વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સામ્રાજ્યોનું કબ્રસ્તાન : અફઘાનિસ્તાન

                 આજકાલ અફઘાનિસ્તાન સમગ્ર વિશ્વમાં ખૂબ ચર્ચામાં છે. આ દેશનો એક આખો અલગ ઇતિહાસ રહ્યો છે. એને "The Graveyard of Empires" (સામ્રાજ્યોનું કબ્રસ્તાન) કહેવામાં આવે છે. કારણ કે અહીં જેટલા પણ વિદેશી સામ્રાજ્યોએ પોતાની સત્તા સ્થાપીત કરવાનો પ્રયત્ન કર્યો છે એ બધા લગભગ નિષ્ફળ જ રહ્યા છે. હા, એલેક્ઝાન્ડ ધ ગ્રેટ આ ધરતી પર શાસન કરી ગયેલો પણ એ એક આખો અલગ સમય હતો. જોકે અહીં શાસન તો ચંગેઝ ખાન, ઔરંગઝેબ, શાહજહાં, રણજીતસિંહ જેવા રાજાઓ પણ કરી ગયા છે. પણ, છેલ્લા બસો વર્ષથી વિદેશી સામ્રાજ્યો માટે આ ધરતી પર શાસન કરવું લગભગ અશક્ય જ રહ્યું છે. કોઈ પણ સામ્રાજ્ય માટે અફઘાનિસ્તાન પર હુમલો કરવો અને જીત મેળવવી તો કદાચ સરળ પણ હશે. પણ, અહીંની જનતા પર લાંબો સમય શાસન કરીને સત્તામાં ટકી રહેવું મુશ્કેલ સાબિત થયું છે. એવું પણ નથી કે આ દેશની આર્મી એટલી બધી સક્ષમ છે કે આક્રમણકારીઓને ભગાવી દે. તો પણ અહીં શાસન કરવું આટલું મુશ્કેલ કેમ હશે? અહીં એવું તો શું છે કે કોઈ સામ્રાજ્ય અહીં હુમલો કરીને કબજો તો જમાવે છે પણ તાકાતવાન સામ્રાજ્યોને પણ થોડા વર્ષોમાં ઊભી પૂંછડી એ ભાગવું પડે છે? જવાબ માટે તો એનો ઇતિહાસ તપાસવો પડે. તો ચાલો આજે આ સામ્રાજ્યોના આ કબ્રસ્તાનની રસપ્રદ દાસ્તાનના પાનાઓ પલટાવીએ.


                   આજથી લગભગ સવા બસો વર્ષ પહેલાં ઈ.સ. 1800 ની આસપાસ જ્યારે વિશ્વએ હજુ સદીઓની સીડીના ઓગણીસમાં પગથિયા પર પગ મૂક્યો જ હતો. એ સમયે વિશ્વના બે મોટા સામ્રાજ્યો પોતપોતાની સીમાઓ વિસ્તારી રહ્યા હતા. એમાં યુરોપ અને એશિયા ખંડોમાં ઉત્તર તરફ રશિયા અને દક્ષિણ તરફ બ્રિટન પોતાની સત્તાના સીમાડાઓ પાથરી ચૂક્યા હતા. આ બન્ને મહાસત્તાઓ વચ્ચે એક ખાલી પડેલો દહીંદૂધિયા જેવો વિસ્તાર હતો - અફઘાનિસ્તાન. જે બન્ને સામ્રાજ્યોની બરાબર વચમાં આવતો હતો. અને ત્યાં એકેય સામ્રાજ્યનું શાસન નહોતું. બન્ને સામ્રાજ્યોની નજર આ ખાલી પડેલા મધ્યવર્તી વિસ્તાર પર કાયમ મંડાયેલી રહેતી. એકબીજા સામ્રાજ્યોનો ડર પણ રહતો કે ક્યાંક સામેવાળો આ બફરઝોન કબજે ન કરી લે! આગળ જતાં આ બન્ને વચ્ચે આ વિસ્તારમાં પોતાનું પ્રભુત્વ સ્થાપીત કરવાનો ટાંટિયાખેંચ જંગ શરૂ થયો. જે ધ ગ્રેટ ગેમ તરીકે ઓળખાયો. જેના સામ્રાજ્યમાં ક્યારેય સૂર્ય ન આથમતો એવા બ્રિટનને ઈ.સ. 1838 માં આ બફરઝોન કબજે કરવાની ચાનક ચડી. એ વખતે અફઘાનિસ્તાનમાં દોસ્ત મોહમ્મદ (Dost mohammad) નામનો રાજા રાજ કરતો હતો. બ્રિટને આસાનીથી દોસ્ત મોહમ્મદને હરાવીને પોતાના ઇશારા પર નાચતા એવા શાહ સૂઝાહને (Shah sujah) ગાદીએ બેસાડ્યો. હવે એ સમયે અફઘાનિસ્તાન પાસે કોઈ સૈન્ય નહોતું. નાના નાના કબીલા જેવા ગામડાઓના વડા પોતપોતાના ગામડાના યુવાનોને લડાઈ માટે લઈ જતા. આના બદલામાં રાજા એ વડાને પૈસા આપતા. મતલબ કે ભાડાપટ્ટે લીધેલી કામચલાઉ આર્મી! બ્રિટનના ઇશારે રાજ કરતા આ શાહ સૂઝાહના રાજમાં લડાઈ પેટે અપાતી આ રકમ સાવ ઘટી ગઈ. આ બાબતને લઈને લોકોએ અકબર ખાનના નેજા હેઠળ બ્રિટન સામે બળવો કર્યો. લગભગ ત્રણેક વર્ષ ચાલેલા આ જંગ માં ઈ.સ. 1842 માં બ્રિટનની આધુનિક હથિયારધારી આર્મી પણ આ કબીલાના લડાકુઓ સામે હારી ગઈ! શાહ સૂલેહની હત્યા કરીને પાછા જૂના રાજા દોસ્ત મહોમ્મદને ગાદી સોંપી દીધી. ઇતિહાસની તવારીખોમાં આ પ્રથમ એંગ્લો-અફઘાન વૉર (First Anglo-Afghan war 1839-1842) તરીકે ઓળખાય છે. આ પછી લગભગ છત્રીસ વર્ષ પછી બ્રિટને ફરી એક વખત અફઘાનિસ્તાન પર હુમલો કર્યો. જે બીજી એંગ્લો-અફઘાન વૉર તરીકે ઓળખાઈ. આ વખતે બ્રિટનની જીત થઈ.  હવે બ્રિટનને તો આ બફરઝોન પર કબજો જમાવીને ખાલી રશિયાને પોતાનો પ્રભાવ જ બતાવવો હતો. તો એમણે સત્તા પર બેસાડવા માટે ફરી એક મોહરું તૈયાર કર્યું - અબ્દુર રહેમાન ખાન. Abdur Rahman Khan) પણ આ વખતે બ્રિટને શાસનમાં કોઈ વધારે હસ્તક્ષેપ કરવાનો મોહ ન રાખ્યો.


                ઈ.સ. 1893 માં અફઘાનિસ્તાન અને બ્રિટિશ ઇન્ડિયા વચ્ચે એ પ્રખ્યાત સરહદ બની જે આજે આટલા વર્ષે પણ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનને અલગ કરતી અડીખમ ઊભી છે, જે ઇતિહાસના પાનાઓમાં ડ્યુરેન્ડ લાઇન (Durand Line) તરીકે પંકાયેલી છે. ઈ.સ. 1907 માં બ્રિટન અને રશિયાએ કજિયાનું મોં કાળું સમજીને એક સમાધાન કર્યું. એ મુજબ રશિયાએ અફઘાનિસ્તાન બ્રિટિશ તાબા હેઠળનો દેશ હોવાનું સ્વીકાર્યું અને પોતે આ દેશથી દૂર રહેશે એવું વચન આપ્યું. પણ બ્રિટનને શું ખબર કે બાર વર્ષે બાલવાનો છે! આ સમાધાનના બારેક વર્ષ પછી ઈ.સ. 1919 માં અફઘાનિસ્તાનનો સ્વાતંત્ર્ય સંગ્રામનો દિવસ આવી પહોંચ્યો અને અફઘાનિસ્તાન એક આઝાદ મુલ્ક બની ગયો. આ સ્વાતંત્ર્યની લડાઈ એટલે - ત્રીજી એંગ્લો-અફઘાન વૉર. જોકે, આમ પણ બ્રિટન અફઘાનિસ્તાનના શાસનમાં ખાસ કસી દખલ કરતું નહીં એટલે અફઘાનિસ્તાનની આઝાદી પાછળ કદાચ બ્રિટની ઢીલી નીતિ પણ કારણભૂત હોય. કે પછી  કદાચ અફઘાનિસ્તાન અને બ્રિટિશ ઇન્ડિયા વચ્ચે દોરાયેલી સરહદ વધારે ઘાટી કરવાનો મનસૂબો પણ હોઈ શકે. ખેર, બ્રિટને અફઘાનિસ્તાનની રાજગાદી ખાલી કરી એટલે  રાજા અમાનુલ્લાહ ખાન (Amanullah khan) ગાદીએ બેઠા.


                     આ અમાનુલ્લાહ ખાન અફઘાનિસ્તાનના ઇતિહાસમાં સૌથી વધારે ઉદારવાદી રાજા સાબિત થયા. સત્તામાં આવતા વેંત એમણે બંધારણીય રાજાશાહીની પ્રથા સ્થાપીત કરી દીધી. બહુપત્નિત્વના સમર્થક એવા અફઘાનિસ્તાનમાં તેઓ એક જ પત્નિ સાથે (પ્રેમ) લગ્ન કરીને સમાજસુધારાનું પહેલું પગથિયું ચડ્યા. તો સમાજસુધારમાં રાણી સૂરાયા તારઝી (Soraya Tarzi) પણ પતિથી ચડિયાતા સાબિત થયા. રાણીએ પણ દેશની સ્ત્રીઓ માટે કેટલાય ક્રાંતિકારી બદલાવ આણ્યા. રાજારાણીએ સાથે મળીને છોકરીઓ માટે શાળાઓ ખોલાવી, સ્ત્રીઓને તલાક આપવાનો હક અપાવ્યો, બહુપત્નિત્વનો વિરોધ કરીને સ્ત્રીઓ માટે સમાન હકની ચળવળ ચલાવી. સ્ત્રીઓ માટે જે અમુક ચોક્કસ જાતના જ કપડાં પહેરવાનું ફરજિયાત હતું એમાં પણ પરિવર્તન આણ્યું અને મરજી મુજબના કપડાં પહેરવાની છૂટ આપવામાં આવી. રાણીએ તો એક ભાષણ દરમિયાન જનતાની સામે જ  હિજાબ પણ ફાડી નાંખ્યો!  થોડા સમય માટે તો લાગ્યું કે ખરેખર અફઘાનિસ્તાન હવે સમયથી આગળ નીકળી ગયું છે. આ બાબતમાં એ પશ્વિમના દેશોની બરાબરી કરવા લાગ્યું. પણ મિત્રો, ઇતિહાસ ગવાહ છે, દેશ કોઈપણ હોય, ધર્મ કોઈપણ હોય જ્યારે જ્યારે સમાજસુધારની ઝંબેશ ચાલી છે, ત્યારે ત્યારે જડ અને બંધિયાર એવા કહેવાતા ધર્મો ખતરામાં આવી જાય છે! માનવતાના દુશ્મન અને કહેવાતા ધર્મના રખેવાળો તલવારો લઈને નીકળી પડે છે!  અફઘાનિસ્તાનની પ્રગતિને પણ આવા ધર્મના રખેવાડોની નજર લાગી ગઈ! આવા તત્વોને લેભાગુ વિદેશી સત્તાઓ પણ ભડકાવતી હોય છે/સાથ આપતી હોય છે. કહેવાય છે કે બ્રિટને રાણી સૂરાયાના કેટલાક ફેક ફોટાઓ ફેલાવીને જનતાને રાજારાણી વિરૂદ્ધ ભડકાવી હતી! જનતામાં ક્રાંતિની જ્વાળાઓ ભભૂકી ઊઠી. ખબર નહીં આ જનતા નામનું પ્રાણી હરહંમેશ દરેક સમયકાળમાં આટલું ભોળું  જ કેમ હોતું હશે? એક-બે દેશવ્યાપી બળવાઓ થયા પણ ખાસ સફળતા ન મળી. અંતે 1929 માં કાવતરાખોરો જીતી ગયા અને જનતાનું જીવનધોરણ હારી ગયું! રાજારાણીને દેશ છોડી ને બ્રિટિશ ઇન્ડિયામાં ભાગવું પડ્યું. તેઓ અહીં બોમ્બેમાં આવીને રહેવા લાગ્યા. અહીં જ રાણીએ એક ફૂલ જેવી રાજકુમારીને જન્મ આપ્યો. નામ રાખ્યું ઇન્ડિયા. આગળ જતાં પ્રિન્સેસ ઇન્ડિયા રોમમાં સ્થાયી થયા. આજે એ રોમમાં 92 વર્ષની ઉંમરે નિવૃત જીવન ગાળે છે.


                 રાજારાણીના ગયા પછી કટ્ટર ધાર્મિકતાના પાયા પર રચાયેલી હબીબુલ્લાહ સરકાર આવી. સમાજસુધારાના હલેસાં મારીને માંડ કરી બંધિયાર માનસિકતાના દરિયામાંથી કિનારે પહોંચેલી અફઘાનિસ્તાનની નાવડી પાછી મધદરિયે પહોંચી ગઈ! પાછા હતા ત્યાંને ત્યાં! આ સરકાર પણ 9 મહિનામાં જ પડી ભાંગી. હવે સત્તાની દોરી મોહમ્મદ નાદિર શાહ અને એના પછી ઈ.સ. 1933 માં એમના પુત્ર મોહમ્મદ ઝાહિર શાહના હાથમાં આવી. આ ઝાહિર શાહ વળી પાછા થોડા મોર્ડન શાસક સાબિત થયા. એમના પ્રયત્નોથી અફઘાનિસ્તાને આધુનિક બનાવવા તરફ પ્રયાણ કર્યું. એમણે વિશ્વના અન્ય દેશો સાથે સંસંધો પણ વિકસાવ્યા. પણ બ્રિટન જેનું નામ! એ બ્રિટન કે જે દરેક દેશને આઝાદ કરતી વખતે સાપની જેમ પોતાની એક એવી કંચડી છોડીને જાય છે કે જે આગળ જતાં જે તે દેશના ગળાનું હાડકું બનીને ચુભતું રહે છે! બ્રિટિશરોએ ખેંચેલી ડ્યુરેન્ડ લાઇને પોતાનો પ્રભાવ બતાવ્યો. અફઘાનિસ્તાનમાં પસ્તૂન લોકોની બહુમતી છે. આ જ પસ્તૂન લોકો આ ડ્યુરેન્ડ લાઇનની પેલે પાર પાકિસ્તાનમાં પણ સારી એવી સંખ્યામાં રહે છે. આ લાઇને પસ્તૂન લોકોને બે ભાગમાં વેચી નાંખ્યા હતા. ભારત-પાક ભાગલા પછી આ પસ્તૂન વિવાદનો કૂકડો બોલ્યો! અફઘાનિસ્તાનને આ પસ્તૂન બહુમત વિસ્તાર પોતાના દેશમાં સમાવવો હતો. અફઘાન લોકો મોટાપાયે આ ચળવળમાં સામેલ થવા લાગ્યા. રાજા ઝહિર શાહે નીમેલા એમના પોતાના જ વડાપ્રધાન (જે એમના પિતરાઈ પણ ખરા) મોહમ્મદ દાઉદ ખાન પોતે પણ આ ચળવળને સમર્થન આપવા લાગ્યા! આથી ઝહિર શાહે એમની પાસેથી ઈ.સ. 1963 માં વડાપ્રધાન પદ પરથી રાજીનામુ લેવડાવ્યું. એક નવું બંધારણ ઘડાયું અને કાયદેશરની સંસદીય ચૂંટણી યોજવાનું નક્કી કર્યું. એમાં પણ યુક્તિપૂર્વક આ દાઉદ ખાન ભાગ ન લઈ શકે એવો ઘાટ ઘડ્યો. અહીંથી આ બન્ને વચ્ચે વેરના વાવેતર થઈ ચૂક્યા હતા.


                   આ એ સમય હતો કે જ્યારે અફઘાનિસ્તાનની રાજનીતિમાં બે પ્રકારની વિચારધારો જન્મી રહી હતી. અને સીધી વાત છે કે ચૂંટણી થાય એટલે બન્ને અલગ વિચારધારાઓ વધારેને વધારે મજબૂત બને. એક તરફ હતી ઇસ્લામિક ધાર્મિક વિચારધારા. મતલબ કે જમણેરી વિચારધારા. બીજી તરફ ડાબેરી અને કૉમ્યુનિસ્ટ વિચારાધારામાં હતી PDPA. (Peoples Democratic Party of Afghanistan) ઈ.સ. 1973 માં ઝાહિર શાહની  વિદેશયાત્રા દરમિયાન પાછળથી ડાબેરી એવા દાઉદ ખાને પોતાના કૉમ્યુનિસ્ટ મિત્રો અને આર્મીની મદદથી દેશમાં તખ્તાપલટ કરી નાંખ્યો! આગળ જતાં દાઉદનો તાનાશાહી ચહેરો ઉભરવા લાગ્યો. એમ છતાં પણ કૉમ્યુનિસ્ટ હોવાના નાતે એમણે દેશમાં  ઘણાં સામાજિક પરિવર્તનો લાવ્યા. બેંકોનું રાષ્ટ્રીયકરણ થયું. છોકરીઓ પણ ભણવા જવા લાગી. સ્ત્રીઓ અને છોકરીઓને પોતાની મરજી મુજબના કપડાં પહેરવાની છૂટ મળી. ફરી એક વખત અફઘાનિસ્તાન પશ્વિમના દેશોની હરોળમાં આવવા લાગ્યો, એક શાંત દેશની કેટેગરીમાં આવવા લાગ્યો. તો વિદેશીઓ પ્રવાસીઓ પણ આ દેશનો પ્રવાસ કરવા લાગ્યા. અફઘાનિસ્તાનને પ્રગતિના પંથે જવાનો આ બીજો મોકો મળ્યો. રાજા અમાનુલ્લાહ ખાનના શાસન પછી આ દાઉદ ખાનના શાસનમાં અફઘાનિસ્તાનની પ્રગતિના નસીબ આડેથી પાંદડું ખસ્યું! પણ ભવિષ્યને તો કંઈક બીજુ જ મંજૂર હતું. આખરે આટલા બધા આધુનિક બની ગયેલા શાંતિપૂર્ણ દેશમાં, પશ્વિમના દેશોની બરાબરી કરવા લાગેલા દેશમાં આગળ એવું તો શું થયું કે જેણે આ દેશને પાછો ઠેરનો ઠેર લાવી લીધો? ફરી વખત સેંકડો વર્ષ પાછળ ધકેલી દીધો? એ બધા સવાલોના જવાબ આવતાં બુધવારે બીજા ભાગમાં મેળવીશું.




- ભગીરથ ચાવડા

bhagirath1bd1@gmail.com


               


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ