વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મેઘાણી ની રઢિયાળી રાત પુસ્તક અને ઢેલી બેન

ઝવેરચંદ મેઘાણી નું  " રઢિયાળી રાત " પુસ્તક સમર્પિત ઢેલી બહેન પોરબંદર વિસ્તાર નું બગવદર ગામે મેઘાણી બે દિવસ રોકાયેલા એમના શબ્દો અને સાહિત્ય પોતે લખી પુસ્તક એમને નામે અર્પણ કર્યું એ પ્રસંગ ઢેલી બહેન ને રુબરુ મળ્યા એ વાત ને પુષ્ટિ કરતા અહીં રજૂ કરું છું.



ઝવેરચંદ મેઘાણી ના સૌરાષ્ટ્રમાં  ચારણ રબારી અને આહીર સહ મેર કોમ કે જે પોરબંદર વિસ્તાર અનેક ગામડાઓ વશે છે એમની સાથે પણ સ્મરણો મળી આવ્યા છે સાથે સાથે ત્યાં ખેતીવાડી માં નોકરી ઘઘા માં જોડાયેલા અબોટી,બરડાઈ બ્રાહ્મણો પણ છે જે બાકાત નથી .

બગવદર ગામમાં મેર ઢેલી બહેન ને ત્યાં મેઘાણી આવેલા બે દિવસ રોકાયા અને ત્યાંથી પગપાળા બખરલા ગયેલા જ્યારે મોઢવાળા કિડરખેડા વિગેરે ગામે અબોટી બ્રાહ્મણ અને બરડાઈ બ્રાહ્મણો પણ હતા સૌને મેઘાણી નો લાભ અને વાર્તાલાપ સાપડેલો એમને દરેક લોકને મળવા નું ભાષા બોલી અને એનું અનુકરણ સહેજે ઘયાન હતુઁ ત્યાં મહેર કોંમની બોલી થી એમણે ગીતો પણ ગજવ્યા અને રંગતાળી રાત આખી ગાન અને રાસ લીલા પણ કરેલી.


ઢેલી બહેન ઘરે રોકાયેલા એ પ્રસંગ અહીં આપને રજૂ કરતા વતન પોરબંદર અને બગવદર મારા પિતાશ્રી, મોઢવાળા  વડા બાપુ મુળુંભાઈ શિંગડીયા વિગેર સહ હતા .....

 


શત શત નમન 


પોરબંદરના એક મેરાણી ઢેલીબહેન સાથે પોતાની એક મુલાકાતને યાદ કરીને ઝવેરચંદ મેઘાણીએ લખ્યુ કે;


"...લોકગીતોની લગની પોરબંદરના બરડા મહાલના બગવદર ગામની એક મેરાણી બહેન ઢેલીએ લગાડી. ગયેલો કથા સાહિત્ય માટે પણ આંટો નિષ્ફળ લાગ્યો. મેરાણીઓના રાસડા પ્રત્યક્ષ સાંભળવાનુ મન થયુ. ઘણી મહેનત કરી. તેમાય નાસીપાસ થયો. પછી, અંતે એક બહેન એવી મળી કે જેણે પોણી રાત જાગીને એ સંભળાવ્યા. અંધારી રાત હતી. એક મેરના ઘરની ઓસરીમાં ગ્યાસલેટના દીવાની જ્યોતે બેસી મે લોકગીતોના મારા સંશોધનનુ મંગલાચરણ કર્યુ હતુ. એ શુકન કરાવનાર ઢેલીબહેન. બહેન ઢેલી અને એના પતિ આખો દિવસ ખેતરનુ કામ કરીને થાકીને લોથ થયેલા. સુસવતે શિયાળે મારી સાથે પરોઢ સુધી બેસી રહ્યા. બહેન ઢેલીએ એક પછી એક ગીત એના ગળામાંથી ઠાલવ્યા. ને હું ટપકાવતો ગયો. એ ગીતોએ લોકગીતોની સૃષ્ટી પ્રત્યેનુ મારુ વલણ નક્કી કરી નાખ્યુ. એ ગીતો માહેલુ 'વહુએ વગોવ્યા મોટા ખોરડા' આજે પણ ઘેર ઘેર જાણીતુ છે. જીવનસંસાર પરની કાતિલ અને કરુણ વિવેચના આપતા એ ગીતો મને ઢેલીબાઇ પાંસેથી મળ્યા. એ બેનને ફરી કદી મેં દીઠી નથી..."


૧૯૬૭ માં નરોત્તમભાઇ પલાણને આપેલા એક ઇન્ટરવ્યુમાં ઢેલીબહેને (ત્યારે ૯૦ વર્ષના) કહ્યુ હતુ કે;


'...મને બધા ગીતો બહુ યાદ છે એવુ સાંભળીને મેઘાણીભાઇ એક દિવસ મારી પાંસે આવ્યા, ધોળા ધોળા લુગડામાં, મોટી મોટી આંખો નીચી ઢાળીને મારે આંગણે ઇ ઉભા'તા. જોતા જ આવકાર દેવાનુ મન થાય એવો માણહ! મેં તો ઓટલીએ ગોદડુ પાથરી દીધુ ને બેસાડ્યા. હું હેઠે બેસવા જતી'તી ત્યાં પગે પડીને 'હં..હં..હં..તમે અહી ઉપર બેસો નહીતર હુંય નીચે બેસુ છુ' એમ કહીને મનેય ઉપર બેસાડી. પછી તો એમને જે ગીતો જોતા'તા તેની અર્ધી અર્ધી કડીઓ પોતે બોલે ને હું આખુ ગીત પુરુ કરી દંઉ. નીચી મુંડકી રાખીને ઝીણા ઝીણા અક્ષરમા ટપકાવ્યે જાય. મને ગીત ગાયા વિના બોલતા નો આવડે એટલે ઇ પોતે હસે. અને હું તો જેના જેવા રાગ તેમ મન મુકીને હલકો કાઢીને ગાંઉ. આજુબાજુનાય ભેળા થઈ ગ્યા અને છેક બપોર સુધી ગીતો ગાયા.


જમવા બેઠા. પાટલો ઢાળ્યો હતો, પણ પોતે પાટલે નો બેઠા. હું નીચે બેઠી બેઠી રોટલા ઘડતી'તી તે પોતેય નીચે બેઠા. ઘણુ કહુ તો કહે, 'રોટલા ઘડનારી નીચે બેસે અને ખાનારો ઉંચો બેસે ઇ ક્યાનો ન્યાય ?'. મને તો અમારા ગાર્યવાળા ઘરમાં એના લુગડા બગડે એનો જ ભેં હતો, પણ પોતે એકના બે નો થ્યા. અને હજી તો પુરા જમી નો લે એની મોર તો આખુ ગામ ઓસરીમા ભેળુ થઈ ગ્યુ. અમારી કોમમા ગીતો ગાવા-સાંભળવા બઉ ગમે.


જમીને એમણે એક ગીત ગાયુ - અસલ અમે ગાઇ એ જ ઢાળમા. અમે તો બધા એના મોઢા હામુ જોઇ જ રિયા. અને પછે તો એક પછે એક, રોંઢો ઢળ્યા સુધી એની પાંસે ગવરાવ્યે રાખ્યુ. પછી અમારો વારો આવ્યો. અમે આઠ-દસ બાયુએ ગીત ગાવા માંડ્યા પણ બધી બાયુ ભેળી થાય તો બેસીને કેમ ગવાય ? થયા ઉભા, અને ફળીયામાં જ રાસડા માંડ્યા. પોતે તો હમણા ઢગલો એક હસી નાખશે એવા થતા થતા કાગળીયામા ટપકાવ્યે જાય. જોણાને ને રોણાને તેડુ થોડુ હોય ? ઢગ બાયુ ભેળી થઈ અને અંધારુ થયા સુધી રાસડા હાલ્યા. વાળુ કરીને પાછા ભેળા થ્યા તે એક પછી એક નવા ગીત મધરાત સુધી ગાયા. છેલ્લે પોતે થોડાક મરકડાં કીધા અને સઉને હસાવ્યા.


થોડાક રહી જતા'તા એ ગીત સવારે પણ મે ગાયા. અને પોતે તો મારા વખાણ કરતા કરતા નીચી મુંડકી રાખીને લખ્યે જાય. મનેય ગીત બઉ મોઢે; સવારો સવાર ગાઉ પણ એકેય ગીત બીજી વાર નો આવે!  અહીથી પોતાને બખરલા જવુ'તુ. એટલે શિરામણ કરીને ગાડુ જોડ્યુ, પણ પોતે કહે, 'હું ગાડામા નો બેસુ, એક જીવ તાણે અને બીજા જીવથી અમથા અમથા નો બેસાય'. અમારા સંધાયની આંખુમાં પાણી આવી ગ્યા. પોતેય જાણે કોઇને ભાર નો લગાડવો હોય એમ લુગડા સંકોરતા સંકોરતા સૌને હાથ જોડીને હાલતા થ્યા. ઓહોહો! આવો માણસ મે કોઇ દી' જોયો નથી. એની હાજરીનો કોઇ કરતા કોઇ ભાર જ નો લાગે!...'


આ ઢેલીબહેન ૧૦૦ વર્ષનુ આયુષ્ય ભોગવીને ૧૯૭૭માં અવસાન પામ્યા.


મેઘાણીભાઇએ પોતાના લોકગીતોના પ્રખ્યાત સંગ્રહ 'રઢીયાળી રાત' ઢેલીબહેનને સમર્પિત કરતા લખ્યુ કે - 


'અર્પણ : અઢાર વર્ષો પહેલા આ લોકગીતોની પ્રથમ લહાણી આપનાર બગવદરના મેરાણી બહેન ઢેલીને' આ સાથે ઢેલી ની તસ્વીર સહ તેમનો પરિચય પણ સામેલ છે.

હાલ ગુજરાત સરકારે બગવદર માં હમણાં મ્યુઝિયમ બનાવવા નક્કી જ કર્યું

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ