વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

આભેથી ખરતાં મોતી

આભે ચડી કાળી વાદળી રૂમઝૂમ વરસતી જોઉં,

મોતી ખરતાં આભેથી માટીમાં ઓગળતા જોઉં!

 

લીલા ડુંગરે ચાંદીની એક સેર સરકતી જોઉં,

આભા લઈ આંખમાં કુદરતની કારીગરી જોઉં!

 

આકાશે કડકે વીજળી જોઈ પળમાં ડરી જાઉં,

થઈ હું ગુપચુપ માતાના પાલવમાં સંતાઈ જાઉં !

 

રાતી ગાવલડી મામાની હળવેથી હથેળીમાં લઉં,

એના સુંવાળા સ્પર્શને આંગળીના ટેરવે મઢી દઉં!

 

કોળાતા કૂણાં કૂણાં તરણાની ઓથે લપાઈ જાઉં,

એના પર લટકાતું નાનકડું જળબિંદુ બની જાઉં!

 

મખમલી મેઘધનુષ પર લસરપટ્ટી રંગોની ખાઉ,

સાત રંગો ભરી વાદળમાં વર્ષા રંગેબેરંગી કરી દઉં!

 

નળિયેથી નીતરતી ધારમાં તોરણ મોતીના જોઉં,

મોતી ભરેલી માટીના મનગમતા કુબલા કરી લઉં!

 

બેસીને કાગળની હોડીમાં ભેરુ સંગાથે ફરી લઉં,

સુખનો પવન સઘળો હું એના સઢમાં ભરી દઉં!

 

આભે ચડી કાળી વાદળી રૂમઝૂમ વરસતી જોઉં,

મોતી ખરતાં આભેથી માટીમાં ઓગળતા જોઉં!

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ