાઈરસ બધા બકરાંઓમાં ફેલાઇ જશે. એ રક્ષાકવચ બની જશે. ત્યારબાદ બકરાંંઓને હલાલ કરનાર પ્રત્યેક એ વાઈરસનો ભોગ બનશે… 

ફરી ગળાનો ગાળિયો ખેંચાયો. મજબૂત હાથોમાં પકડેલો છરો હવામાં વીંઝાયો. તેની ચમકતી ધાર પર જાણે વિજળીનો ચમકારો ઝીલાયો. અને છરો ડોક સુધી પહોંચે એ પહેલાં વરસાદનાં ટીપાંએ પોતાનું સામ્રાજ્ય સ્થાપી દીધું. બસ, આ છેલ્લું… છરા અને ગરદનનાં મિલન સમયે તેના ચહેરા પર સ્મિત હતું! 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ