વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

એય, ગુલાબો











એય મિસ ગુલાબો,

                     હું યાદ પણ છું કે ભૂલી ગયો? અરે!તને હું ક્યાંથી યાદ હોવાનો. હા જાણું છું એક સમયે ખાલી હું જ યાદ હતો તને, પણ હવે પરિસ્થિતિ અલગ છે.તું પણ ક્યાંક બીજે હું પણ ક્યાંક બીજે. પણ હું દુઃખી આત્મા નથી હો, તે કહ્યું હતું ને સિગારેટ નહિ પીવાની. છોડી દીધી છે. તે કહ્યું  કે વ્હાઈટ શર્ટ મારા પર બહુ ખીલે છે. કબાટમાં વ્હાઇટ શર્ટનો ઢગલો કરી દીધો છે. તારું કાંડું પકડીને સમય જોવાની આદત હતી, એ આદત પણ તે છોડાવી નાખી. હા  હવે હું ઘડિયાળ પહેરતો પણ થઈ ગયો. હા હજુ એક તકલીફ છે, ચા ઓછી નથી થઈ. હા હા ખબર છે મે જ તને ચાની ઉપમા હતી. ના ચા છોડી શક્યો, ના તને!

                      એ વસ્તુ અલગ છે કે........ ખેર છોડ, તું તો બોલ કઈક. કેવુંક છે નવું ઘર? હવે તો દસ વર્ષ થઈ ગયાં   ફાવી ગયું ને? ચાલો સારું છે કોઈકને તો ફાવી ગયું. એય મિસ ગુલાબો...રડવાનું નથી! મે શું કહ્યું હતું? તું રડીસ તો હું રડીસ. અને ખબર છે ને મારી રોતી શકલ કેવી હોય છે.
હા હા ખબર છે તારે પાછું આવવું છે. અધૂરા વચનો પૂરા કરવા છે. જોયેલા સપનામાં રંગો ભરવા છે. સાચું ને? તો આવતી રહે મારી પાસે. પણ ખબર છે નહિ આવે. તું મજબૂર છે  માટે દૂર છે. એટલે તો તને ક્યારેય દગાબાજ કે બેવફા નથી કહેતો. અરે પાગલ છું હુ કે તને બેવફા કહું? મારી જ તો હતી તું.

                       હા બસ હો, હું જરાય ઢીલો નથી પડ્યો અને રડ્યો તો બિલકુલ નથી. એય ગુલાબો...સાચું કહું?
થાકી ગયો છું યાર નાટક કરતા કરતા. મન ભરી રડવુ છે, પણ વળી એમ થાય કે તારી આંગળી રૂમાલ બનીને નહિ આવે. બસ એટલે જ રડવાનું ટાળું છું.

         ચાલ આ બધું છોડ, તને એ યાદ પણ છે કે નહિ? આજે તારું ને મારું રોપેલું ફૂલ દસ વર્ષનું થઈ ગયું. હું આવીશ તને મળવા, પણ એને મળવા તો તારે ખુદ જ આવવું પડશે હો! આવીશને? હા હા મને યાદ છે, હવે તું ફિલ્મી ડાયલોગ મારીશ. વરસાદી બુંદ બની આવીશ, ભીની માટીની મહેક બની આવીશ, પહેલી કિરણનો ઉજાશ બની આવીશ, અંધારે આગિયો બની આવીશ. પણ જો તને કહી દઉં આ બધું નકામું છે. ખાલી ફિલ્મોમાં સારું લાગે. તારી જે કઈ મજબૂરી હોય એ મે માન્ય રાખી છે. પણ તારે આપણે રોપેલા ફૂલનું તો વિચારવું જોઈતું હતું. સોરી યાર, હા હું જાણું છું તે એ ફૂલનું જ વિચાર્યું હતું.બસ યાર હવે રડાય જશે. સારું ચલ ધ્યાન રાખજે તારું અને ચિંતા ના કરતી. મારા પર ભરોષો છે? હા તો બસ હું સંભાળી લઈશ બધું. અને હા મારો હસતો ફોટો છે ને ? હા તો બસ એ જોઈને હસતી રહેજે. અને હું જવાબની આશા રાખીશ જ નહિ. પણ હા હું તો તને ચિઠ્ઠી લખીશ હો!

                                             તારો ને ફક્ત તારો,
                                                   અનિકેત




દસ વર્ષની અદવિકા પોતાની મમ્મીનાં હાર ચડેલા ફોટા સામે ઊભા રહીને, અનિકેતે મુકેલ ચિઠ્ઠીને ચોધાર આંશુએ વાંચી રહી હતી. બહાર વરસાદ પણ વરસતો રહ્યો.

સોલંકી જીજ્ઞેશ"સાવજ"


                     

                    


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ