વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રકૃતિ અને મેઘ



કેવો વિરોધાભાસ ! તમારું નામ પ્રકૃતિ, પણ કોણ જાણે કેમ તેનાં જ એક અભિન્ન અંગ મેઘ માટે  અણગમો. મોટાભાગનાં લોકોની પ્રિય વર્ષાઋતુ તમારી અણગમતી.


શાળામાં ભણતાં ત્યારે  વરસાદની ઋતુમાં શાળાએ ન જવું પડે એનાં બહાનાં શોધતાં અને કોલેજમાં તો એવાં બહાનાંની પણ જરૂર ન પડતી, ઈચ્છા થાય ત્યારે લેક્ચર બંક.


કોલેજ પત્યાં પછી તમે નોકરી ચાલુ કરી અને પંદર-વીસ દિવસમાં ચોમાસાનો એ પહેલો મૂશળધાર વરસાદ. મમ્મી-પપ્પાને એવું જ હતું કે આજે તો તમે ઓફિસ નહીં જાવ, પરંતુ આ શું ! તમે રોજનાં સમયે તૈયાર થઈ ઓફિસ જવા નીકળ્યાં. અચંબિત થયેલાં મા-બાપને સમજાવી દીધું કે નવીસવી નોકરીમાં વરસાદને કારણે રજા ના પડાય ને !


ધોધમાર વરસાદમાં રેઈનકોટ ચઢાવી કાઈનેટિક લઈ ઘરથી દસેક કિલોમીટર દૂર આવેલી ઓફિસ જવા નીકળ્યાં. પાણી ભરાયેલાં  રસ્તાઓ પરથી જેમતેમ કરીને ઓફિસ પહોંચ્યાં.  આવાં વરસાદી માહોલમાં ઓફિસ જવાનું  એકમાત્ર કારણ તમારાં સિવાય કોઈને ક્યાં ખબર હતી, પ્રકૃતિ !


ઓફિસે પહોંચીને.તમારાં સહકાર્યકર મેઘની એક ઝલક જોઈને તમે ખુશ થયાં તો એ જ સમયે મેઘને અન્ય સહકાર્યકારો સાથે પરિવાર વિશે વાત કરતો સાંભળી તમે સ્તબ્ધ થઈ ગયાં. તમને અણગમતો વરસાદ માનીતો મેઘ બનતાં બનતાં રહી ગયો!


એ જ રાત્રે તમે ડાયરીમાં ટપકાવ્યું, "મેઘનાં આગમને પ્રકૃતિ ખીલી ઊઠે છે, પણ હું તો.... કેવો વિરોધાભાસ !"


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ