વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

જીવતર

જીવતર

----------


  રામી ઉતાવળી ચાલે પાણીનું બેડું લઈ ઘમઘમાટ કરતી બીજી પનિહારિયો સાથે થઈ ગઈ.બીજી પનિહારિયો જાણે તેની વાટ જોતી હોય તેમ ધીમી ચાલે ચાલતી હતી તે હવે રામીની ઝડપી ચાલ સાથે કદમ મેળવવા ડગલા ભરી રહી.


  "આજ બઉ મોડું થયું રામી ! " બાજુમાં ચાલતી લખીએ કંઈક આંખ ઉલાડી મસ્તીમાં કહ્યું.રામી મનમાં સમજી ગઈ ઇ શું કહેવા માગે છે.તેણે પણ સામે ડોક ફેરવી કહ્યું,


  "તુને તો હન્ધુય ઇવું સુઝે સે હવારના પોરમાં"


  રામીને પરણીને આવી તેમ બાજુમાં રહેતી જીવાભાઈની વહુ લખી સાથે સારું બનતું.પાણી ભરવા કે,ખેતરે ભાત દેવા લગભગ સાથે જ હોય.રામી સામે તેનો વર લક્ષમણ સહેજ વામણો લાગતો પણ બંનેનો પ્રેમ અને રીતભાતમાં ખૂબ તાલમેલ રહેતો.


  "તી તારી ચાલમાં જ ઇવું વર્તાય કે,હમજી જાય માણહ."


  "સે હમજે ? આજ ભરતો વેલો જગ્યો તી તીને પડખું દઈ હુવાળ્યો ઇમા મોડું થિયું 'ને તુને મસ્તી હુજે છે."...રામીએ મીઠો છણકો કર્યો.


  "તારી હાહુ તારા છોરાને હાચવે'ને તું ઇના છોરાને'...આ સાંભળી રામીએ તેની કમરમાં ચૂંટીયો ભર્યો કે,લખીએ માથેનું ખાલી બેડું પડું પડું થતા કમરને વળાંક આપી બચાવી લીધું અને કહ્યું,


  "વાલામુઈ અબઘડી પડત".


  રામી અને લખી બને એકજ દિવસે પરણીને આવેલી.ફળિયું પણ એક જ એટલે બને વચ્ચે બહુ બનતું.રામીની વિધવા સાસુએ જ્યારે પોતાના એકના એક દીકરા લક્ષ્મણ માટે માંગુ મોકલ્યું ત્યારે તેને તરત વધાવી લેવાયું ત્યારે બંને ગામના લોકોને નવાઈ લાગેલી કારણકે,રામીના બાપ અરજણનું ખોરડું મોટું.અને અહીં તો ફક્ત એકાદા ખેતરના માલીક મા દીકરો.


  લક્ષ્મણમાં શું જોયું હશે કે,અરજણે અહીં પોતાની પાંચમા પુછાય એવી રામીને અહીં વળાવી એ સૌ માટે કૌતક જેવું બની રહ્યું.છોરીમાં કંઈક ખોટ હશે એવી ગુસપુસ થતી રહેતી પણ રામીએ પૂરે નવ મહિને દીકરો જણ્યો ત્યાર પછી એવી વાતો બંધ થઈ.


  રામી માટે ઘણા ખમતીધર ખોરડાના યુવાનોના માંગા આવતા પણ રામીના કુટુંબને એ સૌ યુવાનો રામીની જોબનવંતી કાયા સામે વામણા લાગતા.કાશીમાએ પણ લક્ષ્મણ માટે બે વાર વાત કરી હતી. લોક વાતું કરતું કે,કોણ જાણે કેવો વર જોઈતો હશે આ છોરીને.પાછી રામી રૂપમાં પણ એવી કે,ગામ આખાની કુંવારી છોરીઓ કોઈ એની તોલે ન આવે.કોઈ કહેતું માં બાપે બહુ લાડકોડમાં ઉછેરી છે એટલે એને કોઈ હલકું પાતરું તો ક્યાંથી ચાલશે?


  અને આ લક્ષ્મણની મા કાશીએ વાત નાખી કે,તરત હા ભણી.મતલબ કંઈક તો છે નહીંતર લક્ષ્મણ પણ રામી સામે વામણો જ લાગે છે.એકાદ વર્ષ લોકો અંદરોઅંદર આવી વાતો કરતા રહ્યા પણ રામીના તેની સાસુ અને ઘણી લક્ષ્મણ સાથેનો મનમેળાપ જોઈ સૌ એવી વાતો ભૂલી ગયા.


 રામીનું રૂપ અહીં આવી ઔર ખીલ્યું હતું.જોરુકી એવી કે,છાણ વાસીદુ, ઢોરને નિરણ દોહાઈ એ કામ તો ઘડીકમાં પતાવી નવરી થઈ જાય.પાણીનું બેડું માથે લઈ બીજું બોગેણું કાખે લઈ વામ્ભ એકનો ચોટલો ઉલાળતી પાણી ભરવા જાય ત્યારે સૌ જોતા રહી જાય.બીજી પનિહારિયો મનમાં તેની કાયાને જોઈ ઈર્ષા કરે.બધું કામ સાસુને પૂછીને કરે.કાશીડોસી તો કહેતી કે,ઇ મારી વહુ નથ પણ મારી છોરી સે.મારે દીકરીની ખોટ હતી ઇ આ રામી વહુએ પુરી કરી.


  પૂરે મહિને જ્યારે રામીને દીકરો જન્મ્યો ત્યારે કાશીમાંએ રાજીના રેડ થઈ લાપસીનું આંધણ મૂક્યું.લક્ષ્મણે પતાસા વ્હેચ્યા અને યાર દોસ્તોને અલગ પાર્ટી આપેલી.એ દીકરો ભરત આજ બે વર્ષનો થઈ કાશીમાંનો ખોડો ખૂંદી રહ્યો હતો.


  વાળુ કરીને ઓસરીમાં નાના ભરતને ઘોડિયે ઝુલાવતા કાશીમાએ ઝોકું ખાતા કહ્યું,


  "રામઈ, લે આ તો હુઈ ગયો લાગે સે."


  "એ હા માડી અબઘડી લઉં સુ"


  રામીએ ઓસરીમાં કાશીમાં માટે ખાટલો પાથરી માથે ઝાટકીને ગોદડું પાથરતા કહ્યું અને બે હાથે ઘોડિયાને ઊંચકી અંદરના ઓરડામાં રાખ્યું.એક નજર લક્ષ્મણ તરફ ફેંકી જોયું તો તે માસ્તરે દીધેલી કોઈ ચોપડી વાંચતો દેખાયો.ઘોડિયાની દોરી તેની તરફ ઉછાડી.લક્ષ્મણે તેની સામે જોઈ હકારમાં ડોક હલાવી. તે બહાર આવી અને માંડણીએથી બજરની દાબડી ઉતારી કાશીમાને આપતા કહ્યું,


  "લાવો પગ દબવી ચોળી દઉં."


  "અરે ના રામઇ,અતારે તો હારુ સે,જરીકે કળતર નથ થતું."..પણ રામીએ નીચે બેસી કાશીમાંના પગ દબાવવા માંડ્યા.


  "લખુ હુઈ ગીયો રામઇ?"


  "ઇ ત માસ્તરે દીધેલી સોપડી ભણે સે."


  કાશીમાએ હસીને કહ્યું,.."ગામમાં નવા આયેલા માસ્તર હારે ઈને ભાઈબંધી થઈ સે.તુયે હવે થાકી હોઈશ જા પથારી ભેગી થા.પાછો ભરતો રાત્યે બે વાર તુને ઉઠાડે."


  "હોવે માડી"...કહેતી રામીએ ડેલ્લી પાસે જઈ આગડીયો તપાસી બંધ છે એ જોયું.અને કાશીમાને 'જૈસીકિશન' કહેતી ઓરડામાં આવી બારણું વાસ્યું અને લક્ષ્મણ પાસે જઈ ફાનસ ધીમું કરી તેની બાજુમાં લંબાવ્યું.લક્ષમણે પુસ્તક  બાજુમાં સેરવી તેને નજીક ખેંચી કે,રામીએ મીઠો છણકો કરતા કહ્યું,


  "ગામમાં નવો આયવો ઇ માસ્તર તમુનો ભાઈબંધ કીમનો થિયો?"


  "અરે...રે..તી ઈમાં તુને શું વાંધો પડીયો?"


  "ઈને દીધેલ સોંપડીયું ભણો 'ને અમુનું જાણ કી નઇ"


  "લે બોલ ! તો લાવ તમુનું કરું"...એવી મીઠી મશ્કરી કરી રામીને છાતીએ ભીસી કહ્યું,


  "ઇ માસ્તરની હુ વાત કરું?બચાડો આજ મું પાંહે રોવા જેવો થઇ ગીયો."


  "ઇવું તી કવું દખ આયુ?...હાચી વાત્ય ભણું તો ઇવડા શેરના ભણેલા લોક નનકી વાત્યમાં દખી થઈ જાય."


  "રે...ગાંડી ઇવું નથ,વાત્ય કંઈક અવી સે કે,કોઈને કીધા જેવી નથ."


  "તી તમુને તો કીધું !"


  લક્ષ્મણ હસી પડ્યો અને કહ્યું,


  "ભાઈબંધ થિયો સે તો વાત્ય તો કરે.તું ભાત લઈને આયવી તી પેલા વાડીયે આયો તો.મારો તો જીવ બળે સે એવી વાત્ય સે."


  "કો તો ખરા ઇવડી કેવી વાત્ય સે તી તમુને ભણી!".


  "હાંભળ,બાજુના ગામની માસ્તરીયાણી 'ને માસ્તર બે એકજ ગામના સે.બને વચાળે હેતપ્રેમ સે.હવે લગન કરવાવાળા સે."


  "ઇ ત હારુ ઈમાં દખની વાત્ય ચ્યાં સે !"


  "બાઇમાણહનું ઇ ત દખ,વાત્ય પુરી હામભળ્યા વગર વચમાં ડબ ડબ કયરે રાખે,નથ કેવું."


  "કોને,વચાળે કાંઈ ન ભણું બસ".


  "ત હાંભળ,દખની વાત્ય ઇ સે કે,બાઈ ઉતાવળ કરે સે 'ને માસ્તરવાળા છ મહિના પસે કરવાનું કે સે".


  "તો છ મહિના પોર કરે !..ઓણ નઈ થાય તો હેત ઓસુ થઈ જાહે?"


  "હેત ઓસુ કંઈ નો થાય પણ ભવાડો થઈ જાય ઇમ સે."..લક્ષ્મણને મનમાં થયું આવી વાત બાઈ માણસને ન કહેવી જોઈએ પણ હવે કહ્યા વગર છુટકારો નહીં થાય.રામી પણ ઉત્સુકતાથી તેનો જવાબ સાંભળવા ઘોડિયાની દોરી સહેજ ખેંચી પડખામાં ભીસાઈ.


  "વાત્ય ઇમ સે રામી,ઇ માસ્તર કે સે કે,ઈણે આ મહિને ખુણો નથી પાળ્યો;સે 'ને મરવા જેવી વાત્ય?."


  રામી મનમાં સમજી ગઈ કે,બે જણાથી મોટી ભૂલ થઈ ગઈ છે.તેણે નિસાસો છોડી ઉંડો શ્વાસ લઈ કહ્યું,.."હાચી વાત્ય,પાધરૂ થયે ભવાડો થાય."..બંને શૂન્યમાં તાકી રહ્યા.રામી પડખું ફેરવી ગઈ.આ વાતે તેના મનમાં ઘમાસાણ થઈ ગયું.


  પોતે ક્યાં ચોખી પરણીને આવી હતી.એને એ ભયાનક દિવસો યાદ આવી ગયા.માવતરે ભાભી સાથે વાડીયે બાપા'ને ભાઈ માટે ભાત દેવા ગઈ હતી.બપોરા કર્યા અને વરસાદ તૂટી પડ્યો હતો.ભાભી ત્યાંજ રોકાઈ ગઇ અને વરસાદ ધીમો પડતા પોતે એકલી આવવા નીકળી હતી.પોતાની વાડીની બાજુની વાડી પાસે પહોંચતા મોહને રાડ પાડી કહ્યું હતું,


  "એ..રામઈ, ઘડીક પોરો ખા, આવા વરહાદમાં ચ્યાં હાલી?"


  વરસાદ વધ્યો.પલળેલી રામીએ મોહનને જોતા મોઢાપરથી પાણી સાફ કરતા આજુબાજુ અને પાછળ નજર ફેરવી ફરી મોહન સામે જોયું.મોહન ઝાંપો ખોલી નજીક આવ્યો અને હાથ પકડી કહ્યું,


  "મારી વાડીયે પણ કોઈ નથ...આવ 'ને ઘડીક."


  રામી અને મોહન સાથે રમીને મોટા થયેલા. ક્યારેક એકાંત મળતા મીઠી મશ્કરી કરી લેતા.બંનેના મન મળી ગયા હતા.કોઈવાર એકાંત મળતા મોહન એને ચુંબનોથી નવડાવી નાખતો. બંને વચ્ચે ખૂબ આકર્ષણ હતું.આજ એજ આકર્ષકને કારણે થોડી આનાકાની કરતા મીઠી મૂંઝવણ સાથે રામી તેની તરફ ખેંચાઈ.બને પલળતા મશીનરૂમમાં ગયા અને બને એકબીજામાં ઓતપ્રોત થઈ ખોવાઈ ગયા.


  પરિણામ પંદર વીસ દિવસમાં દેખાયું.ઉલટી ઉબકાથી તેની માએ એકાંતમાં પૂછ્યું કે,ઇ કોણ હતો?.જવાબમાં રામીએ કોઈનું નામ ન આપ્યું ત્યારે તેની મા બોલી હતી.


  "હવે કુવો પુર અભાગણી"


  "રામીની જેમ એ રાતે ચિંતામાં એની મા જીવી પણ પોતાના ધણીને વાત કરું કે,નહીં એવી દુવિધામાં પડખા ઘસતી જાગતી હતી.રામીને ઉભી થતા જોઈ મનમાં વિચાર્યું પાણી પીવા ઉભી થઇ હશે.પણ રામી ચોર નજરે ડેલી ખોલી બહાર નીકળી કે,જીવી પણ ઝડપથી બહાર આવી.જોયું તો રામી દોડતી જતી દેખાઈ.જીવી પણ પાછળ દોડાય એટલું દોડી અને રામકુંડના કુવામાં પડતી રામીને પકડી પોતાની છાતીએ ભીસી.બંને માં દીકરી ધ્રુસકે ધ્રુસકે રોઈ પડી.


  કુદરતને કરવું કે,બીજે દિવસે સવારે લક્ષ્મણની મા પોતાના દીકરા માટે ફરી વાત કરવા આવી. જીવી અને કાશી એકજ ગામની બાળપણની સખીઓ.જીવીએ તરત હા પાડી અને ઘડીયા લગ્ન લેવાયા.જીવીએ રામીને મા તરીકે એકજ શિખામણ આપેલી કે,સાસુ ધણીની સેવા કરજે. જે થયું એ ભૂલી જાજે.તારા સિવાય કોઈને ખબર નથી કે,એ કોણ હતો.તું એને પણ ભૂલી જાજે. જીવતર જીવી જાણજે. અને રામીએ તે શિખામણ પચાવી પાડી હતી.


  લક્ષ્મણે માસ્તરના વિચાર પડતા મૂકી પડખું ફેરવેલી રામીને માથે હાથ રાખી પૂછયું,


  "હુઈ ગઈ?"


  જવાબમાં રામી ફરી અને ભીસાઈને બોલી "ના"


  "તુને માસ્તરના વચાર આવે સે?"


  "હા,દખ થાય સે,ઈને કે'જો,ઝટ કરે ની તો ઓલી માસ્તરીયાણી કૂવો ન પૂરે."


  "હોવે,મેં પણ ઇજ કીધું 'તું".


  રામી વધુ ભીસાઈ.લક્ષ્મણ પંપાડતો રહ્યો.રામી એ વાતથી બેખબર હતી કે,ઈશ્વરીય તત્વ ધરાવતા,રામનું શરણું શોધતા લક્ષ્મણને તેની વાતની ખબર હતી.

--------------------------


  


  


  

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ