વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

યમરાજ v/s વકીલ

યમરાજ v/s વકિલ


                  ચિત્રગુપ્તે પોતાના ચોપડામાંથી જોઈને એક ચિઠ્ઠીમાં નામ સરનામું અને જરૂરી વિગતો લખી બે યમદૂતોને બોલાવ્યા અને આ ચિઠ્ઠી એમના હાથમાં આપતાં કહ્યું; "જાઓ, ધરતી પરથી આ માણસને લઈ આવો. એમનો સમય ત્યાં પૂરો થઈ ગયો છે."


                   યમદૂતોએ ચિઠ્ઠી હાથમાં લીધી અને તેમાં રહેલા નામ-સરનામા વાંચ્યા બાદ યમદૂતોએ ચિત્રગુપ્તને કહ્યું; "માહરાજ, અમે હવે આવી રીતે ચાલીને ધરતી પર નહીં જઈએ.અમે ચાલતાં ચાલતાં ત્યાં પહોંચીએ છીએ ત્યાં માણસના મૃતદેહને તેમનાં સ્વજનો દ્વારા અગ્નિસંસ્કાર કરી નાખવામાં આવ્યો હોય છે અને અમારે સળગતી ચિતામાંથી તેઓના આત્માને લેવો પડે છે જેના કારણે અમારા હાથ દાજી જાય છે અને પરત ફરીએ છીએ ત્યારે તે માણસ તો મરી ગયેલો હોય જેથી કરીને તેઓને પણ અમારે અમારા ખભે બેસાડીને લઈ આવો પડે છે જેના કારણે અમે ખૂબ જ થાકી જઈએ છીએ"


                  ચિત્રગુપ્તે કહ્યું; "તો તમારે ચાલવામાં ઝડપ રાખવી જોઈએ ને, રસ્તામાં વાતો કરતાં કરતાં જાવ તો વહેલા ક્યાંથી પહોંચો?"


                    યમદૂતોએ પોતાનો પક્ષ રાખતાં કહ્યું; "એવું નથી મહારાજ, ખરેખર યમલોકથી પૃથ્વીલોક સુધી પહોંચતાં અમને ઘણો સમય લાગે છે અને ત્યારબાદ પૃથ્વીલોક પર ગયા પછી ત્યાં આપણું જીપીએસ ચાલતું નથી અને કોઈ માણસને સરનામું પૂછીએ તો તે પણ સાચું સરનામું જણાવતો નથી અને તમે આપેલા સરનામાં સુધી પહોંચવામાં અમને ઘણી વાર લાગી જાય છે."


                    ચિત્રગુપ્તે થોડીવાર ધ્યાન ધરી પોતાની દિવ્યશક્તિ વડે યમદૂતોની ફરિયાદ અંગે તપાસ કરતાં તેમની ફરિયાદ વ્યાજબી જણાતા એક ઉપાય આપ્યો, "જુઓ યમદૂતો તમારી વાત તો સાચી છે, પરતું આ અંગે હું તો કંઈ કરી શકું એમ નથી પરંતુ તમે એક કામ કરો."


                    તરત જ યમદૂતો એકી સાથે બોલી ઊઠ્યા, "શું? શું? બોલો મહારાજ, અમે લોકો શું કરીએ કે જેથી અમારી આ તકલીફ હળવી થઈ જાય?"


                    ચિત્રગુપ્તે યમદૂતોની જરા નજીક જઈ ધીરેથી કોઈ બીજું સાંભળે નહીં એ રીતે કાનમાં કહ્યું; "તમે લોકો એક કામ કરો, આપણા સૌના સ્વામી યમરાજને તમારી ફરિયાદ કરો અને તેમના વાહન માટેની માગણી કરો તો તમારો મેળ પડે."


                     ચિત્રગુપ્તના કહ્યા મુજબ યમદૂતોએ યમરાજને વિનંતી કરી. યમરાજે પણ તેઓની ફરિયાદની યથાર્થતા તપાસતાં તેમની ફરિયાદ ખરી જણાતા યમરાજે પોતાનું વાહન યમદૂતોને વાપરવાની પરવાનગી આપી.


                      યમદૂતોને પણ ત્રણેય લોકોમાં ચાલે તેવા લાઈવ જીપીએસ અને બીજી અત્યાધુનિક સગવડો સાથેનું જીવંત વાહન મળી જતાં તેઓ ખુશ થઈ ગયેલા. યમદૂતો યમરાજના પાડાને લઈને ચિત્રગુપ્તે આપેલા સરનામા મુજબ એડવોકેટ ખરેના ઘરે પહોંચી ગયા. પરતું તકલીફ ત્યાં થઈ કે અત્યાધુનિક સગવડો અને લાઈવ જીપીએસ વાડું યમરાજાનું વાહન સાથે હોવાના કારણે રસ્તામાં આવતી મુશ્કેલીઓનો સામનો કરવો ન પડ્યો અને દર વખત કરતાં ખૂબ જ વહેલા યમદૂતો જે તે જગ્યાએ પહોંચી ગયેલા જેથી કરીને સાથે લઈ જવાના માણસને હજુ મરવાની વાર હતી.


                      એડવોકેટ ખરે પોતાના ઘરમાં બેસી અને નાસ્તો કરી રહ્યા હતા અને કોર્ટે જવાની તૈયારી કરી રહ્યા હતા. એવામાં યમદૂતો ત્યાં આવી પહોંચ્યા

એડવોકેટ ખરેને આમ આરામથી નાસ્તો કરતા જોઈ બંને યમદૂતો અંદરોઅંદર હસવા લાગ્યા અને એકબીજાને કહેવા લાગ્યા, "અરે આ જો મૂર્ખ મનુષ્ય આરામથી બેસીને નાસ્તો કરે છે, એને કોણ સમજાવે કે એનો સમય અહીં પૂરો થઈ ગયો છે."


                      બંને એકબીજા સામે જોઇને હસ્યા અને પછી તેઓએ એડવોકેટ ખરેને કહ્યું; "ચાલ ભાઈ અમે તને લઈ જવા માટે આવ્યા છીએ, તારો અહીં પૃથ્વી પરનો સમય પૂર્ણ થઇ ગયો છે."


                       એડવોકેટ ખરે એ પોતાની નજર ઉંચી કરી અને જોયું તો સામે કાળા કલરના ધોતિયા પહેરેલ અને માથે તાંબાનાં બે પાડાના શિંગળા જેવા શિંગાળા વાળા મુંગટ પહેરેલ. કમરથી ઉપરના ભાગપર એક પણ વસ્ત્ર નહોતું જેનાં કારણે પોતાનાં મટકા જેવાં પેટ બહાર નીકળી ગયા હતા અને આરામથી જોઈ શકાય એમ હતાં. બંનેના હાથમાં પિત્તળની ગદાઓ અને ગળામાં એક એક નાની મોતીની માળા અને બાજુઓ પર સોનાના બાજુબંધ પહેરેલા બે જણ ઉભેલા હતા.


                    એડવોકેટ ખરે એ તરત કહ્યું; "તમે કોણ છો અને મને ક્યાં લઈ જવા આવ્યા છો અને શા માટે?


                    યમદૂતો એ તરત જ જવાબ આપ્યો, "અમે યમદૂતો છે. અમે તમને યમલોક લઈ જવા માટે આવ્યા છે. તમારો અહીં ધરતી પરનો સમય પૂર્ણ થતા અમારા સ્વામી ચિત્રગુપ્તે તમને અહીંથી લઇ જવાનો આદેશ કર્યો છે અને જેના આધારે અમે તમને અહીંથી પકડીને લઇ જવા માટે આવ્યા છે."


                     એડવોકેટ ખરે એ હસતા હસતા કહ્યું; "અચ્છા!, તો તમે મને પકડીને લઈ જવા આવ્યા છો તો તમારી પાસે ધરપકડનું વોરંટ છે?"


                      યમદૂતો એ ધરપકડ વોરંટ જેવો શબ્દ પહેલી વાર સાંભળતા બંને એકબીજા તરફ જોવા લાગ્યા અને એકબીજાને કહેવા લાગ્યા, "એ ધરપકડ વોરંટ એટલે શું?"


                      ત્યારે બીજા યમદૂતે માથું ખજવડતા ખજવડતા કહ્યું અરે પાગલ એ ધડ પકડી લઈ જવાનું કહે છે. ચાલ ચાલ ઉઠાવ જા."આટલું કહી બંને એડવોકેટ ખરેની બાજુમાં આવ્યા અને એમને ઉઠાવવા લાગ્યા ત્યારે એડવોકેટ ખરે તાડુકી ઊઠ્યા, "અરે પાગલો આ શું કરો છો તમે? તમને ધરપકડ વોરંટ બતાવવાનું કહ્યું અને તમે મારું ધડ પકડીને ચાલવા લાગ્યા, બંને પાસે મગજ જેવું છે કંઈ કે નહીં?"


                       બંનેએ એડવોકેટ ખરેને નીચે ઉતાર્યા અને પછી એકબીજા સામે જોઈ અને કહ્યું કે, "આ ધરપકડ વોરંટ એટલે શું?"


                      એડવોકેટ ખરે હસવા લાગ્યા અને કહ્યું;  "તો તમને ધરપકડ વોરંટ એટલે શું એ પણ ખબર નથી અને તમે મને પકડવા આવ્યા છો એમ? તમને ખબર છે કોઈપણ વ્યક્તિને પકડીને લઈ જવી હોય તો ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ૧૯૭૩ ની કલમ ૭૦ મુજબ તેની ધરપકડનું વોરંટ સાથે લઈ અને જવું પડે અને તેમાં કોર્ટના સહી સિક્કા થયેલા હોવા જોઈએ એ પહેલા તમે કોઈની ધરપકડ ના કરી શકો.


                     યમદૂતોને આ બધી વાતમાં સમજણ ન પડતા તેઓએ કહ્યું; "અમને આ બધી વાતની ખબર નથી અમને અમારા સ્વામીએ તમને લઈ જવા માટે આદેશ કરેલો છે અને અમારે તમને લઈ જવાના છે. તો ચાલો અમારી સાથે નહીંતર અમારે બળજબરી કરવી પડશે."


                      બળજબરી શબ્દ સાંભળીને વકીલ સાહેબનો પિત્તો ગયો અને તેમણે ઉંચા અવાજે કહ્યું; "એક તો તમારી પાસે કોઈ પ્રકારનું વોરંટ નથી, કે નથી કોઈ તમારા અધિકારીની સહી વાળો કોઈ આદેશ અને તમે મને બળજબરીથી ઉઠાવી જવાની ધમકી આપો છો? તમે મને ઓળખો છો? શહેરના નામી વકીલોમાનો એક હું એડવોકેટ ખરે. હું તમારા જેવાથી ડરતો નથી. હું તમને મારું ગેરકાયદેસર અપહરણ કરવા અને મને ધમકી આપવાના ગુનામાં તમને અંદર કરાવી દઈશ."


                      આટલું કહી ખરે સાહેબે પોતાના ખિસ્સામાંથી પોતાનો મોબાઈલ કાઢ્યો અને શહેરના ડીવાયએસપી સાહેબને ફોન લગાડ્યો અને કહ્યું; "ડીવાયએસપી સાહેબ, હું એડવોકેટ ખરે વાત કરું છું.  મારા ઘરે બે અજાણ્યા ઈસમો આવ્યા છે અને મને ગેરકાયદેસર રીતે પોતાની સાથે લઈ જવા દબાણ કરી રહ્યા છે. તેમની પાસે કોઈ પ્રકારનું પકડ વોરંટ કે કોઈ સરકારી આદેશ નથી તેમ છતાં તેઓ મને તેમની સાથે લઇ જવા માંગે છે અને આવું ન કરતાં તેઓ મને બળજબરી કરવાની ધમકી આપે છે. તમે ઝડપથી મારી ફરિયાદ લખો અને મને પ્રોટેક્શન પૂરુ પાડો."


                    ડીવાયએસપી  સાહેબ ફોન ઉપર જવાબ આપે છે; " તમે ટેન્શન ના લો. હું હમણાં જ ચુસ્ત બંદોબસ્ત સાથે તમારે ત્યાં પોલીસ જાપ્તો મોકલું છું."


                     પોલિસ આવે છે અને બંને જણને પકડી જાય છે સાથે યમરાજનો પાડો પણ લઈ જાય છે આ બધું પોલીસ સ્ટેશનને જઈને ડીવાયએસપી સાહેબને આ અંગેની તપાસ સોંપે છે ડીવાયએસપી સાહેબ એડવોકેટ ખરેની ફરિયાદ નોંધી પાડાને પાંજરાપોળમાં મૂકી આવવાનો આદેશ કરે છે અને તેને ચારા પુરાની વ્યવસ્થા કરવા પાંજરાપોળને આદેશ કરે છે તથા આ પકડાયેલા બંને ઈસમોને જરૂરી  કાર્યવાહી કર્યા બાદ ખુલતી કોર્ટે કોર્ટમાં હાજર કરવાની તજવીજ હાથ ધરે છે.આ તમામ કાર્યવાહી જોતા યમદૂતોના રેસ ઢીલા થાય છે અને તેઓ મનોમન યમરાજને યાદ કરે છે અને તેમને પૃથ્વીલોક પર આવવાનું અને પોતાને આ મુસીબતમાંથી છોડાવવા અરજ કરે છે.


                     ઘડિયાળમાં અગિયારના ટકોરા વાગ્યા અને ચેમ્બરના દરવાજાનો પડદો ખુલ્યો, અંદરથી એક ટીટ મકોડી જેવો માણસ આછા વાદળી કલરનો શર્ટ અને નેવી બ્લુ કલરનું પેન્ટ પહેરેલું હાથમાં લેપટોપ અને થોડાઘણી ફાઈલો સાથે બહાર આવ્યો. પોતાના પહેરવેશ પરથી પટાવાળો લાગતો હતો. શરીરે તો એટલો ભરાવદાર કે નરી આંખે હાડકા ગણી શકાય પરંતુ ચહેરા પરનો રુવાબ એવો કે જાણે પોતે જ આખી કોર્ટનો સાહેબ હોય. તેનાં શરીર પ્રમાણે જ એનું નામ પણ ટીટાભાઈ તેણે આવી અને ટેબલ પર લેપટોપ અને ફાઇલો ગોઠવી અને થોડી વારમાં સાહેબ પોતાની ચેમ્બરમાંથી કોર્ટમાં આવ્યા આ ટીટાભાઈએ ઈશારો કર્યો અને કોર્ટરૂમમાં બેસેલા બધા વકીલો અને બીજા માણસો ઊભા થઈ ગયા. ટીટાભાઈ એ ખુરશી ખેંચી અને સાહેબને એમાં બેસાડ્યા.. બધા ઊભા થયેલા પણ આ યમદૂતો ઊભા ન થયા એટલે સાહેબ કાંઈ કહે એ પહેલાં તો ચા કરતાં કીટલી ગરમ થઈ ગઈ હોય એમ આ ટીટાભાઈ તપી ગયા. અને સાહેબની પાછળ જ ઊભા ઊભા ઊંચા આવજે બોલ્યા "અલ્યા કોણ છે આ નોન સેન્સ! તમને ખબર નથી પડતી કે શું? સાહેબ અાવે ત્યારે ઊભા થવું જોઈએ?"


                    અચાનક તપી ગયેલા ટીટાભાઈને જોઈને જજ સાહેબે ત્રાંસી નજરે એમનાં તરફ જોયું. તો ટીટાભાઈ નજરો નીચી કરી બોલ્યા "સર એ તો એ ઊભા ના થયા એટલે કહ્યું"


                  જજ સાહેબે ટીટાભાઈને નજર અંદાજ કરીને આગળ બેઠેલા વકીલોને પૂછ્યું "કોણ છે આ ભાઈઓ અને અહીં કેમ લાવવામાં અાવ્યા છે?"


                 ત્યાં તો વકીલ શ્રી ખરે એ ઊભા થયા પોતાનો કાળો કોટ સરખો કરતાં આગવા અંદાજમાં બોલ્યા "નામદાર સાહેબ, આ માણસો પોતાને યમદૂતો તરીકે ઓળખાવે છે. અને તેઓ કહે છે કે મારો આ ધરતી પરનો સમય પૂર્ણ થઇ ગયો છે તેથી તેઓ મને લેવા આવ્યા છે તેમની પાસે કોઇપણ પ્રકારનું ધરપકડનું વોરંટ નથી કે કોઈ અધિકારીની સહી વાળો આદેશ નથી જેથી કરીને મેં તેમની સાથે જવાની ના પાડતા તેઓએ મને બળજબરીપૂર્વક ઉઠાવી લઈ જવાની ધમકી આપેલી. નામદાર સાહેબને મારી એટલી જ અરજ છે કે આ બંને ઇસમોને આકરામાં આકરી સજા કરવામાં આવે અને એક રિસ્પેક્ટેડ એડવોકેટને પોતાના જ ઘરમાંથી ઉઠાવી લઈ જવાની ધમકી આપવા બદલ તેમને યોગ્ય સજા કરી અને યોગ્ય ન્યાય કરવા આપ નામદાર સાહેબને મારી નમ્ર અરજ છે."


                  જજ સાહેબે એડવોકેટ ખરેની ધારદાર દલીલો સાંભળ્યા બાદ આરોપીને સાંભળવાનો મોકો આપતા કહ્યું; "તમે શા માટે એડવોકેટ ખરેને સાથે લઈ જવા માંગો છો? કોના આદેશથી લઈ જવા માંગો છો અને ત્યાં લઈ જઈને શું કરવા માંગો છો આ બધા પ્રશ્નોનો જવાબ તમે જાતે આપશો કે તમારો કોઈ વકીલ રાખેલો છે?"


                           યમદૂતો એકદમ શાંત અને નર્વસ ઊભા છે આમતેમ નજરો કરીને યમરાજને શોધે છે પરંતુ યમરાજ ક્યાંય દેખાતા નથી. પોતાને બચવાના કોઈ ચાન્સ ન જણાતા તેઓ જજ સાહેબને જવાબ આપે છે. અમે યમદૂતો છે.અમારા સ્વામી ચિત્રગુપ્તના કહેવાથી અમે આવ્યા છીએ અને અમે અમારી સાથે આ માણસનો જીવ લઈ જવા માટે આવ્યા છે."


                     જજ સાહેબ ફરી પ્રશ્ન કરે છે; "આ ચિત્રગુપ્ત કોણ છે અને તે તમને કોઈ માણસનો જીવ લેવા માટે કેવી રીતે કહી શકે? શું તમે લોકો સુપારી કિલર છો? તમે જાણો છો કોઈ પણ માણસનો જીવ લેવા માટે તેમનું ખૂન કરવાના ગુનામાં ipc કલમ 302 નીચે આજીવન કારાવાસ કે ફાસીની સજા થઈ શકે છે?"


                      જજ સાહેબની વાતો યમદૂતોના પલ્લે ન પડતાં તેઓ યમરાજને ફરી યાદ કરે છે અને તેઓને આ મુસીબતમાંથી બચાવવા માટે વિનંતી કરે છે.થોડી જ વારમાં શ્યામ વર્ણ અને ભરાવદાર શરીર, કમરથી નીચેના ભાગે સોનેરી કલરની સોનાના તારથી જડેલી ધોતી પહેરેલી અને ઉપરના ભાગે એક આડો ખેશ પહેરેલો બાકીનું શરીર એકદમ ખુલ્લું માથાપર બે શિંગડા વાળો સોનાનો મુંગટ પહેરેલો અને હાથો પર સોનાનાં બાજુબંધ અને ગળામાં હિરમોતીની માળાઓ એક હાથમાં સોનાની ગદા પકડેલી તો બીજા હાથમાં ચાબુક પકડેલું અને આ કદાવર માણસ કોર્ટરૂમમાં પ્રવેશે છે. તેને જોઈ બધાં તેનાં તરફ જોવા લાગે છે. જજ સાહેબ પણ આ માણસને જુએ છે.


                      ટીટાભાઈની નજર આવા અનોખા દેખાતા માણસ પર જતા તેઓ ફરી ઉકળી પડયા, "કોણ છે આ નાટક મંડળી? ક્યાંથી આવે છે? શું આને ખબર નથી પડતી કે કોર્ટરૂમમાં પરવાનગી વગર પ્રવેશ કરાય નહીં?" એમ બબડવા લાગ્યા.


                    દરવાજા બહાર બેઠેલા કોર્ટ ઓડલીને  ટીટાભાઈ બૂમ મારી બોલાવે છે અને કહે છે, "શું કરો છો તમે બહાર બેઠાબેઠા? તમને ખબર નથી પડતી? કોઈપણ વ્યક્તિ હથિયાર સાથે કોર્ટ રૂમમાં પ્રવેશી જાય છે તો તમને ત્યાં શું કરવા બેસાડેલા છે? જાઓ લઈ જાઓ બહાર આ નાટક મંડળી ને." અને પછી જજ સાહેબ સામે જોઈ અને ટીટાભાઈ કહેવા લાગ્યા; "સાહેબ, તમે જ આ લોકોને માથે ચડાવી રાખ્યા છે. પોતાની ફરજમાં જરા પણ ધ્યાન નથી આપતા. કોર્ટરૂમમાં કોઈ પણ વ્યક્તિ હથિયાર સાથે આવી જાય છે. હવે કોઈ પર હુમલો થાય તો કોની જવાબદારી?"


                    આ રીતે ટીટાભાઈ પોતાની જ કોર્ટમાં બધા વકીલો અને અસીલો સામે જજ સાહેબ ઉપર સવાલ ઉઠાવતા સાહેબનો પિત્તો ગયો અને તે ભડક્યા, "ટીટાભાઈ, મારી કોર્ટમાં મારે શું કરવું એનું મને ભાન છે. તમારે મને સલાહ દેવાની જરૂર નથી. તમે મારા સાહેબ નથી, હું તમારો સાહેબ છું. હવે પછી આવી ભૂલ થશે તો તમને શો-કોઝ નોટિસ આપવી પડશે. અને તમારી ઉપર કાયદેસરની કાર્યવાહી કરતાં જરા પણ નહીં ખચકાય."


                    ટીટાભાઈને પોતાની ભૂલ સમજાઇ જતાં તેઓ ખૂણામાં જઈને બેસી ગયા. જજ સાહેબે કોર્ટની આગળની કાર્યવાહી આગળ વધારી અને તેમણે પૂછ્યું કોણ છે આ ભાઈ અને શા માટે અહીં આવ્યા છે?


                     યમરાજને જોઈ બંને યમદૂતો ખુશ થઈ ગયા અને તેમને પગે લાગવા માંડ્યા અને કહેવા લાગ્યા; "પ્રભુ અમે તો તમારા ચિઠ્ઠીના ચાકર છીએ. તમારા કહેવા મુજબ અમે ધરતીલોક ઉપર આવ્યા છીએ અને તમારા કહેવા મુજબ જ આ માણસનો જીવ લઈ જવા અહીં આવેલા પરંતુ આ તે કેવી વિકટ પરિસ્થિતિમાં અમને ફસાવી દીધા? અને ફસાવ્યા પણ કેવા કે તમે બચાવવા પણ આટલા મોડા આવ્યા? "


                       યમરાજે યમદૂતો સામે આંખ કાઢી અને કહ્યું; "દુષ્ટો એક તો મારો પાડો લઈને તમે આવતા રહ્યા અને ઉપરથી 'ઊલટા ચોર કોટવાલ કો ડાટે'ની સ્થિતિએ તમે મને કહો છો કે મોડો આવ્યો! ચાલતા આવું તો વાર તો લાગે ને?"


                       યમદૂતો એ પોતે કરેલી ભૂલની માફી માંગી અને પોતાને આ વિકટ પરિસ્થિતિમાંથી ઉગારવા વિનંતી કરી.


                       યમરાજે કોર્ટ રૂમની મધ્યમાં આવી કહ્યું જજ સાહેબ હું યમરાજ છું. જેમ તમે અહીં માણસોએ કરેલાં સાચાં-ખોટાં, અને અપરાધોનો ઉચિત ન્યાય કરી અપરાધીને સજા અને નિર્દોષને ન્યાય કરો છો એ જ રીતે હું પણ યમલોકમાં રહી પૃથ્વી પર જ્યાં સુધી માણસ જીવે છે ત્યાં સુધી તેમણે કરેલા કર્મોના આધારે તેમનો ન્યાય કરી અને તેમણે કરેલા કર્મોના આધારે તેઓને યોગ્ય સ્થાન પ્રદાન કરું છું. જેમણે ખરાબ કર્મો કર્યા હોય એમને નર્કમાં અને સારા કર્મો કર્યા હોય એમને સ્વર્ગમાં સ્થાન આપું છું.


                         જજ સહેબે કહ્યું તમે જે હોય તે મને વાંધો નથી. આ વકિલ સાહેબે તમારા માણસો સામે બળજરીપૂર્વક અપહરણ અને ધમકી આપવાનો કેસ દાખલ કર્યો છે. તમારે એમને લઈ જવાના થતા હોય તો તમારે એ સાબિત કરવું પડે કે એને લઈ જવાનો તમને અધિકાર છે.


                         તરત વકીલ સાહેબ ઉભા થયા અને બોલ્યા, "નામદાર સાહેબ, હું ક્યારનો આ લોકોને એજ તો સમજાવતો હતો પણ એ લોકો માનતા જ નથી."


                           યમરાજે કહ્યું; "વત્સ આ તો જ્યારથી પૃથ્વીલોક અસ્તિત્વમાં અાવ્યો ત્યારથી આ નિયમ ચાલે છે. પરમપિતા બ્રહ્મા માણસને જન્મ આપે છે અને જ્યારે માણસનો પૃથ્વીલોક પરનો સમય પૂર્ણ થાય છે ત્યારે તેમને પરત લઈ આવવાનું કામ મને સોંપેલું છે જેથી કરીને આજે હું તને લેવા આવ્યો છું."


                      વકીલ સાહેબ તરત ઊભા થતાં કહ્યું; "નામદાર સાહેબ, હું આ મહાશય જે પોતાને યમરાજ તરીકે ઓળખાવે છે તેમને થોડા સવાલો કરવા માંગુ છું જો આપ નામદાર સાહેબની પરમિશન હોય."


                      જજ સાહેબે વકીલ સાહેબની પરમિશન ગ્રાન્ટેડ કરતા યમરાજને વિટનેસ બોક્સમાં આવવા કહ્યું.જેથી યમરાજ વિટનેસ બોક્સમાં આવ્યા અને વકીલ સાહેબ એ પોતાની ધારદાર દલીલો અને તીખા સવાલોનો મારો શરૂ કર્યો.


પ્રશ્ન -૧) તો તમે નામદાર કોર્ટને જણાવો કે તમે કોણ છો? અને ક્યાંથી આવો છો? તમારું નામ સરનામું લખાવો.

જવાબ:- યમરાજે ગરમ થતાં કહ્યું; હમણાં જ તો કીધું છે કે હું છું યમ અને યમલોકથી આવુ છું.


પ્રશ્ન -૨) એ વાત તો ખરી છે ને કે આ બંને ઈસમો તમારા આદેશ મુજબ કામગીરી કરે છે?

જવાબ :- હા


પ્રશ્ન -૩) એ વાત પણ ખરી છે ને કે આજ પણ એ બંને ઈસમો તમારા જ આદેશનું પાલન કરવા આવેલા?

જવાબ :- જી એ મારા... કહી યમરાજ આગળ બોલવા જતા હતા ત્યાંજ એડવોકેટ ખરે એ અટકાવતા કહ્યું; "તમને જેટલું પૂછવામાં આવે એનો જ જવાબ આપો હા કે ના માં." આટલું બોલી ફરી એજ સવાલ કર્યો અને હા કે ના માં જવાબ આપવા કહ્યું.


                    યમરાજે હા માં જવાબ આપ્યો.ત્યાં તો એડવોકેટ ખરે તરત જ રાજીના રેડ થઈ ગયા અને બોલ્યા, "જોયું નામદાર સાહેબ! આજ કહેવાતા યમરાજના કહેવા મુજબ આ લોકો મને લેવા આવેલા અને મારું અપહરણ કરવાની કોશિશ કરી. જેથી આપ નામદાર સાહેબને મારી નમ્ર વિનંતી છે કે આપ આ ત્રણેયને ખુબ જ આકરી સજા કરો અને એક દાખલો બેસાડો કે અપહરણ કર્તાઓ પણ આ જોઈને ક્યારેય આવો ગુન્હો કરવાની હિંમત ન કરે. ધેટ સોલ્વ માય લોર્ડ."


                "જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી યમરાજ કે યમદૂતો માણસના મર્યા બાદ તેમનો આત્મા લેવા માટે અાવે છે જયારે આ વકિલ સાહેબ હાલ જીવિત છે. જીવિત માણસને યમલોક લઈ જવાતો નથી એટલે તમે યમલોકના માણસો તો નથી. એવું પ્રથમ દ્રષ્ટિએ સાબિત થાય છે." જજ સાહેબે કહ્યું.


                 ત્યાં તો ટીટાભાઈ તરત બોલ્યા, "જોયું સર મેં નહોતું કહ્યું? આ બધા કોઈ નાટક મંડળીના માણસો છે. યમરાજનો વેશ લઈને એક કોર્ટ ઓફિસરને ઉઠાવવા અાવ્યા છે."

                 યમરાજે કહ્યું, " જજ સાહેબ એવું નથી, આ મારા યમદૂતો દર વખતે ચાલીને અાવે છે એટલે સમયસર પહોંચે છે, જ્યારે આ વખતે એ મારું વાહન લઈને અાવ્યા એટલે વહેલા પહોંચી ગયા."


                  એડવોકેટ ખરે ઊભા થઈને બોલવા જતા હતા ત્યાં જ એક ઉધરસ અાવી અને છાતીમાં દુઃખાવો થયો અને થોડી વારમાં એમનું પ્રાણપંખેરું ઉડી ગયું. યમરાજે જજ સાહેબને કહ્યું," હવે તો અમારો અધિકાર છે ને આ આત્માને લઈને જવાનો?

                 ટીટાભાઈ કંઈ બોલવા જતા હતા ત્યાં જજ સાહેબે આંખોં કાઢી અેટલે એ ત્યાં જ બેસી ગયા અને પછી યમરાજને કહ્યું, "આપ આપનું કાર્ય પુર્ણ કરી શકો છો."


                 યમરાજે યમદૂતોને એડવોકેટ ખરેને ઉઠાવવા કહ્યું અને પોતે પોતાનો પાડો લઈને નિકળી ગ્યા અને યમદૂતો એડવોકેટ ખરેને ખંભે મારી ચાલતા થયા.            


                - ભરત રબારી

       (માંગરોળ, જી. જુનાગઢ)        

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ