વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ઝાંઝરી કે પગની બેડીઓ?


શીર્ષક -ઝાંઝરી કે પગની બેડીઓ


          મિરાલીની મમ્મી જશુબેન મિરાલીની સાસરી તરફથી આવેલા ઘરેણાઓ બધાને બતાવી રહ્યાં હતાં. એકની એક દીકરી ખૂબ લાડકોડથી ઉછેરેલી, એની સગાઈ પર આવેલા ઘરેણાઓ જોઈને ઘરમાં બધાં ખુશ થઈ ગયાં.


    મિરાલીના સાસુ-સસરા પણ ખૂબ જ સારા માણસો હતાં. તેઓ પણ મિરાલીને પોતાની દીકરી સમાન ગણી અને મિરાલીને પહેરવા માટે કાનની સોનાની બુટ્ટી, હાથમાં પહેરવાની સોનાની બંગડી, પગમાં પહેરવા માટે ઝાંઝરી અને નાકની બાલી સાથે અનેક જોડી કપડાં પણ લાવેલા.


     મિરાલીના દાદીના કહેવાથી બધાની વચ્ચે બેસાડી અને મિરાલીને તેમની સાસરી તરફથી આવેલા ઘરેણાં પહેરાવવામાં આવ્યાં અને આ પ્રસંગ સુખેથી પાર ઉતર્યો.


    બીજા દિવસે "મિરાલી... ઓ...મિરાલી...ક્યાં મરી ગઈ આ છોડી..."એમનાં દાદી બરાડા પાડી રહ્યાં હતાં.


   "આ રહી દાદી, અહીં જ છું. આ નાહીને અાવી અેટલે વાળ ઝાટકું છું" મિરાલીએ જવાબ વાળ્યો.


   "તને કંઇ ભાન બાન પડે છે કે નહીં? આ તારી સાસુ બે દિવસ પહેલાં આ ઝાંઝરી આપીને ગઈ અને એ બાથરૂમમાં પડી છે જો" દાદી ગુસ્સે થતાં બોલ્યાં.


    "હાય...હાય... મિરાલી બેટા આ શું? તમારી ચીજો હવે સાચવતાં શીખો હવે આપડે નાનાં નથી રહ્યાં. તારી સગાઈ થઈ ગઈ છે કાલે સાસરે જઈશ તો ત્યાં તારી સાસુ શું કહેશે? કે મા એ આવું જ શીખવાડ્યું છે?" કહેતાં જશુબેન પણ તેને વઢવા લાગ્યાં.


"પણ મમ્મી હું નહાતી વખતે મારી ઝાંઝરી ત્યાં જ મૂકું છું." નિરાલીએ નિર્દોષ ભાવે કહ્યું.


"પણ બેટા હવે આ નાં ચાલે આ તારી સાસરીમાંથી આવેલી ઝાંઝરી છે એને સાંચવવી પડે બાકી તારી સાસુને ખબર પડે તો શું કહે?" જશુબેને કહ્યું.


"શું કહે? મેં કાંઈ તોડી નાંખી છે? અને આ પહેલા મારા પપ્પા એ આપેલી ઝાંઝરી પણ હું ત્યાં જ મૂકતી હતી, ત્યારે તો કોઈ કંઈ નાં બોલ્યું. હવે શું થયું? એ મને ઝાંઝરી આપી ગયા છે કે પગની બેડીઓ? નથી પહેરવી મારે કોઈ ઝાંઝરી હું મારા પપ્પાએ આપેલી ઝાંઝરી જ પહેરીશ" આટલું કહી અને તે પોતાના રૂમમાં ચાલી ગઈ


- ભરત રબારી

(માંગરોળ, જી. જુનાગઢ)

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ