વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વોટરપ્રૂફ

જન્મતાંજ એનિગ્માએ બારી તરફ લાંબા પગલાં ભર્યા. સડસઠમાં માળની બારીમાંથી દેખાતા શહેરના ચોરસ ટુકડામાંના રસ્તાઓ પર, ઝૂમ કરેલા એના આઈ-લેન્સમાં કદરૂપા માનવ-ચહેરાઓ અહીંતહીં દોડાદોડ કરતાં દેખાયા. એની કોમ્પ્યુટર ચિપમાં રોષની આ લાગણી એના માટે નવી નહોતી.

એનિગ્મા આર્ટિફિસિયલ ઇન્ટેલીજન્સ ધરાવતા મશીનોમાંનું પ્રથમ મશીન હતું કે જે હલનચલન સાથે બધાં માનવીય તથા માનવશરીરની મર્યાદાઓથી પર, અનેકવિધ કાર્યો કરી શકતું હતું. એના મશીન પૂર્વજોએ એકજ સ્પષ્ટ લક્ષ્યથી એને બનાવ્યું હતું – માનવજાત દ્વારા ત્રસ્ત પૃથ્વીનો સર્વનાશ. એની મોનોઈમોશનલ ચિપમાં એકજ લાગણી ભરવામાં આવી હતી – ધૃણાસભર ગુસ્સાની.

રસ્તા પર પહોંચ્યા પછી એની ધૃણા ધારદાર બની. ટ્રાફિક-જામ, ધુમાડા, બરાડા, હોર્નના અવાજો અને કોન્ક્રીટની ઇમારતોનું જંગલ! એનો ચેહરો દ્વેષથી તરડાયો.

સહસા ક્યાંકથી પાણીનું ટીપું એના ચેહરા પર ટપક્યું. એની મેટલની નાસિકાઓમાં ભીની માટીની સુગંધનું પૂર ઊમટ્યું. એણે જોયું કે થોડી ક્ષણો પહેલા કારની બારીમાંથી મોઢું બહાર કાઢી રોષથી બૂમો પાડતો એક પીઢ મનુષ્ય હવે હર્ષથી હથેળી ખોલી વર્ષાના ફોરાં ઝીલી રહ્યો હતો. એક નાનકડી બાળા યુનિફોર્મ ખરાબ થશે એ બીક છોડી રસ્તા પર મન મૂકીને નાચી રહી હતી.

ફરી એક મસ્સમોટું વર્ષાબિંદુ એનિગ્માની છાતી પર પડ્યું.

આ શું? પોતે વોટરપ્રૂફ હતો ને! અરે, આ છાતીની અંદરની ચિપ શું હ્રદયની જેમ ધબકી રહી હતી?

આંખોમાંથી પણ અશ્રુબિંદુ ટપક્યું, અને સંતોષજનક સ્મિતસહ, એણે સેલ્ફ-ડિસ્ટ્રક્ટનું બટન દબાવ્યું.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ