વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

તાલિબાન 2.0

               અફઘાનિસ્તાનના માથા પર પાછલા બસો વર્ષથી જે ટેગ લાગેલું છે એ આજે ફરી એક વખત સાબિત થઈ ગયું. "The Graveyard of empires." જેમ આપણું ભારત "સોને કી ચિડિયા" તરીકે ઓળખાતું એમ અફઘનિસ્તાન બે સદીથી સામ્રાજ્યોનું કબ્રસ્તાન મનાય છે. આપણે બધા જાણીએ છીએ કે 15 ઓગસ્ટ 2021 ના રોજ જ્યારે આપણે સ્વાતંત્ર્યદિનની ઉજવણી કરી રહ્યા હતા ત્યારે તાલિબાને અફઘાનિસ્તાનને ગુલામ બનાવી દીધું! એ વાત અલગ છે કે રશિરયા, ચીન અને પાકિસ્તાન જેવા દેશો આ ગુલામીને સ્વતંત્રતાનું નામ આપે છે. આ સમાચારથી આખા વિશ્વમાં જૉ બાઇડન અને તાલિબાન બન્નેની ભરપૂર આલોચના થઈ રહી છે. જે રીતે આ સમાચાર આગની જેમ ફેલાયા છે એ જોતા શું થયું અને ક્યારે થયું? એ વાતથી તો લગભગ બધા લોકો વાકેફ થઈ જ ચૂક્યા હશે. તો ચાલો આજે અફઘાનિસ્તાન અને અમેરિકાની આવડી મોટી આધુનિક હથિયારધારી આર્મી સામે તાલિબાન જીત્યું કઈ રીતે? આખરે ક્યાં ચૂક થઈ? શું ભુલ થઈ? હવે જ્યારે ત્યાંના પ્રમુખ જ દેશ છોડીને ભાગી ગયા છે ત્યારે અફઘાનિસ્તાનમાં તાલિબાન સામે બાથ ભીડે એવું કોઈ રહ્યું છે કે કેમ? અને હવે આગળ શું થઈ શકે?  એ વિશે ચર્ચા કરીએ.


                 પસ્તૂન ભાષામાં તાલિબાનનો અર્થ થાય છે - વિદ્યાર્થી. ઈ.સ. 1994 માં અફઘાનીસ્તાનના પસ્તૂન વિસ્તારના મદરેસામાં ભણાવતા મુલ્લા ઓમાર નામના એક વ્યક્તિએ આ સંગઠનની રચના કરી. ઓમારે પચાસેક જેટલા વિદ્યાર્થીઓને સાથે લઈને આ હથિયારધારી સંગઠન બનાવ્યું. પાછળથી પાકિસ્તાન ભાગેલા કેટલાક અફઘની લોકો પાછા આવ્યા ત્યારે એ પણ તાલિબાન સાથે જોડાયા. આ પાછળથી જોડાએલા લોકો વધારે કટ્ટર હતા. ધીમેધીમે બહારથી મદદ મળતી ગઈ એમ એમની ગેંગ મોટી થતી ગઈ અને ઈ.સ. 1996 માં એમણે અફઘાનિસ્તાનની સત્તા પોતાના હાથમાં લઈ લીધી. એ વખતે અફઘાનિસ્તાનમાં પ્રતિબંધિત વસ્તુઓનું એક આખું લાંબું લીસ્ટ હતું. જેમ કે, ટી.વી, સિનેમા, ક્રિકેટ, સંગીત, ફૂટબોલ, ચિત્રકામ વગેરે. સ્ત્રીઓ માટે બુરખો પહેરવો અને પુરુષો માટે દાઢી રાખવી ફરજીયાત હતું. દસ વર્ષથી મોટી છોકરીઓને ભણવા પર પણ પ્રતિબંધ હતો. સ્ત્રીઓ માટે નોકરી કરવાનું દૂર પણ ઘરના કોઈ પુરુષ સભ્યને સાથે લીધા વગર ઘરની બહાર નીકળવા પર પણ પ્રતિબંધ! આવા આકરા પ્રતિબંધોની સાથે એ લોકો આતંકવાદી સંગઠનોને પણ સપોર્ટ કરતા. એટલે જ અમેરિકામાં 9/11 ના હુમલા પછી લાદેન અહીં આવીને છૂપાયેલો. તો એનું પગેરું મેળવીને બદલો લેવા માટે અમેરિકાએ પણ ઈ.સ. 2001 માં અફઘાનિસ્તાનમાં ઘામા નાંખ્યા. અને તાલિબાન શાસનનો ખાત્મો બોલાવ્યો.

                    આગળ કહ્યું એમ મોટામોટા સામ્રાજ્યોના કબ્રસ્તાન એવા અફઘાનિસ્તાનની સરજમીન પર આજ સુધી જેટલી પણ મહાસત્તાઓએ પગ મૂક્યો છે એ બધાએ આખરે પોતાનું નાક કપાવ્યે જ છૂટકો કર્યો છે! પણ એ ઇતિહાસની વાતો હવે પછીના લેખ પર છોડીને આગળ વધીએ. આ સમગ્ર ઘટનાથી એક સવાલ પેદા થાય કે આખરે અમેરિકા જેવી મહાસત્તા પાછી પાની કેમ કરી ગઈ? અને માત્ર પંચાસી હજાર તાલિબાન લડાકુ ત્રણ લાખના સૈન્ય સામે જીત્યું કઈ રીતે? 8 જૂલાઇના રોજ 'ત્રણ લાખ જવાનોની સેના સામે પંચાસી હજાર તાલિબાનો નહીં જીતી શકે.' એવું કહીને પત્રકારો સામે પોરસાતા બાઇડન પણ આખરે છેલ્લી ઘડીએ ખસી ગયા! હકિકતમાં તો ફેબ્રુઆરી 2020 માં જ્યારે ટ્રંપ સરકારે તાલિબાન સાથે શાંતિ મંત્રણા શરૂ કરી ત્યારથી જ અફઘાનિસ્તાનની સત્તા તાલિબાનના લલાટે લખાવાનો ઘાટ ઘડાવાનો શરૂ થઈ ગયેલો. નવાઈની વાત તો એ છે કે જે ટ્રંપની નિતિઓનો અમલ બાયડન સરકારે ચાલુ રાખ્યો, એ જ ટ્રંપની પાર્ટી આજે એ જ મુદ્દા પર બાયડન સરકારનું રાજીનામુ માંગે છે! રાજનીતિમાં તો આવું થતું જ રહે છે. અમેરિકાએ છેલ્લા 20 વર્ષમાં અફઘાનિસ્તાન પર 2 ટ્રિલિયન ડૉલરનો ખર્ચ કરી નાંખ્યો હતો. ખરેખર તો હવે વધારે ખર્ચ એમને પોસાય એમ નહોતો. અવારનવાર જનતા પણ અવાજ ઉઠાવતી કે, એ લડાઇ લડવા આપણે શું કામ જઈએ જે આપણી છે જ નહીં! હા, જ્યાં સુધી લાદેન પાસેથી 9/11 નો બદલો નહોતો લેવાયો ત્યાં સુધી તો હજુ પણ ત્યાં રહેવું વાજબી હતું. પણ હવે લાંબુ ખેંચવાનો કોઈ મતલબ નહોતો. સૈન્ય હટાવવા બાબત ચર્ચાની શરૂઆત ભલે ટ્રંપ સરકારે કરી હોય પણ આ બાબતમાં સૌથી મોટી અને પ્રથમ ભૂલ બાઇડન સરકારે કરી - અમેરિકન સૈન્ય હટાવવાની તારીખ જાહેર કરવાની. એમણે વટાણા વેરી નાંખ્યા કે, 9/11 ની વીસમી વરસી પહેલાં અમે સૈન્ય હટાવી લેશું. એક તો ઈ.સ. 2020 ની દોહાની સમજૂતી વખતથી પહેલાંથી જ ખબર હતી કે એક વર્ષમાં સૈન્ય હટી જશે તો તૈયારી  કરવાનો પૂરતો મોકો મળી જ ગયેલો ઉપરથી બાઇડનભાઈએ ફિક્સ તારીખ પણ આપી દીધી. હમણાં છેલ્લે પણ એમણે તારીખ આપેલી કે 30 ઓગસ્ટ સુધી અમે સૈન્ય નહીં હટાવીએ. અફઘનિસ્તાનની જનતા અને વિશ્વના દેશોને પણ વિશ્વાસ હતો કે કમસેકમ 30 તારીખ સુધી તો કંઈ થવાનું જ નથી. પણ બધા આશ્ચર્ય વચ્ચે એ પહેલાં જ તાલિબાને દેશની સત્તા પર કબજો જમાવી લીધો!


                  વિશ્વભરના દેશોને અંદેશો તો હતો જ કે વહેલાંમોડા તાલિબાન અફઘાનિસ્તાન પર કબજો જમાવશે. પણ આ કામ આટલી જેટગતિએ થશે એવું  તો સ્વપ્નમાં પણ નહોતું વિચાર્યું. અમેરિકા તો પોતાના ફાયદા-નુકશાન મુજબ નિર્ણય કરે પણ અફઘાનિસ્તાન સરકાર? તાલિબાનના કબજા પાછળ બીજુ કારણ હતું અફઘાનિસ્તાનની ભ્રષ્ટ સરકાર અને અધિકારીઓ. જે ત્રણ લાખ જવાનોની આર્મી ગણાતી હતી એ માત્ર કાગળ પર જ હતી. હકિકતમાં સેનામાં કદાચ એનાથી અડધા જવાનો માંડ હશે! ત્રણ લાખ જવાનો માટે મળતી અમેરિકન સરકારની મદદ અધિકારીઓના ખિસ્સામાં જતી. તો પાછલા કેટલાંય મહિનાથી આર્મીના જવાનોના પગાર પણ નહોતા થયા, અમુક વિસ્તારોમાં તો એમને જમવાની સુવિધા પણ નસીબ નહોતી થતી. આવી પરિસ્થિતિમાં જવાનોમાં લડવાનો જુસ્સો કેવો હશે એ કલ્પી શકાય છે. તો સામે તાલિબાનીઓ પણ આ જવાનોને શરણાગતિ માટે મનાવવામાં સફળ રહ્યા. જવાનોને મેસેઝ કરીને ઓફર આપવામાં આવતી આત્મસમર્પણ કરીને અમારી સાથે જોડાઈ જશો તો તમે અને તમારો પરિવાર પણ સુરક્ષિત બચી જશે. પૈસા પણ ઓફર કર્યા. હવે જ્યારે મહિનાઓથી પગાર ન મળતો હોય, સરકાર ધ્યાન ન આપતી હોય અને ઉપરી અધિકારીઓ ભ્રષ્ટ્રાચાર કરતા હોય એ સ્થિતિમાં ગમે એવા સૈનિકનું મનોબળ તૂટી જાય. તો ઘણા જવાનો તો આ રીતે ધીમેધીમે તાલિબાન સાથે પણ જોડાતા ગયા. જેમ જેમ અલગઅલગ વિસ્તારો પર કબજો કરતા ગયા તેમતેમ એની સાથે નવા જવાનો પણ જોડાતા ગયા. એ સિવાય કબજે કરેલા વિસ્તારની જેલના કેદીઓને પણ પોતાની સેનામાં સામેલ કરતા. કહેવાય છે કે છેલ્લે જ્યારે એમણે કાબુલ પર કબજો કર્યો ત્યારે  પંચાસી હજારનું સૈન્ય બે લાખ જેટલું વિશાળ થઈ ગયું હતું. આખા દેશમાં અલગ અલગ વિસ્તારોમાં ફેલાયેલી અફઘાનિસ્તાનની આર્મીને યોગ્ય વ્યવસ્થાના અભાવે તાત્કાલિક મદદ મળવી પણ મુશ્કેલ હતી. દૂરની કોઈ ટુકડીની મદદ પહોંચે એ પહેલાં વિનાશ વેરાઈ ચૂક્યો હોય! આ બધું શરૂ થયા પહેલાં છેલ્લા એક વર્ષમાં તાલિબાને અફઘાનિસ્તાનના એરફોર્સ અને એના પાયલોટોને ટાર્ગેટ કરીને ખોખરા કરી નાંખ્યા. એટલે હવે હાલની આ મુસીબત સમયે એ પણ કામ ન આવ્યા. બીજી તરફ કબજે કરેલા વિસ્તારોમાં આર્મી જે આધુનિક હથિયારો અને વાહનો છોડી ગઈ એ ધીમેધીમે કબજે કરવા લાગ્યા. તો આ તરફ આર્થિક મદદ માટે તો રશિયા અને ચીન ખડેપગે  હતા જ. પણ એમની પોતાની આવકનો મૂળ સ્ત્રોત હતો અફીણની ખેતી. અફઘાનિસ્તાનમાં ઊગતા અને વેચાતા અફીણના આખા માર્કેટ પર એનો સંપૂર્ણ કંટ્રોલ હતો. તો આવી કેટલીક બાબતો હતી જે તાલિબાનને મજબૂત બનાવતી ગઈ અને અફઘાનિસ્તાન સરકારને કમજોર.


                   જે થવાનું હતું એ તો થઈ ગયું, પણ હવે શું? ટૂંક સમયમાં તાલિબાન અફઘાનિસ્તાનના નવા પ્રમુખનું નામ જાહેર કરશે. આમ તો ઘણા બધા નામો ચર્ચાઈ રહ્યા છે પણ જે સૌથી વધારે ચર્ચામાં છે અને પ્રમુખપદની દાવેદારીમાં કોઈ પ્રથમ નંબરનું નામ ગણવું હોય તો એ છે - અબ્દુલ ઘની બરાદર. ઈ.સ. 1968 માં જન્મેલો અબ્દુલ બરાદર એંસીના દાયકામાં જ્યારે સોવિયેત સંઘે અફઘાનિસ્તાન પર હુમલો કર્યો હતો ત્યારે મુઝાહિદીન સંગઠનમાં સામેલ થયો હતો. ત્યારે એની ઉંમર માંડ બારેક વર્ષની હશે. આગળ જતાં એની મુલાકાત તાલિબાનના સ્થાપક મુલ્લા ઓમાર સાથે થઈ અને બન્ને જીગરજાન મિત્ર બની ગયા. કહેવાય તો એવું પણ છે કે એ બન્ને સાઢુભાઈ પણ હતા. બન્નેના લગ્ન બે સગ્ગી બહેનો સાથે થયેલા. આ વાતમાં કેટલી સચ્ચાઈ છે એ તો એ બે જ જાણે પણ એ બન્નેની દોસ્તી પાક્કી હતી એટલું પાક્કું. એ બન્ને સાથે મળીને જ તાલિબાનની સ્થાપના કરી હતી. ઈ.સ. 1996 થી 2001 સુધી જ્યારે તાલિબાનના હાથમાં સત્તા હતી ત્યારે અબ્દુલ ઘની બરાદર ઉપ-રક્ષામંત્રી હતા. કહેવાય તો એવું પણ છે કે ઈ.સ. 2001 માં જ્યારે અમેરિકાએ અફઘાનિસ્તાન પર ચડાઈ કરી ત્યારે મુલ્લા ઓમારને છુપવા માટે પહાડો સુધી બાઇક પર લઈ જનાર પણ આ બરાદર જ હતો.

 

                   હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે તાલિબાન 2.0 નું શાસન કેવું હશે? શુ એ પહેલાં જેવું જ હશે કે પછી આ નવા વર્ઝનમાં કોઈ નવા અપડેટ કે સુધારા આવશે? સત્તા પર કબજો જમાવ્યા પછી 17 ઓગસ્ટના રોજ જ્યારે પ્રથમ વખત તાલિબાનના નેતાઓ મિડિયા સમક્ષ પ્રગટ થયા તો એમણે શાંતિપૂર્વક અને સાથે મળીને સરકાર બનાવવાની વાત કરી. એમણે કાનૂન વ્યવસ્થા જાળવી રાખવાનો ઇરાદો વ્યક્ત કર્યો. એમણે કહ્યું કે અમે કોઈ સાથે કોઈપણ જાતનો બદલો નહીં લઈએ, ડરવાની બિલકુલ જરૂર નથી. સ્ત્રીઓને ભણવાની અને શરિયત કાનૂન અનુસરીને નોકરી પર જવાની પણ છૂટ આપવાની સુફિયાણી વાતો કરી. કદાચ આ બધું બસો અને ટ્રોનોની જેમ પ્લેનની બારીઓમાં ટીંગાઈને પણ દેશ છોડી જતી જનતાને રોકવા માટે કહ્યું હોય. વાત માન્યામાં આવી એવી છે પણ નહીં. હવે, કુતરાઓ કહે કે અમારી પૂંછડીઓ હવે સીધી થઈ છે અને વાંદરાઓ કહે કે અમે ગુલાંટ મારવાનું ભૂલી ગયા છીએ તો કોઈ માને ખરું? આગળ એમણે ભારત માટે પણ તટસ્થ વલણ દર્શાવતા કહ્યું, કાશ્મીર એ ભારત-પાકનો અંગત મામલો છે અમારે કંઈ લેવાદેવા નથી. તાલિબાન એક તરફ એકતા અને શાંતિની વાતો કરી રહ્યું છે અને બીજી તરફ એના લોકોએ હજારા સમુદાયના નેતા અબ્દુલ અલી મઝાહનું સ્ટેચ્યુ તોડી પાડ્યું! તો સ્ત્રીઓને કામ કરવાની છૂટ માટે પણ આવા જ વિરોધાભાસ જોવા મળ્યા. આખરે મૂળ તો તાલિબાન એ કોઈ સુવ્યવસ્થિત રીતે ચાલતી કોઈ સંસ્થા નથી કે કોઈ એક નેતાના બયાનનું શબ્દશ: પાલન થાય. એવું પણ બને કે ઓફિસમાં બેઠેલા નેતાઓ કંઈક બીજુ જ કહેતા હોય અને બહાર ગ્રાઉન્ડ લેવલ પરના જવાનો પોતાની આગવી રીતે શાસન ચલાવતા હોય. મતલબ કે એમના કોઈપણ બયાન પર બિલકુલ વિશ્વાસ મૂકી શકાય એમ નથી.


                  આ બધા માઠા સમાચારો વચ્ચે આશાની કિરણ સમાન એક રાહતના સમાચાર એ છે કે અફઘાનિસ્તાનની ધરતી પર તાલિબાનના દાંત ખાટા કરી શકે એવું એક સંગઠન હજુ પણ સાબૂત છે. ઈ.સ. 1996 માં પણ આ સંગઠને તાલિબાનને જરા સરખી પણ મચક નહોતી આપી. આજે પણ નોધર્ન એલાયન્સનો જ્યાં કબજો છે એવા પંજશીર રાજ્યમાં એક પણ તાલિબાની ઘૂસી શક્યો નથી. જી હા, આ આખુ રાજ્ય હજુ પણ તાલિબાનની પહોંચની બહાર છે. અફઘાનિસ્તાનના ઉત્તર ભાગમાં આવેલા આ પંજશીરમાં આજે પણ નોર્ધન એલાઇન્સનો ઝંડો જ ફરકે છે. આ સંગઠનની સ્થાપના અહમદ શાહ મસૂદે ઈ.સ. 1996 માં કરી કરી હતી. શરૂઆતમાં આ તાજિક નામની જાતિના લોકોનું સંગઠન હતું. આગળ જતાં અન્ય જાતિઓ પણ જોડાઈ. આજે આ સંગઠનનું નેતૃત્વ અહમદ શાહના પુત્ર અહમદ મસૂદ કરી રહ્યા છે. જે આજે પોતાના પિતાના રસ્તે ચાલવા માટે સજ્જ છે. અફઘાનિસ્તાનની આર્મીના જીવતા બચેલા અને શરણાગતિ ન સ્વીકારનાર સૈનિકો પણ આજે પંજશીરમાં જ આશરો લઈને બેઠા છે. તો હવે આ બધા સાથે મળીને તાલિબાનને હંફાવી શકે છે. તો આ તરફ અફઘાનિસ્તાનના ઉપરાષ્ટ્રપતિ અમરુલ્લા સાલેહ પણ  પંજશીરમાં છે અને લડી લેવાના મૂડમાં છે. એમનો પણ દાવો છે કે રાષ્ટ્રપતિના ગયા બાદ હું જ દેશનો વડો ગણાઉં. તો એક રાહતના સમાચાર પંજશીરની પાડોશમાં આવેલા બગલાન રાજ્યમાંથી પણ આવ્યા. ખૈર મોહમ્મદ અંદરાબીના નેતૃત્વમાં બગલાન રાજ્યના ત્રણ જીલ્લાઓ પુલ-એ-હસાર, દેહ સલાહ અને ક્સાનનો કબજો તાલિબાન પાસેથી પાછો મેળવી લેવાયો છે. આ મૂઠભેડમાં લગભગ ચાલીસ જેટલા તાલિબાનીઓ મૃત્યુ પામ્યા અને પંદર જેટલા ઘાયલ થયા. આ પછી તો તાલિબાને નોર્ધન એલાયન્સથી ડરીને એની સાથે શાંતિ મંત્રણા શરૂ કરી દીધી. પણ અહમદ મસૂદે સાફ શબ્દો એમની આ સમજુતીનો અસ્વીકાર કર્યો છે. આથી તાલિબાનના કેટલાક જવાનો પંજશીરમાં ઘૂસ્યા, પણ જેવા એ ઘૂસ્યા કે નોર્ધન એલાઇન્સે પાછળનો રસ્તો બ્લોક કરી નાંખ્યો. મતલબ હાલમાં તો હવે એ લોકો ત્યાં જ ફસાઈ ગયા છે.

                     નોર્ધન એલાઇન્સનું સૈન્ય ખાસ બહું મોટું નથી કાયદેશર તો આઠેક જવાનો જ છે. હા, પાછળથી આર્મીના જવાનો જોડાય તો એનું કદ વધી શકે છે. તો પણ તાલિબાનના વિશાળ સૈન્ય સાથે આમને-સામને મુકાબલો કરવા તો આ સૈન્ય ટૂંકું જ પડે. એટલે જ અત્યારે  નોર્ધન એલાયન્સને આસપાસના દેશોના સપોર્ટની તાતી જરૂર છે. ઈ.સ. 1996 માં પણ ભારત સહિત આસપાસના ઘણા દેશોએ એમને પૂરેપૂરો સપોર્ટ આપ્યો હતો. આજે પણ જો એવો સપોર્ટ મળે તો બની શકે કમસેકમ અફઘાનિસ્તાનનો ઉત્તર તરફનો ભાગ તો આ સંગઠનના હાથમાં આવી જ જાય. આગળ જતાં ભવિષ્યામાં કદાચ અફઘાનિસ્તાનના બે ટુકડા પણ થાય. જેમાં ઉત્તર અફઘાનિસ્તાન આખું આ સંગઠનના હાથમાં આવી જાય. ભારતને આ સંગઠનને સપોર્ટ કરવામાં ફાયદો પણ છે. લાંબાગાળે જો ઉત્તર અફઘાનિસ્તાન આ સંગઠનના હાથમાં આવી જાય તો કાશ્મીરની સરહદ આ વિસ્તારમાં જ આવી જાય અને તાલિબાન સાથે સરહદી છેડો પણ ફાટી જાય.




ભગીરથ ચાવડા

bhagirath1bd1gmail.com

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ