વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ડિમેન્શિયા

આજે સમયસર ઓફિસે પહોંચી ગઈ હતી, બોસનો ઠપકો પણ નહોતો સાંભળવો પડેલો, બાજુમાં બેસતી મહિમાનું દયા દાખવતું સ્મિત પણ નહોતું સહન કરવું પડેલું, છતાં મન બહુ બેચેન હતું. કારણ નહોતું પકડાતું. હા, યાદ આવ્યું, આજે સવારે દવા લેવાનું ભૂલી ગયેલી. આ મન પણ કેવું વિચિત્ર હોય છે ને. મને અઢી વર્ષથી ડિમેન્શીયા લાગુ પડયો છે. ડૉક્ટર કહે છે કે મારા મગજના તંતુઓ નબળા પડી ગયા છે. જેને કારણે હું રોજબરોજની વાતો ભૂલી જાઉં છું. એની દવા મારે રોજ સવારે લેવાની હોય. આજે ઉતાવળે હું એ દવા લેવાનું જ ભૂલી ગઈ. હવે મારું ભુલકણું મન મને યાદ કરાવે છે કે હું દવા લેવાનું ભૂલી ગયેલી. મને કોઈકવાર એ જ નથી સમજાતું કે ખરેખર મને કશુંક થયું છે કે હું જાણીજોઈને અમુક બાબતો પ્રત્યે બેદરકાર થતી જાઉં છું. 

ડેસ્ક પર પડેલ ફોટોફ્રેમને સરખી ગોઠવી એમાં હસી રહેલ વિનીનો હસતો માસૂમ ચહેરો જાણે મને કહી રહ્યો હતો, ‘રિલેક્સ મોમ, આવી નાની નાની વાતોમાં બહુ ટેન્શન નહીં લેવાનું. નાળિયેર પીવાનું અને જલ્સા કરવાના.’ વિનીને યાદ કરતાં જ મન હળવું થઈ ગયું. એ એક જ તો મારા જીવનનો આધાર સ્તંભ છે. એના માટે જ તો હસું છું, એના માટે જ તો જીવું છું. નહીંતો સિધ્ધાર્થની અકાળે વિદાય જાણે મારા જ કારણે થઈ હોય, એમ માનતા સાસરીયાઓ અને પ્રેમ લગ્નને કારણે છેડો ફાડી ચૂકેલા પિયર સાથે તો વર્ષો પહેલા જ ઋણાનુબંધ સમાપ્ત કરી દીધેલો. 

સિધ્ધાર્થ જતાં જતાં અમારા માટે એક કામ બહુ સરસ કરી ગયેલો, જે આ ત્રણ રુમ, કિચનના નાનકડા બંગ્લાની લોન પૂરી ભરપાઈ કરી દીધેલી. જેથી આજે મારે કે વિનીને રહેવા માટે કોઈ સામે નજર નથી દોડાવવી પડતી. પરંતુ ખાલી ઘર મળ્યે ક્યાં જીવન વીતી જતું હોય. વિનીની સ્કૂલ ફી, ઘર ખર્ચ અને અન્ય ખર્ચાઓ માટે મારે કમાવું તો આવશ્યક જ હતું. હવે તો વિની પણ કોલેજમાં જતી થઈ ગઈ. ત્રણ વર્ષમાં તો એને પણ વળાવી જ દેવી પડશે. પછી ફરી એકલતાની આ ઘેરી ભીંસ. સિધ્ધાર્થ વિના પણ જીવન તો પસાર થઈ જ રહ્યું છે ને. વિની વિના પણ જીવી લઈશું. 

ઘણીવાર મમ્મીની વાત યાદ આવી જાય છે, જીવતરમાં એકલા જ આવ્યા હતા અને જશું ત્યારે પણ એકલા જ હોઈશું. તો પછી આ મોહના બંધનમાં બંધાઈને આગળનો રસ્તો કેમ કઠિન કરવો. પણ સ્ત્રીનો અવતાર લીધો છે, તો આ બંધનોને ફગાવ્યા વિના ચૂપચાપ નિભાવી જશું તો જ આપણો છૂટકો છે. આજકાલ મમ્મીની બહુ યાદ આવે છે. ખબર નહીં આ વિચિત્ર મન કેમ ભૂલવા જેવી વાતો યાદ રાખી રહ્યું છે. આજે દવા નથી લીધી એનો જ પ્રભાવ લાગે છે. હવે કાલથી એ દવા પર્સમાં જ રાખવી પડશે. એટલે ભૂલવાની ચિંતા નહીં. 

લંચ બ્રેકમાં મહિમા મોટું ટિફિન લઈ પાસે આવતા બોલી, “રાધિકા, મને ખબર છે. આજે પણ તું ટિફિન ભૂલી ગઈ છો. ચાલ કેન્ટીનમાં. આજે ભીંડા અને અથાણું લાવી છું. વઘારેલો ભાત પણ છે.”

વાહ ભીંડા તો વિનીના ફેવરીટ. કેટલા દિવસથી ભીંડા નથી બનાવ્યા. કાલે ભીંડા જ બનાવીશ. વિની પણ ખુશ થઈ જશે. આ કસ્ટમર કેર વાળા જરાપણ નથી જંપવા દેતા. ગમે ત્યારે ફોન કરીને પરેશાન કર્યા કરે છે. ફરી એક નવો નંબર! 

“હલો! આપ કોણ બોલો છો?”

“મેડમ, હું ઈન્સ્પેકટર સંજય રાવત બોલું છું. તમારે અડધો કલાક માટે મોગરવાડી પોલીસ સ્ટેશને આવવું પડશે.” સામેના છેડેથી અવાજ આવ્યો અને ફોન કટ થઈ ગયો.

*** 

“મહિમા, કોઈ ઈન્સ્પેકટર સંજય રાવતનો ફોન હતો. મને પોલીસ સ્ટેશને બોલાવી છે. કોણ હશે એ? મને કેમ બોલાવી હશે? મારે વિનીને ફોન કરવો પડશે. આજે ફરી મને ઘરે પહોંચતા મોડું થઈ જવાનું.”


“રાધિકા, તું વિનીને ફોન કરવાનું રહેવા દે. હું આવું છું તારી સાથે પોલીસ સ્ટેશને. તું શાંતિથી જમી લે. બોસ પાસે આપણાં બંનેની અડધા દિવસની રજા લઈ લઉં છું.” મહિમા હાથ ધોતા બોલી. 


આ મહિમા પણ મારી કેટલી કાળજી રાખે છે. સારું છે કે ઘરે વિની અને ઓફિસે મહિમા મારું બધુ સંભાળી લે છે. નહીંતો આ ડિમેન્શિયા તો મને બધુ ભુલાવી દે છે. સાંજે ઘરે જતી વખતે પાર્સલ લઈને જવું પડશે. પાંવભાજી અને પુલાવ ચાલશે. આ વિનીને કેટલી વાર કહ્યું કે થોડી ઘણી રસોઈ બનાવતા શીખી જા. જ્યારે હું નહીં હોઈશ, ત્યારે કોણ બનાવીને ખવડાવશે? સાસરે જશે ત્યાં કોઈ રોજ બહાર ખાવા નહીં લઈ જાય. પણ વિની સિધ્ધાર્થ જેવી જ જિદ્દી છે. એક જ વાત કરતી રહે કે બસ મને ભણવા દે. સારી ડિગ્રી હશે તો સારા પગારની નોકરી મળશે. પછી રસોઈયો રાખી લેવાનો. હવે આ વિનીને કોણ સમજાવે કે રસોઈયો ભલે ગમે એટલું સારું ખાવાનું બનાવશે, પણ ખાધેલાનો સંતોષ તો ત્યારે જ થાય જ્યારે બનાવનારના હાથનો પ્રેમ એમાં ભળેલો હોય. પણ નવી જનરેશનને આવી શિખામણ આપવાનો કોઈ ફાયદો નથી. 


“રાધિકા, રજા મળી ગઈ છે. પંદર મિનિટમાં કેબ આવી જશે. તું જરા પણ ચિંતા નહીં કરતી. બધુ સરખું થઈ જશે. એ લોકોને ફક્ત તેં જ જોયેલા છે. એટલે તું આ કેસની મહત્વની સાક્ષી છે. બરાબર યાદ કરીને ઓળખવાની કોશિશ કરજે. હું તારી સાથે જ હોઈશ.” મહિમાએ ખભે હાથ મૂકી આશ્વાસન આપતા કહ્યું. 


પણ શું સરખું થઈ જશે? મેં કોને જોયા છે? ખબર નથી મહિમા શું બોલ્યા કરે છે. એવું જરુરી થોડું છે કે પોલીસ સ્ટેશને બોલાવે એટલે કોઈ ક્રાઈમવિટનેસ જ હોય. ઓહ, હા યાદ આવ્યું. સિધ્ધાર્થ ઘણીવાર કહેતો કે એનો કોલેજનો એક મિત્ર હવે પોલીસ ખાતામાં નોકરી કરે છે. એનું નામ શું કહ્યું હતું સિધ્ધાર્થે? કશું યાદ નથી આવતું. આ સંજય રાવત તો સિધ્ધાર્થનો ફ્રેન્ડ નહીં હોય? પોલીસ સ્ટેશને જઈને જ ખબર પડશે હવે. વિનીને એક મેસેજ તો કરી જ દઉં કે આજે ફરી થોડું લેટ થશે. એ પણ બિચારી સાંજ પછી ઘરમાં એકલી રહીને કંટાળી જાય છે. પણ આ મારી બાર થી નવની જોબ. હું પણ શું કરું? વિની માટે જ તો જોબ કરું છું. 


“ચલ રાધિકા, તારું પર્સ લઈ લે.” મહિમા ઓફિસેથી બહાર નીકળી કેબમાં બેસતા બોલી.


આ શહેર જરા પણ નથી બદલાતું. બસ ભાગતું જ રહે છે. જ્યારે સિધ્ધાર્થ સાથે ભાગી હતી, ત્યારે આ શહેરે અમને કેટલી ગતિ આપી હતી. એ સમયે કાળીપીળી ટેકસીઓ દોડતી હતી અને આજે અલગ અલગ કલરની આવી કેબ દોડે છે. વિની ઘણીવાર કહે છે કે એક ટુ વ્હીલર લઈ લઈએ. એને પણ કોલેજ લઈ જવા ચાલે. પણ મારું મન નથી માનતું. એકલી છોકરીને કેવીરીતે ગાડી પકડાવી દઉં? કશે પડી આખડી તો? કોઈ એને ઠોકી ગયું તો? એ જ તો હવે મારો આધાર છે. ના બાબા ભલે એ ગુસ્સે થતી. બસમાં જાય એ જ સારું છે. એની સહેલીઓની સાથે સલામત તો ખરી. 


આ પોલીસ સ્ટેશન પહેલા જોયું હોય એવું લાગે છે. યાદ કેમ નથી આવતું? મારે વિનીને જ પૂછવું પડશે. આ ડિમેન્શિયા!


“ગુડ ઈવનિંગ મિસીસ જોશીપૂરા. હવે તમારી તબિયત કેમ છે?” પોતાની ચેર પર બેસેલ ઇન્સ્પેક્ટરે ફાઈલમાંથી માથું કાઢી પૂછ્યું. 


લે મને શું થયું છે? આ ઈન્સ્પેકટર મને ઓળખે છે. ચાલો કોઈ મોટો પ્રોબ્લેમ તો નહીં હોય. મહિમા સાથે છે એટલું સારું છે. જ્યારે લગ્ન પછી પપ્પાએ સિધ્ધાર્થ વિરુધ્ધ ફરિયાદ લખાવેલી, ત્યારે પહેલીવાર પોલીસ સ્ટેશને આવતા જ કેટલું ડરી ગયેલી. પણ આટલા વર્ષે હવે એટલો ડર નથી લાગતો. 


“મિસીસ જોશીપૂરા, તમારા કેસમાં ઘણો પ્રોગ્રેસ છે. અમે અપરાધીઓ સુધી પહોંચી જ ગયા છે. હું તમને કોમ્પ્યુટર પર થોડા ફોટા બતાવીશ. તમારે ધ્યાનથી જોઈને, બરાબર યાદ કરીને એમને ઓળખવાના છે. તમારી માનસિક હાલત જોતાં અમે એમને રુબરુમાં તમારી સામે નથી લાવતા. જો થોડી પણ ચૂક થઈ ગઈ, તો અપરાધી છટકી જશે. તમે મારી વાત સમજો છો ને?” ઈન્સ્પેકટર ભારપૂર્વક મને સમજાવી રહ્યો હતો.


“કોના ફોટા છે આ બધા?” મને સાચે યાદ નહોતું આવતું કે ઈન્સ્પેકટર મને કેમ આવા અજાણ્યા લોકોના ફોટા બતાવે છે. 


“એમને આ બીમારી ક્યારથી લાગુ પડી?” ઇન્સ્પેક્ટરે મહિમાને પૂછ્યું. 


“જ્યારથી-“ મહિમાએ સૂચક નજરે ઈન્સ્પેકટરને કશું સમજાવ્યું.

*** 

સારું થયું મહિમા મને ઝડપથી પોલીસ સ્ટેશનની બહાર લઈ આવી. મને કંઈ જ નથી સમજાતું. મહિમા પણ મારાથી કશુંક છુપાવતી હોય એવું લાગે છે. એ બે ફોટો જોયેલા હોય એવા લાગતા હતા. પણ એમને ક્યાં જોયા હતા? કંઈ યાદ નથી આવતું. દેખાવમાં તો ડાહ્યા લાગતા હતા બંને. એમની ફોટો પોલીસ પાસે કેમ પહોંચી ગઈ હશે? મારે વિનીને જ પૂછવું પડશે. કદાચ એ જાણતી હોય એમને. મારે શું? ઇન્સ્પેક્ટરે તો મને પૂછ્યું કે આમાંથી કોઈને જોયા છે? તો એ બંને થોડા જાણીતા લાગ્યા એટલે આંગળી ચીંધી દીધી. પણ ઈન્સ્પેકટર પણ બહુ વિચિત્ર નીકળ્યો. એ બંને કોણ છે એમ પૂછ્યું, તો કશું બોલ્યા વગર કેવો મને તાકી રહ્યો હતો. 


આજે જ આ બસને પણ મોડું થવાનું હતું? વિની ભૂખી નહીં સૂઈ ગઈ હોય તો સારું. મેગી બનાવતા તો એને આવડે છે, એટલે વાંધો નહીં. કાલથી તો જલ્દી ઘરે પહોંચવું જ પડશે. નહીંતો મેડમ તરત જ રિસાઈ જશે. સારું છે કે ઘરની એક્સ્ટ્રા કી મારા પર્સમાં રાખી છે. આજે તો એણે ખાઈ લીધું હશે, તો પણ સામે બેસાડીને થોડી વાતો કરવી જ છે. આજે ફરી રસોડાની લાઈટ ચાલુ રાખીને ભૂલી ગઈ લાગે છે. આ છોકરી પણ મારી જેમ ભૂલકણી થવા લાગી છે. 


આજે ફરી પોતાના રુમમાં જ ઊંઘી ગઈ. એને કેટલીવાર કહ્યું કે મારી બાજુમાં સુવાનું રાખ. મને ઘણીવાર ઊંઘ જ નથી આવતી. એ સામે દેખાય તો મનમાં શાંતિ લાગે છે. સિધ્ધાર્થના ગયા પછી મારી સાથે જ સુવાડું છું, પણ હવે પોતાને મોટી સમજવા લાગી છે. જાતે નિર્ણયો કરવા લાગી છે. હવે યુવાનીમાં પ્રવેશેલી દીકરીને કેટલું ટોકી શકું? ભલે એની જિંદગી જીવતી. 


હવે થાક લાગે છે. આજે તો ઓફિસમાં ખાસ કામ પણ નહોતું કર્યું. તો પણ? બીજે કશે ગયેલી? કશું યાદ નથી આવતું. ભૂખ નથી લાગી. આ પાંવભાજી ફ્રીઝમાં જ મૂકવા દે. કાલે સવારે કામવાળીને આપી દઇશ. વિનીએ દૂધ રાખ્યું હોય તો સારું. દૂધ સાથે દવા લઈ લઈશ. હાશ, દૂધ તો છે. વિની મારી એટલી તો કાળજી રાખે જ છે. 


ત્રણ કલાક બાદ


ઓહ, આ તો વિનીનો અવાજ. શું થયું વિની? કોણ છે? મને તો કોઈ અવાજ નથી સંભળાયો! તું જ વિન્ડો ઓપન કરીને જોઈ લે ને. મને બહુ ઊંઘ આવે છે.


અરે વિની શું થયું? કોણ આવ્યું છે બહાર? ઊભી રહે વિની, હું આવું છું. તું દરવાજો નહીં ખોલતી. અરે કોણ છો તમે બંને? અડધી રાત્રે અમારા ઘરમાં કેવીરીતે ઘૂસી ગયા? અરે આ શું કરો છો? છોડી દો મારી વિનીને. શું જોઈએ છે તમને? પ્લીઝ વિનીને છોડી દો. તમને પૈસા જોઈએ છે? ઊભા રહો, મારી પાસે થોડા પૈસા છે એ લઈ લ્યો. મારી દીકરીને છોડી દો. આ મારી બંગડી પણ લઈ લ્યો. વિનીને ઉપર કેમ લઈ જાઓ છો? અરે એનું માથું ભટકાયું! વિની- તમારા પગે પડું છું. વિનીના માથે લોહી નીકળે છે. પ્લીઝ એને છોડી દો. મને- આગળ નહીં આવતા! મને નહીં મારો પ્લીઝ! આહહ! 


વિનીનો હાર ચઢેલો ફોટો પોતાની માતાની હાલત જોઈ રડી ઉઠયો. કાશ એકવાર એની મા હૈયું ખોલીને રડી લે. અઢી વર્ષથી એની માતા દરેક વસ્તુ ભૂલી ગઈ છે. એ પણ ભૂલી ગઈ છે કે એની વ્હાલસોયી વિની પણ-


બીજા દિવસે સવારે


વાહ આજે ઓફિસ સમયસર પહોંચી ગઈ. બોસનો ઠપકો પણ નથી સાંભળવો પડયો. મહિમા આજે પહેલીવાર આટલી ખુશ લાગે છે. મારી સામે જોઈને કેમ એની આંખો ભીની થઈ ગઈ?  હું કઈંક ભૂલી ગઈ હોય એવું લાગે છે. ઓહ, આજે ફરી મારી દવા લેવાનું ભુલાઈ ગયું. આ ડિમેન્શિયા!

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ