વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ખાપણ


ખાપણ


***************


"મને ખાપણ તો તારા હાથનું જ ખપે.. જોજે ને ! હું તારી મોયર થઈ જઈહ, તારે હાથે જ મારે દાહ લેવો સે.."


દેવીના આવા શબ્દો જ્યારે પણ ખીમો સાંભળતો ચિડાય જતો...


"તારી તો વાતું જ આવી હોય, મરવાની વાતું ન કરતી હોય તો. દિ'માં એક વાર તો તારે આવું બોલવું જ જોયી. હું કાયમ તને ના પાળુ કે મને આવી મઝાક નથી ગમતી. આવી વાતું કરવી હોય તો મારી વાયટ નો જોતી. હું ઘર સોડીને વયો જાવ. તને હમજાવવું જ ખોટું સે..."


છણકો કરી ખીમજી બાર નીકળી ગયો. દેવી પાછળ પાછળ રતિની અવતાર સમી કામદેવ જેવા ખીમાને મનાવવા ભાગી. બાર ઓસરીની કોરે જ ઢોલિયા ઉપર બોદરઆતો હુક્કો ગડગડાવતો બેઠો હતો. દેવી તો ભાન ભૂલી દોડી ત્યારે બોદરાઆતાએ ખોંખારો ખાઈ, મૂછમાં જ હસતા વહુવારુને યાદ દેવડાવ્યુ કે પોતે બહાર બેઠા છે. દેવી તરત જ ઓઢણું માથે ઓઢી દરવાજેથી જ પાછી વળી ગઈ.


બોદરાઆતા વહુ અને દીકરાનો મીઠો ઝઘડો સાંભળી મનમાં જ હરખાય. ભગવાન બંનેની જોડી આવીને આવી રાખે એવી મનોમન અરજ પણ કરતા જાય. કારણ કે જોડી ભાંગ્યાની પીડા પોતે વર્ષોથી ખમી રહયા હતા. ખીમો ત્રણ વર્ષનો હશે જ્યારે એની મા એને મૂકીને બીજી સવાવડમાં જ ઈશ્વર પાસે જતી રહી હતી...


ગામ આખાના બોદરાઆતા કહેવાતો બોદર પત્ની વગર જ જુરપાની ઝીંદગી કાઢી રહ્યો હતો. હજી તો ખીમાના દુધિયા દાંત પણ નતા ઉગ્યા ત્યાં તો એની મા એને રોતો મૂકીને ભગવાનના ધામમાં જતી રહી હતી બોદર અને એની પત્ની પણ સારસબેલડી જ હતા. કોણ જાણે કોની નજર લાગી ગઈ ને બાઈ, બાપ દીકરાને નોંધારા મૂકી ચાલી નીકળી. બોદરને એ દિવસ યાદ આવ્યો જે દિવસે પત્નીની નનામી બંધાતી હતી. ગામ આખું ચર્ચાએ ચડ્યું હતું કે બોદર હવે શું કરશે ? હજી તો દેહને મુખાગ્નિ નતી દેવાઈ ને ગામમાં વાતો થઈ કે બોદરે બીજા લગ્ન કરી લેવા જોઈએ. બોદર તો હતપ્રભ જેવો બહાવરો શો ઉભો હતો. એને તો વિશ્વાસ ન હતો આવતો કે જે સપના એણે અને ખીમાની માએ જોયા હતા એ હવે સપનું જ રહી જવાના હતા. એક તો બાઈ ને એના પેટમાં જ અંકુરિત થતું બાળક બંને નતા રહ્યા. બોદરની કાને અવાજ અથડાયો,


"બોદર, તું ઘરમાં વયો જા, હવે વોવને કાઢવાનો વખત થ્યો સે, જા તું અંદર, હું બારે ધોરું પનીયું બાંધી દવ સુ..."


હજી તો હમણાં જ તાજી બનેલી ઘટના હોય એમ બોદર બધું નજર સામે થતું જોઈ રહ્યો. મન ભૂતકાળની ગલીઓ ફંફોસી રહ્યું હતું ત્યાં તો વહુએ આવીને બોદરની તંદ્રા તોડી,


"બાપા ! રોટલો ને દૂધ મુયકા સે, વ્યારા (સાંજનું ભોજન) કરી લ્યો, તમારા દીકરાને આવતા વાર લાગહે.."


બોદર પણ સમજી ગયો કે વહુને આજે દીકરાને મનાવવાનો બાકી છે તો ભેગા ખાતા ખાતા મનામણા કરશે બેય. કઈ પણ બોલ્યા વગર બોદરાઆતા ઢોલિયેથી ઉતરી. તાંહરી ભરીને દૂધ ને ભાત્યુંવાળો ઘીથી લહબહ રોટલો ખાવા બેઠા. સંતોષનો ઓડકાર ખાઈને બોદરાઆતા ઢોલીએ લંબાવ્યા. આજે આંખોમાં ઊંઘ ન હતી. ભૂતકાળે બરાબરનો પગપેસારો કર્યો હતો. ફરી યાદ તાજી થઈ...


પોતે વડીલને કઈ બોલે ઇ પેલા તો ફરી હાથ પકડીને એક દાઢીયારો પોતાને ઘરમાં ખેંચતો ચાલ્યો. બોદર બરાબર સમજતો હતો કે પોતાને કેમ ઘરમાં લઈ જવામાં આવે છે. બારે દરવાજે ધોરું લૂગડું બાંધવાનો મતલબ પણ બરાબર સમજતો હતો. બોદરે હવે સામું જોર કર્યું. જે દાઢીયારો ઘરમાં લઈ જતો હતો એ ઉભી ગયો. બોદરે કહ્યું,


"માણહ મયરૂ સે કઈ મઝાક નથી, જન્દગી જેની હાયરે કાઢી ઈ માણહને હવે આમ સેલી ઘડીએ થોડું મુકાય. બાઈની ચિતાને સેહ હું જ આપીહ. ને મારે પૈણવુંય નથી હવે, હાંભરી લેજો બધાય...."


જાજી વાતે ગાડા ભરાય એમ સમજી ગામ આખું બોદરની વાતને માની આગળ હાલ્યું. બોદરે દીકરાને કાખમાં ઘાલી બાઈને મુખાગ્નિ આપી. જોનારને લાગ્યું કે બોદર એક જ દિવસમાં જુવાન મટી પીઢ થઈ ગયો. ત્યારથી એ ગામ આખાનો બોદરોઆતો થઈ ગયો....


ભૂતકાળને ઓશીકે બાંધીને જ બોદર ગાઢ નિંદ્રામાં સરી પડ્યો. મળસકે જાગ્યો ખીમાને ક્યાંય જોયો નહિ એટલે વહુને પૂછ્યું,


"વોવ બટા ! ખીમો કઈક વધારે રિહાણો લાગે. બટા મા વનાનો મેં મોટો કયરો અટલે બોવ ગમ ન પડે ઇ ને. તમી તો પીઢ માણહ. તમારાથી રિહ ન લેવાય. મારો જીવથીય વ્હાલો ખીમો ભુયખો-તયરસો ક્યાંય ભમતો હયસે. મા વનાનો સે અટલે થોડોક ઝીદી સે, કોઈ કઈ કીધું નથ કોઈ દી. મેં લાડ પણ વધુ કયરા સે એટલે ઇને સીધું માઠું પણ બોવ લાગી જાય સે. મને તો બીક લાગે સે હવે રિહમા ને રિહમાં કાક કઈક અવરુ પગલું ન....."


વહુ સસરાને સાંભળી રહી. બપોર થયા તોય ખીમો આવ્યો નહિ એટલે સસરો ને વહુ બંને મુંઝાયા.


દેવી ને બોદરાઆતા બેય ખીમજીને ગોતવા નિકળા. ખેતર, સીમ, ગામ બધું ફરી વળ્યાં પણ ક્યાંય ખીમો મળ્યો નહિ. રાત પડી ને દેવી એકલી પડી. ખીમજી હજી કેમ આવ્યો નહિ એ ગ્લાનિ અને સસરાના ઠપકાથી દેવીને અફસોસ થયો. ખીમાએ કઈક અવળું પગલું ભર્યું તો નહીં હોય ને ! એ કે'તો ગયો હતો કે ફરી નહીં આવે તો ક્યાંક... એમ સમજી દેવીએ જીભ કરડી જીવ કાઢી નાખ્યો. 


આ બાજુ ખીમાને જૂનો મિત્ર મળી ગયો હતો તો એણે કસમ દઈ ખીમાને રોકી રાખ્યો હતો. સવાર પડતા ખીમો આવીને જુએ ત્યાં તો જીવ વિનાનું ખોળિયું પડ્યું છે. ગામમાં વાત ફેલાઈ ને ગામ આખું ભેગું થયું..


ખીમજી દેવીના શબ્દો યાદ કરી રડતો હતો. પાસે ઉભેલા બધા ડાઘુઓ જોઈ રહ્યા. આ કેવો મરદ છે જે આમ બાયુની જેમ રોવે છે. ભલભલા કઠણ કાળજાનો માણસ પણ ઢીલો ઢફ થઈ પડે ખીમાનો વલોપાત જોઈને.


ઓઢો જામ ને હોથલ પદમણી પાછા અવતાર લે ને જેવી મીઠપ ઈ બેય વચ્ચે હોય એવી મીઠપ હતી ખીમજી ને દેવી વચ્ચે. સારસબેલડી જોઈ લ્યો. આવી સારસબેલડી આજ દૈવયોગે વીંખાઈ ગઈ હતી...


બોદરોઆતો તો પોતાના ભાગ્યને કોસતો લમણે હાથ રાખી બેઠો છે. પોતે તો એકલે ઝીંદગી કાઢી હવે ખીમાને એમ નહિ કરવા દવ એમ વિચારી બોદરઆતા ઉભા થયા. વલોપાત કરતા ખીમાનો હાથ પકડી એને ઘરની અંદર પૂર્યો. બાર સફેદ પનીયું બાંધી સગાવહાલાઓને કહ્યું કે,


"હાલો ! વોવના દેહને સેહ હું આપીહ. મેં તો એકલે ઝન્દગી કાઢી હવે મારા ખીમાને નથી કાઢવા દેવી..."


અંદર ખીમો છાતી કૂટતો રાડો નાખતો રહ્યો,


"બાપા, મારી દેવીની સેલી ઈસા હતી કે હું જ એને સેલું ખાપણ ઓઢાળુ, ને હું જ એને દાહ આપું, બાપા સેલીવાર એને જોઈ લેવા દયો. પસી કઈ નઈ માંગુ. બાપા આ બાયણું ખોલો.. ધોરું લૂગડું ભલે બાયનધુ. મને બારો કાઢો. તમે કેહો એમ જ કરીહ. પણ દેવીની ઈસા પુરી કરી લેવા દયો..."


આટલી વેદના છતાં કોઈએ દરવાજો ન ખોલ્યો.. રિવાજ મુજબ પતિને બીજા લગ્ન કરવા હોય તો એને પત્નીના દેહને અગ્નિદાહ ન આપી શકાય. એ સ્મશાને ન જઈ શકે. ખીમાનો વલોપાત રિવાજ પાસે નાનો લાગ્યો. કોઈ એની મદદે ન આવ્યું...


દેહને અગ્નિશરણ કરી ડાઘુઓ ઘરે આવ્યા. ખીમાનો અવાજ ન આવ્યો તો કોઈએ સાંકળ ખોલી. ત્યાં તો........  રિવાજ સાથે સારસબેલડીનો પ્રેમ પણ સચવાઈ ગયો હતો....



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ